GUJARAT

ડાયમંડ બુર્સના ‘ચળકાટ’ને કોની નજર લાગી?: કિરણ જેમ્સે ઉચાળા ભરતાં માઠી બેઠી; હવે દુબઈ જેવી પોલિસી, કેન્ટીન અને ગનમેન સાથે ફ્રી બસની સુવિધાની વેપારીઓની માગ – Surat News


સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ છે. સમગ્ર વિશ્વ એ ડાયમંડ બુર્સની નોંધ લીધી છે. સુરતનો હીરા ઉદ્યોગ રાજ્ય, દેશ અને વિશ્વની અંદર ફેલાયેલો છે. વિશ્વમાં તૈયાર થતાં પોલિશ્ડ 10 ડાયમંડ પૈકી 8 ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે. ત્યારે અહીં નિર્મ

.

ડાયમંડ કટ એન્ડ પોલિસિંગ માટે સુરત શહેર વિશ્વભરમાં જાણીતું છે. મુંબઈની માફક સુરતમાં પણ ડાયમંડ ઉદ્યોગને વધુ વેગ મળે અને એક જ સ્થાનેથી ડાયમંડનો ઉદ્યોગ સારી રીતે કરી શકાય તેવા હેતુથી ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી અનેક પ્રયાસો બાદ પણ ડાયમંડ બુર્સ શરૂ થયું નથી.

ડાયમંડ બુર્સની કમિટીમાં આંતરિક ભેદ
સુરત ડાયમંડ બુર્સની જે કમિટી છે. તેમાં અનેક નિર્ણયો અત્યાર સુધી લેવાયા છે. ડાયમંડ બુર્સનું ઉદઘાટન થયું તેના થોડા દિવસ પહેલાથી જ આંતરિક મતભેદની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન તો કરવામાં આવ્યું, પરંતુ ડાયમંડ બુર્સની કમિટી પોતાની વચ્ચે વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ થઈ છે. જેના કારણે ડાયમંડ બુર્સ શરૂ થવા ઉપર પણ તેની પરોક્ષ રીતે અસર થઈ રહી છે. ડાયમંડ બુર્સનું ઉદઘાટન થયા બાદથી કમિટીના હોદ્દેદારોનો મતભેદ ચરમસીમાએ આવી ગયો છે. તેના કારણે હવે સ્થિતિ વધુ વણશે તે પહેલાં કેવી રીતે તેને થાળે પાડવી તેના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. આંતરિક વિખવાદને કારણે જ ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે મંચ ઉપર કોને બેસાડવા?, કોણ મંચ ઉપરથી સંબોધન કરશે? અને કોનું સ્વાગત કરવામાં આવશે? આવી બાબતોને લઈને પણ મન દુઃખ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

કિરણ જેમ્સે એકાએક સુરતથી ફરી મુંબઈ જવાનો નિર્ણય લીધો
સુરત ડાયમંડ બુર્સમાં પોતાનો મુંબઈનો સમગ્ર વ્યવસાય શરૂ કરવાની જાહેરાત કિરણ જેમ્સ દ્વારા કરવામાં આવી હતી. કિરણ જેમ્સના માલિક અને ડાયમંડ બુર્સના તત્કાલિન ચેરમેન વલ્લભ લાખાણીએ જાહેરાત કરી હતી કે, કિરણ જેમ પોતાનો સમગ્ર વ્યવસાય મુંબઈને બદલે હવે સુરત ડાયમંડ બુર્સથી શરૂ કરશે. કિરણ જેમ્સના માલિકનો ઉદ્દેશ્ય એવો હતો કે, તમામ નાના-મોટા વેપારીઓમાં આત્મવિશ્વાસ આવે અને ડાયમંડ કંપનીઓ કે જે ખૂબ જાણીતી છે. તેઓએ સાહસ શરૂ કર્યુ છે તો આ ખૂબ સારી રીતે આગળ વધશે. કિરણ જેમ્સ દ્વારા થોડા દિવસ માટે મુંબઈથી પોતાનો વ્યવસાય સુરતમાં ડાયમંડ બુર્સ ખાતે શરૂ પણ કરી દીધો હતો. પરંતુ તેમને અનેક મુશ્કેલીઓ આવી હતી. જેને કારણે તેમણે ફરી ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે શરૂ ન થાય ત્યાં સુધી મુંબઈ ખાતેથી તેમનો વેપાર કરવાની જાહેરાત કરી હતી.

મોટી કંપનીઓએ ઓફિસ શરૂ ન કરતાં વેપારીઓના મનોબળ પર અસર
કિરણ જેમ્સ સહિત મુંબઈ અને સુરતની મોટી ડાયમંડ ફેક્ટરીઓના માલિકો દ્વારા ડાયમંડ બુર્સ ખાતે ઓફિસો શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ તે કરી શક્યા નહીં. કિરણ જેમ્સે શરૂઆત કરી પરંતુ અન્ય કોઈપણ મોટા ડાયમંડ ફેક્ટરીના માલિક દ્વારા ઝડપથી તૈયારી બતાવવામાં આવી ન હતી. પરિણામે કિરણ જેમ્સ દ્વારા જે મુંબઈ જવાનો નિર્ણય કરાયો હતો, તેને કોઈપણ રોકી શક્યું ન હતું. જેનાથી સુરત અને મુંબઈના નાના વેપારીઓની અંદર શંકાનું વાતાવરણ ઊભું થયું છે. ડાયમંડ બુર્સ બની ગયા બાદ પણ હજુ મોટા ડાયમંડ ફેક્ટરીના માલિકો જો સાહસ કરતા ન હોય તો નાના વેપારીઓ ત્યાં કેવી રીતે આવી શકે? ખાસ કરીને સુરતનો જે ડાયમંડ વેપાર છે, તે નાના નાના વેપારીઓ જેમ કે, મહીદરપુરા, મીની બજાર,ચોક્સી બજારમાં કામ કરે છે. તેઓની એક ખૂબ મોટી સાંકળ છે અને તેના આધારે જ આ વેપાર ચાલી શકે એમ છે. એટલું જ નહીં, પરંતુ દલાલોની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જે નામ સૌથી મોટું જાણીતું છે, તેને પણ પોતે કરેલા સાહસ બાદ પીછેહઠ કરી જેનાથી નાના વેપારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

લાખાણીનું રાજીનામું ડાયમંડ બુર્સ માટે ભૂકંપ સમાન
ડાયમંડ ઉદ્યોગમાં સૌથી મોટું જાણીતું નામ કિરણ જેમ્સનું છે. વલ્લભ લાખાણી દ્વારા ડાયમંડ બુર્સને શરૂ કરવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા છે, તેનાથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયા બાદ કમિટીમાં આંતરિક મતભેદ વધી ગયા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. ચેરમેન તેમજ કમિટીના સભ્યો વચ્ચે તાલમેલ ન હોવાની વાતો પણ વહેતી થઈ ગઈ હતી. બીજી તરફ મુંબઈ બીકેસીના વેપારીઓ પણ કેટલીક વાતોને લઈને ગણગણાટ કરતા જોવા મળી રહ્યા હતા. આ ચર્ચાઓ હીરા ઉદ્યોગમાં શરૂ થઈ હતી, તે વચ્ચે વલ્લભ લાખાણી દ્વારા બુર્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દેવાની ઘટનાએ બધું બરાબર નથી ચાલી રહ્યું, તેના ઉપર એક પ્રકારે મોહર મારી દીધી હતી. લાખાણીએ રાજીનામું આપી દેતા હીરા ઉદ્યોગમાં અને તેમાં પણ ડાયમંડ બુર્સમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ડાયમંડ બુર્સ જેવો મોટો પ્રોજેક્ટ હોય તો તેની સંભાળ પણ એવા જ વ્યક્તિને સોંપી શકાય કે જે તમામ રીતે તેને સાચવી શકે. વલ્લભ લાખાણીના રાજીનામા બાદ ડાયમંડ બુર્સની છબી ઉપર અસર થઈ છે.

ગોવિંદ ધોળકિયા ચેરમેન બન્યા બાદ પ્રયાસો શરૂ
એસઆરકેના માલિક ગોવિંદ ધોળકિયાને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જોકે, વલ્લભ લાખાણી બાદ અન્ય કોઈ જ વિકલ્પ ગોવિંદ ધોળકિયાનો ડાયમંડ બુર્સ પાસે નથી કે જે આ સ્થિતિને સંભાળી શકે. ગોવિંદ ધોળકિયા ડાયમંડ બુર્સના ચેરમેન બન્યા બાદ સૌથી પહેલા તમામ ઓફિસો શરૂ થાય તેને લઈને પ્રયાસો શરૂ કરી દીધા છે. ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા માટે ગોવિંદ ધોળકિયા દ્વારા મહિધરપુરા હીરા બજારમાં જઈને વેપારીઓ સાથે બેઠકો શરૂ કરી હતી. ચોક્સી બજારના વેપારીઓ અને મીની બજારના વેપારીઓ સાથે તેમણે વાતચીત શરૂ કરી હતી. મુંબઈ ખાતે બીકેસીમાં પણ તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પણ વેપારીઓમાં વિશ્વાસ જાગે અને ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા માટે તેઓ ઝડપથી આવે તેના માટે મરણિયો પ્રયાસ શરૂ કરી દીધો છે. જુલાઈ મહિનામાં ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ થાય તેવી જાહેરાત ગોવિંદ ધોળકિયા દ્વારા કરવામાં આવી રહી છે અને વેપારીઓની પણ સહમતિ મેળવવામાં આવી રહી છે.

દુબઈ જેવી પોલિસી લાગુ કરવી જોઈએ
કિશોરસિંહ ડાભીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ડાયમંડ બુર્સની કમિટી સાથે સંકલન કરવું જોઈએ. જે નાના નાના પ્રશ્નો છે તે પ્રશ્નોને દૂર કરવા જોઈએ ઇલેક્શન બાદ મંત્રીઓ એ પણ ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે જે ફેસિલિટી જરૂરી છે, તે ફેસિલિટીઓ લાવવામાં મદદ કરવી જોઈએ. જે રીતે આપણે બધા જાણીએ છીએ કે, એક બે દાયકા પહેલાં દુબઈની અંદર ડાયમંડ ઉદ્યોગનો એવો કોઈ વ્યાપ દેખાતો ન હતો, પરંતુ આજે દુબઈ ડાયમંડ ઉદ્યોગ માટેનું હબ બની ગયું છે, ત્યાંની ગવર્મેન્ટ એ જે પોલિસી અપનાવી છે, તેવી જ પોલીસે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે પણ અપનાવવી જોઈએ. સુરત ડાયમંડ બુર્સનું ખૂબ મોટું નિર્માણ થયું છે, જેનાથી ડાયમંડ ઉદ્યોગને વિકાસ મળી શકે. તેની સાથે સાથે ટુરિઝમ અને હોટલ બિઝનેસને પણ ખૂબ મોટો લાભ મળી શકે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા ડાયમંડના વેપારીઓને તેનાથી લાભ મળી શકે તેમ છે.

હીરા લઈને ડાયમંડ બુર્સ પહોંચવું કેવી રીતે?
મહિધરપુરા હીરા બજારના વેપારી સાહિલ જોગાણીએ જણાવ્યું કે, સુરત ડાયમંડ બુર્સ એ વેપારીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા છે. તેના માટે તો સ્વાભાવિક રીતે તેમનો આભાર જ માનવો પડે તેમ છે. પરંતુ નાની-નાની કેટલીક સમસ્યાઓ જે છે, તે ઝડપથી ઉકેલ આવવી જોઈએ. સૌથી મોટો પ્રશ્ન હીરા લઈને ડાયમંડ બુર્સ સુધી જવાનો છે. જોખમ સાથે હોય ત્યારે સ્વાભાવિક છે કે સુરક્ષા પણ એટલી જ હોવી જોઈએ. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા મહિધરપુરા, વરાછા અથવા તો સ્ટેશન ઉપરથી ડાયમંડ બુર્સ સુધી બસ શરૂ કરવામાં આવે. બસની અંદર ગનમેન રાખવામાં આવે, માત્ર ને માત્ર તે બસમાં ડાયમંડના વેપારીઓ જ હોવા જોઈએ અને તેમને આઈકાર્ડ આપવામાં આવે. જેથી કરીને તેમની ઓળખ થઈ શકે, આ પ્રકારની વ્યવસ્થા સૌથી પ્રાથમિક સુવિધા પૈકીની એક છે, જેથી વિનામૂલ્યે બસ સુવિધા થકી સુરક્ષામાં પોતાનું જોખમ લઈને ડાયમંડ બુર્સ સુધી પહોંચી શકે. ડાયમંડ બુર્સ સુધીનું અંતર ખૂબ જ લાંબું છે અને જોખમ લઈને જઈએ તો અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. મોટા વેપારીઓએ પણ ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવી જોઈએ, જેથી કરીને નાના નાના વેપારીઓમાં પણ આત્મવિશ્વાસ ઉભો થાય.

ડાયમંડ બુર્સમાં કેન્ટીનની વ્યવસ્થાની માગ
પારસ શાહે જણાવ્યું કે, ડાયમંડ બુર્સમાં અલગ અલગ સમાજના વેપારીઓ પણ જોડાયેલા છે, તેથી કેન્ટીનની વ્યવસ્થા પણ એ પ્રકારની હોવી જોઈએ કે જેનાથી તમામ લોકો માટે ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા મળી રહે. મુંબઈના બીકેસીમાં જે પ્રકારની વ્યવસ્થા છે ,તેવી જ વ્યવસ્થા અહીં પણ ઊભી થવી જોઈએ. કારણ કે, સવારથી સાંજ અહીં જ વેપાર કરવા માટે વેપારીઓ આવવાના છે, જેને કારણે તેઓ પોતાનું બપોરનું ભોજન કરવા માટે પોતે ઘરે પરત ફરી શકે તેમ નથી કારણ કે, અંતર ખૂબ જ લાંબુ છે, બીજું જે જૈન સમાજના વેપારીઓ છે. તેઓ પોતાના નિયમ મુજબ સૂર્યાસ્ત પહેલા જમી લેતા હોય છે, તો એમના માટેની પણ વ્યવસ્થા થવી જરૂરી છે. અમારી ઈચ્છા છે કે ત્યાં જઈને વેપાર કરીએ. કારણ કે, સુવિધા ઓફિસોની તેમજ અન્ય રીતે પણ સારી છે. પરંતુ સંપૂર્ણ રીતે વેપારીઓમાં નાની મોટી જે સમસ્યાઓ છે, તે દૂર થઈ હોય તેવું વેપારીઓ સમજી શકે, ત્યારે પોતાનો વેપાર શરૂ કરશે.

નાના વેપારીઓની અવગણના કરવામાં આવી
બ્રિજેશ સંઘવીએ જણાવ્યું કે, આજે ડાયમંડ બુર્સના કમિટી મેમ્બરોને નાના વેપારીઓની યાદ આવી રહી છે. ડાયમંડ બુર્સ જ્યારે બની રહ્યું હતું, ત્યારે નાના વેપારીઓ પોતાનો વ્યવસાય અહીં કેવી રીતે ઓછા ખર્ચે કરી શકે, તેના માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. આજે જ્યારે ડાયમંડ બુર્સ શરૂ કરવા જવાનો પ્રશ્નો ઉભો થયો છે, ત્યારે તેમને નાના વેપારીઓ યાદ આવી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગમાં નાના-નાના જે વેપારીઓ છે, તે 60થી 70% છે અને 30 % માત્ર મોટી ફેક્ટરીના સંચાલકો છે. આવી સ્થિતિમાં જ્યારે ડાયમંડ બુર્સનું નિર્માણ થતું હતું. ત્યારે નાના વ્યક્તિઓ જે મહીધરપુરા મીની બજારમાં કામ કરી રહ્યા છે. તેઓ ઓછા ખર્ચની અંદર પોતાનો વ્યવસાય કેવી રીતે ટકાવી શકે તેનું પૂર્વ આયોજન કરવામાં આવ્યું ન હતું અને આજે મિટિંગો કરવામાં આવી રહી છે, પરંતુ આ વાત સાથે હું સહમત થતો નથી. ખૂબ સારું ડાયમંડ બુર્સ બનાવ્યું છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ તેમને નાના વેપારીઓ માટે પહેલાંથી કોઈ આયોજન ન કર્યું હોવાને કારણે આજે આ મુસીબત આવીને ઊભી થઈ છે.

સુવિધા થાય તો બે-ત્રણ મહિનામાં જ શરૂ થઈ શકે એમ છે
દર્શનભાઈએ જણાવ્યું કે, ડાયમંડ બુર્સમાં ખૂબ સારી સુવિધાઓ થકી વેપાર આગળ વધી શકે છે, પરંતુ કમિટીના સભ્યોએ દસ કેરેટના ડાયમંડનો વેપાર કરનારને પણ આગળ લાવવો પડશે. મોટા-મોટા વેપારીઓ ત્યાં જઈને શરૂઆત કરે તો નાના વેપારીઓને પણ હિંમત આવી શકે છે. પરંતુ કનેક્ટિવિટીથી લઈને હજુ એવા ઘણા બધા પ્રશ્નો છે કે જેનો ઉકેલ લાવવો જરૂરી છે અને એ પ્રકારનો માહોલ બનાવવામાં આવે, ત્યાર પછી જ જે નાના વેપારીઓ છે, તે ત્યાં સુધી પહોંચી શકશે. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા પ્રયાસો સારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી જે વિશ્વાસ સંપાદિત જ થવો જોઈએ. તે હજુ વેપારીઓમાં જોવા મળી રહ્યો નથી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!