GUJARAT

સ્મિમેર હોસ્પિ.માં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરનાં કાળાં કરતૂત: જુનિયર ડોક્ટરને દોડાવી દોડાવીને માર માર્યો હતો, 6 મહિના સસ્પેન્ડ થયો છતાં સુધર્યો નહીં – Surat News


ડોક્ટરને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ સુરતમાં એક ડોક્ટર એને લાંછન લગાડી રહ્યો છે. ડોક્ટર બની ક્યારેક દાદાગીરી કરે છે તો ક્યારેક રંગરેલિયા મનાવવા માટે હોસ્પિટલમાં કોઈની શેહશરમ રાખ્યા વિના થાઈ ગર્લને બોલાવે છે. પોતાના મનનું ધાર્યું કરી હોસ્પ

.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ સતત વિવાદોના મધપૂડામાં ઘેરાયેલી રહે છે. એમાંય ઓર્થોપેડિક વિભાગ વિવાદોનો પર્યાય બની ગયો છે. ઓર્થોપેડિક વિભાગના એક રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીના કારણે આબરૂના ધજાગરા થઈ રહ્યા છે.

સ્મિમેરમાં કેટલાક ડોક્ટરો દારૂનું સેવન કરતા હોવાનો આક્ષેપ
સ્મિમેર હોસ્પિટલની ઓર્થોપેડિક વિભાગને વારંવાર વિવાદોમાં લાવનારા અન્ય કોઈ નહીં, પરંતુ અહીંના કેટલાક રેસિડેન્ટ ડોક્ટરોની જ ભૂમિકા રહે છે. ક્યારેક જુનિયર સાથે રેગિંગ કરવું તો ક્યારેક દર્દીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવું, એટલું ઓછું હોય તેમ અમુક રેસિડેન્ટ ડોક્ટર સામે દારૂ પીતા હોવાના પણ આક્ષેપો થયા છે. આટલા વિવાદો વચ્ચે હવે વધુ એક ડોક્ટર પર ગંભીર આક્ષેપો થયા છે.

થાઈ ગર્લને લાવ્યો, પણ ઝઘડો થતાં લાફો માર્યો
ગત શનિવારની મોડીરાત્રે સ્મિમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. જોકે ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝગડો થતાં રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો. એને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી. એને લઈને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો. રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક આ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ તબીબ સામે તપાસ
આ અંગે હોસ્પિટલના ડીન ડો. દીપક હોવલેએ જણાવ્યું હતું કે ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડો. ઋત્વિક દરજી સામે બહારથી કોઈ વિદેશી છોકરીને હોસ્ટેલમાં બોલાવવાના આક્ષેપો થયા છે. જોકે આ સમગ્ર મામલો શું છે એની તપાસ કરવામાં માટે પાંચથી સાત સભ્યની એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. કમિટીના સભ્યો તપાસ કરી બે-ત્રણ દિવસમાં રિપોર્ટ આપશે, એના આધારે આગળની કાર્યવાહી થશે.

વિવાદાસ્પદ રેસિડેન્ટ તબીબે જુનિયરને માર માર્યો હતો
સ્મિમેર હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ 10 મહિના પહેલાં 1 ઓગસ્ટ 2023માં વિવાદમાં આવ્યો હતો. જે-તે દિવસે મોડીરાત્રે ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીએ જુનિયર રેસિડેન્ટને ત્રીજા માળે આવેલા વોર્ડથી છેક બીજા માળ સુધી દોડાવી-દોડાવીને ફટકાર્યો હતો. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરની બચાવો-બચાવોની બૂમો સાંભળી સિક્યોરિટી માર્શલ અને વોર્ડબોયે દોડી આવી તેને બચાવ્યો હતો. રાત્રે જ આખો મામલો આરએમઓ, વિભાગન ઇન્ચાર્જ વડા અને યુનિટ વડા સુધી પહોંચી ગયો હતો.

આખો મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરાયો હતો
સિનિયર દ્વારા જુનિયરને માર મારવાની આ ઘટના અંગે બીજા દિવસે સવાર સુધી ડીન અને સુપરિન્ટેન્ડન્ટને અંધારામાં રાખવામાં આવ્યા હતા. જુનિયર રેસિડેન્ટનું સિનિયર રેસિડેન્ટ સાથે સમાધાન થઈ ગયાના નામે આખો મામલો રફેદફે કરવાની ગણતરી સાથે વિભાગના તબીબી અધિકારીઓએ ડીન અને સુપરિન્ટેન્ડેન્ટને અંધારામાં રાખ્યા હતા. જ્યારે તબીબી અધિકારીઓના એક જૂથ દ્વારા આ બંને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે વ્યક્તિગત વિવાદ હોવાનું કહી બચાવ કરવામાં આવી રહ્યો હતો છતાં પણ સમગ્ર પ્રકરણ અંગે સ્મિમેરના જવાબદારોએ તપાસ શરૂ કરી હતી.

જુનિયરને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી
જુનિયરને ફટકારના રા સિનિયર રેસિડેન્ટે અઠવાડિયા અગાઉ પણ વિવાદ કર્યો હતો. તેણે અઠવાડિયા અગાઉ પણ આ જુનિયર રેસિડેન્ટને માર માર્યો હતો. જોકે જે-તે સમયે વાત આગળ વધી નહોતી, પરંતુ 1 ઓગસ્ટ 2023ના રોજ ત્રીજા અને બીજા માળના પેસેજમાં આ ઘટના બની હોઈ સિક્યોરિટીના માર્શલ અને વોર્ડ બોયને જુનિયરને બચાવવા દોડવું પડ્યું હતું. સિનિયર ડોક્ટર ઋત્વિક દરજી જુનિયર ડો. નિર્મલ પટેલને દોડાવીને માર મારતાં હોબાળો થયો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સ્ટુડન્ટ કોડ ઓફ કન્ડક્ટ મુજબ છ મહિના સસ્પેન્ડ કરાયેલો
ડીનને ફરિયાદ થતાં તપાસ માટે સિનિયર તબીબોની ટીમ બનાવાઈ હતી. તપાસમાં ડોક્ટર ઋત્વિક દરજી કસૂરવાર ઠેરવીને સ્ટુડન્ટ કોડ ઓફ કન્ડક્ટ મુજબ એક ટર્મ (છ મહિના) માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જુનિયર ડો. નિર્મલ પટેલને ચેતવણી અપાઈ હતી કે ભવિષ્યમાં આવી કોઈપણ મારામારીની ઘટના બને તો એમા સંડોવાયા વગર પહેલા તમારા પ્રોફેસ૨, યુનિટ હેડને લેખિત અથવા મૌખિક જાણ ક૨વી, જેથી ઘટના કોઈપણ રેસિડેન્ટ ડોક્ટરો કે સ્ટાફ સાથે બને નહીં. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે તાકીદ કરવામાં આવી હતી.

રેસિડેન્ટ ડોક્ટરને કારણે હોસ્પિટલની આબરૂનું ધોવાણ.

રેસિડેન્ટ ડોક્ટરને કારણે હોસ્પિટલની આબરૂનું ધોવાણ.

3 મહિના પહેલાં જ સસ્પેન્શન પરથી પરત આવ્યો હતો
ઓગસ્ટ 2023થી ઋત્વિક દરજી 6 મહિના માટે સસ્પેન્ડ હતો. જોકે 3 મહિના પહેલાં જ પરત થયો હતો. દરમિયાન ગત શનિવારની રાત્રે ઋત્વિક દરજી થાઈ ગર્લને હોસ્ટેલના રૂમમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ થાઈ ગર્લને તમાચા પણ મારી દીધા હતા. એને પગલે સમસમી ઊઠેલી થાઈ ગર્લ પોતાનાં અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ હતી. એને પગલે હોસ્ટેલના અન્ય ડોક્ટરો, સ્ટાફ વગેરે પણ બહાર દોડી આવ્યા હતા અને ભારે હોહા મચી ગઈ હતી.

થાઈ ગર્લ અસ્તવ્યસ્ત હાલતમાં હોસ્ટેલમાંથી ભાગી
પોતે ક્ષોભજનક સ્થિતિમાં હોવા છતાં ગભરાય ગયેલી આ થાઇ ગર્લ નજીકના સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં સ્મિમેરમાં તહેનાત પોલીસકર્મીઓ પાસે પહોંચી ગઈ હતી. બ્લેક કલરના અત્યંત પારદર્શક વસ્ત્રો પહેરેલી આ યુવતીને જોઈ સૌકોઈ શરમાય ગયા હતા. અંગ્રેજીમાં વાતચીત કરતી આ યુવતીએ ઓર્થો.ના રેસિડન્ટ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. નાઈટ ડ્યૂટીમાં હાજર આરએમઓ સહિતના ઉચ્ચ તબીબી અધિકારીઓ પણ ત્યાં ધસી ગયા હતા.

હોસ્ટેલના બી બ્લોકમાં ડોક્ટરોના ગોરખધંધા સામે આવ્યા.

હોસ્ટેલના બી બ્લોકમાં ડોક્ટરોના ગોરખધંધા સામે આવ્યા.

સ્મિમેરની આબરૂનું લિલામ કરનારી આ ઘટના
રેસિડન્ટે થાઇ ગર્લને હોસ્ટેલમાં બોલાવી અને બાદમાં બંને વચ્ચે થયેલી માથાકૂટની વાત વાયુવેગે કોલેજ અને હોસ્પિટલ વર્તુળમાં પ્રસરી ગઈ હતી. સ્મિમેરની આબરૂનું લિલામ કરનારી આ ઘટના મધરાત્રે વરાછા પોલીસ મથકે પહોંચી હતી. જોકે થાઇ ગર્લે ફરિયાદ આપી ન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તપાસ કમિટી દ્વારા તપાસ બાદ આગળ પગલાં લેવાશે.

રેસિડેન્ટ ડોક્ટરોમાં દાખલો બેસે એવી સજાની શક્યતા
ઋત્વિક દરજી પહેલા 6 મહિના સસ્પેન્ડ થઈ ચૂક્યો છે. હાલ તે ઓર્થોના ફાઈનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે જો ઋત્વિક દરજી કસૂરવાર ઠરે તો કડકમાં કડક સજા થાય એવી શક્યતા જોવાઈ રહી છે. સ્મિમેર મેડિકલ કોલેજના કોઈ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવવામાં આવી હોય એવી આ લગભગ પહેલી ઘટના છે. જેથી કસૂરવાર વિરુદ્ધ બીજા રેસિડેન્ટ તબીબોમાં દાખલો બેસે એવી સજા કરવામાં આવે એવી પણ શક્યતા છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રાજેન્દ્ર જોશીએ કહ્યું- અન્ય વિદ્યાર્થીઓ દોષિત હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે.

આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રાજેન્દ્ર જોશીએ કહ્યું- અન્ય વિદ્યાર્થીઓ દોષિત હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે.

ભાસ્કરની તપાસમાં દારૂ-બિયરની બોટલો મળી
જોકે જે હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવામાં આવી હતી ત્યાં દિવ્ય ભાસ્કર પહોંચ્યું તો ચોંકાવનારી બાબત સામે આવી હતી. દિવ્ય ભાસ્કરની ટીમને હોસ્ટેલના બી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોરની પાછળની સાઈડમાં નશાકારક પદાર્થો સહિતની વસ્તુઓ મળી આવી હતી. પાછળની સાઈડમાં દારૂ-બિયરની બોટલો પડેલી હતી. પાર્કિંગમાં જ અલગ અલગ જગ્યાઓ પર સિગારેટના પેકેટો પણ મળ્યાં હતાં. સ્મિમેર હોસ્પિટલ કેમ્પસમાં ડી બ્લોકની સામે આખી નર્સિંગ કોલોની આવેલી છે, જેમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફને રહેવા માટે બ્રોમો ફાળવવામાં આવેલી છે. રેસિડન્ટ તબીબોને બી બ્લોકમાં 4 માળમાં રૂમો ફાળવવામાં આવેલી છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરે છે.

ડીન દ્વારા તપાસના આદેશ
બી બ્લોકમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરો રહે છે, જે પૈકી કેટલાક આ હોસ્ટેલમાં ગોરખ ધંધાઓ ચાલતા હોઈ એવું સ્પષ્ટ લાગે છે. આ હોસ્ટેલમાં દારૂ પાર્ટીઓ પણ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ હવે તો રેસિડેન્ટ તબીબોની હોસ્ટેલમાં ગર્લ્સને પણ લાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે ડીન દ્વારા તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે.

સ્મિમેર મેડિકલ કોલેજની આખી નર્સિંગ કોલોનીની હોસ્ટેલમાં CCTV કેમેરાઓ છે.

સ્મિમેર મેડિકલ કોલેજની આખી નર્સિંગ કોલોનીની હોસ્ટેલમાં CCTV કેમેરાઓ છે.

CCTVમાં હોવા છતાં કાર્યવાહીમાં ઢીલી નીતિ કેમ?
સ્મિમેર મેડિકલ કોલેજની આખી નર્સિંગ કોલોનીની હોસ્ટેલમાં CCTV કેમેરાઓ છે છતાં પણ રેસિડન્ટ દ્વારા ગોરખ ધંધાનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. હોસ્ટેલમાં સમગ્ર કાંડ કદાચ CCTVમાં કેદ પણ થઈ ગયો હશે, પરંતુ બે દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર કમિટી બનાવીને તપાસ કર્યા બાદ પગલાં લેવામાં આવશે એવા નિવેદન આપવામાં આવી રહ્યાં છે.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!