GUJARAT

રાજકોટમાં 500થી વધુ એકમો સીલ: ‘સેફ્ટી’ માટે વેપારીઓ કમિશનરની અને રાજકોટ ભાજપ મુખ્યમંત્રીના શરણે, ‘શહેરમાં 22 શાળા-હોસ્પિટલ ભૂલથી સીલ થઈ’ – Rajkot News


TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના ભથડાં થયા બાદ રાજકોટ મનપાએ ફાયર NOC અને બીયુ સર્ટિફિકેટ ચકાસણી કરી હતી. આ ચકાસણીમાં 500થી વધુ એકમો સીલ કર્યા હતા. હવે આ એકમોના સીલ ખોલવા કે સમય આપવા માટે નેતાઓ-પદાધિકારીઓ પાસે વેપારીઓની ભલામણો આવી રહી છે. ત

.

રાજકોટમાં 22 શાળા-હોસ્પિટલ ભૂલથી સીલ થઈ
મુખ્યમંત્રીની મુલાકાત બાદ રાજકોટ મનપા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટમાં શાળા, કોલેજ અને હોસ્પિટલ સીલ કરવાના વિષય અંગે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. ગેરકાયદેસર બિલ્ડીંગ સીલ કર્યા એની સામે અમારી રજૂઆત નહોતી. પરંતુ 22 સ્કુલ કાયદેસર છે. એવી સ્કુલ અને હોસ્પિટલ માટે રજૂઆત કરી છે. ધારાધોરણ વગર ચાલતા બિલ્ડીંગ સામે તો કાર્યવાહી થશે. રાજકોટ મનપા અને સિટી પોલીસની આ કાર્યવાહી છે. હું માનું છું કે આ અમારી ભુલ છે. જે ગેરકાયદેસર છે એને કોઈ પણ સંજોગોમાં અમે ખોલવાના નથી. એવા લોકોને અમે પહેલા પણ નોટિસ આપી હતી. પણ જે કાયદેસર હતા છતાં સીલ કરી છે. એમાં અમારી ભુલ છે. 22 શાળા, હોસ્પિટલ એવી છે જેને ભુલથી સીલ કરી છે એના માટે અમે આજે આવ્યા છે. પહેલા પણ કાર્યવાહી કરી છે પણ આ દુર્ઘટના બની છે એટલે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે.

રાજકોટ મનપા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકર

ભિક્ષુક અને ગરીબ લોકોમાં વ્યવસ્થા
વોર્ડ નં 6માં 53 ટાવર જર્જરિત છે. જે હાલ ખાલી હાલતમાં છે, ત્યાં વીજ કનેક્શન અને પાણીના કનેક્શન પણ છે. રાજકોટ મનપામાં 4 હજાર ભિક્ષુક અને સાવ ગરીબ લોકો છે કે જેમને વરસાદની હાલતમાં છત મળી રહે એ માટે અમારી પાસે વ્યવસ્થા છે. એટલે નવા ઘર ન બને ત્યાં સુધી આ વ્યવસ્થા આપવા માટે સરકાર મંજૂરી આપે એવી રજૂઆત મુખ્યમંત્રીને કરી છે.

મુખ્યમંત્રીના આદેશ પ્રમાણે કાર્યવાહી હાથ ધરાશે
રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજ રોજ સાંજના 4 વાગ્યે મુખ્યમંત્રીએ મળવા માટે સમય આપ્યો હતો. 500 જેટલા એકમો સીલ કરાયા છે ત્યારે આગામી દિવસોમાં સ્કૂલમાં વેકેશન પૂર્ણ થતા શાળા શરૂ થનાર છે માટે શાળાઓને સમય આપી ફાયર NOC મામલે સમય આપી શકાય કે કેમ અથવા કેટલા સમય સુધી આ કાર્યવાહી પૂર્ણ કરવી સહિતના મુદ્દાઓ અંગે રજૂઆત કરી મુખ્યમંત્રીનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, ધારાસભ્ય રમેશ ટીલાળા, ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરીયા છે.

50થી વધુ એસો.હોદ્દેદારોએ મ્યુ. કમિશનરને રજૂઆત
રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપા દ્વારા ધડાધડ મિલકતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મનપા તંત્ર દ્વારા આડેધડ મરાતા સીલને લઈને વેપારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના આગેવાનોમાં ભારે રોષ પણ છે. જો કે પહેલેથી જ ફાયર એનઓસી અને બીયુ લીધાં નથી અને હવે રેલો આવ્યો એટલે વેપારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સમય માગી રહ્યાં છે. આજે જુદાં-જુદાં 50થી વધુ એસોસિયેશનના હોદ્દેદારોએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી. જેમાં દુકાનો, શોરૂમ, ઔદ્યોગિક એકમો, શાળાઓને આડેધડ સીલ કરવાની સામે વિરોધ પ્રગટ કર્યો હતો અને ફાયર NOC ઉપરાંત BU પરમિશન મુદ્દે વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવી આ પ્રક્રિયા માટે સમય આપવા માંગ કરવામાં આવી હતી. જેમાં મ્યુ. કમિશનરે નિયમો અનુસાર શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી.

આડેધડ સીલની કામગીરીથી વેપારીઓમાં રોષ

આડેધડ સીલની કામગીરીથી વેપારીઓમાં રોષ

27ના જીવ ગયા ત્યારે વેપારીઓ નિયમ પાળવા સહમત થયા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી નૌતમ બારસિયાના જણાવ્યા અનુસાર આજે રાજકોટનાં તમામ વેપારી એસોસિયેશનો દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સીલિંગની કાર્યવાહી ચાલી રહી છે તે કરતા પહેલાં વેપારીઓને થોડો સમય આપવાની માંગ કરવામાં આવી છે. અમારા માટે પણ પ્રજાની અને સ્ટાફની સેફટી મહત્ત્વની છે અને નિયમો પાળવામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા અમે માંગતા નથી. પરંતુ ફાયર NOCના બદલાયેલા નિયમો મુજબનાં સાધનો વસાવી જરૂરી વ્યવસ્થા કરવા માટે થોડો સમય મળે તે જરૂરી છે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જો કોઈપણ સંસ્થા ફાયર NOC ન ધરાવતી હોય તો તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.

‘સરકારે સમય આપવો જોઈએ’
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, સરકાર અને કોર્પોરેશન દ્વારા જે રીતે તાત્કાલિક ફાયર NOC લેવામાં નહીં આવે તો સીલ મારી દેવામાં આવશે તેવું વલણ અપનાવવામાં આવ્યું છે. છેલ્લા સપ્તાહમાં અનેક એકમોને સીલ કરી દીધાં છે. આ પ્રકારની કામગીરી સામે વેપારીઓમાં વિરોધ છે. 10-15 વર્ષ જૂની બિલ્ડિંગોમાં તંત્રએ અત્યાર સુધી કોઈ ચેકિંગ કેમ ન કર્યું? હાલ અચાનક સીલ કરી દેવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી. ફાયર NOC લેવા માટે બધા તૈયાર છે પણ સરકારે સાધનો લેવા માટેનો સમય આપવો જોઈએ.

પ્રજાને ગાઈડલાઈનની ખબર નથી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડન્ટે ​વધુમાં જણાવ્યું કે, સરકાર અને તંત્ર આવો જ અભિગમ ચાલુ રાખશે તો અત્યારે 1000 લોકો આવ્યા છે આગળ જતાં સપ્તાહમાં 10,000 લોકો આવશે. આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે તો વેપાર-ધંધા અને સ્કૂલો પણ બંધ થઈ જશે. શા માટે સીલ લાગે છે? કઈ રીતે ખોલી શકાય છે તેની પણ કોઈ ગાઈડલાઈન નથી. તો આ બાબતોથી સામાન્ય વેપારી અવગત થાય તેવી ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ. ફાયર NOC અંગેની ગાઈડલાઈનનો પ્રચાર થવો જોઈએ. હાલ જે કામગીરી કરવામાં આવી છે. તેનાથી વેપારીઓ પરેશાન થઈ ઊઠ્યા છે, ત્યારે વ્યવહારુ અભિગમ સાથે કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

NOC-BU પરમિશન માટે સમય આપવા માગ

NOC-BU પરમિશન માટે સમય આપવા માગ

બે દિવસમાં નાગરિકો માટે જાહેરાત થશે
મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણેક દિવસથી ફાયર NOC અને BU પરમિશન માટે સમય આપવાની રજૂઆતો મળી રહી છે. કેટલાક લોકો પાસે ફાયર NOC છે BU નથી, તો કેટલાક લોકોની પાસે BU છે પણ ફાયર NOC નથી. અને અમુક એવા એકમો છે જેની પાસે બન્નેમાંથી કંઈપણ નથી. રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ આ પ્રકારની રજૂઆતો મળી રહી છે, ત્યારે રાજ્ય સરકાર અને અન્ય મહાનગરપાલિકાઓ સાથે સંકલન સાધી આગામી બે દિવસમાં આ માટેની ખાસ એસઓપી બનાવવામાં આવશે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

મ્યુ. કમિશનરને રજૂઆત

મ્યુ. કમિશનરને રજૂઆત

તક્ષશિલા કાંડમાં પછી પણ આવી કાર્યવાહી કરી હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતના તક્ષશિલા કાંડ વખતે પણ તંત્ર સમક્ષ વેપારીઓ અને શાળા સંચાલકો દ્વારા આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈને સમય પણ આપવામાં આવ્યો હતો. જોકે પાછળથી તંત્ર દ્વારા કોઈ ચેકિંગ કરવામાં આવ્યું નહોતું. જેના કારણે આજે પણ અનેક સ્થળોએ ગેરકાયદેસર બાંધકામો અને ફાયર NOC વિનાનાં એકમો જોવા મળી રહ્યાં છે, ત્યારે જો ફરી સમય આપવામાં આવે તો આ બાબતનું પુનરાવર્તન ન થાય તેનું તંત્રએ ધ્યાન રાખવું જરૂરી છે. હાલ મનપા કમિશનરે આ માટે કામગીરી કરવાની ખાતરી આપી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!