GUJARAT

ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક 161: કોંગ્રેસે વિધાનસભાની 3 ચૂંટણીમાં જીતેલી કુલ સીટ કરતાં પણ BJP આગળ, માણાવદરના MLA-પૂર્વ કેબિનેટ મંત્રીએ મને હરાવવા કામ કર્યું – Ahmedabad News


ગત 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં પાંચેય સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આ પાંચેય વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્ય

.

દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે. 14 માર્ચ 1995ના રોજ ગુજરાતમાં પહેલીવાર કેસરિયો લહેરાયો હતો અને ભાજપે સત્તા સંભાળી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં હિન્દુત્વનું વાવાઝોડું ફરી વળ્યું અને 1995માં 121 બેઠકની જંગી બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી. ત્યાર બાદ 2002માં ગોધરાકાંડ થયો અને ભાજપે 127 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી. પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિકાસ+હિન્દુત્વના કમાલના કોમ્બિનેશન સાથે કમળ ખીલ્યું હતું. ભાજપે ગુજરાતના 60 વર્ષના ઇતિહાસના તમામ રેકોર્ડ બ્રેક કરી આજે 156 સીટ જીતી હતી. માત્ર સવા વર્ષથી મુખ્યમંત્રી પદે રહેલા ભૂપેન્દ્રએ તો નરેન્દ્ર જ નહીં, માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ બ્રેક કરી દીધો હતો. જ્યારે કોંગ્રેસનો કારમો રકાસ થતા ઇતિહાસમાં પહેલીવાર 17 સીટ પર જ સમેટાઈ ગઈ અને કોંગ્રેસનો જ રેકોર્ડ બ્રેક કર્યો હતો. આમ હવે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 161 સીટનો રેકોર્ડ બની ગયો છે.

કોંગ્રેસ ત્રણ ચૂંટણીમાં ન જીતી શકી એટલી સીટ ભાજપની થઈ
હાલ 161ના સંખ્યાબળે પહોંચેલો ભાજપ ગુજરાત કોંગ્રેસે છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીતેલી કુલ સીટ કરતા પણ વધુ છે. ગુજરાત કોંગ્રેસે 2012માં 61, 2017માં 77 અને 2022માં 17 સીટ જીતી હતી. જેનો સરવાળો 155 સીટ જ થાય છે.

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પદ અપાતા જૂના ભાજપીઓમાં અસંતોષ
કોંગ્રેસમાંથી આવેલા 4 ધારાસભ્યએ શપથ લીધા પહેલા જ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સ્થાનિક સ્તરે ઉકળતો ચરુ છે તેનો અંદાજ કેન્દ્રના મોવડી મંડળને પણ આવી ગયો હતો. તેમજ લોકસભા ચૂંટણીની ટિકિટની વહેચણીમાં પણ ક્યારેય ન જોયો તેવો અસંતોષ ભભૂકી ઉઠયો હતો. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવે છે.આ ચૂંટણીમાં પણ સ્થાનિક નેતાઓ પાસેથી કામ લેવાનું છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ભાજપના ધારાસભ્યો અ્ને ભાજપના નેતાઓ શપથવિધિ માટે દિલ્હીનો ફેરો સફળ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હું કંઈ બનવાનો છું એ વાત કાલ્પનિક છે, ભાજપના મોટા નેતાઓ કોઈનો વિરોધ ન કરેઃ મોઢવાડિયા
ભાજપના જૂના જોગીઓને જ મંત્રી બનાવવામાં આવે તેવી માંગ છે આ અંગે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, જે ભૂમિકા મળી છે એ સપના સાકાર કરવાનું અને ભાજપના કાર્યકર તરીકે કામ કરવાની ઇચ્છા છે. ભાજપના મોટા નેતાઓ સાથે મારે આત્મીય સંબંધો છે એ ક્યારેય કોઈનો વિરોધ ન કરે, આ વાત એમના નામે થાય છે એ ક્યારેય આ પ્રકારની વાત ન કરે. હું કંઈ બનવાનો છું એ વાત પણ કાલ્પનિક છે. જે નિર્ણય થાય છે એનો સ્વીકાર કરવામાં આવે છે. પછી ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવાના હોય કે આખા મંત્રી મંડળને બદલવાનું હોય એ હિંમત માત્ર ને માત્ર ભાજપ જ કરી શકે બીજી કોઈ પાર્ટીમાં આવી ક્ષમતા નથી.

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ કમનસીબ આંકડે પહોંચ્યું
આજે શપથ લેનારા આ પાંચ ધારાસભ્યમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી અને અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, અરવિંદ લાડાણી તથા ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જેથી અનુક્રમે વાઘોડિયા, પોરબંદર, વિજાપુર, માણાવદર અને ખંભાત વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. હાલ વિધાનસભા ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 161, કોંગ્રેસનું 13, આપનું 4, 2 અપક્ષ, સમાજવાદી પાર્ટી-1 અને વિસાવદર સીટ હાલ ખાલ પડેલી છે.

અર્જુન મોઢવાડિયાને અભિનંદન પાઠવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

માણાવદરના પૂર્વ કેબિનેટ મંત્રીએ વિરોધમાં કામ કર્યુંઃ અરવિંદ લાડાણી
પેટાચૂંટણીમાં વિરોધમાં પ્રવૃત્તિ કોણે કરી? આ સવાલના જવાબમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું કે, માણાવદર મત વિસ્તારના માજી કેબિનેટ મંત્રી અને તેમના પરિવાર તથા તેની સાથે આવેલા ભાજપના કાર્યકરોએ વિરોધમાં કામ કર્યું હતું. લોકોને કહ્યું કે, ભાજપના ઉમેદવારને હરાવવાના છે. હું મજબૂત નથી પણ લોકો મને મજબૂત કરે છે.હું કે જવાહરભાઈ ગૌણ છે.

‘મારે હોદ્દાની જરૂર નથી, હું મનથી મંત્રી જ છું’
ધારાસભ્યપદના શપથ લેનારા માણાવદર પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે,મારા વિસ્તારની બન્ને નદી ઓઝત અને ભાદરમાં સામાન્ય વરસાદમાં પણ પૂર આવે છે એટલે ખૂબ નુકસાન થાય છે. જેથી મારી માગ આ નદીઓને ઉંડી અને પહોળી કરવાની છે. મારી મંત્રી બનવાની ઇચ્છા નથી, હું તો મનથી મંત્રી જ છું. મારે હોદ્દાની જરૂર નથી.

ધારાસભ્ય પદના શપથ લીધા બાદ સહી કરી રહેલા અરવિંદ લાડાણી.

ધારાસભ્ય પદના શપથ લીધા બાદ સહી કરી રહેલા અરવિંદ લાડાણી.

‘સી.જે.ની આંતરિક ઇચ્છા ગમે તે હોય તે પ્રમાણે સરકાર ચાલતી નથી’
જ્યારે વિજાપુરથી ચૂંટાયેલા ધારાસભ્ય સી.જે.ચાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવાના કામ કરતી હોય છે. આ સરકારની પ્રાયોરિટીમાં ખેડૂત છે, વેપારી છે, માલધારી, વિદ્યાર્થી, ખેડૂત, ખેતમજૂર અને દલિત છે. મારા મત વિસ્તારની જનતા સરકારની આ યોજનાઓથી વંચિત ન રહી જાય એ જ મારી પ્રાયોરિટી છે. મંત્રી બનવા અંગે કહ્યું કે સી.જે.ની આંતરિક ઇચ્છા ગમે તે હોય, એ પ્રમાણે સરકાર ચાલતી નથી. હાલ સરકાર ખૂબ સારી રીતે ચાલી રહી છે.

માણાવદરમાં લાડાણીની 28,000થી વધુ મતથી જીત
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપની 28,865 મતની લીડથી જીત થઈ છે. ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીએ 75,156 મત સાથે જીત મેળવી છે. તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 46,292 મત સાથે હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક જાણે પક્ષપલટુ તરીકે જ ઓળખાતી હોય મ અહીં ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય બની ગયા બાદ પક્ષપલટો કરે છે. 85 માણાવદર વિધાનસભા બેઠક પર ફરી પેટાચૂંટણી યોજાઈ હતી. 2024ની વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ હરિભાઈ કણસાગરા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણીને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા, જેમાં લાડાણીની જીત થઈ છે.

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને શુભકામના પાઠવી રહેલા વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી.

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને શુભકામના પાઠવી રહેલા વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી.

વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા 82108 મતે જીત્યા
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપે 82108 મતની લીડથી ભવ્ય જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 1,27,446 મત સાથે જીત થઈ હતી. તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલની 45,338 મત સાથે હાર થઈ હતી. વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ છોડીને ભાજપમાં આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી મેદાને ઊતર્યા હતા, જેની સામે કોંગ્રેસમાંથી કનુ ગોહિલ ચૂંટણી મેદાને ઊતર્યા હતા. આ બેઠક પર ક્ષત્રિય VS ક્ષત્રિયનો ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો હતો.

પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાએ જંગી લીડથી જીત મેળવી
પોરબંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની 1,17,000 મતની લીડથી ભવ્ય જીત થઈ છે. તો કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાની 16,096 મતથી કારમી હાર થઈ છે. પોરબંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયા હતા અને તેમને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા. પોરબંદરની બેઠક પર મેર, લોહાણા અને બ્રાહ્મણ જ્ઞાતિનું વધુ મહત્ત્વ છે. અહીં છેલ્લી સાત ચૂંટણીમાંથી ચાર વખત ભાજપના બાબુ બોખીરિયા ચૂંટાતા આવ્યા છે અને ત્રણ વખતથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ચૂંટાયા છે.

વિજાપુર બેઠક પર સી. જે. ચાવડાએ બાજી મારી
વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપની 56228 મતની લીડ સાથે જીત થઈ છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડાની 100641 મત સાથે જીત થઈ હતી. તો કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલને 44413 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઠાકોર અને પટેલ જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી વિજાપુર વિધાનસભા બેઠક પર મુસ્લિમ મતદાતાઓ ઓછા છે. એક જમાનામાં કોંગ્રેસનો ગઢ રહેલી આ બેઠકમાં છેલ્લી નવ ચૂંટણીમાં પાંચવાર કોંગ્રેસ અને ચાર વખત ભાજપ જીત્યો છે. અહીં 2022ની ચૂંટણીમાં 7053 મતથી કોંગ્રેસમાંથી સી. જે. ચાવડા જીત્યા બાદ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.

ખંભાત વિધાનસભાની બેઠક ફરી ભાજપના ફાળે
ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપની 38,328 મતની લીડથી જીત થઈ હતી. ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલની 88,457 મત સાથે જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્ર પરમારની 50,129 મત સાથે હાર થઈ હતી. પટેલોનું પ્રભુત્વ ધરાવતી ખંભાતની બેઠક પર ઓબીસી, ક્ષત્રિય, દલિત અને મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક છે. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો પ્રભાવ હતો, ત્યારે પણ આ બેઠક 1995થી 2017 સુધી ભાજપના હાથમાં રહી હતી. અહીં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ કરીને 1995માં ખત્રી, ત્યાર બાદ 2007 સુધી બ્રાહ્મણ ઉમેદવાર, ત્યાર બાદ ફરી એકવાર પટેલ અને 2017માં બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી હતી. આમ, 1995થી ભાજપનો ગઢ રહેલી આ બેઠકને કોંગ્રેસના ચિરાગ પટેલે 2022માં છીનવી લીધી હતી, જે ફરીથી ભાજપના ફાળે ગઈ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!