ગુજરાત ભાજપનું સુકાન હવે કોને અપાશે?: ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને મળી શકે છે તક, રજની પટેલ કાર્યકારી પ્રમુખ બની શકે
ગાંધીનગર9 કલાક પેહલાલેખક: નિર્મલ દવે
- કૉપી લિંક
કેન્દ્ર સરકારના મંત્રી મંડળમાં ગુજરાતમાંથી નવસારીના સાંસદ અને હાલના ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મંત્રી બનશે એવું મનાતું હતું અને થયું પણ એવું જ. પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા હવે ગુજરાતમાં ભાજપનું સુકાન કોન સંભાળશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી અનુસાર ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ નિમાઇ શકે છે. આ માટે હાલના ગુજરાત ભાજપના મહામંત્રી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલને સૂચના અપાઇ હોવાનું મનાય છે. ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ ન થાય ત્યાં સુધી હવે રજની પટેલ કાર્યકારી અધ્યક્ષની ભૂમિકામાં રહી શકે છે.
પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત થશે
ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો હવાલો તેમણે છોડવો પડશે. આમ પણ તેમની ટર્મ પૂર્ણ તો થઈ જ છે પરંતુ વધારાનું એક વર્ષનું આપવામાં આવેલું એક્સટેન્શન પણ પૂર્ણતાના આરે છે ત્યારે તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે અનેક નામ ચર્ચામાં આવવા લાગ્યા છે.
ગાંધીનગર મનપાની નવી બોડી માટે યોજાનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુલતવી રાખી
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની બોડીની અઢી વર્ષની મુદત પૂરી થતી હોવાથી આગામી સમયમાં નવી બોડી બનાવવા અંગેની ચર્ચા કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 10મી જૂને સોમવારે યોજાવાની હતી. જે એકાએક મુલતવી રાખીને 18 જૂને યોજવા માટેની સૂચના પ્રદેશ ભાજપમાંથી આપવામાં આવી છે ત્યારે આ બેઠક સંભવિત કાર્યકારી અધ્યક્ષ રજની પટેલના નેજા હેઠળ યોજાય તો નવાઇ નહીં.
સી.આર.પાટીલ અને રજની પટેલની ફાઇલ તસવીર
પ્રદેશ અધ્યક્ષ તરીકે ક્ષત્રિય સમીકરણ સેટ થશે?
અત્યાર સુધીનો ભાજપનો મોટાભાગનો ઇતિહાસ એમ કહી રહ્યો છે કે જ્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી હોય તેવા સંજોગોમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ત્યારે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો ભાજપના અનુભવી ચહેરામાંથી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ પર કળશ ઢોળાઈ શકે છે.
ઓબીસી અથવા આદિવાસી સમીકરણમાં આ સંભવિત નેતા હોઈ શકે છે
જો પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજ અંગે વિચારણા કરવામાં આવતી હોય તો વિધાનસભાના હાલના અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર અથવા તો ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડિયાના નામ પર કળશ ઢોળાઈ શકે છે. તો બીજી તરફ જો આદિવાસી થિયરી ઉપર ભાજપ વિચારણા કરે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલના નામનો પણ સમાવેશ થઈ શકે છે.
ભૂતકાળમાં કાર્યકારી અધ્યક્ષને કાયમી નિયુક્તિ આપી હોવાના દાખલા
ભાજપના ઇતિહાસમાં કાર્યકારી અધ્યક્ષ રહી ચૂક્યા હોય એવા નેતાને જ કાયમી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હોવાના પણ અનેક કિસ્સા છે. મોદી સરકારમાં જે.પી.નડ્ડા કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ તેમને કાયમી અધ્યક્ષ તરીકે નિયુક્તિ આપી દેવામાં આવી હતી. ગુજરાતમાં પણ કેશુભાઈ પટેલ સરકાર સમયે ભાવનગરના રાજેન્દ્રસિંહ રાણાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ કાયમી અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. આવા સંજોગોમાં ઇતિહાસની દૃષ્ટિએ જો જોઈએ તો હાલ રજની પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે તો તેમની કાયમી અધ્યક્ષ બનવાની સંભાવના વધી જાય છે.
કાર્યકરોને સંબોધતા રજની પટેલની ફાઇલ તસવીર
જો અધ્યક્ષ પણ પાટીદાર બને તો મુખ્યમંત્રી અને અધ્યક્ષ બંને માટે એક જ જ્ઞાતિ સમીકરણ?
જો ભાજપના ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો કાર્યકારી પ્રદેશ પ્રમુખને કાયમી પ્રદેશ પ્રમુખ બનાવે છે અને એવા કિસ્સામાં જો રજની પટેલની સંભવિત કાર્યકારી અધ્યક્ષમાંથી કાયમી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બંને પાટીદાર સમાજના જ થઈ શકે છે. આવા સંજોગોમાં એક જ જ્ઞાતિના બંને ટોચના નેતા ન રાખીને કાં તો પ્રદેશ અધ્યક્ષ અથવા તો મુખ્યમંત્રી એમ બંન્નેમાંથી કોઈ પણ એક નેતા માટે ભાજપ અલગ જ્ઞાતિ સમીકરણ સેટ કરી શકે છે કે કેમ એ સવાલ ઊભો થાય છે.
રજની પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર
કોણ છે રજની પટેલ?
રજની પટેલ બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય છે અને આનંદીબેન પટેલની સરકારમાં 22 મે, 2014થી 7 ઓગસ્ટ, 2016 સુધી ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં જ્યારે પાટીદાર આંદોલન ઉગ્ર બન્યું હતું એ સમયે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ પોતાના મત વિસ્તાર બેચરાજીમાં કોંગ્રેસના ભરતજી ઠાકોર સામે 14 હજાર કરતાં વધુ મતથી હાર્યા હતા.
પ્રદેશ પ્રમુખ માટે રજની પટેલ કેમ ફિટ બેસે છે?
પ્રદેશ પ્રમુખ માટે રજની પટેલ કેમ ફિટ બેસે છે તેની વાત કરીએ તો તેઓ તેમને સંગઠનની કામગીરીનો અનુભવ છે. કડવા પાટીદાર નેતા છે. નિર્વિવાદિત ચહેરો છે અને નમ્ર વ્યક્તિત્વ ધરાવે છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો ચહેરો પણ છે.
પાટીલના નામે બે ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલા છે
ગુજરાત ભાજપમાં જેના નામે બે ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલા છે તે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. PM મોદીની ગુડબુકમાં રહેલા સી.આર.પાટીલના કાર્યકાળમાં વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડીને 156 સીટ મેળવી હતી. વર્ષ 1980માં માધવસિંહ સોલંકીએ રેકોર્ડ બ્રેક 149 સીટ મેળવીને ઇતિહાસ રચ્યો હતો. તેમનો આ રેકોર્ડ પાટીલના કાર્યકાળ દરમિયાન તૂટ્યો.
બીજી તરફ પાટીલના નામે એક એવો પણ રેકોર્ડ છે જે ગુજરાતના રાજકારણમાં હંમેશાં યાદ રહેશે. 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પાટીલ તમામ 26 બેઠક પર જીત મેળવીને ભાજપની હેટ્રિક કરાવી ન શક્યા. ફક્ત એક બેઠક (બનાસકાંઠા) હારી જવાના કારણે ભાજપ આ રેકોર્ડ સર્જવાથી દૂર રહી ગયો.
સી.આર.પાટીલે 9મી જૂને કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા
સત્તાનાં સોગઠાં ગોઠવવામાં પાટીલ પાવરધા
સી.આર. પાટીલ પોતાના માઇક્રો મેનેજમેન્ટ માટે જાણીતા છે. ગમે તેવા કપરા સંજોગો હોય તેમ છતાં જીત કેવી રીતે મેળવવી તેની યોજના પાટીલ ઘડે છે. આ માટે કોઇ નેતાને પક્ષપલટો કરાવવાનો હોય તો પણ પાટીલ પાછા નથી પડતા. પક્ષમાં ક્યાંક આંતરિક વિરોધ હોય તો તેને કડક હાથે ડામવામાં પાટીલ ખચકાતા નથી.
પાટીલના કાર્યકાળમાં જ સૌથી વધુ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા બાદ અર્જુન મોઢવાડિયા, સી.જે.ચાવડા, અંબરિશ ડેર, હર્ષદ રિબડિયા, જવાહર ચાવડા, અશ્વિન કોટવાલ, ચિરાગ પટેલ, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
મૂળ મહારાષ્ટ્રના પાટીલનો ગુજરાતના રાજકારણમાં દબદબો
સી.આર.પાટીલ (ચંદ્રકાન્ત પાટીલ)નો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ, 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પિંપરી-અકારાઉત ખાતે થયો હતો. પાટીલે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રમાં લીધું અને આગળના અભ્યાસ માટે દક્ષિણ ગુજરાત આવ્યા. દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ સ્થળે શિક્ષણ લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં તેમણે અભ્યાસ કર્યો હતો. પોલીસમાં રહીને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી.
એક સમયે પાટીલે પોલીસ વિભાગ માટે યુનિયન બનાવ્યું હતું
વર્ષ 1975માં પોતાના પિતામાંથી પ્રેરણા લઇ પાટીલ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. પાટીલે પોલીસ વિભાગની નોકરીમાં અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કર્યો હતો. પોલીસ વિભાગને સંગઠિત કરવા માટે બનાવવામાં આવેલા યુનિયન માટે પાટીલ જાણીતા છે. પોલીસ કર્મચારીઓના પ્રશ્નો માટે તેમણે 1984માં પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. જે સરકારને ન ગમ્યું અને પાટીલને સસ્પેન્ડ કરાયા. જેના પછી પાટીલે પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી રાજકારણમાં એન્ટ્રી કરી.
2009થી 2024 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો
પાટીલ જ્યાંથી ચૂંટાયા તે નવસારી સીટ અસ્તિત્વમાં આવ્યા બાદ 2009માં પહેલીવાર લોકસભાની ચૂંટણી થઈ ત્યારથી જ ભાજપને અહીં જીત મળતી રહી છે. આ ચૂંટણીમાં આખા ગુજરાતમાંથી સૌથી વધુ મતની લીડ સી.આર.પાટીલને મળી છે. પાટીલ 7,73,551 મતે વિજેતા થયા છે. ફક્ત આ વખતે જ નહીં પરંતુ 2019ની ચૂંટણીમાં પણ પાટીલને સૌથી વધુ લીડ મળી હતી. 2019માં પાટીલ 6,89, 668 મતની લીડથી વિજેતા થયા હતા. 2009થી 2019 સુધીની ચૂંટણીમાં પાટીલની લીડમાં સતત વધારો થયો હતો.
ISO સર્ટિફિકેટવાળી પાટીલની ઓફિસ
1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે મળીને કામ કરતા હતા. ભાજપની સરકાર બન્યા બાદ 1995થી 1997 સુધી તેઓ GIDCના ચેરમેન બન્યા હતા. 1998થી 2000 સુધી GACLના ચેરમેન હતા. સુરતના કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે તેમને સારો ઘરોબો છે. તેઓ સુરત ભાજપના કોષાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમની સાંસદ તરીકેની ઓફિસને ISO સર્ટિફિકેટ મળેલું છે. આ ઓફિસ એકદમ કોર્પોરેટ સ્ટાઇલમાં ચાલે છે. અહીં આવતા દરેક મુલાકાતીની નોંધ થાય છે, તેમની ફરિયાદ નોંધાય છે. આટલું નહીં ફરિયાદ નોંધાયા બાદ તેનો ઉકેલ આવ્યો કે નહીં તેનું પણ ટ્રેકિંગ થાય છે.