GUJARATઅમરેલીગાંધીનગર

જિલ્લા કલેક્ટરશ્રીએ આવશ્યક સૂચનાઓ અને વિશેષ માર્ગદર્શન આપ્યા

કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક સંપન્નઃ

ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ સંદર્ભે અમરેલી જિલ્લા

કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક સંપન્નઃ

ચોમાસા પૂર્વે જરુરી તૈયારીઓ પૂર્ણ કરી તા.૦૧ જૂનથી

જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રુમ શરુ કરવામાં આવશે

ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડાની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી

માટે આગોતરું આયોજન અને વ્યવસ્થાઓ માટેની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે   

જિલ્લા કલેક્ટરશ્રીએ આવશ્યક સૂચનાઓ અને વિશેષ માર્ગદર્શન આપ્યા

અમરેલી તા. ૧૫ મે, ૨૦૨૪ (બુધવાર) ચોમાસા પૂર્વે (પ્રિ-મોન્સુન) તૈયારીઓના ભાગરુપે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરુરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા કક્ષાએથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અને જિલ્લા કક્ષાએ બેઠકમાં જોડાયેલા સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ વિભાગ મુજબ ચોમાસા દરમિયાન કરવાની કામગીરી અને તેની આગોતરી તૈયારીઓની સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીશ્રીઓની નિમણુક કરવામાં આવી છે. તાલુકા વહીવટીતંત્ર આ નોડલ અધિકારીશ્રીઓના માર્ગદર્શનમાં જરુરી કામગીરીઓ હાથ ધરશે.

      અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ કહ્યુ કે, આગામી તા.૦૧ જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરુમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરુરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વરત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે ઘટતું કરવાનું રહેશે.

    જિલ્લા કલેકટરશ્રીએ ઉમેર્યુ કે, દરેક તાલુકા કક્ષાએ સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર સહિતના વાહનો, ડ્રાઇવરના સંપર્ક નંબર સાથેની વિગતો અદ્યતન અને હાથવગી રાખવામાં આવે. સ્થળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્થળોનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે. આ પ્રકારની સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા કરવાની થાય તેવા સંજોગોમાં અગાઉથી જ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોની મદદ લેવા માટે જરુરી આયોજન અને તૈયારી કરવામાં આવે.

        જિલ્લાના તમામ કોઝ-વે પર પાણીનું માપ દર્શાવતા સાઇન બોર્ડ સુવાચ્ય હોય તે સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ. આ પ્રકારના કોઝ-વે પરથી પાણી ભરાયેલું હોય ત્યારે વાહન ચાલકો પસાર ન થાય તે માટે જરુરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે તે માટે વ્યવસ્થા કરવી. આ સાથે સંબંધિત વિભાગ હસ્તકના પુલ, કોઝ-વે, નાળાઓ હોય અને સમારકામની આવશ્યકતા હોય તો તે અંગેની વિગતો આગોતરી જ મેળવી તે માટે ઘટતું કરવા તેમણે સૂચનાઓ આપી હતી.

        જિલ્લાના તમામ ડેમ ખાતેના વાયરલેસ સહિતના દુરસંચારના ઉપકરણો કાર્યરત હોય, ડેમ સુધી જવાના માર્ગો કાર્યરત હોય તેની ચકાસણી કરવી અને આવશ્યકતા જણાય તે તમામ બાબતોમાં ઘટતું કરવા તેમણે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર સહિતની કામગીરી અગાઉથી જ કરવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ.

        પીવાના પાણીના વિતરણ પૂર્વે ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન થાય તે કાળજી રાખવા સૂચના આપી હતી. વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વરત થઇ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજતંત્રને સૂચના આપવામાં આવી હતી. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, જરુરી સફાઈ વ્યવસ્થા, દવા છંટકાવ તેમજ અગ્નિશમનના સાધનો કાર્યરત કરી દેવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.

        જિલ્લાના દરિયાકાંઠેથી ચોમાસામાં માછીમારી માટે કોઈ બોટ રવાના ન થાય તે માટે મત્યસ્યોદ્યોગ અને તેને લગતી કચેરીઓને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ સાથે વિગતો બાબતે યોગ્ય રીતે સંકલન અને પ્રત્યાયન કરવામાં આવે તે માટે તૈયારી કરવા જણાવ્યુ હતુ.

        ખેતીવાડી તેમજ બાગાયત કચેરીને પાક નુકસાનીના કિસ્સામાં સમયમર્યાદામાં અને તાત્કાલિક રીતે સર્વે કામગીરી પૂર્ણ કરી જરુરી વિગતો પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. સંબંધિત સર્વે ટીમની રચના અને તેની રૂટ અને ઝોન મુજબની આગોતરી કરવા તમામ તાલુકા કક્ષાની ટીમોને સૂચના આપવામાં આવી હતી. આપત્તિની સ્થિતિ હોય ત્યારે પોલીસ ઉપસ્થિત રહી શકે તે માટે પોલીસ કચેરી સાથે જરુરી સંકલન કરવુ, યોગ્ય અને ઉચિત્ત પગલાઓ ભરવા, પોલીસ વિભાગના કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે સંકલન થઇ રહે તે માટે ઘટતું કરવા સૂચના આપી હતી. વન વિભાગ હસ્તકના માર્ગો ભારે વરસાદ બાદ પૂર્વરત થઇ શકે તે માટે જરુરી તૈયારીઓ કરવા વિશેની વિગતો કલેકટરશ્રીએ મેળવી હતી. જીવ-જંતુ કરડવાની ઘટના બને તો તેવા કિસ્સાઓમાં નાગરિકોને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે સંકલન કરવા તેમણે જણાવ્યુ હતુ.

         રાજ્ય અને પંચાયત માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગોની હસ્તકના માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા બાદ જેટલા માર્ગો પૂર્વરત કરવામાં આવે અને તે અંગેની વિગતો જિલ્લાકક્ષા અને નાગરિકોને સમયસર પહોંચાડવામાં આવે તે જોવા કલેક્ટરશ્રીએ કહ્યુ હતુ. જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્યલક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો, મેડિકલ ટીમને તાલીમ આપવી, મેડિકલ કિટ સહિતની તૈયારીઓ અને મેડિકલ ટીમને જે-તે સ્થળ પર સમયસર પહોંચાડવા માટેનું આયોજન કરવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી.

       આપત્તિની સ્થિતિ હોય ત્યારે મીઠાના અગરિયા સહિત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોને રક્ષણ મળી રહે અને તેમની કાળજી લેવામાં આવે તે માટે કામદારો-શ્રમિકોના નામ, તેમના સંપર્ક નંબર, શ્રમિકની કામગીરી સાથે જોડાયેલા માલિકોનો નામ-સંપર્ક નંબરની યાદી તૈયાર કરી તાલુકા-જિલ્લા કંટ્રોલ રૂમ પર હાથવગી રાખવા સૂચના આપવામાં આવી હતી.

        જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત ઈમારતો, ટાવરો સહિતની બાબતોનો સર્વે કરવો, જોખમી હોય તેવી ઈમારતો, ટાવરને ધરાશાયી કરવાની સ્થિતિ આવે તો તે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ-વડાઓને ઘટતું કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ વિશેષ સૂચના આપી હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર શાળા, આંગણવાડી સહિતના સ્થળો પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહે તે અગાઉથી સુનિશ્ચિત કરવા બાબતે ઘટતું થાય તે જોવા કલેકટરશ્રીએ, આઈ.સી.ડી.એસ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને સૂચના આપી હતી.

       જિલ્લાના પર્યટન સ્થળો કે નદી, ડેમ જેવા સ્થળો પર નાગરિકો પાણીમાં નહાવા ન જાય તે માટે વાંચી શકાય તે રીતે આવશ્યક બોર્ડ લગાડવામાં આવે અને તકેદારીના યોગ્ય પગલા ભરવામાં આવે તે માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને અમરેલી જિલ્લાના બંદર જાફરાબાદ અને દરિયામાં આવેલા ટાપુ શિયાળબેટ  એ ભૌગોલિક વિશેષતા ધરાવતું સ્થળ હોય તે સ્થળ માટે વિશેષ કાળજીઓ, આયોજન અને વ્યવસ્થાઓ થાય તે માટે ઘટતું કરવા જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. શિયાળબેટ પર સગર્ભા મહિલાઓ માટે દવાઓ તેમજ તેમને પ્રસુતિ માટે સ્થળાંતરીત કરવાની સ્થિતિ માટે વિશેષ તૈયારી કરવા સૂચના આપવામાં આવી હતી.

       બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા અને નિવાસ અધિક કલેક્ટરશ્રી ગોહિલે સંબંધિત વિભાગોને ચોમાસા પૂર્વે કરવાની થતી કામગીરીનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ તેમજ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ તેમના વિભાગે કરવાની થતી કામગીરી તેમજ કંટ્રોલરુમ સંબંધિત કામગીરીનું યોગ્ય આયોજન અને અમલીકરણ કરવા માટે સૂચનાઓ આપી હતી.

    આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

  • Mr Rakesh Chavda
  • Editer & Chef 
  • TEAM _ ACNG TV

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!