GUJARAT

રાજ્યના મુખ્યમંત્રી આજે દેવભૂમિની મુલાકાતે: CM ભુપેન્દ્ર પટેલે પૂરની પરિસ્થિતિ અંગે હવાઈ નિરીક્ષણ કર્યું; તંત્ર સાથે ચર્ચા-વિચારણાઓ કરી – Dwarka News


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ ભારે હાલાકી ભર્યો માહોલ સર્જી દીધો છે. જેમાં ખાસ કરીને દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકાની હાલત કફોડી બની ગઈ છે. કલ્યાણપુર તાલુકામાં ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે એન.ડી.આર.એફ.ની ટીમ તથા હેલિકોપ્ટર

.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે. મુખ્યમંત્રીએ દ્વારકા, કલ્યાણપુર સહિતના જે વિસ્તારોમાં અસાધારણ વરસાદ પડ્યો છે તે વિસ્તારોમાં લેવાયેલા પગલાઓ અને હજુ આગામી દિવસોમાં માલ મિલકતને વધુ નુકશાન ન થાય તે માટે તંત્રની સુસજ્જતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને રાજ્ય સરકાર અસરગ્રસ્તોની સાથે છે તેવો અહેસાસ પૂરો પાડવા સૂચનો કર્યા હતા. આ વિસ્તારોમાં પાણી ઓસરતાં જ જરૂરી સર્વે કરવા અંગે પણ તેમણે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટર જી.ટી.પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ 769 મીમી છે તેની સામે છેલ્લા પાંચ છ દિવસમાં 980 મીમી સરેરાશ વરસાદ એટલે કે 31 ઇંચની સરેરાશ સામે 50 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસાદની સ્થિતિમાં આગોતરા આયોજન અને ત્વરિત પગલાંને કારણે પાણીમાં ફસાયેલા 23 જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. અસરગ્રસ્તોના શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ જિલ્લામાં માર્ગ અને પરિવહન સેવા જ્યાં પ્રભાવિત થઈ છે ત્યાં અગ્રતાના ધોરણે મરામત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી હતી.

મુખ્યમંત્રીની બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ પદાધિકારીઓ, ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!