GUJARAT

અલ્ટોએ સ્કૂટરચાલકને ઉછાળ્યો: પાવાગઢ નજીક અલ્ટો અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં સ્કૂટરચાલકનું ઘટનાસ્થળે મોત; ડેરોલગામના મિત્રો જન્મદિવસ ઉજવી પરત ફરી રહ્યા હતા – Halol News


પાવાગઢ-બોડેલી રોડ ઉપર સ્ટેટ હાઇવેનો માર્ગ પહોળો કરવાની ચાલી રહેલી કામગીરીમાં છાજ દિવાળી પાસે બનાવમાં આવેલું બોક્સ કનવર્ઝન ઉતાવળે શરૂ કરી દેવાતા વાહનચાલકો માટે ઘાતક બની ગયું છે, નજીકના દિવસોમાં અહીં ચારથી વધારે અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા

.

કાલોલ તાલુકાના ડેરોલગામના મિત્રો જન્મ દિવસની ઉજવણી કરવા શિવરજપુર નજીક ભાટ ગામે આવેલા દેશી ઢાબાઓ ઉપર જમવા માટે ગયા હતા. જેઓ રાત્રે તેમની મોટર સાયકલ અને સ્કૂટર ઉપર ડેરોલગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે છાજ દિવાળી પાસે નવા બનાવવમાં આવેલા બોક્સ કનવર્ઝન ઉપર પાવાગઢ તરફથી આવતી એક અલ્ટો કારચાલકે સ્કૂટર ઉપર સવાર ડેરોલગામના રાજેશભાઈ પૂનમચંદ સોની અને રુદ્રભાઈ ઉપેન્દ્રભાઈ પારેખને અડફેટે લઈ રોડ ઉપર ઉછાળી દેતા અકસ્માત સર્જાયો હતો. પાછળ મોટરસાયકલ ઉપર આવી રહેલા અન્ય બે મિત્રો ત્યાં ઉભા રહી ગયા હતા.

અલ્ટો કારચાલક વડોદરાનો હતો અને પરિવાર સાથે બોડેલી તરફ જઇ રહ્યો હતો, અકસ્માતમાં સ્કૂટરચાલક રાજેશભાઈ સોનીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા રુદ્રભાઈ ઉપેન્દ્રભાઈ પારેખને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે રાત્રે હાલોલની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારચાલકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી પોતાની કાર પાવાગઢ પોલીસ મથકે મૂકી સારવાર કરાવવા ગયો હતો.

હાલોલ-બોડેલી નેશનલ હાઇવે ઉપર પાવાગઢની આજુબાજુનો આઠ કિલોમીટર જેટલો વિસ્તાર હાઈવે ઓથોરિટી પાસે છે, જેને ફોરલેન કરવા માટેની હાલ કામગીરી કરવામાં આવી રહી છે. આ રસ્તામાં આવતા નાળાઓ ઉપર બોક્સ કનવર્ઝન બનાવવમાં આવ્યા છે, ચોમાસા પહેલા ત્યાં આપવામાં આવેલા ડાયવર્ઝન બંધ કરી નાળાની આજુબાજુના રોડનું કામ કર્યા વગર વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આ નાળા ઉપર અકસ્માતો થઈ રહ્યા છે. છેલ્લા દસેક દિવસમાં જ ચારેક જેટલા અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા કોન્ટ્રાક્ટરને સુચના આપી અહીં કામગીરી પૂર્ણ કરાવી સ્પીડ બ્રેકર મૂકી વધુ અકસ્માતો રોકવા સૂચન બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે.

મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા ડેરોલગામથી ભાટ ગયેલા ચાર મિત્રો પરત ફરી રહ્યા હતા. ત્યારે એક મિત્રનું અકસ્માતમાં મોત થતા મોડી રાત્રે તેઓના પરિવારજનો ડેરોલગામથી હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આજે સવારે પોલીસે પંચનામું કરી મૃતકના મૃતદેહને પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!