GUJARAT

બિસ્માર રોડ મુદ્દે AMCએ હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી: કોર્ટની ટકોર- AMCના અધિકારીઓને પગાર સમયસર મળે છે તો કામ પણ સતત થતું રહેવું જોઇએ – Ahmedabad News

અમદાવાદના બિસ્માર રોડ-રસ્તા, પાર્કિંગ-ટ્રાફિક અને રખડતાં ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટના ગત આદેશ મુદબ AMCએ રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ એફિડેવિટ ઉપર મૂકી હતી. આ એફિડેવિટ અરજદારને આજે

.

અધિકારીઓને પગાર સમયસર મળે છે તો કામ સતત થવું જોઇએ
જોકે, AMCએ કોર્ટને જણાવ્યું હતું કે, શહેરમાં ખરાબ રસ્તાઓ મુદ્દે ફક્ત એક જ જગ્યાએ કામ ચાલુ છે. બીજી જગ્યાઓએ કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. કોર્ટે ટકોર કરી હતી કે, AMCના અધિકારીઓને પગાર સમયસર મળે છે તો કામ ઓન સતત થતું રહેવું જોઇએ. AMCએ કહ્યું હતું કે, વર્ષ 2023ના ચોમાસા કરતા આ વખતે વધુ સારું કામ થયું છે. કોર્ટે AMCને કહ્યું હતું કે, ચાર ઈંચ સરેરાશ વરસાદમાં શહેરના લોકો હેરાન થઈ જાય છે. દિવસમાં 20 ઈંચ વરસાદ વરસ્યો હોય તો સમસ્યાઓ સર્જાય તે સમજી શકાય છે.

AMCએ રોડ રીપરનો પ્લાન પણ બનાવ્યો છે
AMCએ જણાવ્યું હતું કે, રોડ બનાવાનો, તેનું રીપેરિંગ અને ખાડાઓ પૂરવાનું કામ કોન્ટ્રાક્ટ દ્વારા જ કરાય છે. દરેક રોડ બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ટેન્ડરની શરતો મુજબ રોડ બને છે. રોડની બનાવટના નિરીક્ષણ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની હાયર કરવામાં આવે છે. ઉપરાંત AMCના અધિકારીઓ પણ ક્રોસ ચેક કરતા હોય છે. દર વર્ષે આવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એકચ્યુઅલ કોસ્ટ મુજબ કિંમત ચૂકવાય છે. 18 મીટર કે તેનાથી વધુ પહોળા રોડ માટે કોન્ટ્રાક્ટરની ડિફેક્ટ લાઇબિલિટી જવાબદારી 5 વર્ષ માટેની હોય છે, અન્ય રોડ માટે 3 વર્ષની હોય છે. રોડની ડિઝાઇન AMC બનાવે છે. AMCએ રોડ રીપરનો પ્લાન પણ બનાવ્યો છે. હવે કોર્ટ AMCએ આપેલ એફિડેવિટ પણ જોશે.

ઓથોરિટીએ કામ કર્યું છે પણ તેનું ફોલોઅપ નથી કર્યું
રખડતાં ઢોર મુદ્દે અરજદારે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા અને નગરપાલિકાની CNCDની ટીમ ઢોર પકડવા જાય ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવે છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, વડોદરામાં હુમલો થયો હતો, અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માથામાં લોખંડનો સળિયો માર્યો હતો. જો ઢોર માલિકો આ પ્રક્રિયામાં સહકાર આપે તો કામ વધુ ઝડપી અને સરળતાથી થાય. આ મુદ્દે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. અગાઉની સુનવણીમાં અરજદારે જણાવ્યું હતું કે, ઢોરનો ત્રાસ ઓછો થયો છે, પણ ટ્રાફિક સમસ્યા અને ફૂટપાથ ઉપરથી દબાણ દૂર થયા નથી. આગાઉ ટ્રાફિક અને દબાણ મુદ્દે અમદાવાદના પાંચ રસ્તા ઉપર અખતરો કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં જે હતી તેવી સ્થિતિ થઈ ગઈ છે. મોટા જંકશન ઉપર હાલમાં પણ ટ્રાફિક જોવા મળે છે. ઓથોરિટીએ કામ કર્યું છે પણ તેનું ફોલોઅપ નથી કર્યું.

ઓથોરિટી તેની ફરજ નહિ નિભાવે તો કોર્ટ આદેશ આપશે
આ કેસ નવી બેન્ચ સામે પ્રસ્તુત થયો હોવાથી અરજદારે અગાઉના કોર્ટના નિરીક્ષણો ટાંક્યા હતા. જેમાં જણાવાયું હતું કે રોડ બનાવતી વખતે અને રિસર્ફેસિંગ કરતી વખતે નિરીક્ષણ કરવામાં આવતું નથી. એટલે પ્રજાના પૈસા પાણીમાં જાય છે. ખરાબ રોડ પાછળ ભ્રષ્ટાચાર અને નેપોટીઝમ પણ જવાબદાર છે. ઓફિસરોએ એક્ટિવ થવું જરૂરી છે. કર ભરનારને સારી સુવિધાઓ આપવી જોઈએ. રોડ બનાવવા હલકું મટીરીયલ વપરાય છે અને ભુવા પડે છે. લોકલ ઓથોરિટીનું કામ લોકોને સુવિધા પૂરી પાડવાનું છે, અમુક લોકોને રોજગારી આપવાનું નથી. બંધારણ લોકોને સારું જીવન જીવવાનો હકક આપે છે. ઓથોરિટી તેની ફરજ નહિ નિભાવે તો કોર્ટ આદેશ આપશે.

રોડ ઉપર પાણી ભરાવાથી રસ્તા ખરાબ થાય છે
અરજદારે જણાવ્યું હતું કે, AMCનો પ્રી-મોન્સુન પ્લાન કાગળ ઉપર જ હોય છે. વરસાદમાં નાગરિકો હેરાન થાય છે. પહેલાંના સમયમાં ચોમાસા પહેલાં ડ્રેનેજ સાફ થતી હતી. હવે રોડ ઉપર પાણી ભરાવાથી રસ્તા ખરાબ થાય છે. કોર્ટે AMCને પૂછ્યું હતું કે, રોડના નિરીક્ષણ માટે એન્જિનિયર રાખો છો કે થર્ડ પાર્ટી નિરીક્ષણ કરાવવામાં આવે છે? AMCએ જણાવ્યું હતું કે, દર વર્ષે એપ્રિલ મહિના બાદ રોડ અને ગટરને લગતા કામ કરવામાં આવે છે. ખાડા પૂરવામાં આવે છે અને રોડ રીસરફેસ કરાય છે. ચાલુ ચોમાસામાં રોડ ઉપર ખાડાને લગતા 5463 ફોન આવ્યા હતા. જેમાંથી ફક્ત 82 ખાડા પૂરવાના બાકી છે. 24 કલાકમાં તેનો નિકાલ કરાય તેવા AMCના પ્રયત્નો હોય છે.

તમારા એન્જિનિયર શું કરે છે?
AMCએ જણાવ્યું હતું કે, શેલામાં પડેલા ભુઓ પણ પૂરી દેવામાં આવ્યો છે. તે રોડ ઉપર ટ્રાફિક પણ શરૂ થઈ ગયો છે. પણ અહીં AMC ભરાઈ ગયું હતું. કારણે કે કોર્ટે કહ્યું હતું કે, આ વાત ખોટી છે. ત્યાં રોડ ઉપર વાહનોની અવર જવર શરૂ થઈ નથી. જેથી એક જ બાજુનો રસ્તો ખુલ્લો હોવાનું AMCએ સ્વીકાર્યું હતું. કોર્ટે પૂછ્યું હતું કે, તમે જલ્દી ખાડા ભરો છો પણ ખાડા પડે છે કેમ? તમારી પાસે એન્જિનિયર હોવા છતાં થર્ડ પાર્ટી ટેન્ડર આપીને રોડ બનાવાય છે. તમારા એન્જિનિયર શું કરે છે? AMCએ જણાવ્યું હતું કે, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ કામ કરે જ છે અને રોડ બનાવતા નિરીક્ષણ પણ કરે છે. વળી નિયમો મુજબ મોટા કામમાં પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ કંપની પણ રાખવી પડે છે. કેટલાય કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરાયા છે. રોડ બન્યા બાદ 3થી 5 વર્ષ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે. તેમ છતાં સુધારાની શક્યતાઓ દરેક સ્ટેજ ઉપર હોય છે.

ડ્રેનેજ લાઈનમાં લીકેજ હોવાથી ભુવા પડે છે
ખૂબ વરસાદ આવે ત્યારે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. જે સંદર્ભે કોર્ટે કટાક્ષ કર્યો હતો કે 2 મિમિ વરસાદ પણ AMC માટે ભારે વરસાદ કહેવાય છે. કોર્ટે AMCને આદેશ કર્યો હતો કે, અરજદારે અમદાવાદના રોડની સ્થિતિ અંગે ફાઈલ કરેલ એફિડેવિટનો AMC જવાબ આપે અને કયા પગલાં લીધા તે પણ જણાવે. રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ મૂકે. કોર્ટે નોંધ્યું હતું રોડ બનાવીને તુરંત બીજા કામ માટે તેને તોડવામાં આવે છે. ડ્રેનેજ લાઈનમાં લીકેજ હોવાથી ભુવા પડે છે.

AMCને દર વખતે મોકો આપી શકાય નહિ
અરજદારે કોર્ટને સુપ્રીમ કોર્ટના આદેશ અંગે જણાવ્યું હતું કે, કોર્ટ લોકશાહીનો ત્રીજો અને મધ્ય સ્તંભ છે. તેના આદેશોનું પાલન થવું જ જોઈએ. AMCને દર વખતે મોકો આપી શકાય નહિ. પાર્કિંગ પોલિસી પણ બની હોવા છતાં તેનો અમલ કરાયો નથી. પાર્કિંગ પોલિસીમાં ટ્રાફિક પોલીસની મોટી ભૂમિકા છે. કોર્ટે કહ્યું હતું કે, તે એક પછી એક મુદ્દા હાથ ઉપર લેશે. આવતી મુદતે AMCના જવાબ બાદ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસેથી કોર્ટે આ કેસ સંદર્ભે જે રિપોર્ટ બનાવડાવ્યા છે તેને જોવામાં આવશે. અંતે આ કેસમાં રખડતાં ઢોર અંગે માલધારી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ઢોર પકડવામાં એક હજાર કરતાં વધુ પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. ઓથોરિટી રસ્તા પર રખડતાં નહિ પરંતુ ઘરમાં બાંધેલા પ્રાણીઓ પણ લઈ જાય છે. ઘર માલિકીનું ના હોય તો પણ ઓથોરિટી ઢોર લઈ જાય છે. તેમને ઘર માલિક સાથે શું લેવા દેવા? અમે અમારા કુબ્જાના પશુઓ માટે અહી રજૂઆત કરીએ છીએ નહિ કે રખડતાં પશુઓ માટે. અમદાવાદમાં માલધારીઓ વર્ષોથી રહે છે.

પશુઓને રાખવા સરકાર અડધી કિંમતે જમીન ફાળવે
માલધારીઓએ ભેગા મળીને પશુઓના વ્યવસ્થાપન માટે એક સમિતિ બનાવી છે. જે માલધારીઓમાં જાગરૂકતા લાવશે. અમારી કેટલાક સૂચનો અમદાવાદ મેયર અને મુખ્યમંત્રીને મોકલ્યા છે. જેમાં માલધારીઓએ પશુઓ માલિકીની જગ્યામાં રાખ્યા હોય તો તેમને હેરાન ના કરાય, ખુલ્લામાં રાખ્યા હોય તો પહેલાં તેમને નોટિસ આપવામાં આવે, શહેરની બહારથી ઘાસચારો લાવતા રોકવામાં આવે નહિ, બ્રીડિંગ માટે પશુઓને લઈ જવાતા હોય તો રોકાય નહિ, બચ્ચા વાળા પશુઓને દંડ કરીને છોડી મુકાય, પશુઓ પકડવા આવતા ઓથોરિટી બાઉન્સર ના રાખે, અયોગ્ય શબ્દો વાપરે નહિ, પશુઓને ચીપ ગળામાં નહિ પણ કાનમાં લગાવે, દરેક વોર્ડમાં દંડ ભરવાની સવલતો ઊભી કરાય, પશુઓ માટે ઘાંસની વ્યવસ્થા કરવામાં આવે, તેમના માટે દવાખાના અને દૂધ ભરવા વેચાણ કેન્દ્ર ઊભા કરાય, પશુઓને રાખવા એક અલગ ઝોન બનાવી સરકાર અડધી કિંમતે જમીન ફાળવે.

પશુ વાડામાં પશુઓનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે
માલધારી સમાજની ઉપરોક્ત રજૂઆતો સાંભળીને કોર્ટે કટાક્ષ કર્યો હતો કે, માલધારીઓએ ઉપરોક્ત રજૂઆતોમાં એવી બાહેંધરી કેમ નથી આપી કે પશુ પકડવા આવતા ઓથોરિટીના કર્મચારીઓ ઉપર તેઓ હુમલો કરશે નહિ? તાજેતરમાં જ વડોદરામાં એક ખરાબ બનાવ બન્યો છે. AMC એ જણાવ્યું હતું કે તેના એક Dymc ઉપર હુમલો થતાં તેને બે અઠવાડિયા હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. વળી માલધારી સમાજના વકીલ 8 મહિના જૂની એફિડેવિટને આધારે પશુઓ મર્યા હોવાની વાતો કરી રહ્યા છે. પશુ વાડામાં પશુઓનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. માલધારી સમાજના વકીલ તે જોવા આવવા માંગતા હોય તો અમે તૈયાર છીએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!