GUJARAT

RMCની જાદુઈ વોકળા સફાઈ: રાજકોટમાં 50 લાખથી વધુનો ખર્ચ પાણીમાં, મોટા ભાગના સ્થળે ગંદકીના ગંજ, અમુક ઠેકાણે તો વોકળા શોધવા પડે! – Rajkot News


રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત 44 જેટલા વોકળાની સફાઈ કરવામાં આવી હતી. આ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. જોકે, ચોમાસુ શરૂ થયા બાદ સામાન્ય વરસાદમાં પાણી ભરાતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે દિવ્યભાસ્ક

.

રાજકોટને ડૂબતું બચાવતાં વોકળામાં ગંદકી દેખાઈ
દિવ્યભાસ્કરની ટીમ દ્વારા રાજકોટ શહેરના એરપોર્ટ રોડ ભોમેશ્વર નજીકના બે વોકળા, ગૌરેશ્વર મહાદેવ મંદિર નજીકનાં બે વોકળા, પોપટપરા નાલાની બાજુનો વોકળો ગાયકવાડી જુણેજા ચોક વોકળો, જંક્શન ગીતામંદિર ચોક વોકળો, સદર બજાર વોકળો, એસ્ટ્રોન રોડ તરફથી સર્વેશ્વર ચોક તરફ જતો વોકળો અને વિરાણી હાઈસ્કૂલ નજીકનાં વોકળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં એરપોર્ટ રોડના બંને વોકળા તેમજ વિરાણી ચોક સિવાય તમામ વોકળામાં ગંદકીનાં ગંજ જોવા મળ્યા હતા. જેમાં પણ જુનેજા ચોક અને સદર જેવા વોકળા તો જાણે બંધ કરી દેવામાં આવ્યા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

ગૌરેશ્વર મહાદેવ મંદિર નજીકનાં વોકળા

પોપટપરા નાલામાં ગંદકીના ગંજ ખડકાયા
રાજકોટમાં પાણી ભરાઈ જવાની સૌથી વધુ ફરિયાદો પોપટપરા નાલામાં આવે છે. થોડો વરસાદ પડતા આ નાલું ભરાઈ જવાને કારણે પોપટપરા અને રેલનગરનાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ આ નાલાની સફાઈ પણ મનપાની ટીમો દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ નાલાની બાજુમાં આવેલા વોકળામાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળ્યા હતા. આ વોકળામાંથી પાણી પસાર નહીં થવાને કારણે પણ નાલામાં પાણી ભરાઈ શકે છે. જોકે, નાલાની સફાઈ કરવા આવેલી ટીમ કદાચ તેને અડીને આવેલા વોકળાની સફાઈ કરવાનું ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

પોપટપરા નાલાની બાજુનો વોકળો

પોપટપરા નાલાની બાજુનો વોકળો

10 વોકળા તપાસ્યા માત્રમાં સાફસફાઈ દેખાઈ!
રાજકોટમાં નાના-મોટા મળી કુલ 44 જેટલા વોકળાઓ આવેલા છે. જે પૈકીનાં 10 વોકળાઓની સ્થળ મુલાકાત કરતા માત્ર બે વોકળા સાફ થયેલા જોવા મળ્યા હતા. તો બાકીના વોકળામાં વિવિધ પ્રકારની ગંદકી જોવા મળતાં વોકળા સફાઈ માટે મનપા દ્વારા કરવામાં આવેલો રૂ. 50 લાખથી વધુનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીનો રિપોર્ટ, ખાસ કરીને વોકળા સફાઇના નામે જે નાટક કરવામા આવે છે, તેનો પ્રથમ વરસાદમાં જ પરપોટો ફૂટી જાય છે. આ વખતે પણ ફરી એકવાર આવું જ થયું છે. જેને લઈને મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

ગાયકવાડી જુણેજા ચોક વોકળો

ગાયકવાડી જુણેજા ચોક વોકળો

ચોમાસામાં વોકળાની સફાઈ કામગીરી ચાલશે!
મનપાનાં રિપોર્ટમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 40 વોકળા સંપૂર્ણપણે સાફ થઇ ચુક્યા છે. દરરોજના બે જેસીબી અને 37 જણાના સ્ટાફને કામે લગાડવામાં આવ્યા છે. અને બાકીના વોકળાની સફાઈ કામગીરી ચોમાસા દરમિયાન પણ ચાલુ રાખવામાં આવનાર છે. તેમજ અત્યાર સુધીમાં નાના-મોટા 40 જેટલા વોકળા સાફ કરવામાં આવતા તેમાંથી 5000 ટનથી વધુ કચરો નીકળ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ માટે દરરોજ પ્રેસનોટ જાહેર કરી વાહવાહી પણ લૂંટવામાં આવી હતી. જોકે, દિવ્યભાસ્કરનાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ દાવાઓ પોકળ સાબિત થયા છે.

જંકશન ગીતામંદિર ચોક વોકળો

જંકશન ગીતામંદિર ચોક વોકળો

ઝોનવાઇઝ વોકળા સફાઈ માટેની કામગીરીનો દાવો
આ અંગે મનપાનાં નવનિયુક્ત કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ માટે અનેક વોકળા શહેરનાં તમામ વિસ્તારોમાં આવેલા છે. ચોમાસા પહેલા જ દરેક ઝોનવાઇઝ વોકળા સફાઈ માટેની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ચોમાસા દરમિયાન હાલમાં પણ વોકળાઓની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે જેસીબી અને ડમ્પરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં મશીનરીને અંદર ઉતારી સફાઈ કરવામાં આવી રહી છે.

સદર બજાર વોકળો

સદર બજાર વોકળો

ત્રણેય ઝોનમાં 10થી 15 સફાઈકર્મીઓ પાસે વોકળા સફાઈ
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટનાં ત્રણેય ઝોનમાં 10થી 15 જેટલા સફાઈકર્મીઓ પાસે વોકળા સફાઈ કરાવવામાં આવી રહી છે. જોકે, વોકળાઓની લંબાઈ ઘણી વધારે છે. અને ગંદકીનું પ્રમાણ પણ ઘણું વધારે છે. તેમજ સફાઈ કર્યા બાદ પણ સ્થાનિકો તેમાં ગંદકી ફેંકી દેતા હોવાને કારણે સમસ્યાનો સંપૂર્ણપણે ઉકેલ આવતો નથી. જેને કારણે સમગ્ર વોકળાની સફાઈ એકસાથે થઈ જાય અને ફરી તેમાં ગંદકી ન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમુક ઝોનમાં જેસીબી તેમજ ડમ્પર સિવાયની મશીનરી દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે.

એસ્ટ્રોન રોડથી સર્વેશ્વર ચોક તરફ જતો વોકળો

એસ્ટ્રોન રોડથી સર્વેશ્વર ચોક તરફ જતો વોકળો

પોશ વિસ્તારના વોકળા મનપાએ ચોખ્ખા ચણાક કર્યા!
ઉલ્લેખનીય છે કે, આ વખતે ટીઆરપી કાંડ બાદ આખું મનપા તંત્ર ફાયર સેફ્ટીના સર્વેમાં ધંધે લાગ્યું હતું અને પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર દેખાડી દેવામાં આવી હતી. પરિણામે એક ઝાપટું પડે ત્યાં વોકળાની ગંદકી સપાટી પર આવી જાય છે. જોકે, દિવ્યભાસ્કરની ટીમ દ્વારા 10 જેટલા વોકળાની રૂબરૂ તપાસ કરવામાં આવતા મનપાની વોકળામાં સફાઇની કામગીરીમાં પોલમપોલ જ હોવાનું સામે આવ્યું છે. જોકે, પોશ વિસ્તારમાં આવેલા અમુક વોકળા મનપાએ ચોખ્ખા ચણાક કરી દીધા છે. તો આવી જ રીતે તમામ વોકળાની સફાઈ થાય અને લોકો પણ પોતાની જવાબદારી સમજીને તેમાં કચરો ન ઠાલવે તે જરૂરી છે. જો આમ થશે તો ભારે વરસાદમાં પાણી ભરાશે તો પણ તેનો ઝડપથી નિકાલ થશે.

ભોમેશ્વર નજીકના વોકળા

ભોમેશ્વર નજીકના વોકળા



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!