પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજનાનો
લાભ મેળવવા માટે ખેડૂતોએ ત્રણ વિગત અપડેટ કરાવવી જરુરી
અમરેલી તા.૧૭ મે, ૨૦૨૪ (શુક્રવાર) અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ(પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રુ. ૬,૦૦૦ (ત્રણ સમાન હપ્તામાં) સહાય તેમના ખાતામાં-ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડી.બી.ટી.)થી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પોતાના પી.એમ.કિસાન ખાતામાં ત્રણ વિગતો અદ્યતન કરવી જરુરી છે, જેમાં (૧) લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવી, (૨) બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ કરાવવું અને (૩) ઈ-કે.વાય.સી. કરાવવું. જે ખેડૂતોને પી.એમ.કિસાનની સહાય મળતી બંધ થઇ ગઈ હોઈ તેમણે ઉપર જણાવેલ ત્રણ વિગત અપડેટેડ છે કે નહિ તે ચેક કરવાનું રહે છે. લાભ મેળવતા ખેડૂતે પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને આ વિગતો ચેક કરી લેવાની રહે છે અથવા આ માટે ગ્રામપંચાયતના વી.સી.ઇ. મારફત અથવા ગ્રામસેવકની સહાય મેળવી તેમના મારફત આ વિગતો ચેક કરાવી શકાય છે.
જો ઉપરોક્ત ત્રણ વિગતની સામે “NO”/”REJECTED”બતાવે તો લેન્ડ સીડિંગ(જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે આપની તાલુકા પંચાયતનો સંપર્ક કરવો. બેંક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડી.બી.ટી. ઇનેબલ માટે આપનું બેંક ખાતું હોઈ તે બેંકનો સંપર્ક કરી શકાશે અથવા આપની નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફીસ) નો સંપર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવી શકાશે. ઇ-કે.વાય.સી. કરાવવા માટે જે-તે ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવો અથવા આપના ગામના વી.સી.ઇ.નો સંપર્ક કરીને આ વિગતો અદ્યતન કરી શકાશે.
આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રુબરુ હાજરી જરુરી રહેશે. આ અંગેની વધુ વિગતો માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી અને વિસ્તરણ અધિકારીશ્રી(ખેતી)નો અથવા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વી.સી.ઇ.અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
- Mr Rakesh Chavda
- Chef & Editer
- ACNG TV TEAM