ખરાબ રોડ રસ્તાનો વિરોધ: વાપીમાં માર્ગોની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન, ઇન્ડિયા ગઠબંધન દ્વારા આવેદનપત્ર આપી ખાડા પૂજન કરાયું – Valsad News
વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ સમગ્ર જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી છે. વાપી તાલુકા અને શહેરમાં કુલ 2714 MM વરસાદ નોંધાયો છે. જેને લઈને વાપી શહેરના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે. જેથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાપીના તમામ મુખ્ય
.
વાપી તાલુકા અને વાપી શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2714 MM વરસાદ પડી ચુક્યો છે. વાપી શહેરમાં પડેલા વરસાદને લઈને વાપી નગર પાલિકા વિસ્તારના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે. વાપી નગર પાલિકાના તમામ વોર્ડમાં ખાડાનું સામ્રાજ્ય બની ગયું છે. તહેતારમાં મળેલી સામાન્ય સભામાં નગર પાલિકાના વિપક્ષના સભ્યોએ વાપી શહેરમાં પડેલા ખાડાઓને લઈને વિરોધ નોંધાવી ચૂકયા છે. તેમજ વાપી નગર પાલિકાના વિપક્ષના સભ્યોએ ખાડામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છતાં પાલિકાના સંચાલકોની આંખ ઉઘડતી નથી. વાપી શહેરના મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડા દૂર કરવા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને શુક્રવારના રોજ ફરી વિરોધ પક્ષ અને આમ આદમી પાર્ટી (ઇન્ડિયા ગઠબંધન)દ્વારા પાલિકાના પ્રમુખ અને અગ્રણીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં આગામી સમયમાં રસ્તાનું નિરાકરણ તંત્ર ન કરે તો વાપી નગર પાલિકા કચેરીને તાળા બંધી કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
પાલિકાના વિરોધપક્ષના નેતા ખંડુભાઇ પટેલ, કોંગ્રેસ યુથ પ્રમુખ વરૂણ ઠાકુર તથા કોંગ્રેસના ફરહાનભાઇ સહિત આમઆદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. પાલિકામાં આવેદન આપી વાપી ગીતાનગર રોડ પર પડેલા ખાડાનું પૂજન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવામાં નહીં આવે તો તેના પરિણામ માટે વાપી નગર પાલિકા તૈયાર રહે તેવી ચીમકી પણ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોએ આપી હતી.