વડોદરામાંથી બે શિક્ષકોની રાજ્યકક્ષાએ શ્રૈષ્ઠ શિક્ષક તરીકે પસંદગી: ફક્ત બાળકોને જ નહિ ગ્રામજનોને પણ કરે છે શિક્ષિત, પ્રેક્ટિકલ શિક્ષણ સાથે વ્યસનમુક્તિનું પણ જ્ઞાન પીરસે છે – Vadodara News
આજે શિક્ષક દિવસ છે એટલે કે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આજે વાત કરવી છે, વડોદરા નજીક આવેલ ધનિયાવી ગામમાં આવેલ પ્રાથમિક શાળાના અનોખા મહિલા શિક્ષક એવા પ્રિયતમાબેન કનીજાની. આજે 5 સપ્ટેમ્બરે તેમને રાજ્ય
.
બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ સાથે ગ્રામજનોને વ્યસનમુક્તિનું જ્ઞાન પીરસ્યું
રાજ્યકક્ષાએ શ્રૈષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર પ્રિયતમાબેન કનીજાની જે પણ શાળામાં બદલી થાય, ત્યાં તેઓ બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ આપે છે. તેઓ ઘરેબેઠા વિવિધ પ્રકારના TLM તૈયાર કરે છે અને તેના થકી બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ આપે છે. જેથી, બાળકો હસતા-રમતા ઝડપથી શીખે છે. આ ઉપરાંત તેઓ ગામમાં બેટી બચાવો, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, બાળલગ્નો અને કુરિવાજો સામે અભિયાન પણ ચલાવે છે અને ઘણા લોકોના દારૂ સહિતના વ્યસન છોડાવવામાં પણ તેઓ સફળ થયા છે.
ધો. 1ના વિદ્યાર્થીઓને ભણાવવાનું પસંદ કરું છું
રાજ્ય કક્ષાએ શ્રૈષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર પ્રિયતમાબેન કનીજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 23 વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવુ છું. સૌથી પહેલા હું છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. ત્યારપછી મારી બદલી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મેથી ગામની પ્રાથમિક શાળામાં થઈ હતી. જ્યાં મે સતત 16 વર્ષ સુધી બાળકો સાથે કામ કર્યું હતું. જ્યાં હું બાળકોને પ્રવૃતિમય શિક્ષણ આપતી હતી. મને બાળકોને પાયાનું શિક્ષણ આપવાનું ખૂબ ગમે છે. જેથી હું પહેલેથી જ ધો. 1ના વિદ્યાર્થીઓને ભણાવવાનું પસંદ કરું છું.
વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરીને ટીચિંગ મટિરીયલ તૈયાર કરે છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી ધનીયાવી ગામની પ્રાથમિક શાળામાં બદલી થઈ છે. અહીં બાલવાટીકાના બાળકોને ભણાવુ છું. મને નાના બાળકોને ભણાવવા ગમે છે અને બાળકોનો પાયો મજબૂત થાય તો તેઓને આગળ જતા કોઇપણ વિષયમાં કચાશ ન રહે તેવું પ્રવૃતિમય શિક્ષણ આપીએ છીએ. હું વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરીને એમાંથી TLM (ટીચિંગ એન્ડ લર્નિંગ મટિરીયલ) તૈયાર કરું છું અને TLMની મદદથી બાળકોને શિક્ષણ કાર્ય આપું છું. બાળકોને સાંભળેલુ વધુ સમય યાદ રહેતુ નથી, પણ જોયેલુ અને પ્રવૃતિ સાથે કરેલુ અને પોતે બનાવેલુ વધારે યાદ રહે છે.
રમતા-રમતા ભણાવીએ તો બાળક ગેરહાજર જ ના રહે
તેઓએ ઉમેર્યુ હતું કે, મેં વેસ્ટ મટીરીયલમાંથી 500 જેટલા TLM બનાવ્યા છે. બાળકોન મૌખિક કે બ્લેકબોર્ડમાં ભણાવીએ કે લખાવીને ભણાવીએ તેના કરતા પ્રવૃતિથી અને રમતા રમતા ભણાવીએ તો બાળકોને મજા પણ આવે છે અને બાળકોની ગેરહાજરીનો પ્રશ્ન પણ દૂર થઈ જાય છે. બાળકોને દરરોજ શાળાએ આવવું ગમે છે.
ગામમાં કુરિવાજો સામે પણ અભિયાન ચલાવ્યા
તેઓએ કહ્યું હતું કે, હું અગાઉ જ્યાં મેથી ગામમાં ફરજ પર હતી, ત્યારે ગ્રામજનો માટે બેટી બચાવો, વ્યસન મુક્તિ, અંદશ્રદ્ધા, બાળલગ્નો અને કુરિવાજો સામે અભિયાન પણ ચલાવતી હતી અને ઘણા વાલીઓએ તેમના બાળકોને નાનપણ લગ્ન નહીં કરાવીએ તેવી બાંહેધરી આપી છે.
જન્મદિવસ પર નવતર પ્રયોગ શરુ કર્યો
તેઓએ જણાવ્યું હતું કે, અહીં ધનિયાવી ગામની પ્રાથમિક શાળમાં આવીને પણ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે કે, જે બાળકનો જન્મદિવસ હોય તો બાળક ચોકલેટ વહેચે છે, તેના બદલે એક છોડ ઉગાડે. એના માટે પણ અમે બાળકોને સમજાવ્યો તો બાળકો પણ તેમના જન્મદિવસે એક-એક છોડ ઉગાડે છે. અહીં સ્કૂલમાં એક છોડ અને તેમના ઘરે જઇને પણ એક છોડ ઉગાડે છે. જેનાથી અમારો બગીચો પણ લીલોછમ અને સુંદર બન્યો છે.
શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફનો ખૂબ સપોર્ટ મળ્યો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં બાળકો માટે એક ચિત્રવાર્તા બનાવી છે. જેનું નામ છે ‘પતંગીયું બન્યુ પાયલોટ’ જે આ વર્ષો ધો-1 અને 2માં નિપુણ ભારત અંતર્ગત વાર્તા પુસ્તિકાઓ છપાઇ છે એમાં મારી ‘પતંગીયું બન્યુ પાયલોટ’ પણ છપાઇ છે. એની પણ મને ખૂબ ખુશી છે. અગાઉ મને તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રૈષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો પરંતુ, 5 સમ્ટેમ્બર-2024ના રોજ મને રાજ્યકક્ષાએ શ્રૈષ્ઠ શિક્ષકનો એવોર્ડ મને મળશે. મને શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફનો ખૂબ સપોર્ટ મળ્યો છે.
ગોખણપટ્ટી નહીં પણ બાળકોને પ્રવૃતિ સાથે જ્ઞાન મળે
ધનિયાવી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય જલ્પાબેન બારીયાએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં પ્રિયતમાબેન કનીજા ફરજ બજાવે છે. એમને રાજ્યકક્ષાનો શ્રૈષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળવાનો છે. એની કામગીરી ખૂબ સારી છે. એ બાબતનો મને પણ ગર્વ થઈ રહ્યો છે. તેઓ બાળકોને પ્રવૃતિ સાથે જ્ઞાન આપી રહ્યા છે. ગોખણપટ્ટી નહીં પણ બાળકો પ્રવૃતિ સાથે જ્ઞાન મળે તો તેમને લાંબા સમય સુધી યાદ રહે છે અને શિક્ષણ કાર્યમાં મજા પણ આવે છે.
રાજ્ય બાદ દેશ લેવલે પણ શ્રૈષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવે એવી શુભેચ્છાઓ
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, વડોદરામાંથી બે શિક્ષકો રાજ્યકક્ષાએ શ્રૈષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે. જેથી વડોદરા શિક્ષણ પરિવારમાં આનંદની લાગણી છે અને તેઓ વિદ્યાર્થીઓને આવી જ રીતે સારું ભણાવીને વધુ નામ રોશન કરે અને રાજ્ય બાદ દેશ લેવલે પણ શ્રૈષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવે એવી શુભેચ્છાઓ છે.