કાપોદ્રા હત્યા કેસમાં એકને આજીવન કેદ, બેનો છુટકારો: ટીવીની દુકાનમાં વિઝન બરાબર આવતું ન હોવાની ફરિયાદ કરવા ગયેલા રનકલાકારની હત્યા થઈ હતી – Surat News
વર્ષ 2001માં કાપોદ્રા ખાતે ટીવીની દુકાનમાં વિઝન બરાબર આવતું ન હોવાની ફરિયાદ કરવા ગયેલા રનકલાકારની હત્યા કરવાના કેસમાં કોર્ટે એક યુવકને આજીવન કેદની સજા અને બીજા બે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા.
.
હીરાના કારીગરોએ ભાવ અંગે આંદોલન ચાલુ કર્યું હતું
કાપોદ્રા ગાયત્રી સોસાયટીની પાછળ રામકૃપા સોસાયટીમાં રહેતા મુકેશ વાલજી બારૈયા હીરામાં નોકરી કરતા હતા. વર્ષ 2001 જાન્યુઆરી માસમાં હીરાના કારીગરોએ ભાવ અંગે આંદોલન ચાલુ કર્યું હતું. તે દરમિયાન મુકેશ બારૈયા અને તેમના મોટાભાઈ મનસુખ બારૈયાનું કારખાનું બંધ હતું. મુકેશ મધુવન સોસાયટીના નાકે કૃષ્ણ વિઝનની ઓફિસે રાત્રિના સવા 8 વાગ્યે વિઝન બરાબર આવતું ન હોવાથી તેમજ નવું કનેક્શન હોવાથી ફરિયાદ કરવા ગયા હતા. કૃષ્ણ વિઝન ઓફિસમાં કનુ ઘૂસા આહીર, રામજી આહીર અને ઓપરેટર સતવારા હાજર હતા.
તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાખી
મુકેશ બારૈયાએ કનુ આહીરને કહ્યું હતું 0તમારું વિઝન બરાબર આવતું નથી, પૈસા પૂરેપૂરા લો છો જેથી કનુ આહીર મુકેશભાઈ ઉપર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને નરેશ તેમજ રામજી આહિરે પણ મુકેશભાઈ સાથે ગાળા ગાલી કરી હતી. દરમિયાન રામજી આહીર પોતાના ઘરેથી તિક્ષ્ણ હથિયાર લઈ આવયો હતો. ત્યારબાદ કનુ અને નરેશે મુકેશભાઈને પકડી લીધો હતો. ત્યારે રામજી આહિરે મુકેશભાઈ ઉપર તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હતી.
એકને આજીવન કેદની સજા, બેને નિર્દોષ છોડ્યા
આ કેસની અંતિમ સુનાવણી મુખ્ય ન્યાયાધીશ આર. ટી. વછાણીની કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરી હતી. કોર્ટે આરોપી રામજી આહીરને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને 10000 નો દંડ કર્યો હતો જ્યારે બીજા અન્ય આરોપી કનુ આહીર અને નરેશ સતવારાને શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા નિર્દોષ કરેલા બંને આરોપી તરફે વકીલ જી આઈ દેસાઈએ દલીલો કરી હતી.