સાબરકાંઠા કિસાન સંઘની ત્રિવાર્ષિક સાધારણ સભા યોજાઈ: નવીન પ્રમુખ સહિત કારોબારીની રચના કરાઈ; ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું – sabarkantha (Himatnagar) News
હિંમતનગરમાં આજે સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘની ત્રિવાર્ષિક સાધારણ સભા કચ્છી સમાજવાડીમાં યોજાઈ હતી. જ્યાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોની ચર્ચા બાદ ત્રણ વર્ષના કામની સમીક્ષા બાદ નવીન પ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ કલેક્ટર કચેરી પહોંચી ખ
.
હિંમતનગરમાં જૂની જિલ્લા પંચાયત પાસે આવેલ કચ્છી સમાજવાડી ખાતે ગુરુવારે સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘની ત્રિવાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલા સહિતના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દીપ પ્રાગટ્ય કર્યા બાદ સાધારણ સભાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ વર્ષ દરમિયાનના કામો અને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. અગામી ત્રણ વર્ષ માટે નવીન કિસાન સંઘના જિલ્લા પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલ સાથે મંત્રી, કોષાધ્યક્ષ અને કારોબારીની રચના કરવામાં આવી હતી.
હિંમતનગર કચ્છી સમાજ વાડી ખાતેથી કિસાન સંઘની રેલી યોજાઈ. ખેડૂતોની માંગણીના વિવિધ પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથે રેલી બહુમાળીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યા ચીટનીસ અધિકારીને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી.
આ અંગે સાબરકાંઠા જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના પડતર પ્રશ્નો જેવા કે વરસાદથી થયેલ નુકસાનનુ સર્વે કરવામાં આવે અને જ્યા વધુ નુકસાન હોય તે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે. તો વર્ષ 2019-20નો પાક વીમો મંજૂર થયેલ છે પરંતુ મળેલ નથી તે તાત્કાલિક મળે સહિત વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરાઈ હતી.
રી-સર્વેમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તો અધિકારીઓ પૈસા વગર કોઈ કામ કરતા જ નથી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો 70 -80 ટકા ખેડૂતોના રીસર્વે બાકી છે. જે ખેડૂતોએ પૈસા આપ્યા છે તેના જ કામ થયા છે જેવા આક્ષેપને લઈ રજૂઆત કરાઈ હતી અને જો માંગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનનો માર્ગ પણ અપનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.