રાહદારી આધેડને અડફેટે લેતાં મૃત્યુ: વેરાવળ-સોમનાથ બાયપાસ પર પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે અકસ્માત સર્જ્યો; પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી – Gir Somnath (Veraval) News
સોમનાથ બાયપાસ પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ફોર્ચ્યુનર કારે રસ્તે ચાલી જઈ રહેલા આઘેડને અડફેટે લેતા આધેડનું સ્થળ પર કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
.
પ્રાપ્ત વિગત અનુસાર, ગતરાત્રિના સોમનાથ બાયપાસ પર ડોશીઆંબા વાડી વિસ્તારના વળાંક નજીક કોડીનાર તરફથી વેરાવળ તરફ જઈ રહેલી જીજે-32-AA-7227 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી રસ્તા પર ચાલીને જઈ રહેલા એક આઘેડને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટનાના પગલે સ્થળ ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પ્રાથમિક તપાસમાં મરણ જનાર ડોસીઆંબા વાડી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય રાજાભાઈ ગોવિંદભાઈ વાયલુ હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સમયે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ જતા પ્રભાસ પાટણ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી મામલો થાળી પાડ્યો હતો.
આ અકસ્માતની ઘટના સંદર્ભે મૃતકના પુત્ર નરસીભાઈ વાયલુ દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફોર્ચ્યુનર કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કારચાલક વિરુદ્ધ બી.એન.એસ અધિનિયમની કલમ 281, 125 (એ), 125(બી), 106(1) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 તેમજ 184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.