અમરેલી

Amreli: શાંતાબા હોસ્પિટલમાં ગટરોના પાણીથી લોકો પરેશાન, રોગચાળો ફેલાવવાની દહેશત



અમરેલી જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ એટલે કે શાંતાબા જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં છેલ્લા ઘણા સમયથી ગંદા ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે, હોસ્પિટલની બહાર ઉપરના ભાગે ભૂગર્ભ ગટરો બ્લોક હોવાના કારણે સમગ્ર અમરેલી શહેરના ગટરોના પાણી શાંતાબા જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વહી રહ્યા છે.

અતિ દુર્ગંધના કારણે દર્દીઓ અને પરીવારજનોને ભારે મુશ્કેલી

ત્યારે આ ગંદા ગટરોના પાણી ના કારણે ગ્રાઉન્ડમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને અતિ દુર્ગંધના કારણે દર્દીઓ અને સાથે આવેલા પરિવારજનોને અહીં સારવાર લેવા અને રહેવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે, હાલ આ દુર્ગંધ અને ગંદકીને દૂર કરવામાં આવે તેવી દર્દી સાથે આવેલા પરિવારજનોની માગ છે.

નગરપાલિકામાં લેખિતમાં રજૂઆતો કરવામાં આવી

ત્યારે હવે મેનેજમેન્ટમાં ભરત ધડુક સાથે વાતચીત કરતા જણાવાયું હતું કે ઉભરાતી ગટરોના ગંદા પાણીની સમસ્યાને લઈને કલેક્ટર, આરોગ્ય વિભાગ, અમરેલી નગરપાલિકાના જેતે શાખાના અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે અને આ ગટરોના ગંદા પાણી ગ્રાઉન્ડમાં ભરાયા જેને ટેમ્પરરી મળ પંપ દ્વારા ગ્રાઉન્ડમાંથી ગટરોના ગંદા પાણીનો નિકાલ કરવાની કામગીરી ઘણા સમયથી કરવામાં આવે છે, પરંતુ ઉપરના ભાગે ભૂગર્ભ ગટર બંધ હોવાથી આ સમસ્યા યથાવત રહી છે.

ફાયરિંગ કામગીરી હાલ ચાલુ હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું

ત્યારે આ બાબતે પાલિકા પ્રમુખ બિપીન લીંબાણીએ જણાવ્યુ હતું કે અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉભરાતા ગટરના પાણી બાબતે અમરેલી નગરપાલિકાને રજૂઆત મળતા અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તે ગટરોની સફાઈની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. હાલ આ ગટર જિલ્લા પંચાયત પાસેથી બ્લોક હોય જેમાં ગાળ કાઢવા તેમજ ફાયરિંગ કામગીરી હાલ ચાલુ હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું છે.

ઋતુજ્ન્ય રોગચાળામાં પણ વધારો

અમરેલી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોય આ શાંતાબા જનરલ હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલના જ ગ્રાઉન્ડમાં ગંદા ગટરોના પાણી વહી રહ્યા હોય અને પાણી અતિ દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. એક બાજુ ઋતુ જ્ન્ય રોગચાળો વધી રહ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કેટલા સમયમાં આ ગટરોના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!