Amreli: લીલીયામાં 200 વર્ષ જુના તળાવમાં પાણી ભરવાની ગ્રામજનોની માગ
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા સલડી ગામે સૌથી મોટું ગણાતું 1000 વીઘા જમીનમાં રાજાશાહી વખતમાં બનેલા તળાવમાં પાણી નહીં ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વર્ષે લીલીયા પંથકમાં વરસાદ ઓછો હોવાના કારણે તળાવ ભરાયુ નથી.
15 જેટલા ગામોના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો
જેના કારણે આસપાસના 15 જેટલા ગામોના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે તાલુકા પંચાયત સદસ્ય રાશિભાઈ ડેરે જણાવ્યું હતું કે જો આમાં ચાર ચાર ફૂટ કાપ છે એ કઢાવી આપવામાં આવે તો તળાવ ઊંડું થઈ જાય અને પાણીનો સારો એવો સંગ્રહ થઈ શકે અને ખેડૂતોને થતી નુકસાનીથી બચાવી શકાય. તમને જણાવી દઈએ કે લીલીયાના સલડી ગામે 200 વર્ષ જૂનું રાજાશાહી સમય વખતનું 1000 વિઘામાં ફેલાયેલુ તળાવ સુકુ છે અને તેમાં પાણી ભરવા માટે ગ્રામજનો માગ કરી રહ્યા છે.
અનેક નેતાઓ અને મંત્રીઓને રજૂઆત પણ કોઈ નિરાકરણ નહીં
સલડી સરપંચ પ્રતિનિધિએ જણાવતા કહ્યું હતું કે તેઓએ પૂર્વ સાંસદ નારણ કાછડીયા , પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને પણ આ તળાવ ભરી આપવા રજૂઆતો કરી છે, પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવાતાં નથી અને દર વર્ષે ખેડૂતોને પાણીના અભાવે નુકસાની વેઠવાનો વારો આવે છે.
ગ્રામજનોની ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી
સમગ્ર મામલે લીલીયા ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવતા કહ્યું હતું કે ચૂંટણીમાં ચૂંટાયા બાદ ત્રણેક વખત અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે, તળાવમાં વધારે પાણી સંગ્રહ કઈ રીતે કરી શકાય તેનું તમામ પ્રપોજલ અને ડીપીઆર તૈયાર છે, વહીવટી મંજૂરી મળ્યા બાદ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે અને ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર થઈ શકશે. સમગ્ર મામલે હવે ખેડૂતો રજૂઆતો કરી કરીને થાક્યા છે, ત્યારે હવે ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરવાની પણ વાતો કરી રહ્યા છે તો આ તળાવ ઝડપથી સાફ કરી ઊંડું બનાવવામાં આવે અને સૌની યોજના નીચે ભરી આપવામાં આવે તેવી ગ્રામજનોએ માગ કરી છે.