આરોગ્ય તંત્રની 581 ટીમો કાર્યરત: વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની 581 ટીમો કાર્યરત – Valsad News
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ બાદ ઉઘાડ નીકળતા વાહકજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાની સંભાવના હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરી લોકોને વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે તકેદારીનાં પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
.
આરોગ્ય વિભાગની 581 જેટલી ટીમો વાહકજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે કામ કરી રહી છે. જેમાં લોકોના સહકાર થકી વધુ સારી રીતે રોગ નિયંત્રણ કરી શકાશે, જે માટે ઘરની આજુબાજુમાં નકામી વસ્તુઓ કે જેમાં પાણીનો સંગ્રહ થઇ શકે એવા /સ્થળો નાબુદ કરવા, ઘરની અંદર ફ્રીજની ટ્રે, ફુલદાની, ફુવારા, એર-કુલર તથા પાણી સંગ્રહના ડ્રમ-પીપડા, વાસણો વિગેરેમાં પાણી સંગ્રહ ન થાય તે ધ્યાન રાખવું. જો પાણીનો સંગ્રહ ફરજીયાત કરવો પડે એવું હોય તો પાત્રના ઢાંકણો હવા ચુસ્ત રાખવા. ઘરની બહાર નકામો કચરો, ટાયરો, પક્ષીકુંજ, હવાડાઓ, જીવદયા પાત્રો, જુનો ભંગાર તેમજ પાણીનો ભરાવો થાય તેવા સાધનો હટાવી દેવા.
જો તાવ આવતો હોય તો, લોહીની તપાસ તાત્કાલિક કરાવવી ઘરે બેસી રહેવું નહિ, પોતાની રીતે દવા લેવી નહિ, આખી બાયના કપડા પહેરવા, મચ્છર વિરોધી રિપ્લેન્ટનો ઉપયોગ કરવો, અગરબત્તી, ધુપ-ધુમાડો તથા મચ્છર નાશક ક્રીમનો ઉપયોગ કરવો. બારી- બારણા બંધ રાખવા, ઘરની આસપાસ પાણીનો ભરાવો થવા દેવો નહિ, મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો, બાળકો, સગર્ભાબહેનો તેમજ વૃધ્ધોનું ખાસ ધ્યાન રાખવું, જ્યાં પાણીનો ભરાવો થયો હોય તો તે વિસ્તારની નગરપાલિકા/ગ્રામ પંચાયતનો સંપર્ક કરી ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. પાણીમાં મચ્છર 3 થી 7 દિવસમાં તૈયાર થાય છે અને કરડે છે.
ભારે વરસાદને પગલે પોતાના ઘર/ ઓફીસ/ દુકાન/ નોકરીના સ્થળોએ પાણી ભરાયા હોય તો ખાલી કરી મચ્છરના ઉપદ્રવથી બચવું જોઇએ. તાવ આવતો હોય તો લોહીની તપાસ કરાવી જરૂરીયાત મુજબ હોસ્પિટલમાં દાખલ થવું. પુષ્કળ પાણી પીવું, ડોકટરને બતાવ્યા બાદ જ દવા લેવી. આરામ કરવો, થાક લાગે તેવું કામ ન કરવું. આ સંદેશો બીજાને આપી વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટેના પગલા લેવા જિલ્લા મેલેરિયા અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.