શિક્ષક દિન: અમદાવાદ જિલ્લાના કુલ 5 શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયો – Ahmedabad News
શિક્ષક દિન નિમિત્તે અમદાવાદ જિલ્લાનો જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ દિલ્હી પબ્લિક સ્કૂલ,બોપલ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આગવી નિષ્ઠા સાથે ઉમદા કામગીરી કરન
.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના 3 શિક્ષકોને જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક અને 2 શિક્ષકોને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક એનાયત કરાયા હતા. સાથે જ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 1 શિક્ષકને જિલ્લા કક્ષા અને 3 શિક્ષકોને તાલુકા શ્રેષ્ઠ શિક્ષકોના પારિતોષિક એનાયત કરાયા હતા. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને રુ. 15000નો કેશ એવોર્ડ તથા તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષકોને રુ. 5000નો કેશ એવોર્ડ અને શાલ તથા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષકનું સ્થાન શ્રેષ્ઠ છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પોતાના જન્મદિવસને શિક્ષકોના સન્માન તરીકે ઊજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના ભાગરૂપે આપણે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઊજવીએ છીએ. શિક્ષક બાળકોમાં સંસ્કારો અને શિસ્ત સીંચે છે અને આવનારી પેઢીને તૈયાર કરે છે. એટલે જ ચાણક્યએ કહેલું કે, ‘શિક્ષક કભી સાધારણ નહિ હોતા’.
વધુમાં તેમણે ઉમેર્યું કે, શિક્ષકો ‘સા વિદ્યા ય વિમુકત્યે’ના મંત્રને સાર્થક કરતા વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખીને એને ઓપ આપવાનું કાર્ય કરે છે. સાથે જ તેમણે ડો. અબ્દુલ કલામ અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષક તરીકેની કારકિર્દીના રસપ્રદ પ્રસંગો વર્ણવીને વિદ્યાર્થી અને શિક્ષકના સંબંધોનો મહિમા વર્ણવ્યો હતો.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શિક્ષકો માત્ર કેળવણી જ નથી આપતા, તેઓ સંસ્કારોનું સિંચન કરીને સમાજ નિર્માણ અને સમાજ સુધારણાનું કાર્ય કરે છે.
તેમણે પોતાના વિદ્યાર્થીકાળનાં સંસ્મરણો વાગોળીને જણાવ્યું હતું કે, કેટલાય શિક્ષકો સ્વખર્ચે પણ બાળકો અને શાળાને કંઇક વિશેષ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં અમલમાં મૂકાયેલી નવી શિક્ષણ નીતિ જ્ઞાનની પરિભાષા વધુ વિસ્તારશે અને શિક્ષકો એમાં મહત્વનો ફાળો આપશે. સરકારી શાળાઓની જેમ જ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને આચાર્યો પણ પૂરતી જહેમત ઉઠાવીને શિક્ષણ કાર્યની જ્યોત પ્રજ્વલિત રાખે છે. એટલે જ, રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓના વિકાસ માટે રુ. 250 કરોડ ફાળવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબહેન જ્હાએ જણાવ્યું હતું કે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને આપણે સૌ શિક્ષકોના સન્માનને મૂલવવાના દિવસ તરીકે ઊજવીએ છીએ. વડાપ્રધાન મોદીની વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવામાં શિક્ષકો અને શિક્ષણ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવનાર છે.
શિક્ષણ વિકાસનો પાયો છે અને શિક્ષણનો આધારસ્તંભ શિક્ષકો છે એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષક સમાજની અપેક્ષાઓ પૂર્ણ કરે છે. પ્રાચીન સમયથી જ ભારતમાં જ્ઞાન અને સંસ્કૃતિની પરંપરા રહેલી છે. સાંદીપનિ,, વશિષ્ઠ, દ્રોણાચાર્ય જેવા ગુરુઓ પ્રાચીન સમયથી ભારતવર્ષની ગુરુ પરંપરાના આદર્શ રહ્યા છે. એક શિક્ષક સમાજનું નેતૃત્વ કરે છે. કારણ કે તે ચારિત્ર્ય ઘડતર અને મૂલ્ય નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે છે. બાલ દેવો ભવઃના મંત્ર સાથે શિક્ષકો આવનારી પેઢીને તૈયાર કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે વર્ષ 2023- 24ની જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓ તરીકે ધોળકા સી.વી.મિસ્ત્રી કન્યા શાળા, દસ્ક્રોઈની એસ.એમ.પટેલ સ્મારક માધ્યમિક શાળા, ઘાટલોડિયાની નૂતન વિદ્યા વિહારને જાહેર કરવામાં આવી હતી. ત્રણ શ્રેષ્ઠ શાળાઓના આચાર્યોને 1 લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ પ્રસંગે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના યોજનાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લાના 15 પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલ સિંહ ચુડાસમા, ડાયટ પ્રાચાર્ય શૈલેષ બાવા, જિલ્લા શિક્ષક સંઘના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, DPS બોપલના આચાર્ય તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.