પ્રોફેસરે 200 મી વખત રક્તદાન કર્યું: શિક્ષક દિને 200 વિધાર્થીઓ અને પ્રોફેસરના પરિવારે પણ રક્તદાન કરીને પ્રોફેસરને સાથ આપ્યો – Ahmedabad News
અમદાવાદની એલ.ડી.એન્જિનિયરિંગના પ્રોફેસર ડો.ચૈતન્ય સંઘવીએ શિક્ષક દિને અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીમાં 200 મું રક્તદાન કર્યું હતું. તેમના 200માં રક્તદાનના ઉજવણી પ્રસંગે 200 વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન કરીને ગુરુને અનોખી ગુરુ દક્ષિણા આપવામાં આવી હતી.
.
એલ.ડી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ એન્જિનિયરિંગ એપ્લાઇડ મિકેનિક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ડોક્ટર ચૈતન્ય સંઘવીએ 05 સપ્ટેમ્બર શિક્ષકદિનના દિવસે પોતાનું 200 મું રક્તદાન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં 200 થી વધુ વખત રક્તદાન કરનારા બીજા વ્યક્તિ તરીકે તેઓ ડબલ સેન્ચુરીયન ક્લબમાં જોડાયા છે. આ પ્રસંગે તેમના 200 વિધાર્થીઓએ પણ રક્તદાન કર્યું હતું.
પ્રોફેસર ડો.ચૈતન્ય સંઘવીના રક્તદાન પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એમ.એન.પટેલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ,ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલ તથા મુકેશ પટેલની હાજરીમાં તેમણે પોતાનું 200 મુ રક્તદાન કર્યું હતું. અજયભાઈ પટેલ, એમ.એન.પટેલ મુકેશભાઈ પટેલ દ્વારા આ પ્રસંગે પ્રોફેસર ચૈતન્ય સંઘવીનું સન્માન કરવામાં આવ્યું. ડોક્ટર ચૈતન્ય સંઘવીની સાથે તેમના ધર્મપત્ની અને તેમની દીકરીએ પણ રક્તદાન કરી સમાજને સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિ માટે પ્રેરણા આપી હતી.