12 વર્ષના પીરીયડમાં રૂ.78 લાખની અપ્રમાણસર મિલ્કતની નોંધ લેતી અદાલત: TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ઓફિસર ભીખા ઠેબાની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના કેસમાં કોર્ટે જામીન અરજી રદ કરી – Rajkot News
રાજકોટ મહાનગર પાલિકામાં વર્ષ-2024માં ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા ભીખા જીવાભાઈ ઠેબાની TRP ગેમઝોન અગ્નિકાંડમાં જણાયેલ સંડોવણી બાદ અપ્રમાણસર મિલ્કતવાળા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના કેસમાં રાજકોટની ખાસ અદાલતના જજ વી.એ.રાણા સાહેબે ચાર્જશી
.
આવક કરતા અનેક ગણી અપ્રમાણસરની મિલ્કતો મળી
ગત તા. 28.05.2024ના રોજ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ અંગે નોંધાયેલ કેસમાં પોલીસ તપાસ દરમ્યાન ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ભિખા જીવાભાઈ ઠેબાની સંડોવણી અને ગેરરીતીઓ જણાઈ આવેલ હતી. આથી પોલીસ તપાસ દરમિયાન તેઓ પાસેથી તેમની કાયદેસરની આવક કરતા અનેક ગણી અપ્રમાણસરની મિલ્કતો મળી આવેલ હતી. આ હકીકતની જાણ એ.સી.બી. પોલીસ સ્ટેશનને થતા આ બંને અધિકારીઓ વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કત ધારણ કરવા અંગેના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ હતો.
ખોટી રીતે આરોપીની મિલ્કત ગણી ખોટું ચાર્જશીટ કરેલ છે
આ ગુનાની તપાસ દરમિયાન ભીખા ઠેબાની 12 વર્ષની કુલ આવક રૂ. 1 કરોડ 48 લાખ હતી પરંતુ, આ સમયગાળા દરમિયાન તેઓએ રૂ.2 કરોડ 26 લાખની મિલ્કતો પોતાના તથા પોતાના પરીવારજનોના નામે ખરીદેલી હતી. આ રીતે રૂ. 78 લાખનું રોકાણ આવક કરતા વધુ પ્રમાણમાં જણાઈ આવેલ હતું. ઠેબા વિરુદ્ધના આ કેસમાં ચાર્જશીટ બાદ જામીન અરજી વખતે આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, અમુક મિલ્કતો આરોપીને 1998ની સાલથી મળેલ હતી તેમજ તેમના પત્ની અને પુત્રના નામે ખરીદાયેલ મિલ્કતોને પણ તપાસનીશ અમલદારે ખોટી રીતે આરોપીની મિલ્કત ગણી ખોટું ચાર્જશીટ કરેલ છે.
મિલ્કત ખરીદે ત્યારે સરકારને જાણ કરવાની રહે છે
સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ સરકારી અધિકારી પોતાના કે પોતાના પરિવારજનના નામે મિલ્કત ખરીદે ત્યારે આવી ખરીદી અંગે સરકારને જાણ કરવાની રહે છે. આરોપીએ આવી મિલ્કતો ખરીદાયેલા હોવા અંગે સરકારને જણાવેલ હોય તેમ આરોપીનો કોઈ બચાવ નથી. આ ઉપરાંત આરોપીના પરિવાજનો પોતાની રીતે સ્વતંત્ર આવક ધરાવતા હોય તો પણ તેઓના નામે ખરીદાયેલ મિલ્કતોના અવેજની રકમ જો આરોપીએ ચુકવેલ હોય તો આવી મિલ્કત આરોપીની જ ગણવાની રહે છે.
જામીન અરજી સ્પે. કોર્ટના જજે રદ કરી
આ કિસ્સામાં આરોપીના પત્ની અને દીકરાના નામે ખરીદાયેલા મિલ્કતની અવેજની રકમ તેઓએ પોતાની આવકમાંથી ચુકવેલ છે એવો કોઈ બચાવ કે તેવું કોઈ સોગંદનામું પત્ની કે પુત્રએ રજૂ કરેલ નથી. આ કારણસર આ મિલ્કતો તપાસનીશ અમલદારે આરોપીની માલિકીની હોવાનું નિશ્ચિત ફોર્મ્યુલા મુજબ ગણેલ છે, તેમાં કોઈ ભુલ કે અનિયમિતતા નથી. સરકાર તરફેની આ રજુઆતોના અંતે ચીફ ફાયર ઓફીસર ભીખા ઠેબાની ચાર્જશીટ બાદની જામીન અરજી સ્પે. કોર્ટના જજ વી.એ.રાણાએ રદ કરેલ છે.