GUJARAT

મેઘતાંડવ બાદ ઘેડમાં તબાહી, ડ્રોન VIDEO: 1.36 કરોડના ખર્ચે બનેલો વિકાસનો પાળો 48 કલાકમાં જ તૂટ્યો, ખેતરોમાં પાણી ઘૂસ્યા, ખેડૂતો લાચાર, 10થી વધુ ગામો તળાવ બન્યા – Junagadh News


જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં ટોકરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં ઘેડ પંથકનાં 12થી વધુ ગામોમાં પાણી ઘૂસ્યાં હતાં. તો બીજી તરફ ખેતરોમાં પાણી ઘૂસતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ઘેડ પંથકનાં અનેક ગામો બેટમાં ફેરવાતાં ઘેડ પંથકમાં

.

ઘેડ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ
જૂનાગઢ જિલ્લામાં પડેલા વરસાદના કારણે 10થી વધુ ગામોને અસર થઈ હતી. આ મેઘતાંડવ બાદ ઘેડ પંથકમાં ઓજત નદી કાંઠે 1.36 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા પાળો તૂટી ગયાના કારણે ઘેડ પંથકમાં તારાજી સર્જાઈ હતી. દર વર્ષે ચોમાસામાં આ ઘેડ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને દર વર્ષે તંત્ર દ્વારા તૂટેલા પાળો અહીં બાંધવામાં આવે છે, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે આટલાં વર્ષો વીતવા છતાં પણ કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી, કારણ કે તંત્ર દ્વારા તૂટી ગયેલા પાળો બનાવવા માટે ફાઈલો ગાંધીનગર મોકલવામાં આવે છે અને ત્યાર બાદ જૂનાગઢ ફાઈલો પડી રહે છે. ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ધોવાણ થતાં ખેડૂતો પાયમાલ થતા જાય છે અને આત્મહત્યા કરવા મજબૂર થાય છે.

રૂ.1.36 કરોડના ખર્ચે પાળો બંધાયો હતો
બામણાસા ઘેડ ગામ નજીક 2021થી લઈ અત્યારસુધીમાં ચારથી પાંચ વખત ઓઝત નદીના કાંઠે પાળા બનાવવામાં આવ્યા છે, પરંતુ દર વર્ષે આ ઓઝત નદીના કાંઠે જ પાળા તૂટે છે અને આસપાસના 10થી વધુ ગામો બેટમાં ફેરવાય છે. ખેતરો ધોવાય છે અને લોકો પરેશાન થાય છે. ત્યારે આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા રૂ. 1.36 કરોડના ખર્ચે બાંધેલો પાળો કામ પૂરું થયાના માત્ર 48 કલાકમાં જ ધોવાયો હતો અને આસપાસનાં ખેતરોમાં આ પાળાના પથ્થરો ફેંકાયા હતા અને ખેતરોમાં રેતી પથરાઈ ગઈ હતી, જેના કારણે ખેતરોમાં કરેલું વાવેતર હતું ન હતું થઈ ગયું છે.

સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવાય એવી માગ
મઢડા, જોનપુર, મૂળાસિયા ગામનાં ખેતરોમાં ખેડૂતોએ વાવેલી મગફળી અને ઘાસચારો વધુ વરસાદને કારણે નિષ્ફળ થયાં છે. ત્યારે કેટલા ખેડૂતોએ હજુ તો માત્ર વાવણી કરી હતી. ત્યાં જ પાણીમાં છોડ ધોવાયા હતા. ઘાસચારો ખેતરમાં જમીન દોષ થયો હતો. ત્યારે માલ ઢોરનો ઘાસચારો બગડી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતો માગ કરી રહ્યા છે કે સરકાર અને તંત્ર દ્વારા અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લઈ વહેલી તકે સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે એવી માગ કરી છે. બામણાસા ઘેડ પંથકના પાડોદર, સરોળ, અખોદર બાલાગામ, પંચાળા, સાંઢા, મઢડા જોનપુર, આખા, મટિયાણા, આંબલિયા સહિત ઘેડ પંથકના 25થી વધુ ગામો ભારે વરસાદને કારણે દર વર્ષે પાણીની ઝપેટમાં આવે છે. ત્યારે આ વર્ષે બામણાસા ગામ નજીકના 10થી 12 ગામો બેટમાં ફેરવાયાં હતાં, તો બીજી તરફ ભારે વરસાદના કારણે 30થી વધુ ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં.

તંત્ર ખબર પૂછવા પણ આવતું નથી: ખેડૂત
મઢડા ગામના ખેડૂત અરજણભાઈએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં અતિભારે વરસાદ પડેલો, એના કારણે રસ્તા પણ બંધ થઈ ગયા હતા અને ખેતરો પણ ધોવાઈ ગયેલાં છે. એના કારણે ખેતરોમાં વાવેલી મગફળી અને ઢોર માટે વાવેલા નીરણ ઘાસચારામાં પણ ઘણું નુકસાન થયું છે. રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયાં હતાં. દર વર્ષે આ વિસ્તારમાં વરસાદ આવે એટલે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો મુરાદભાઈ ઈરાનીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં અહીં 17થી 18 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અહીં ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયાં હતાં. ત્યારે ઢોરનો નિર્ણય ચારો તમામ બગડી ગયો છે. અહીં કોઈ તંત્ર ખબર પૂછવા પણ આવતું નથી ત્યારે સરકાર અને તંત્ર સહાય કરે એવી માગ છે

મઢડા ગામના ખેડૂત અરશીભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે વરસાદમાં કારણે આવું જ ધોવાણ થાય છે. છતાં પણ કોઈ સહાય મળતી નથી. વધુ વરસાદના કારણે આ વિસ્તારમાં રસ્તાઓ બંધ થાય છે, જેના કારણે લોકોની અવરજવર પણ થતી નથી અને વાડીએ જવા માટે ખેડૂતોને રસ્તાઓ બંધ થઈ જાય છે. ભારે વરસાદને કારણે ખેતરો અને ગામમાં પાણી ભરાયાં હતાં. ખેતરો અને ગામમાં પાણી ભરાય જવાના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

50 કલાક સુધી લાઇટ વગર લોકો પરેશાન
મઢડા ગામના સંજયભાઈ કચોટે જણાવ્યું હતું કે પૂરના કારણે આ પરિસ્થિતિ થઈ છે. વાવણીલાયક વરસાદ થયો ત્યારે ખેતરમાં મગફળી વાવી હતી, પરંતુ બે-ત્રણ દિવસ બાદ વરસાદ થતાં વાવેલી મગફળી નિષ્ફળ થઈ છે. 2100 રૂપિયાનું મણ બિયારણ લીધું હતું, ત્યારે આટલું મોંઘું બિયારણ વાવ્યા બાદ આ પૂરની પરિસ્થિતિમાં માંડવી નિષ્ફળ જતા અમારે અતિશય મુશ્કેલી પડી છે. ત્યારે સરકાર આ પૂરની પરિસ્થિતિ બાબતે જો યોગ્ય ધ્યાન આપે તો ખેડૂતો બચી શકે છે. આવી પરિસ્થિતિના કારણે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓમાં પણ વધારો થાય છે. ત્યારે પૂરની પરિસ્થિતિમાં સમયસર લાઈટ પણ આવતી નથી. 48થી 50 કલાક સુધી લાઇટ વગર લોકો હેરાનપરેશાન થાય છે. આ વિસ્તારના રોડ પર ભારે વરસાદના કારણે છથી સાત ફૂટ પાણી ભરાયા હતા. મઢડા તેમજ આસપાસનાં તમામ ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

જોનપુર ગામના વિરમભાઇએ જણાવ્યું હતું કે પૂર આવવાના કારણે ઢોર માટે બનાવેલા ઢાળિયા પડી ગયાં છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખેતરમાંથી બગડેલો માલસામાન લઈ અન્ય જગ્યાએ નાખવા જવું પડે છે. આ ભારે વરસાદે લોકોને હેરાન-પરેશાન કરી નાખ્યા છે તો ખેડૂતોને જીવવું મુશ્કેલ કરી દીધું છે. ખેડૂતોના ખેતરમાં વાવેલો પાક બગડ્યો છે ત્યારે સરકાર સહાય કરે એવી માંગ છે.

પાળાનું કામ 30 જૂને પૂરું થયું અને 3 જુલાઈએ તૂટી ગયો: ખેડૂત
બામણાસા ઘેડના ખેડૂત રાજેશભાઈ ભેટારિયાએ જણાવ્યું હતું કે ગેડ વિસ્તારમાં ઓઝત નદીનું પાણી 100 કિલોમીટર દૂરથી અહીં આવે છે, જેમાં વિસાવદર, ભેંસાણ જૂનાગઢ, વંથલી, શાપુર પંથકનું ઉપરવાસનું પાણી ઓઝત નદીમાં આવે છે. આ વિસ્તારમાં ઓઝત નદીના કાંઠે પાળા તૂટવાની સમસ્યા વર્ષોથી છે. ત્યારે પાળા તૂટ્યા બાદ સરકારમાં રજૂઆત કરતાં બે વર્ષે અહીં પાળા બનાવી દેવામાં આવે છે.

પાળા બનાવવાની રજૂઆત કર્યા બાદ એક વર્ષ ફાઈલ ગાંધીનગર અને એક વર્ષ ફાઈલ જૂનાગઢ પહોંચતાં થાય છે અને ત્યાર બાદ બે વર્ષ બાદ સરકારના આદેશ મુજબ પાળા બનાવવામાં આવે છે. હાલ જે તૂટી ગયેલો પાળો છે એ 1.36 કરોડમાં બનાવવામાં આવ્યો છે. આ પાળાનું 30 જૂન 2024ના કામ પૂરું થયું અને 3 જુલાઈએ વરસાદના કારણે એ તૂટી ગયો હતો. જ્યારે આ પાળો બનાવવામાં આવ્યો હતો ત્યારે તંત્રને એક મીટર ઊંચો પાળો બનાવવા માટે કહ્યું હતું, પરંતુ એક મીટર પાળો ઊંચો ન બનાવતાં આ પાળો હાલ તૂટી ગયો છે. પાળો તૂટતાં બામણાસા ઘેડ આસપાસનાં 10થી 12 ગામોને નુકસાન થાય છે. પાડો તૂટતાં પાણી ખેતરોમાં ઘૂસ્યાં હતાં, જેને કારણે પાકને નુકસાની થયું હતી અને ઘણા પાકો પર પાણી ફરી વળ્યું હતું. અત્યારે ભારે પાણીના પ્રવાહના કારણે ઘણાં ખેતરોમાં રેતી પણ ફેલાઈ ગઈ છે.

ત્યારે અગાઉ પણ જ્યારે આ જ નદીના કાંઠે પાળો તૂટ્યો હતો ત્યારે પણ સરકાર પાસે વળતર માગવામાં આવ્યું હતું. એ સમયે સહાય માટેનાં ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં અને ખેડૂતોએ 1000નો ખર્ચો કરી લાઈનમાં ઊભા રહી ફોર્મ ભર્યાં હતાં, પરંતુ અત્યારસુધી એકપણ રૂપિયાનું વળતર મળ્યું નથી.

એમ. જે. વઘાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર.

એમ. જે. વઘાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર.

વહેલી તકે યોગ્ય નિરાકરણ આવશે: ઇજનેર
નાયબ કાર્યપાલક ઇજનેર એમ. જે. વઘાસિયાએ જણાવ્યું હતું કે બે દિવસ વધુ વરસાદના કારણે ઓજત નદીમાં ભારે પૂર આવ્યું હતું, જેના કારણે બામણાસા ગામનો ઓજત નદીના કાંઠે બાંધેલો પાળો તૂટ્યો છે. ઓજત નદીનું પાણી આ પાળા પરથી પસાર થતાં પાણીનો પ્રવાહ વધતા પાણી ગામમાં અને ખેતરોમાં ઘૂસ્યાં હતાં. હાલ પાણી ઊતરતાં ખેડૂતોને સાથે રાખી પાળાની મુલાકાત લેવામાં આવી હતી તેમજ આગામી સમયમાં વહેલી તકે આ મામલે યોગ્ય નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ ઘણાં ગામોમાં પાણી ઊતરી ગયાં છે. ત્યારે આવનારા સમયમાં દર વર્ષે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ માટે ડી.એલ.આર તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ વિસ્તારમાં તપાસ કામગીરી કરી ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલવામાં આવશે.

ઘેડ પંથકની સ્થિતિ પર શું કહે છે ધારાસભ્ય?
ઘેડ પંથકમાં પૂરની પરિસ્થિતિને લઈ ધારાસભ્ય દેવાભાઈ માલમ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘેડ પંથકમાં દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ માટે અધિકારીઓને પણ કહેવામાં આવ્યું હતું કે હાલ જે ગેબિયન વોલ એટલે કે પાળો બનાવવામાં આવ્યો છે એ આરસીસીથી બનાવવામાં આવે. આ બે વર્ષમાં બામણાસા અને બાલાગામની જમીનની નદી માટે માપ સાઈઝ કરવામાં આવી છે. આવનારા સમયમાં સરકારી જમીનમાં ખોદકામ કરવામાં આવશે, જેથી આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. જૂનાગઢના નદી, નાળાં અને ડેમ વિસ્તારમાંથી આવતું પાણી ઓઝત નદીમાં આવે છે, જેના કારણે પાણીનો પ્રવાહ વધુ હોય છે. એને લઇ આ વિસ્તારમાં દર વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે અસરગ્રસ્ત ઘેડ અને ધાર વિસ્તારોમાં ઘણા ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી છે.

આ ઘેડ વિસ્તારના રોડ રસ્તા ખરાબ હોવાથી અને પાણી ભરાયાં હોવાથી હું બામણાસા ઘેડ જઈ શક્યો નથી.અને મારા મત વિસ્તારમાં ઘણાં ગામડાં આવાથી હું અલગ અલગ વિસ્તારમાં મુલાકાતે ગયો હતો,.પરંતુ આવનારા સમયમાં કાયમ માટે પૂરની પરિસ્થિતિના પ્રશ્નનું નિરાકરણ થાય એ માટે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે, જેને લઇ એક ખાસ પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!