GUJARAT

SGCCI અને વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારોની મુખ્યમંત્રી સાથે મિટીંગ યોજાઇ: દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ ધંધાઓને નડતરરૂપ થતા વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખાત્રી આપી – Surat News


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલાના નેતૃત્વમાં ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી, મંત્રી નિરવ માંડલેવાલા અને ખજાનચી મૃણાલ શુકલ તથા દક્ષિણ ગુજરાતના વિવિધ ક્ષેત્રોના હોદ્દેદારો સાથેના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. 10મી જુલાઇ, 2

.

ગુજરાતની ટેક્ષ્ટાઇલ પોલિસી વહેલી તકે જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ
ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી બાબતે સરકાર સાથે ઓકટોબર 2023થી મિટીંગો શરૂ થઇ હતી અને ચૂંટણી પહેલા ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત થઇ જવાની તૈયારી હતી, પરંતુ હજી સુધી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી નથી. જેથી કરીને સુરતના ઉદ્યોગકારોને ઘણું નુકસાન થાય છે અને ઘણા પ્રોજેકટો અટકી ગયા છે તે બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડી ૩૦ ટકા, વ્યાજ સબસિડી 6 ટકા, સોલાર અને રિન્યુએબલ એનર્જી જે યુનિટ વાપરતું હોય એને 1 રૂપિયો પર યુનિટ પાવર સબસિડી, ગારમેન્ટમાં દર મહિને રૂપિયા 1500 લેબરની કમ્પેન્સેશન સબસિડી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે પીએમ મિત્રા પાર્કના માસ્ટર ડેવલપર વહેલી તકે નક્કી થાય અને એની ગાઇડલાઇન જલ્દી બહાર પડે તો આ બાબતે પણ ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત પીએમ મિત્રા પાર્કમાં SGCCIના પ્રતિનિધિને પ્રાઇઝીંગ કમિટી અને એલોટમેન્ટ કમિટીમાં સ્થાન મળે તે માટે રજૂઆત કરી હતી.

ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી – 2019માં રૂપિયા 10 કરોડથી વધારાનું રોકાણ કરતા એકમો ધરાવતા ઉદ્યોગકારોએ સબસિડી માટે અરજી કરી હતી. આ સ્કીમની ગાઇડ લાઇન મુજબ સ્ટેટ લેવલ એમ્પાવર કમિટીમાં ચર્ચા થયા બાદ જ તેની સબસિડી અંગેની અરજીને મંજૂરી આપવામાં આવનાર હતી. છેલ્લા દોઢ વર્ષથી આ મિટીંગ મળી ન હતી, આથી અગાઉ ચેમ્બર પ્રમુખ દ્વારા કરાયેલી રજૂઆતને પગલે આ મિટીંગ મળી હતી અને હવે મોટા એકમોની લાંબા સમયથી જે સબસિડી અટકેલી હતી તે હવે કલીયર થશે તેવો આશાવાદ વ્યકત થયો હતો. ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી– 2019, ડિસેમ્બર 2023માં સમાપ્ત થઇ ગઇ છે. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ માટે નવી પોલિસીની જાહેરાત થઇ નથી. જેથી ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની વહેલી તકે જાહેરાત કરવામાં આવે અને તેમાં કોઇ પણ બ્લેક આઉટ પિરિયડનો અવકાશ નહીં રહે અને તા. 1લી જાન્યુઆરી 2024થી તેની અમલવારી થાય તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી.

ગેમઝોન ઉદ્યોગને રાહત આપવા રજૂઆત કરાઇ, વહેલી તકે નિરાકરણની ખાત્રી મળી
સાઉથ ગુજરાત ગેમઝોન એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક એસોસીએશન દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સરકારની ગાઇડ લાઇન તેમજ કાયદા મુજબની પરવાનગી હોવા છતાં સુરતમાં ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા છે, આથી ચેમ્બરના પ્રમુખ વિજય મેવાવાલાએ ગેમઝોનના ઉદ્યોગકારોને રાહત આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી તરફથી આ બાબતે સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો, જેથી વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાત્રી મુખ્યમંત્રી તરફથી મળી હતી.

જીઆઇડીસીને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત રજૂઆત કરાઇ હતી. જેમ કે,

  • જીઆઇડીસીમાં લીઝ ટ્રાન્સફર વખતે વિભાગ દ્વારા ક્લેઇમ કરવામાં આવતા 18 ટકા જીએસટી બાબતે ચેમ્બર પ્રમુખે રજૂઆત કરી હતી કે, આ પ્રકારના વ્યવહારમાં જીએસટી નહીં લાગે તે પ્રકારની સ્પષ્ટતા કરવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે.
  • જીઆઇડીસી પ્લોટ્‌સ સબ ડિવીઝન માટે પણ ટ્રાન્સફર ફી ઘણી ઊંચી છે, જે માત્ર ટોકન પૂરતી જ હોવી જોઇએ.
  • એનસીએલટી/ડીઆરટી ઓક્શનમાંથી કોઇ જીઆઇડીસીમાં આવેલ પ્રોપર્ટી પરચેઝ કરે છે તે સમયે જૂના લેણાંનો કલેઇમ જીઆઇડીસી દ્વારા એનસીએલટી કે ડીઆરટીમાં કરવાનો હોય છે, આ અંગેની સ્પષ્ટ નીતિનો ઉલ્લેખ જીઆઇડીસી દ્વારા વર્ષ 2024માં તેનો તા. 20/04/2021ના રોજ જાહેર કરેલ પરિપત્રમાં કરવામાં આવ્યો છે તેમ છતાં જીઆઇડીસી દ્વારા ઉપરોક્ત સમયે જૂની કંપનીના બાકી લેણાં નવા ખરીદદારો પાસે માંગવામાં આવે છે અને જ્યાં સુધી ન આપે ત્યાં સુધી લીઝ ટ્રાન્સફર થતી નથી. આવા કેસમાં મસમોટી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે, આથી આવા કેસમાં માત્ર ટોકન ટ્રાન્સફર ફી માત્ર 5 ટકા જ લેવાવી જોઇએ. એવી નીતિ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આવા પ્રકારના વ્યવહારોમાં જીઆઇડીસી નવા પરચેઝર પાસે જૂની કંપનીના બાકી લેણાં માંગ્યા વગર ટ્રાન્સફર એનઓસી આપી દે તે અંગેનો પરિપત્ર બહાર પાડવા વિનંતી કરવામાં આવી હતી.

CGDCR ટેબલ નં. 6, 8 મુજબ પેઈડ FSIનો લાભ કોમર્શિયલ વપરાશકર્તાની જેમ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાને પણ આપવા માટે રજૂઆત કરાઇ

ગુજરાતના CGDCRના ટેબલ નં. 6, 8મા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં બેઝ FSI 1.00 મળવા પાત્ર છે તથા આ વિસ્તારમાં કોમર્શિયલ વપરાશ માટે FSI 1.00 તથા 0.8 પેઈડ FSI મળીને કુલ 1.80 FSI મળવા પાત્ર છે. આ વિસ્તારમાં પાવર લૂમ, એમ્બ્રોઈડરી, ગારમેન્ટ જેવા નાના નાના ઉદ્યોગો ધમધમે છે, આથી CGDCR મુજબ આવી ઈન્ડસ્ટ્રીઝને માત્ર 1.00 FSI મળવા પાત્ર છે. જેથી તેઓને જરૂરીયાત મુજબનું પુરતું બાંધકામ મળતું નથી માટે તેઓને નિયમ મુજબ મળવા પાત્ર બાંધકામ કરતાં વધારે બાંધકામ કરવાની ફરજ પડે છે. આમ CGDCRના ટેબલ નં. 6, 8માં જણાવ્યા મુજબ કોમર્શિયલ વપરાશ માટે 0.8 પેઈડ FSI મળવા પાત્ર છે. તે પેઈડ FSIનો લાભ ઈન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાને પણ મળે તો ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ નહીં થાય અને આ 0.8 પેઈડ FSIથી સરકારને પણ મોટી આવક થઈ શકે તેમ હોવાથી આ અંગે યોગ્ય જોગવાઈ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત અનઅધિકૃત વિકાસ નિયમબદ્ધ કરવા અંગેના વટહુકમ 2022 (ગ્રડા–2022)ના બાંધકામ નિયમબદ્ધ કરવા માટેના બાંધકામની સ્થળ સ્થિતિ ધ્યાને લેતા નિયમોમાં જુના ગ્રડા–2011ના નિયમ તથા શરતો મુજબ છુટછાટ આપવા વિનંતી કરવામાં આવી હતી.

બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતિમાં લાવવા અનુરોધ કરવામાં આવ્યો
બાંધકામ ઉદ્યોગની સાથે સંકળાયેલા બિલ્ડરોએ જમીનમાં રોકાણ કરી સરકારની પરવાનગી મેળવી બાંધકામ કરેલા છે, પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી (20થી 25 વર્ષથી)સુરત જિલ્લાના ઘણા વિસ્તારોમાં ડ્રાફટ ટી.પી. સ્કીમ જાહેર થઇ છે, પરંતુ હજુ પણ તેને ફાઈનલ કરવામાં આવી નથી. આ જાહેર ટી.પી. સ્કીમોને ધ્યાને લઈને બાંધકામ ઉદ્યોગકારોએ મોટા પાયે રોકાણ કર્યું છે, આથી તેમના ઉદ્યોગ – ધંધાને ભારે નુકસાની થઇ રહી છે. આ સ્થિતિને ધ્યાને લઈ છેલ્લા 20થી 25 વર્ષથી જે કોઈ પણ ટી.પી સ્કીમ ડ્રાફટ, સ્થગિત કે પ્રાઇમરી લેવલ પર છે તેઓને ફાઈનલ મંજૂરી આપી બાંધકામ ઉદ્યોગને સાનુકુળ પરિસ્થિતીમાં લાવવા અનુરોધ કર્યો હતો. જો આમ કરવું શકય નહીં હોય તો ઓ.પી.માં એફ.પી. ફાળવી બાંધકામ પરવાનગી આપવા વિનંતી કરાઇ હતી.

ડીજીવીસીએલ એરિયામાં ટ્રાન્સમીશન ઇન્ફ્રા.નું અપગ્રેડેશન કરાવવા બાબતે રજૂઆત કરાઇ
ડીજીવીસીએલના કીમ, કરંજ તથા મોટા બોરાસરા સબ ડિવીઝનથી ઉદ્યોગને મળતી વીજળીની ગુણવત્તામાં સુધારો કરવા વિનંતી કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, વીજ કંપની દ્વારા ગમે ત્યારે ગમે તેટલી વાર પાવર કટનો મેસેજ મોકલી પાવર બંધ કરી દેવામાં આવે છે, જેને લીધે વિવિંગ યુનિટો સહિત તમામ ફેકટરીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ડીજીવીસીએલ એરિયામાં ટ્રાન્સમીશન ઇન્ફ્રાસ્ટ્રકચરનું અપગ્રેડેશન તાત્કાલિક ધોરણે કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા રજૂઆત
સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે દક્ષિણ ગુજરાતમાં હવે જગ્યા રહી નથી, જેથી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં તેવા પ્લાન્ટ સ્થપાય તે માટે અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને તેનો લાભ મળે તે માટે ટ્રાન્સમીશન ચાર્જ અને વિલીંગ ચાર્જ ઘટાડવા જોઇએ. હંગામી NA કરવાની નીતિ આવકારદાયક છે પણ તેમાં 30 વર્ષના રૂપાંતરકરણ એકસાથે લઇ લેવાની વાત યોગ્ય નથી, તેને બે તબક્કામાં લેવાવા જોઇએ. ભરૂચ જિલ્લામાં કેટલાક ગામોમાં જંત્રીના દર વાસ્તવિક દર કરતા વધારે છે, તેથી તેને વાસ્તવિક દરની નજીક લાવવા જોઇએ. લો ટેન્શન ધરાવતા ઉદ્યોગો સોલારનો ઉપયોગ કરી શકે તે માટે ટીવીએમની છુટ આપવી જોઇએ અને એબીટી મીટરનો આગ્રહ રાખવો જોઇએ નહીં. આદિવાસીઓ પોતાની જમીન સોલાર પ્લાન્ટ માટે ભાડે આપી શકે તે માટે તેના ફોર્મમાં તે અંગેનું પ્રોવિજન કરવું જોઇએ અને તે માટેની પરવાનગી આપવી જોઇએ.

નાના ઉદ્યોગકારો પણ ઓપન એકસેસ મિકેનિઝમમાં ટીવીએમ નાંખી શકે તેવી જોગવાઇ કરવા રજૂઆત કરાઇ
ગુજરાત રિન્યુએબલ પોલિસી- 2023માં નાના ઉદ્યોગકારો પણ ઓપન એકસેસ મિકેનિઝમમાં ટીવીએમ નાંખી શકે તેવી જોગવાઇ કરવા રજૂઆત કરવામાં આવી હતી. નાના ગ્રાહકો ઓપન એકસેસ મિકેનિઝમ થકી જ્યારે પોતાના પ્રોજેકટ સ્થાપે છે ત્યારે તેઓએ પોતાના ઉત્પાદન સ્થળે એનર્જી એકાઉન્ટીંગ માટે ટીવીએમ મીટર નાંખી શકે તે માટેની સ્પષ્ટતા ઉર્જા તથા પેટ્રો કેમિકલ વિભાગ દ્વારા લેખિતમાં થાય તે માટે મુખ્યમંત્રીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

રિફંડ ચાલુ કરવા માટે જીએસટી કાઉન્સીલને ભલામણ કરવા મુખ્યમંત્રીને વિનંતી કરાઇ
આર્ટિફિશિયલ જરીના દર જ્યારથી 5 ટકા કરવામાં આવ્યા છે ત્યારથી તેના ઉપર પોલિએસ્ટર ફિલ્મનું ઇન્વર્ટેડ ડયુટી હેઠળ મળતું રિફંડ બંધ કરવામાં આવ્યું હતું, જેથી નાના ઉદ્યોગોને ખૂબ જ નાણાંકીય મુશ્કેલી સહન કરવી પડતી નથી. તેથી આ રિફંડ ચાલુ કરવા માટે જીએસટી કાઉન્સીલને ભલામણ કરવાનું સૂચન કરવા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી હતી. સાથે જ નેરો ફેબ્રિકસ કે જે 5808 હેઠળ આવે છે એના ઉપર 12 ટકા જીએસટી લાગે છે એને બીજા HSNના નેરો ફેબ્રિકસના દર કે જે 5 ટકા છે તેના સમકક્ષ કરવા જીએસટી કાઉન્સીલને ભલામણ કરવા માટે સૂચન કરવા મુખ્યમંત્રીને વિનંતી કરાઇ હતી. આ ઉપરાંત વેટ સમાધાન યોજના નવેસરથી લાગુ કરવા અને તેમાં વેરામાં પણ રાહત આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી.

ઝીંગા ઉછેર કરતા ખેડૂતોને જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવવા બાબતે રજૂઆત
ગુજરાત રાજ્યમાં આવેલ ઝીંગા ફાર્મિંગ પ્રવૃત્તિને કૃષિ દરે વીજળીનો દર નક્કી કરવા બાબતે, ઝીંગા ઉછેર કરતા ખેડૂતોને જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવવા બાબતે અને કલેક્ટર કક્ષાથી CAA લાયસન્સની પ્રક્રિયા ઝડપી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેતી ખનન માટે ફાળવેલા બ્લોકની સંખ્યામાં વધારો કરવા રજૂઆત કરાઇ
સાદી રેતી કવોરી લીઝની મુદતમાં ૩ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે, જે તા. 31 માર્ચ 2024 સુધી ચાલુ રાખવા જણાવવામાં આવ્યું હતું, આ સમય મર્યાદામાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. સાદી રેતી કવોરી લીઝ 12 કલાક ચલાવવામાં આવે છે અને બ્લેક ટ્રેપ કવોરી લીઝ 24 કલાક ચલાવવામાં આવે છે તો આ અંગે બંને રેતી કવોરી લીઝનો સમય સરખો એટલે કે 24 કલાક કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેતી ખનન માટે ફાળવેલા બ્લોકની સંખ્યામાં વધારો કરવાની રજૂઆત કરાઇ હતી.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઓફિસ બેરર્સ ઉપરાંત ચેમ્બરના પૂર્વ પ્રમુખો આશીષ ગુજરાતી, રાજેન્દ્ર ચોખાવાલા, અશોક શાહ, બી.એસ. અગ્રવાલ તથા ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, કીમ–પિપોદરા વીવર્સ એસોસીએશનના અગ્રણી કિરણ ઠુમ્મર, ઝીંગા એસોસીએશનના પ્રતિનિધિ ખલાસી, ગૃપ ચેરમેન હાર્દિક શાહ, સીએ રાજીવ કપાસિયાવાલા, ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ અને ચેમ્બરના લાયઝનીંગ ઓફિસર અજય સાયગલ સહિતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને ઉપરોકત મામલે રજૂઆત કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગ – ધંધાઓને નડતરરૂપ પ્રશ્નોને ખૂબ જ શાંતિથી સાંભળ્યા હતા. તેમણે સંબંધિત વિભાગોના મંત્રીઓ અને સચિવઓ સાથે મિટીંગમાં પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ – ધંધાઓના ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવામાં આવશે તેવી ખાત્રી મુખ્યમંત્રીએ SGCCIના પ્રતિનિધિ મંડળને આપી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!