GUJARAT

ધોધમાર વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, ઉમરપાડામાં આભ ફાટ્યું, ચાંદીપુરા વાયરસે મચાવ્યો કહેર, ગીરાધોધનો અદભૂત વીડિયો – Gujarat News

180થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ

.

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ગતરોજ રાજ્યના 180થી વધુ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 4 જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આણંદ શહેરમાં પણ માત્ર અઢી ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં કેડસમા પાણી જોવા મળ્યા હતા.

7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે. બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આટલા જિલ્લામાં રેડ એલર્ટ

  • સુરત
  • નર્મદા
  • છોટાઉદેપુર
  • ભરૂચ
  • નવસારી
  • વલસાડ
  • દમણ
  • દાદરા અને નગર હવેલી

વરસાદને પગલે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

સારા વરસાદને પગલે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ સક્રિય થયો છે. જેનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો છે. ધોધ સક્રિય થતાની સાથે જ પ્રકૃતિ પ્રેમીઓ આ દૃશ્યો નીહાળવા માટે પહોંચ્યા હતા. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી ત્રણસો ફૂટના વિશાળ પટમાં, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના ‘ધુંઆધાર વોટરફોલ’ની યાદ અપાવી જાય છે.

ઔડા અને AMCના અણઘણ આયોજનના કારણે લોકો હેરાન

ઔડા અને કોર્પોરેશનના અણઘણ આયોજનના કારણે બોપલ-ઘુમા,સનાથલ, અને શેલા-શીલજના 5 લાખ જેટલા લોકો ટ્રાફિક, ધૂળ અને ઉભરાતી ગટરના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઠેર -ઠેર ગટરનું ગંદુ પાણી અને તેની દુર્ગંધના કારણે સ્થાનિકો ત્રાસી ગયા છે. તો રોડ પર ભુવા પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા પશ્ચિમ વિસ્તારમાં જ્યાં હાઇરાઇઝ બિલ્ડીંગો બની રહી છે એવા સનાથલ, શેલા, બોપલ-ઘુમાની હાલની સ્થિતિનો દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં 50 લાખથી લઈ 2 કરોડના ઘરમાં લક્ઝુરિયસ ઘરોમાં રહેતા લોકોને ગટરની દુર્ગંધનો સામનો કરવો પડે છે અને ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.આ ઉપરાંત રોડ બંધ હોવાથી એક કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.

વરસાદના કારણે હવાઈ મુસાફરી પ્રભાવિત

ભારે વરસાદથી અમદાવાદમાં સોમવારે બપોરે વિઝિબિલિટી ફક્ત એક કિલોમીટર જેટલી રહી હતી. જેના કારણે ફ્લાઈટના ટેક ઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલી સર્જાતા અનેક ફ્લાઈટ અન્ય શહેરોમાંથી આવીને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવાને બદલે આકાશમાં ચક્કર લગાવતી રહી.. જ્યારે વરસાદને કારણે ફ્લાઈટના ટેકઓફમાં પણ વિલંબ થયો હતો. અમદાવાદ શહેરમાં બપોરના 12:00 વાગ્યા બાદ કાળા દિમાગ વાદળો છવાઈ જવાની સાથે એકાએક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 71 ફ્લાઈટ તેના નિયત સમય કરતા લેટ ટેક ઓફ થઈ હતી. જ્યારે 46 ફ્લાઈટ વિલંબ બાદ લેન્ડ થઈ હતી.

ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો, 5 બાળકના મોત

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનાં સાબરકાંઠા અને આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા છે. અને અત્યાર સુધી તેનાથી 5 બાળકોના મોત થયા છે. આમ તો આ વાયરસ બાળકો માટે જીવલેણ સાબિત થતો હોય છે. પરંતુ સામે આવેલી વિગતો અનુસાર આ વાયરસથી વૃદ્ધોના જીવને પણ જોખમ છે. આપને એ પણ જણાવી દઈએ કે આ વાયરસ માટીની માખી કરડવાથી ફેંલાય છે. જે ચોમાસાની સીઝનમાં જોવા મળે છે. રાજ્યમાં અત્યારે 12 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાંના સેમ્પલ પૂણે લેબ ખાતે મોકલાયા છે.જો કે સરકારે પણ રાજ્યના નાગરિકોને આ રોગ થી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવા જણાવ્યું છે. અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા અનુરોધ કર્યો છે.

4.50 કરોડના ટ્રેન ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ

સુરતની ઉમરા પોલીસે બોગસ આઈડીથી રૂપિયા 4.50 કરોડના ટ્રેન ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ કરી છે. માત્ર ધોરણ-12 ભણેલા વ્યક્તિએ દેશના IRCTCને દોડતું કરી દીધું હતું. ડિલિવરી બોયમાંથી સોફ્ટવેર સપ્લાયર બનીને બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ આચર્યું હતું. રાજેશ મિત્તલ IRCTCમાં તત્કાલ ટિકિટ બુકિંગ થાય તે પહેલા જ ટિકિટ બુક થઈ જાય, તે માટે સોફ્ટવેર વાપરતો હતો. ઓછા સમયમાં આ ટિકિટ તે સોફ્ટવેરની મદદથી બુક કરી લેતો હતો. જેના કારણે પ્રજા અને રેલવેને નુકસાન થઈ રહ્યું હતું. આરોપીના ઘરે દરોડા પાડતા 973 બોગસ આઈડી, 5 લેપટોપ, 5 હાઈ સ્પીડ રાઉટર તથા નેક્સેસ અને ગડર નામના બે સોફ્ટવેર પોલીસને હાથ લાગ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!