GUJARAT

EDITOR’S VIEW: હાઇપ્રોફાઇલ હિટ એન્ડ રનનું કલ્ચર: અમદાવાદના તથ્યથી મુંબઈના મિહિર સુધી, ચાર સામ્યતા સામે આવી, ગડકરીના શબ્દો સાચા પડ્યા, હચમચાવી દે એવી હકીકત

દેશમાં એક ખરાબ કલ્ચર આકાર લઈ રહ્યું છે. એ છે હાઇપ્રોફાઈલ હિટ એન્ડ રન કલ્ચર. મુંબઈના વર્લી વિસ્તારમાં BMWના ચાલકે નશામાં ધૂત બનીને પૂરઝડપે કાર ચલાવી સ્કૂટીચાલક દંપતીને કચડ્યું હતું. મહિલાનું તો ઘટનાસ્થળે મોત થયું, તેના પતિ બચી ગયા. આ ઘટનાએ દેશમાં ફરી

.

1. પોર્શ, જેગુઆર, BMW જેવી હાઇફાઇ કાર જ હોય

2. મનીપાવર અને પોલિટિકલ બેકઅપ હોય જ

3. આરોપીઓને છાવરવાના કે ભગાડવાના ભરપૂર પ્રયાસ થયા હોય

4. ડ્રાઈવર પર દબાણ થયું હોય કે આરોપ પોતાના માથે લઈ લે

નમસ્કાર

મુંબઈની ઘટના ભલભલાને કંપાવી દેનારી છે. ગરમ બોનેટ અને ટાયર વચ્ચે ફસાઈ ગયેલી મહિલાને બચાવવા કાર ઊભી રાખવાના બદલે મિહિર શાહ નામના નશામાં ધૂત નબીરાએ 2 કિલોમીટર સુધી મહિલાને ઢસડી હતી. તેના પતિએ મીડિયા સામે સ્પષ્ટ કહ્યું હતું કે નેતાઓને સત્તા મળી જાય એટલે ઘણું. તેના માટે પબ્લિક માત્ર કચરો છે.

મુંબઈના વર્લીની આખી ઘટના શું હતી?
7 જુલાઈ, 2024ની વહેલી સવારે 5:30 વાગ્યે મુંબઈના વર્લી વિસ્તારમાં તેજ રફતારથી દોડી રહેલી BMW કારે સ્કૂટી પર માછલી વેચવા જઈ રહેલાં દંપતીને જોરદાર ટક્કર મારી. આરોપીએ ટક્કર મારી તો સ્કૂટીની પાછળ બેઠેલી મહિલા અને તેનો પતિ ગરમાગરમ બોનેટ પર ફસાઈ ગયાં ને એ ડ્રાઈવર જોઈ શકતો હતો છતાં કાર રોકી નહીં. બંનેને 100 મીટર ઢસડ્યાં. પતિ જેમ તેમ કરીને બોનેટ પરથી કૂદી ગયો, પણ મહિલા બોનેટની નીચે ફસાઈ ગઈ ને 2 કિલોમીટર સુધી ઢસડાઈ. તેનું ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું. BMWનો ડ્રાઈવર આ બધું જોતો હતો છતાં કાર રોકી નહીં ને આગળ જઈને કાર રોકી. તેણે મહિલાના બોનેટ નીચે ફસાઈ ગયેલા મૃતદેહને કાઢ્યો ને રસ્તા પર મૂકી દીધો. તેના પરથી જ ફરી કાર ચલાવીને નીકળી ગયો. મહિલાની ઓળખ 45 વર્ષની કાવેરી નખવા તરીકે થઈ છે, જે વર્લી કોલિવાડામાં રહેતી હતી. મહિલાના પતિએ પોલીસને કહ્યું, કારચાલકે થોડી માનવતા દાખવી હોત ને કાર રોકી દીધી હોત તો મારી પત્ની જીવતી હોત.

મિહિર કાર ચલાવતો હતો, પણ એક્સિડન્ટ થતાં સીટ બદલીને ડ્રાઈવરને બેસાડી દીધો
BMW કાર ચલાવનાર મિહિર શાહે નશામાં દંપતીને ટક્કર મારતાં મહિલાનું મૃત્યુ થયું. વહેલી સવારે બનેલી આ ઘટનામાં કાર મિહિર શાહ જ ચલાવતો હતો ને બાજુની સીટમાં તેનો ડ્રાઈવર રાજઋષિ બિદાવત બેઠો હતો. એક્સિડન્ટ થતાં જ મિહિરે સીટ બદલીને ડ્રાઈવિંગ સીટ પર બિદાવતને બેસાડી દીધો હતો. પોલીસે ડ્રાઈવર રાજઋષિ બિદાવત અને મિહિરના પિતા રાજેશ શાહની ધરપકડ કરી હતી, પણ રાજેશ શાહને તરત જ જામીન મળી ગયા હતા. રાજેશ શાહ શિંદેની શિવસેનાનો ઉપનેતા છે અને તેનું ઉપનેતા પદ છીનવી લેવાયું છે, પણ પાર્ટીમાંથી હાંકી કઢાયો નથી. સરકાર પણ શિંદેની છે. માણસ પણ શિંદેનો છે, એટલે સવાલ એ છે કે આટલા બધા સીસીટીવી હોવા છતાં પોલીસે મિહિરને 72 કલાક પછી એક રિસોર્ટમાંથી ઝડપ્યો એ આખો ઘટનાક્રમ પણ શંકા ઊપજાવે એવો છે. અકસ્માત પહેલાં અને પછીનો ઘટનાક્રમ વાંચો તો આખી વાત સમજાશે…

મિહિરના પિતાએ ફોનમાં કહ્યું, આપણો ડ્રાઈવર બધા આરોપો લઈ લેશે
કહેવાય છે કે મિહિર જુહુના એક બારમાંથી પાર્ટી કરીને નશામાં નીકળ્યો હતો. એ ડ્રાઈવરની સાથે જોય રાઈડ પર સાઉથ મુંબઈ ગયો હતો.

મિહિર શાહના પિતા રાજેશ શાહ પાલઘરના એકનાથ શિંદેની શિવસેનાના સદસ્ય છે. પોલીસે ઘટના પછી મિહિરની શોધખોળ કરી હતી, પણ એ ઘટના પછી કારને બાંદ્રા-ઈસ્ટ વિસ્તારના કલાનગરમાં રેઢી મૂકી દીધી હતી. તેણે ત્યાંથી તેના પિતાને ફોન કર્યો કે આવી ઘટના બની ગઈ છે. તેના પિતા રાજેશ શાહે કહ્યું કે આપણો ડ્રાઈવર પોતાના પર બધા આરોપો લઈ લેશે. તું બને એટલું જલદી મુંબઈ છોડી દે. ગભરાયેલા મિહિરે તેની ગર્લફ્રેન્ડને 40 વાર ફોન કર્યો. એ પછી તે ઓટો કરીને ગર્લફ્રેન્ડના ઘરે ગોરેગાંવ પહોંચ્યો હતો. મિહિરે તેની ગર્લફ્રેન્ડને મહિલાના મૃત્યુ વિશે બધી વાત કરી હતી. આટલો મોટો અકસ્માત થયો, એક મહિલા રિબાઈને મૃત્યુ પામી તોપણ મિહિર તેની ગર્લફ્રેન્ડના ઘરે બે કલાક સૂઈ ગયો.

રાજેશ શાહ કાર હટાવવાની ફિરાકમાં હતા ને ઝડપાઈ ગયા
મિહિરે જ્યાં કાર મૂકી હતી ત્યાંથી કારને દૂર કરવાનો પ્લાન રાજેશ શાહનો હતો. મિહિરે તેના ડ્રાઈવર રાજઋષિ બિદાવત અને કારને ત્યાં જ છોડ્યાં હતાં. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, મિહિર શાહ નાસી છૂટ્યા બાદ તેના પિતા રાજેશ શાહ બાંદ્રાના કલાનગરમાં ગયા હતા, જ્યાં કાર અને ડ્રાઈવર હતાં. રાજેશ શાહ પણ ત્યાં પહોંચ્યો હતો ને કારને ઉપાડી ડિસ્ટ્રોય કરાવવાનું વિચારી રહ્યો હતો. એ દરમિયાન મૃતક મહિલા કાવેરીના પતિએ પોલીસને માહિતી આપી કે BMW કાર કઈ જગ્યાએ પડી છે. આ બાતમી પરથી પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં કાર સાથે ડ્રાઈવર અને રાજેશ શાહ હતા. પોલીસે તાત્કાલિક કાર કબજે કરી હતી અને રાજેશ શાહ સહિત ડ્રાઈવર બિદાવતની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બંનેને 8મી જુલાઈએ શિવાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજેશે કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેના પર કોર્ટે તેને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. તો કોર્ટે ડ્રાઇવર બિદાવતની પોલીસ કસ્ટડી 11 જુલાઈ સુધી લંબાવી છે.

ઘટના બાદ કારના કાચ પરથી શિવસેના પાર્ટીનું સ્ટિકર હટાવવાનો પ્રયાસ
અકસ્માત બાદ વર્લી પોલીસે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી તપાસ્યા, જેમાં જાણવા મળ્યું કે વાહન શિવસેનાના નેતા રાજેશ શાહનું હતું. રાજેશ શાહ પાલઘરમાં સત્તાધારી શિવસેના (શિંદે જૂથ)ના ઉપનેતા છે. પોલીસ તપાસમાં પુરાવાનો નાશ કરવાના પ્રયાસો પણ બહાર આવ્યા છે. કારની વિન્ડશીલ્ડ પર શિવસેનાનું સ્ટિકર હતું. ઘટના બાદ સ્ટિકરને સ્ક્રેચ કરીને એને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી પાર્ટી સાથે વાહનનું કનેક્શન છુપાવી શકાય. કારની નંબરપ્લેટ પણ દૂર કરવામાં આવી હતી, પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા, જેના કારણે કાર-માલિકની ઓળખ થઈ હતી.

મિહિરના મિત્રએ 15 મિનિટ માટે ફોન સ્વિચ ઓન કર્યો ને મિહિર ઝડપાઈ ગયો
મિહિર સૂતો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડે મિહિરની બહેન અને પોતાની બિઝનેસ પાર્ટનર પૂજાને ફોન કરીને બધી વાત કરી. પૂજા તરત પોતાની કારમાં ગોરેગાંવ પહોંચી ને ભાઈ મિહિરને લઈને બોરીવલીમાં પોતાના ઘરે પહોંચી. ત્યાં મિહિરે વાળ ટૂંકાવી નાખ્યા અને દાઢી કાઢીને ક્લીન શેવ કરી લીધું એટલે તરત કોઈ તેને ઓળખી ન શકે. ઘરેથી મિહિર તેની માતા અને બહેન સાથે મુંબઈની બહાર 70 કિલોમીટર દૂર શાહપુરના એક રિસોર્ટમાં ગયો. તેની સાથે મિહિરનો એક મિત્ર પણ ગયો હતો. સોમવારે 8 તારીખની સાંજે મિહિર શાહપુરના રિસોર્ટમાંથી વિરારના એક રિસોર્ટમાં શિફ્ટ થઈ ગયો. ત્યાં સુધી બધાના ફોન બંધ હતા. 9 જુલાઈએ મંગળવારે સવારે મિહિરના મિત્રએ 15 મિનિટ માટે ફોન સ્વિચ ઓન કર્યો ને પોલીસને ઈન્ડિકેશન ગયું. વિરાર પોલીસને એલર્ટ કરી દેવામાં આવી ને રિસોર્ટમાંથી મિહિર ઝડપાઈ ગયો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરેએ શું કહ્યું?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મીડિયાને જણાવ્યું હતું કે મેં પોલીસ સાથે વાત કરી છે. કાયદો દરેક માટે સમાન છે. પોલીસ કોઈનું પણ સમર્થન નહીં કરે અને કોઈને બચાવવાની કોશિશ પણ નહીં કરે. આ બહુ દર્દનાક ઘટના છે. આ ઘટનાના તાર એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાયેલા છે, એટલે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આ મુદ્દો ઉપાડી લીધો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું, પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. હું મૃતક મહિલાના પતિને મળ્યો છું. હું આ મુદ્દો કાયમ ઉઠાવતો રહ્યો છું કે મુંબઈમાં બેદરકારીથી કાર ચલાવવાની ઘટના વધતી જાય છે. રસ્તા પર પોલીસ એલર્ટ નથી. બધું સીસીટીવી પર છોડી શકાય નહીં.

કાવેરીના પરિવારની એક જ માગણી, મિહિરને ફાંસીએ ચડાવો…
તેના પતિ પ્રદીપ નાખવાએ મીડિયા સામે કહ્યું, મારા ઘરે નથી એકનાથ શિંદે આવ્યા, નથી દેવેન્દ્ર ફડણવીસ આવ્યા કે નથી અજિત પવાર આવ્યા. આ લોકો સત્તાની લાલચમાં અંધ બની ગયા છે. આ લોકો માટે ખુરસી જ બધું છે. પબ્લિક કાંઈ નથી. આ લોકો માટે પબ્લિક કચરો છે. તેની દીકરીએ કહ્યું, મેં હોસ્પિટલમાં મારી માતાની હાલત જોઈ છે. તેને કેટલી પીડા થઈ હશે. કાર-ડ્રાઈવર ફાંસીએ નહીં લટકાય ત્યાં સુધી મને સંતોષ નહીં થાય. મૃતક મહિલા કાવેરીનાં વૃદ્ધ માતા-પિતા પણ જીવે છે. તેના પિતા કેસરી વાડકરે મીડિયા સામે કહ્યું હતું કે તેને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ.

આ ઘટનાના આરોપી મિહિર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની આ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.

  • 105 – બદઈરાદે હત્યા કરવી
  • 281 – ઝડપથી ગાડી ચલાવવી
  • 125 બી – ગંભીર રીતે ઈજા કરવી
  • 238 – ગુનાના પુરાવા ગાયબ કરવા
  • 324(4) – નુકસાન અને ડેમેજ કરવું
  • 184 – ખતરનાક રીતે ગાડી ચલાવવી
  • 134 એ – ઘાયલને હોસ્પિટલે ન લઈ જવા
  • 134 બી – પોલીસને જાણ ન કરવી
  • 187 – મોટર વ્હીકલ એક્ટની કલમ

પુણેનો પોર્શ કેસ : પોલીસ પાછળ પડી ગઈ, પણ કોર્ટમાંથી ન્યાય ન મળ્યો
પુણેમાં પોર્શ કારથી હિટ એન્ડ રનનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. આ ઘટનાના એક મહિના પછી ચેન્નઈમાં કેસ બન્યો. તેના એક મહિના પછી મુંબઈના વર્લીમાં કેસ બન્યો છે. હવે તો દર મહિને હાઈપ્રોફાઈલ હિટ એન્ડ રનના કેસ સામે આવવા લાગ્યા છે. વાત પુણેની કરીએ તો… 18 મેની રાત્રે 10:40 વાગ્યે સગીર નબીરો અઢી કરોડની પોર્શ કાર લઈને કોઝી પબ ગયો હતો. ત્યાં 90 મિનિટમાં જ 48 હજારનો દારૂ પીધો હતો. રાત્રે 12:10 વાગ્યે આરોપી બ્લેક ક્લબ મેરિયોટ હોટલ ગયો ને ત્યાં પણ દારૂ પીધો. રાત્રે 2:15 વાગ્યે આરોપી તેના મિત્ર સાથે કાર લઈને નીકળ્યો. પોર્શે કારની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ કારે સ્કૂટરચાલક યુવક-યુવતીને ટક્કર મારી, જેમાં એન્જિનિયર યુવક-યુવતીનાં મોત થઈ ગયાં. કારમાં એરબેગ ખૂલી ગઈ એટલે કારને રોકવી પડી. એકઠા થઈ ગયેલા લોકોએ નબીરાને અને તેના મિત્રને બરાબરના ફટકાર્યા ને પોલીસને સોંપ્યા.

બીજા દિવસે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં તેને હાજર કરવામાં આવ્યો. બોર્ડે 300 શબ્દમાં નિબંધ લખવાની શરતે જામીન પર છોડી દીધો. આ કેસમાં નબીરા પર કેસ થવાના બદલે તેના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલ પર થયો કે સગીરને કાર આપી. હોટલ ને વેઈટર પર કેસ થયા કે સગીરને દારૂ આપ્યો. આ ઘટનાનો જોરદાર વિરોધ થયો ને બોર્ડ પર માછલાં ધોવાયાં, એટલે જુવેનાઈલ બોર્ડે સગીરને હાજર થવા નોટિસ કાઢી. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો. તેના પિતા-દાદાની ધરપકડ થઈ, પણ 25 જૂને બોમ્બે હાઈકોર્ટે સગીરને જામીન આપી દીધા. એમાં પણ સગીરની માતાએ તેના ડ્રાઈવર પર દબાણ કર્યું હતું કે આરોપ તું લઈ લેજે. આ કેસમાં સગીરની માતા શિવાની અગ્રવાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેની માતા સામે સગીરનાં બ્લડ સેમ્પલના બદલે પોતાના બ્લડ સેમ્પલ બદલવાનો આરોપ છે. પોલીસને સગીરનાં બ્લડ સેમ્પલ ઘરના ડસ્ટબિનમાંથી મળ્યાં હતાં.

મુંબઈ અને પુણેની ઘટનાઓમાં સામ્યતા તો જુઓ…
મુંબઈ અને પુણેની હિટ એન્ડ રન ઘટનામાં ઘણી સામ્યતા છે. બંને કારમાં નબીરા દારૂ પીધેલા હતા. દારૂ પીને બંને જોય રાઈડમાં નીકળ્યા હતા. બંનેએ સ્કૂટરને ટક્કર મારી હતી. બંને ઘટનામાં યુગલ હતું. બંને ઘટનામાં ડ્રાઈવર પર આરોપો લઈ લેવાનું દબાણ હતું. બંને ઘટનામાં માતાએ જ દીકરાને બચાવવાની કોશિશ કરી હતી. પુણેની ઘટનામાં માતાએ દીકરાનું બ્લડ સેમ્પલ બદલીને પોતાનું આપી દીધું હતું તો મુંબઈની ઘટનામાં માતા તેના દીકરા મિહિરને ભગાડીને રિસોર્ટમાં લઈ ગઈ હતી. પુણેમાં ચાલકના પિતા કરોડોપતિ બિલ્ડર છે અને નેતાઓ પાસે ભલામણો કરાવી હતી. મુંબઈની ઘટનામાં ચાલકના પિતા શિંદેની શિવસેનાના નેતા છે ને કરોડોપતિ છે. તેમણે પણ ભલામણો માટે પ્રયાસ કર્યા હતા. બંને ઘટનામાં કાર પણ હાઈપ્રોફાઈલ છે- પોર્શ અને BMW. આ બંને ઘટના બની છે મહારાષ્ટ્રમાં.

અમદાવાદમાં તથ્ય પટેલના ઘટનામાં પણ મા-બાપે દીકરાને બચાવવાના પ્રયાસ કર્યા હતા, પણ કાર તથ્ય ચલાવતો હતો એ હાજર રહેલા લોકોએ વીડિયો ઉતારીને પુરવાર કરી દીધું હતું.

પોર્શ કેસમાં પોલીસ આગળ આવી, હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે
સગીરના પિતા વિશાલ અગ્રવાલ બિલ્ડર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર 19 મેની રાતે પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યો ત્યારે સગીરના પિતા વિશાલ અગ્રવાલ અને દાદા સુરેન્દ્ર અગ્રવાલે તેનું અપહરણ કર્યું હતું. બાદમાં તેને બંગલામાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને અકસ્માત સમયે સગીર નહીં, પણ પોતે કાર હંકારી રહ્યો હતો એવું કબૂલ કરવા માટે તેના પર દબાણ કર્યું હતું. આ કેસમાં પિતા-દાદા જેલમાં હતા, પણ 2 જુલાઈ, 2024એ બંનેના જામીન મંજૂર થઈ ગયા છે. જોકે પુણેના બિલ્ડર વિશાલ અગ્રવાલ જામીન પર છૂટ્યા ત્યારે તરત પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં હવે પિંપરી-ચિંચવડ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં સારી વાત એ છે કે પોલીસે પોતે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. બોમ્બે હાઈકોર્ટે 25 જૂને સગીરને જામીન આપી દીધા હતા, પણ પુણે પોલીસ હવે સગીરની ધરપકડ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની છે.

તથ્ય પટેલની ઘટનાને અમદાવાદ ક્યારેય નહીં ભૂલી શકે
બરાબર એક વર્ષ પહેલાં, 20 જુલાઈ 2023ની મધરાત્રે ઈસ્કોનબ્રિજ પર એક નાનકડો અકસ્માત જોવા માટે કેટલાક લોકો ટોળું વળીને ઊભા હતા. એવામાં રાજપથ ક્લબ તરફથી પૂરઝડપે જેગુઆર કાર આવી હતી ને ટોળાં પરથી ફરી વળી હતી. એમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનાં પણ મોત થયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. ઘટનાસ્થળે બીજા લોકો પણ હતા, તેમણે આ જેગુઆર કારના ચાલક તથ્ય પટેલને બહાર કાઢીને માર્યો હતો. એવામાં તેના બિલ્ડર પિતા પ્રજ્ઞેશ પટેલને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચીને દીકરાને છોડાવી ગયા હતા. તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતાં. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી હતી. તથ્ય પટેલ અને તેનો પિતા પ્રજ્ઞેશ પટેલ બંને અય્યાશી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. બંને પિતા-પુત્રએ જેલમાંથી બહાર નીકળવાનાં તમામ બહાનાં કોર્ટ સામે ધરી દીધાં છે. પિતા હાલમાં જામીન પર બહાર છે.

ચેન્નઈમાં સાંસદની દીકરીએ યુવકને કચડ્યો ને જામીન મળી ગયા!
17 જૂનની રાત્રે ચેન્નઈમાં રાજ્યસભાના સાંસદની પુત્રીએ ફૂટપાથ પર સૂઈ રહેલી એક વ્યક્તિ પર BMW કાર ચડાવી દીધી હતી. એ વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું. આરોપીની ઓળખ YSR કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ બીડા મસ્તાન રાવની પુત્રી માધુરી તરીકે થઈ હતી. અકસ્માત બાદ સાંસદની પુત્રીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા હતા. એનડીટીવીના અહેવાલ મુજબ, માધુરી અકસ્માત સમયે નશામાં હતી. તે કાર ચલાવી રહી હતી. કારમાં તેની એક ફ્રેન્ડ પણ હતી. ચેન્નઈના બેસંતનગરમાં આરોપીઓએ ફૂટપાથ પર સૂઈ રહેલા યુવક પર કાર ચલાવી હતી. અકસ્માત બાદ માધુરી ત્યાંથી ભાગી ગઈ હતી, જ્યારે તેની ફ્રેન્ડ કારમાંથી નીચે ઊતરીને અકસ્માત બાદ એકઠા થયેલા લોકો સાથે દલીલ કરવા લાગી હતી. થોડા સમય પછી તે પણ ત્યાંથી નીકળી ગઈ હતી.

દિલ્હીની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો
થર્ટીફર્સ્ટ ડિસેમ્બર, 2022ની રાત્રે દિલ્હીમાં કાંઝાવાલા વિસ્તારમાં સ્કૂટી પર જઈ રહેલી 23 વર્ષની યુવતી અંજલિ સિંહને બલેનો કારમાં સવાર અને નશામાં ધૂત પાંચ યુવકે ટક્કર મારી હતી. ટક્કરના કારણે યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી. અકસ્માત થયો છે એનો ખ્યાલ આવ્યો છતાં યુવકો કાર ભગાવતા રહ્યા અને યુવતી 12 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી રહી. એના કારણે યુવતીની પીઠ અને માથાનાં હાડકાં તૂટી ગયાં હતાં. માંસ બહાર આવ્યું. બંને પગનાં હાડકાં તૂટી ગયાં હતાં. તે ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ પામી. જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે શરીર પર એકપણ કપડું નહોતું. પોલીસે બીજા દિવસે એફઆઈઆર નોંધી, જેમાં રેસ-ડ્રાઇવિંગ અને બેદરકારીથી ડ્રાઇવિંગ જેવી હળવી કલમો ઉમેરવામાં આવી. વધતા દબાણને જોતાં પોલીસે ત્રીજા દિવસે બિનઈરાદાપૂર્વકની હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.

એ વખતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હીના ડેપ્યુટી સ્પીકર રાખી બિડલાએ દાવો કર્યો હતો કે આરોપી ભાજપ સાથે સંકળાયેલો છે, માટે પોલીસ આરોપીઓનો બચાવ કરી રહી છે. પોલીસ ભાજપના દબાણ હેઠળ કામ કરી રહી છે. આ કેવી કાર્યવાહી છે કે પરિવારને યુવતીનો મૃતદેહ પણ બતાવવામાં આવ્યો નથી. આ આક્ષેપો પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માગ્યો હતો.

અકસ્માતો અંગે વર્લ્ડ બેન્કનો રિપોર્ટ ચોંકાવનારો અને ચિંતાજનક છે
વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં માર્ગ અકસ્માતમાં થતાં કુલ મૃત્યુનાં 10 ટકા મોત માત્ર ભારતમાં જ થાય છે. વિશ્વભરમાં વાહનોનાં એક ટકા જેટલાં જ ભારતમાં હોવા છતાં આ દેશમાં 10 ટકા મોત અકસ્માતથી થાય છે. ભારત સરકાર લોકોને જાગ્રત કરવા માટે ટ્રાફિક નિયમોનો ખૂબ પ્રચાર કરે છે, પણ ઓવર સ્પીડ, દારૂ પીને વાહન ચલાવવાને કારણે અનેક નિર્દોષ લોકોનાં અકાળે મોત થાય છે. ચિંતાજનક એ છે કે આ રીતે થતાં મૃત્યુમાં સૌથી વધુ સંખ્યા યુવાનોની છે. માર્ગ દુર્ઘટનાઓનો શિકાર બનતા લોકોમાં 76.2 ટકા એવા લોકો છે, જેમની વય 18થી 45 વર્ષ વચ્ચેની છે. ભારતમાં વર્ષે લગભગ સાડાચાર લાખ માર્ગ અકસ્માત થાય છે, જેમાં દોઢ લાખ જેટલા લોકોનાં મોત થાય છે. રોજના 462 લોકો એક્સિડન્ટમાં મરે છે. એનો અર્થ એ થયો કે દર ત્રણ મિનિટે એક વ્યક્તિ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ સાથે તેમણે કહ્યું હતું કે સરકારે 2025 સુધીમાં માર્ગ અકસ્માતોમાં 50 ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

અકસ્માતોની અસર મન પર થાય છે, અર્થતંત્ર પર પણ થાય છે
વર્લ્ડ બેન્કે જે રિપોર્ટ રજૂ કર્યો છે એનું નામ ‘ટ્રાફિક ક્રેશ ઈન્જરી એન્ડ ડિસેબિલિટીઃ ધ બર્ડન ઓન ઈન્ડિયન સોસાયટી’ છે, જેમાં જણાવાયું છે કે કઈ રીતે માર્ગ અકસ્માતો લોકોના જીવન પર અસર કરે છે. દેશમાં થતા એક્સિડન્ટ્સ આપણને વધુ ને વધુ ગરીબ બનાવી રહ્યા છે. માત્ર ગરીબ જ નહીં, પણ આ દુર્ઘટનાઓ આપણના દેશના એક મોટા વર્ગને માનસિક રોગી પણ બનાવી રહી છે. જો માર્ગ અકસ્માતો પર અંકુશ ન લગાવાય તો સ્થિતિઓ વધુ વિકરાળ બની જશે. ભારતમાં માર્ગ અકસ્માતોથી 147114 કરોડ રૂપિયાનું સામાજિક તેમજ આર્થિક નુકસાન થાય છે, જે જીડીપીના 0.77 જેટલું છે.

છેલ્લે,

એકવાર માર્ગ પરિવહન અને રાજમાર્ગમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં શિકાર બનનારા 80થી 90 ટકા લોકો ગરીબ છે. મુંબઈનાં મૃતક મહિલાનાં પતિએ પણ આ જ વાત કરી કે ગરીબો માત્ર રસ્તા પર અકસ્માતમાં મરવા માટે જ હોય છે.

સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…

(રિસર્ચ: યશપાલ બક્ષી)



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!