GUJARAT

ભાસ્કર લાઈવ: આરોપી પોલીસમાં રહી ચૂક્યો છે એટલે ફુલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો તેથી રેડ પાડવા CBIએ થ્રિલર ફિલ્મો કરતા પણ ચડિયાતી સ્ક્રિપ્ટ બનાવી! – Rajkot News

CGST અધિકારી ધનખડેએ લાંચ લેવા ઓફિસે બોલાવ્યા, પોતાની કારમાં બેસાડી છેક સાધુવાસવાણી રોડ પર વચેટિયાને પૈસા અપાવ્યા, ફરિયાદીને ઉતારી ગાડી હંકારે ત્યાં સીબીઆઈની બે કારે ઈન્સ્પેક્ટરને આંતરી લીધા

.

રાજકોટની સીજીએસટી કચેરીમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધનખડેને સીબીઆઈએ લાંચના કેસમાં અટકાયત કરી છે પણ આ અટકાયત કેવી રીતે કરી તે સમગ્ર ઘટના ભાસ્કરે લાઈવ મેળવી છે. સીબીઆઈની આ કામગીરી થ્રિલર ફિલ્મોને પણ આંટે તેવી છે. સીબીઆઈ સુધી એક વેપારી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું તે અમદાવાદ રહે છે પણ ભાવનગરમાં યુનિટ ધરાવે છે. ધનખડે નામના ઈન્સ્પેક્ટર કે જે રાજકોટ સીજીએસટીમાં બેસે છે તેઓએ સંપર્ક કર્યો હતો અને લાંચ માગી હતી. આ ફરિયાદ મળતાં જ સીબીઆઈએ ટ્રેપ ગોઠવી હતી અને 3 તારીખે બપોરે સીબીઆઈની ટીમ રાજકોટ પહોંચી ગઈ હતી. ફરિયાદી પણ રાજકોટ આવી ગયા હતા અને ફોન કરીને ધનખડેને પૈસા ક્યાં આપવા તેમ કહેતાં તેણે ઓફિસે જ બોલાવી લીધા હતા.

ઓફિસે લાંચ લેશે તો રંગે હાથ પકડાઈ જશે તેથી કેસ સરળ થશે તેવી આશા હતી પણ ધનખડે કોઈ સામાન્ય અધિકારી ન હતા તેથી સીબીઆઈનું કામ આકરું બની ગયું હતું. નવિન ધનખડની નિમણૂક રાજકોટ થઈ તે પહેલાં તે દિલ્હી પોલીસમાં 8 વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે તેથી આરોપી, ફરિયાદી અને તપાસ બધી જ બાબતોના નિષ્ણાત થઈ ગયા હતા. આ વાત સીબીઆઈને મળતા તેઓએ પણ ટ્રેપ માટે આખી રાત પ્લાનિંગ કર્યું હતું. ફરીયાદી લાંચ લેવા તેમની ઓફિસે આવ્યા એટલે ધનખડેએ લાંચ લેતા પહેલાં ફરિયાદીને પોતાની કારમાં બેસાડ્યા અને કાર હંકારી નાખી. સીબીઆઈના અધિકારીઓએ આ દૃશ્ય જોતા જ મોતિયા મરી ગયા હતા સદનસીબે આ જ કારણે ફરિયાદીનું લાઈવ લોકેશન મળે તેવી વ્યસ્થા થઈ ચૂકી હતી. ધનખડેના ડ્રાઈવરે કાર હંકારી હનુમાન મઢી ચોક પહોંચાડી હતી અને ત્યાં ટ્રાફિકમાં થોડી પળો માટે સીબીઆઈની કાર પાછળ રહી ગઇ હતી. હનુમાન મઢી ચોક ત્યાંથી રૈયા ચોકડી અને ત્યાંથી આગળ વધતા વધતા ધનખડે પોતાની કાર છેક સાધુવાસવાણી રોડ પર લઈ ગયા હતા અને ત્યાં નક્ષત્ર 8 નામની બિલ્ડિંગ પાસે કાર ઊભી રખાવી હતી. આ દરમિયાન તેમણે પૈસા લઈ લીધા હતા અને નક્ષત્ર 8 પાસે ઊભેલા રાજન નામના વચેટિયાને પૈસા દઈ દીધા હતા આ દૃશ્ય સીબીઆઈએ જોયું હતું. ત્યાંથી કાર થોડે દૂર આગળ વધી અને અચાનક જ ધનખડેને લાગ્યું કે કદાચ કશું અજુગતું થઈ રહ્યું છે તેથી તેણે કાર ઊભી રાખી અને ફરિયાદીને કહ્યું કે, હવે તમે ઉતરી જાઓ, ફરિયાદી ઉતરતા જ સીબીઆઈને પણ લાગ્યું કે હવે તે ફરાર થવાના ઈરાદે છે તેથી બંને કાર હંકારીને ફિલ્મી સ્ટાઈલમાં રોડ બ્લોક કરીને ધનખડેની કાર આગળ જ ન વધે તેવી ફસાવી દીધી. ધનખડે પોલીસ અધિકારી રહી ચૂક્યો છે અને પોતાના સેલ્ફ ડિફેન્સમાં તે આર્મ્સનો પણ ઉપયોગ કરી શકતો હતો તેથી સીબીઆઈના અધિકારીઓએ ઉતરતાની સાથે જ પોતાની ઓળખ આપીને કારમાંથી ઉતરી જવાનું કહ્યું.

સીબીઆઈનું નામ સાંભળતા જ ધનખડેના હાજાં ગગડી ગયા હતા હવે કોઇ પણ હરકત કરશે તો વધારે ફસાઈ જશે તેવું લાગતા તે મૂંગા મોઢે બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન સીબીઆઈની ટીમે નક્ષત્ર 8 પાસે ઊભેલા વચેટિયાને પણ દબોચી લીધો હતો અને પૈસા પર લાગેલું કેમિકલ કાઢવા હાથ ધોવડાવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દોઢ કલાક સુધી ચાલ્યો હતો. ત્યારબાદ ધનખડેને સીજીએસટી પરત લઈ જઈ આખી રાત સર્ચ ઓપરેશન કરી અનેક દસ્તાવેજો કબજે કરાયા હતા.

રાજકોટમાં ધનખડેનો વચેટિયો એટલે રાજન ભૂપત દસાડિયા તે નક્ષત્ર 8માં પહેલા માળે ઓફિસ ધરાવતો હતો. જ્યારે ધનખડે બજરંગવાડી પાસે આવેલી કોપર સિટી નામની હાઈરાઈઝ સોસાયટીમાં ફ્લેટમાં ભાડે રહેતો હતો. ધનખડે રાજનની ઓફિસમાંથી પોતાની લાંચનો વહીવટ ચલાવતો હતો તેથી ત્યાં સીસીટીવી કબજે કરવાની કવાયત ચાલી રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!