Amreli: લાઠી ગામે ગમખ્વાર અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
- લાઠીના કેરાળાના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની
- કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પાસે આવેલા બાકડા પર કાર ચઢી ગઈ
- કલાપી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પગમાં ઈજાઓ પહોંચી
અમરેલીના લાઠીના કેરાળાના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
કાર ચાલકે અચાનક જ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
લાઠીના કેરાળાના પાટિયા પર વહેલી સવારે સુરતથી ઉના જઈ રહેલી ફોર વ્હીલરમાં 5 સભ્યો સવાર હતા અને કાર ચાલકે અચાનક જ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પાસે આવેલા બાકડા પર કાર ચઢી ગઈ હતી અને આ બાકડા પર બે લોકો બેસેલા હતા. સ્કુલ જવા માટે બસની રાહ જોઈને બાકડા ઉપર બેઠેલા એક વિદ્યાર્થી અને એક ગ્રામના રહેવાસીને કારે ટક્કર મારી હતી.
4 લોકો ઈજાગ્રસ્ત, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાતા બાકડા પર બેઠેલા લાઠી કલાપી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ભાર્ગવ મહિડા નામના વિદ્યાર્થીને પગમાં ઈજાઓ પહોંચી હતી અને તેને વધુ સારવાર માટે શાંતા બા હોસ્પિટલમાં ખસેડાયો છે, ત્યારે 30 વર્ષીય દિલિપભાઈ જીકાદ્રાનું ઘટનાસ્થળે જ મોત નિપજતા ગામમાં ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો. આ સાથે જ કારમાં સવાર 5માંથી 3 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને પણ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા.