Amreli: પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો બગાડ
- બાબરા બસ સ્ટેશન નજીક પાણીની લાઇનમાં ભંગાણ
- બ્લોક રોડનું કામ ચાલતું હતું ત્યારે પાણીની લાઇન તૂટી
- હજારો લીટર પાણી સિવિલના પટાંગણમાં ભરાયું
અમરેલી જિલ્લાના બાબરા બસ સ્ટેશન નજીકમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નગરપાલિકા દ્વારા રોડની સાઈડમાં બ્લોક નાખવામાં આવતા હોવાની કામગીરીને લઈને પાણીની પાઈપ ઉપર જેસીબી ફરી વળતાં પાઈપ તૂટી હતી.
જેસીબી મશીન ચાલકની ભૂલથી પાઈપ તૂટી
બાબરા બસ સ્ટેશનની નજીકમાં આવેલ મોલ પાસે બ્લોક નાખવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પાણીની પાઈપ પર જેસીબી મશીન અથડાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયુ હતું. વગર વરસાદે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતુ થયુ હતું. પાલિકા તંત્રની બેદરકારીને લઈ હાજરો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહીં
અમરેલી જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ગામોમાં પાણી આવતું નથી અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ પાણીની કાગડોળે રાહ જુએ છે ત્યારે આવી રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યું છે છતાં પાણી પુરવઠા વિભાગ હજુ પણ નિદ્રામાં પોઢ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ખેતી માટે સિંચાઈનું પાણી ડેમોમાંથી મળતું નથી તો પીવાના પાણી માટે અમરેલી જિલ્લામાં વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
પીવાના પાણીનો ઠેર ઠેર પોકાર
અમરેલી જિલ્લામાં પીવાના પાણીનો ઠેર ઠેર પોકાર ઉઠ્યો છે ત્યારે પાણી પુરવઠા તંત્રના પાપે અમરેલીમાં જઈ રહેલ પીવાનું લાખો લીટર પાણી વ્યર્થ રીતે વહી રહ્યું છે.