GUJARAT

‘સરકાર કોર્ટના હુકમને મજાક સમજે છે’: અમારી ધીરજની કસોટી ના કરો, કન્ટેમ્પ્ટ દાખલ કરીશું, પોલીસ ભરતી મામલે હાઇકોર્ટે સરકારને ભીંસમાં લીધી – Ahmedabad News

દેશનાં ઘણાં રાજ્યોમાં તોફાનો થતાં જાન-માલને નુકસા થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ મુદ્દે હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનવણી ચાલી રહી છે, જેમા

.

રાજ્ય સરકારે ભરતી ન થવાને લઈ હાઇકોર્ટ સમક્ષ જુદાં જુદાં કારણો રજૂ કર્યાં હતાં, જેની સાથે કોર્ટ સહમત નહોતી તેમજ સ્પષ્ટ ભાષામાં કહી દીધું હતું કે અમારી ધીરજની કસોટી કરશો નહીં, કન્ટેમ્પ્ટ દાખલ કરીશું. સરકાર કોર્ટના હુકમને મજાક સમજે છે.

‘ભરતીઓ ક્યારે અને કેવી રીતે થશે, પ્રોસેસની બ્લૂ પ્રિન્ટ આપો’
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પોલીસ ભરતી માટે પોલીસ કમિશન અને ગાઈડલાઈન બનાવવાની રહે. સરકારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 07 માર્ચ, 2024ના રોજ ઠરાવ પસાર કરીને પોલીસ ભરતી માટે ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ બનાવ્યું છે. જોકે કોર્ટે નોંધ્યું હતું કે આ બોર્ડ અને તેના મેમ્બર્સ વિશેની માહિતી કોર્ટ સમક્ષ મુકાઈ નથી. મેમ્બર્સ નોમિનેટ કરીને આ બોર્ડની રચના કરવામાં આવી નથી, આથી હાઇકોર્ટે રાજ્યના ગૃહ વિભાગના સચિવને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતી અને આગામી સમયમાં ભરતીઓ કેવી રીતે, ક્યારે કરાશે, એની પ્રોસેસ શું હશે વગેરેની બ્લૂ પ્રિન્ટ માગી હતી.

‘પોલીસ ભરતી બોર્ડ બનાવવામાં આવ્યું છે તો GPSCની સલાહ કેમ લેવાની?’
આજે ગૃહ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ ભરતીને લઈને સ્પષ્ટ બ્લૂ પ્રિન્ટ મૂકવા પ્રયત્ન કરાયો હતો. કોર્ટે કહ્યું હતું કે તેનું કામ મોનિટરિંગનું છે, ભરતીનું કાર્ય તમારે કરવાનું છે. સરકારે પોલીસ વિભાગમાં કેડરવાઇઝ ખાલી જગ્યાઓ અને એને ભરવાની પ્રસ્તાવિત ડેડલાઈન કોર્ટ સમક્ષ મૂકી હતી, જેમાં બિનહથિયારધારી PIની 1399 મંજૂરી કરાયેલી જગ્યા પૈકી 1199 ભરાયેલી છે, જે પૈકી બાકીની 200 ખાલી જગ્યાઓ પર ખાતાકીય પ્રમોશન કમિટી દ્વારા GPSCની સલાહથી પ્રમોશન કરવામાં આવશે. કોર્ટે પૂછ્યું હતું કે પોલીસ ભરતી બોર્ડ બનાવવામાં આવ્યું છે તો GPSCની સલાહ કેમ લેવાની?

‘અમને પ્રોસેસની વાતોમાં નહીં, પરિણામમાં રસ છે’
હથિયારધારી PIની પ્રમોશન ભરતી માટે કોઈ યોગ્ય ઉમેદવાર નથી. વાયરલેસ PIની 09 જગ્યા માટે પ્રમોશન ભરતી પ્રોસેસમાં છે, જે 10 નવેમ્બર, 2024 સુધીમાં પૂર્ણ થશે. PI મોટર ટ્રાન્સપોર્ટની બે જગ્યા માટે કોઈ યોગ્ય ઉમેદવાર નથી, જેથી કોર્ટે કહ્યું હતું કે અમને પ્રોસેસની વાતોમાં નહીં, પરિણામમાં રસ છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે બોર્ડે બઢતી ભરતી માટે પરીક્ષાની જાહેરાત આપી છે. ભરતી સીધી, સ્પેશિયલ સ્પર્ધાત્મક અને ખાતાકીય પ્રમોશન દ્વારા કરાય છે. પ્રમોશન પરીક્ષા પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે.

‘અમારી ધીરજની કસોટી કરશો નહીં, અમે હવે કન્ટેમ્પ્ટ દાખલ કરીશું’
જોકે કોર્ટે ટકોર કરી હતી કે કોઈ સ્પષ્ટ માળખું કોર્ટ સમક્ષ મુકાતું નથી. આ બધી વાતોમાં સ્પષ્ટતાની જરૂર છે. ત્રણ મોડમાં જે પરીક્ષાની વાત કરી છે એની પ્રોસેસ અને પ્રોગ્રેસ શું? કોર્ટ મિત્રએ જણાવ્યું હતું કે બોર્ડ બનાવવા 10 વર્ષનું 82 લાખ રૂપિયા બજેટ ફાળવી દેવાયું છે, જેમાં 07 પોસ્ટ છે. એમાંથી ફક્ત એક ચેરમેન અને વ્યક્તિને જ અપોઈન્ટ કરાયાં છે, એટલે બોર્ડ જેવું છે જ નહીં. છેલ્લે 06 મેમ્બર્સમાંથી 02 ભરાયા છે, જેથી કોર્ટે સરકારી વકીલની ઝાટકણી કાઢી હતી કે અમારી ધીરજની કસોટી કરશો નહીં. અમે હવે કન્ટેમ્પ્ટ દાખલ કરીશું. સરકાર કોર્ટના હુકમને મજાક સમજે છે. કોર્ટ સમક્ષ ખોટું ચિત્ર આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું પાલન થતું નથી. અમે ધીરજ રાખીએ એનો લાભ ઉઠાવશો નહીં. હવે સીધી કન્ટેમ્પ્ટ નોટિસ મળશે. આ મુદ્દે વધુ સુનાવણી 09 ઓગસ્ટે રાખવામાં આવી છે.

‘સીધી ભરતી માટે શું કર્યું છે?’
જે મુદ્દે સરકારે જણાવ્યું હતું કે પ્રમોશન માટે GPSC છે, જ્યારે સીધી ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ છે. કોર્ટે કહ્યું હતુ કે પ્રમોશન ભરતી પણ પોલીસ ભરતી બોર્ડને આપવી જોઈએ એ માટે નિયમોમાં સુધારો કરો. આ પોલીસ ભરતી બોર્ડ બનાવવા બીજાં રાજ્યોમાં આવેલા પોલીસ ભરતી બોર્ડનું બંધારણ જોયું છે? આ ભરતી બોર્ડમાં પારદર્શિતા અને ઝડપ જોઈએ. વળી, ખાતાકીય બઢતી કમિટીમાં બે કે ત્રણ જ મેમ્બર્સ છે તો ખાતાકીય બઢતી કેવી રીતે થશે? સીધી ભરતી માટે શું કર્યું છે?

આ પહેલાં હાઇકોર્ટે ગૃહ વિભાગ પાસે ભરતીની ટાઇમ લાઈન માગી હતી
અગાઉ પણ જે જગ્યાઓ ખાલી છે એની ભરતી અંગે ગૃહ વિભાગે ટાઈમ લાઈન આપી હતી, જેમાં ભરતી અને પ્રમોશન થકી જગ્યાઓ ભરવાની વાત હતી. PIની ખાતાકીય બઢતી થકી ભરતી કરવાની વાત હતી તો PSIની 304 જેટલી જગ્યાઓ ખાલી છે. ભરતીની પ્રક્રિયા સીધી ભરતી દ્વારા, ખાતાકીય અને પ્રમોશન દ્વારા કરવામાં આવે છે. જોકે હાઇકોર્ટે આ બ્લૂ પ્રિન્ટને અસ્પષ્ટ ગણાવી હતી. કોર્ટ મિત્રએ ધ્યાન દોર્યું હતું કે બિનહથિયારધારીની 13,735 જગ્યામાંથી માત્ર 6600 જગ્યા મંજૂર કરાઈ છે. આમાં જગ્યાઓ કરતાં ભરતી ઓછી થતી હોય તો પ્રમોશન કરીને કેવી રીતે ભરતી કરાશે? ગત વર્ષે પણ પોલીસબેડામાં સીધી ભરતી નહીં, પણ પ્રમોશન વધુ થયાં હતાં, આથી કોર્ટે પહેલા પ્રમોશન પૂર્ણ કરવા કહ્યું હતું. વળી, કોર્ટ મિત્રએ વધુ ધ્યાન દોર્યું હતું કે ગૃહ વિભાગના સેક્રેટરી જ ભરતી માટે ગૃહ વિભાગની મંજૂરી માગે છે! પોલીસ ભરતી માટે અલગ બોર્ડ બનાવવામાં આવ્યું છતાં પરીક્ષા પ્રાઇવેટ એજન્સી લે છે ! કોર્ટે ગૃહ વિભાગની બ્લૂ પ્રિન્ટ ફગાવી દેતાં નવી બ્લૂ પ્રિન્ટ માગી હતી.

‘બેરોજગારી વધુ હોવા છતાં સરકાર પોલીસ વિભાગમાં ભરતી કરતી નથી’
આ સુનાવણીમાં હાજર રહેલા સરકારી વકીલે કહ્યું હતું ગૃહ વિભાગ દ્વારા જે એફિડેવિટ કરવામાં આવી છે એમાં વધુ સ્પષ્ટીકરણની જરૂર છે, એ એફિડેવિટમાં દર્શાવેલા આંકડા કોર્ટ સમક્ષ મૂકી શકાય તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે પોલીસ વિભાગમાં જેટલી જગ્યાઓ ખાલી છે એ તમામ જગ્યાઓ કેમ ભરાતી નથી? આજના સમયમાં જ્યારે બેરોજગારી વધુ છે ત્યારે કોન્સ્ટેબલ અને PSIની વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર મોટી ભરતી કરતી નથી ! સરકાર રાજ્યની આખી મશીનરી અને પ્રજાના પૈસાનો ઉપયોગ કરીને પણ અડધી ભરતી જ કરે છે! રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહી છે, ગૃહ વિભાગના અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવામાં આવી શકે છે ?

‘કોર્ટની ધીરજની પરીક્ષા કરવામાં ના આવે’
કોર્ટે ગૃહ વિભાગને પૂરતો સમય આપ્યો છે. કોર્ટની ધીરજની પરીક્ષા કરવામાં ના આવે. ઓફિસરો પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાની માહિતી આપવા ના માગતા હોય તો એવું પણ એફિડેવિટમાં લખો. 01 વર્ષથી ગૃહ વિભાગ પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓનો યોગ્ય ડેટા આપી શક્યો નથી. આ અંગે હવે ગૃહ વિભાગના સેક્રેટરી એફિડેવિટ ફાઇલ કરશે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે રાજ્યના ગૃહ વિભાગના અંડર સેક્રેટરીની એફિડેવિટ અસ્પષ્ટ છે. આ એફિડેવિટ કોર્ટમાં ફાઇલ કરી શકાય એવી નથી. આ બાબત એક વર્ષ કરતાં વધુ સમયથી કોર્ટમાં પેન્ડિંગ છે.

મોટી જગ્યાઓ ખાલી હોવા છતાં ઓછી ભરતી કરવામાં આવે છે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના મેમ્બર્સના નોમિનેશન પર પણ ચુપકીદી સાધવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં 04 મેમ્બર અને 01 ચેરમેનની જોગવાઈ છે. આશ્ચર્યજનક રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું સર્જન થયા પહેલાં તેના ચેરમેન તરીકે DGPને અપોઇન્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં બિનહથિયારધારી PSI, કોન્સ્ટેબલ અને હથિયારધારી PSI, કોન્સ્ટેબલ તેમજ PI ની જગ્યાઓ ખાલી છે. મોટી જગ્યાઓ ખાલી હોવા છતાં ઓછી ભરતી કરવામાં આવે છે.

પોલીસ વિભાગમાં આટલી જગ્યાઓ ખાલી
રાજ્યમાં બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 39,880 જગ્યા પૈકી 26,145 જગ્યા ભરાયેલી છે, જ્યારે 13, 735 જગ્યા ખાલી છે. એમાં ફક્ત 6600 જગ્યાઓ ભરવા મંજૂરી મળી છે. એ કુલ ખાલી જગ્યાના 50 ટકા જેટલી છે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલની ખાલી પડેલી 6348 જગ્યા પૈકી ફક્ત 3302 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે. SRPFમાં ખાલી પડેલી 4200 જગ્યા પૈકી ફક્ત 01 હજાર જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે. બિનહથિયારધારી PSIની 1606 ખાલી જગ્યાઓ પૈકી 1302 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.

ખાલી જગ્યાઓના સ્પષ્ટ આંકડા આપવા છેલ્લી તક આપી હતી
ગુજરાત હાઇકોર્ટે રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓના સ્પષ્ટ આંકડા આપવા માટે છેલ્લી તક આપી છે. હાઇકોર્ટે સખત થઈને પોતાના હુકમમાં નોંધ્યું હતું કે જ્યારે વર્તમાનમાં વધુ બેરોજગારી છે ત્યારે પ્રજાના પૈસાને વાપરીને પણ સરકાર ખાલી પડેલી જગ્યાઓના 50% જગ્યાઓ જ ભરવા માટે મંજૂરી આપી રહી છે. છેલ્લા એક વર્ષથી પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવી નથી. હાઇકોર્ટ ગૃહ વિભાગ નારાજ થતાં નોધ્યું હતું કે રાજ્યનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જણાવવાનું છે. લોકોના જીવનની સુરક્ષા સીધી જ પોલીસ સાથે જોડાયેલી છે. હવે લોકો પોલીસની સંખ્યાને લઈને ગૃહ વિભાગના અધિકારીઓની દયા પર જીવન જીવવા મજબૂર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે આ સુઓમોટો પિટિશન સુપ્રીમકોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી, જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસબેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસતિ પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!