GUJARAT

સાહેબ મિટિંગમાં છે: પાલનપુરના ધારાસભ્યને ધોતિયા ફાટવાનો ડર, ભાજપ કોર્પોરેટર અને હોદ્દેદારો વચ્ચે આંતરિક વિખવાદ – Ahmedabad News


દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી…

.

પાલનપુરના ધારાસભ્યને ધોતિયા ફાટવાનો ડર
બનાસકાંઠા વિસ્તારમાં પરાણે પરાણે પણ લોકસભા ચૂંટણીમાં ભાજપ સત્તા ન મેળવી શક્યું જેની પાછળ એક કારણ એ પણ જવાબદાર માનવામાં આવે છે કે, પ્રજાના કામ થતા નથી. ચૂંટણી પરિણામો મુજબ જોઈએ તો બનાસકાંઠા લોકસભામાં પાલનપુર વિધાનસભા કે જે ભાજપ હસ્તક છે તેમાંથી જ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને સૌથી વધુ મત મળતા તે સાંસદ તરીકે ચૂંટાયા છે. તાજેતરમાં જ પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ગાંધીનગર આવ્યા હતા. રજૂઆત કરવા માટે આવેલા ઠાકરની વાત એમ હતી કે, પાલનપુર વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ખાલી જગ્યા પૂરવામાં આવે. જોકે, આ રજૂઆત સાથે તેમણે ડર પણ વ્યક્ત કર્યો કે, જો હવે ડોક્ટર નહિ મૂકાય તો પાલનપુરવાળા ધોતિયા ફાડી નાખશે.

ભાજપ કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે આંતરિક વિખવાદ વધ્યો
અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે આંતરિક વિખવાદ વધી રહ્યો છે. પૂર્વ વિસ્તારના ભાજપના એક વોટ્સએપ ગ્રુપમાં કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે શાબ્દિક ટિપ્પણીઓ થતા મામલો ગરમાયો હતો. કોર્પોરેટરો જાતે કાર્યક્રમો કરે છે જેમાં સંગઠનના કોઈપણ હોદ્દેદારને બોલાવવામાં આવતા નથી. જ્યારે કોઈ મોટા નેતાના કાર્યક્રમમાં સંખ્યા ભેગી કરવાની હોય તો વોર્ડના સંગઠનના હોદ્દેદારોને અને કાર્યકર્તાઓને બોલાવે છે, પરંતુ જ્યારે કોઈ સારો કાર્યક્રમ કરવાનો હોય તો વોર્ડમાં સંગઠનના લોકોને જાણ પણ કરવામાં આવતી નથી. ભાજપના કોર્પોરેટરો અને હોદ્દેદારો વચ્ચે વોટ્સએપ ગ્રુપમાં છેલ્લા ચાર દિવસથી શાબ્દિક ચર્ચાઓ ચાલતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

પાણી પુરવઠાના ગમે એ કામ હોય, હવે તો ઘર છે
તાજેતરમાં કેન્દ્રીય સ્તરે નરેન્દ્ર મોદી ફરી એક વખત પ્રધાનમંત્રી બન્યા બાદ જળશક્તિ મંત્રાલયનો હવાલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલને સોંપવામાં આવ્યો છે. જળશક્તિ મંત્રી બન્યા બાદ હવે આમ પણ ગુજરાતમાં તેમનો રસ ઓછો થઈ ગયો છે, પરંતુ જળશક્તિ વિભાગને લગતા કામ કરનારા ફોલ્ડર હવે સક્રિય થયા છે. ક્યારેય સી આર પાટીલને મળ્યા પણ ન હોય કે માત્ર ફોટો પડાવીને બડાશો મારતા લોકો હવે મોટી મોટી હાંકતા થઈ ગયા છે. પાણી પુરવઠાના કોઈપણ કામ કઢાવવા હોય તો હવે કહેજો કેમ કે હવે તો કેન્દ્ર સરકારમાં પણ આપણું ઘર છે એમ જણાવી મોટી ડંફાસો ફુંકવાની શરૂઆત થઈ ગઈ છે.

AMCના એસ્ટેટ વિભાગમાં અનેક કૌભાંડ છતાં વિજિલન્સની તપાસ માત્ર કાગળ પર
રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી જ્યારે અમદાવાદમાં ચેકિંગ કરવામાં આવ્યું તો ગેરકાયદેસર રીતે બીયુ પરમિશન અને પ્લાન પાસ વિના અનેક જગ્યાએ હોટલ, રેસ્ટોરન્ટો, ફૂડ કોર્ટ ઊભી થઈ ગઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં બે ઝોનમાં એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓની રહેમ નજર હેઠળ અનેક હોટલ રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટ હોવાનું સામે આવ્યું. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે તેઓને નોટિસ ફટકારી છે, પરંતુ આ હવે માત્ર કાગળની કાર્યવાહી જ કરવામાં આવી છે. શહેરમાં હજી પણ અનેક જગ્યાએ આવા બીયુ પરમિશન વિનાના બાંધકામોના સેટિંગો કરવામાં આવે છે. જોકે, તેની કોઈ વિજિલન્સ તપાસ કરવામાં આવી નથી. AMCમાં ચર્ચા છે કે એસ્ટેટ વિભાગમાં અનેક આવા કૌભાંડો ચાલે છે, પરંતુ યોગ્ય વિજિલન્સ તપાસ થતી નથી અને કાર્યવાહી માત્ર કાગળ પર જ ચાલે છે.

પથ્થરમારાની ઘટનમાં કોંગ્રેસ નેતાઓના નામ ફરિયાદમાં ના લખાવવા સેટિંગ કર્યું?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે થયેલા પથ્થર મારાની ઘટનામાં પોલીસ ફરિયાદ થયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જેમ રોષ ફેલાયેલો છે તેમ ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓમાં પણ ખૂબ ભારે રોષ ફેલાયેલો છે. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓમાં પોલીસ ફરિયાદને લઈને નારાજગી ફેલાયેલી છે. એક તરફ કોંગ્રેસના જે મોટા નેતા વીડિયોમાં દેખાય છે તેનું નામ ફરિયાદમાં લખાવવામાં આવ્યું નથી. ભાજપના નેતાઓએ તેમના નામ પોલીસ ફરિયાદમાં કોંગ્રેસ ના લખાવે તેના માટે કોંગ્રેસના જ મોટા નેતાઓના નામ ફરિયાદમાં ના લખાવ્યા અને સેટિંગ કરી લીધું હોવાની ચર્ચા ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓમાં ચાલી રહી છે. ભાજપના કાર્યકર્તાઓના ફરિયાદમાં નામ આવતા મીડિયા, સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે, પરંતુ મોટા નેતાઓ બચી ગયા હોવાથી કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે કરે કોઈ અને ભરે કોઈ તેવી પરિસ્થિતિમાં હવે કાર્યક્રમમાં જવું કે નહીં તે વિચારવું પડશે.

યુવા કોંગ્રેસ નેતા ગેરકાયદેસર ચાલતી યુનિવર્સિટીના નામે તોડ કરી રહ્યા છે
સુરતના યુવા કોંગ્રેસ નેતા જે વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા છે અને યુનિવર્સિટીમાં ખૂબ સારી પકડ પણ રાખે છે. કોંગ્રેસમાં જ અંદર અંદર ચર્ચા છે કે આ યુવા નેતા ગેરકાયદેસર ચાલતી યુનિવર્સિટીના નામે તોડ કરી રહ્યા છે. ભૂતકાળમાં એક યુનિવર્સિટીની સામે પડ્યા બાદ સતત મુદ્દાને વેગ આપી 10 લાખનો તોડ કરી આવ્યો હતો. શિક્ષણ જગતમાં પણ આ બાબત ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે ફરીથી અન્ય એક યુનિવર્સિટીને પડદા પાછળ રહી ટાર્ગેટ પર લીધી છે. યુવા નેતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સારી રીતે જોડાયેલા હોવાને કારણે એજ્યુકેશન એકેડમી તેમજ ખાનગી યુનિવર્સિટી ચલાવનારાઓનું નાક કેવી રીતે દબાવું તેની ખૂબ સારી આવડત છે. વિદ્યાર્થી સંગઠનના અજાણ કાર્યકર્તાઓનો ઉપયોગ કરીને પોતે તોડ કરી રહ્યા છે. ભૂતકાળમાં સારા એવા રૂપિયા કમાવ્યા બાદ હવે નવી યુનિવર્સિટી નિશાના પર આવતા કોંગ્રેસના જ મોટા નેતાઓ આ બાબતની અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છે. એક તો એવી પણ ચર્ચા છે કે આ નવી યુનિવર્સિટી કે જેની સામે કાર્યક્રમમાં આપવાના શરૂ થયા છે. તેની પાસેથી રૂપિયા 25 લાખ સુધીની માંગણી કરવામાં આવી છે, પરંતુ પતાવટ ના થઈ હોવાને કારણે હજુ નિશાના પર છે.

છેલ્લા ઘણા સમયથી બંધ પડેલો આલીશાન મેયર બંગલો ઝગમતો થયો
અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર માટે લો ગાર્ડન વિસ્તારમાં આલીશાન મેયર બંગલો આવેલો છે. જે છેલ્લા ત્રણ વર્ષથી વપરાશ વિના બંધ હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી હવે આ બંગલામાં મેયર અને તેમના પરિવારજનો દ્વારા વપરાશ શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેટરોથી લઇ નેતાઓમાં ચર્ચા છે કે ભૂતપૂર્વ મેયર પોતાના ગરીબ ઘરને છોડી આલીશાન બંગલામાં રહેવા જવા ઇચ્છતા નહોતા અને હાલના મેયર બંગલામાં જવા માટે વિચારી રહ્યા હતા. પરંતુ હવે મેયર બંગલામાં અવરજવર શરૂ થઈ છે. ક્યારેક ક્યારેક મેયર અને તેમના પરિવારજનો બંગલા પર રહે છે. આલીશાન મેયર બંગલો આજદીન સુધી બંધ રહ્યો હતો પરંતુ હવે ફરી એકવાર વપરાશ માટે ચાલુ થયો છે. જોકે, ચર્ચા એવી જાગી છે કે મેયર બંગલામાં રહેવા જવાની જાહેરાત ન થાય પરંતુ રહેવા તો જવું પડે જ ને.

રાજકોટ અગ્નિકાંડ બાદ શહેર ભાજપમાં નેતાગીરીનો અભાવ
રાજકોટ TRP અગ્નિકાંડ બાદ ભાજપના કોઈ પણ નેતા કે આગેવાન કોઈ પણ જગ્યાએ ભલામણ કરતા અચકાઈ રહ્યા છે. અને હવે છેલ્લા દોઢ મહિનાથી સર્જાયેલ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે, રાજકોટ શહેર ભાજપમાં નેતાગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે. એક સમયે લોકોને પડતી હાલાકીનું નેતાઓ તાત્કાલિક નિરાકરણ કરાવી શકતા હતા અને લોકો પોતાની આધા સાથે નેતાઓને રજૂઆત, ફરિયાદ અને ભલામણ કરતા હતા. જ્યારે સામે જો રજૂઆત કરનાર ખોટો હોય તો અધિકારીને પણ કાર્યવાહી કરવા સૂચના આપતા હતા. એટલે કે નેતાઓ અધિકારી વચ્ચેનો તાલમેલ લોકો ઉપયોગી અને સાચો ઠરતો હતો. જોકે, આજે એ સમય આવ્યો છે કે લોકો કોઈ નેતા પાસે જાય તો તેમના કામ કે તેમના પ્રશ્નનું નિરાકરણ આવી શકતું નથી. દરેક સમયે ભ્રષ્ટાચાર કે ખોટા કામ માટે લોકો નેતા પાસે જતા હોતા નથી. પરંતુ આજે રાજકોટમાં એ માનસિકતા બંધાઈ રહી છે કે, ખોટા કામની ભલામણ જ હશે એવું માની લેવામાં આવે છે જેના કારણે સામાન્ય જનતાને પડતી કેટલીક હાલાકી અને કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવી શકતું નથી. હવે ફરી રાજકોટને સારા મજબૂત નેતાની જરૂર છે જે વાત વાસ્તવિકતા છે અને રાજકીય વર્તુળોમાં આ મુદ્દે જોરશોરથી ચર્ચા થઇ રહી છે કે જો મજબૂત નેતાને કમાન સોંપવામાં આવે તો રાજકોટ ફરી એક વખત શાંત અને સલામત રાજકોટ બની શકે. જોકે, હવે પ્રદેશ મવડી મંડળ સાથે સાથે રાજકોટ સંગઠન માળખું બદલાવવાની ચર્ચાતો ચાલી રહી છે, પરંતુ આ બદલાવ માટે જેટલો સમય વેળફાશે તેટલી રાજકોટની સ્થિતિ વધુ ગંભીર બનતી જશે. માટે રાજકોટની જનતાના હિતમાં કોઈ સારા નેતાને જવાબદારી સોંપવામાં આવે તેવી ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

નાણાંની લેતીદેતીમાં ભાજપ કોર્પોરેટરને બિલ્ડરને ઉઠાવી લીધો
સુરત શહેરના ભાજપના કોર્પોરેટર અને એક મહિલા કોર્પોરેટરના પતિએ મળી ગોડાદરાના બિલ્ડરનું નાણાંની લેતીદેતીમાં અપહરણ કર્યું હતું. ગોડાદરામાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર સાથે ભાજપના એક કોર્પોરેટરની નાણાંની લેતીદેતી બાબતે રકઝક ચાલી રહી હતી. આ મામલો વધુ વકર્યો હતો અને ભાજપ કોર્પોરેટરે નાણાંની લેતીદેતીમાં બિલ્ડરનું અપહરણ કર્યું અને પોતાના કાર્યાલય લઈ ગયો. ત્યાં બિલ્ડરને માર માર્યો અને સવા લાખ રૂપિયા પણ લઈ લીધા. ભાજપ કોર્પોરેટરે બિલ્ડરનું અપહરણ કર્યા બાદ બળજબરીપૂર્વક બિલ્ડર પાસે મિલકતોના કાગળો ઉપર લખાણો પણ લખાવી લીધા હતા. રાજકારણ અને બિલ્ડર લોબીમાં આ અંગે વાતો વહેતી થઈ છે. ત્યાર બાદ બિલ્ડરે પોલીસનો સહારો લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!