GUJARAT

ગુજરાતનાં ગામડાંઓમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની 90% જગ્યા ખાલી: રાજ્યમાં ચાંદીપુરાથી 27 બાળકોનાં ટપોટપ મોત, 344ની જરૂરિયાત સામે બાળકોના માત્ર 30 જ ડોક્ટર


ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં ઉત્તરોત્તર ઉછાળો આવતો જાય છે. સરકારે જાહેર કરેલા આકડાં મુજબ ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 58 થઇ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે. આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં વધુ જોવા મળી રહી છે. માટી

.

બીજી તરફ ગામડાંઓમાં તબીબી સારવારના પ્રશ્નો ઘણા છે. માટે જ સરકાર તરફથી દરેક મેડિકલ વિદ્યાર્થી પાસેથી બોન્ડ લખાવવામાં આવે છે. આમ ગ્રામીણ વિસ્તારમાં સેવા કે ફરજ બજાવવા ડોક્ટરો તૈયાર થતા નહીં હોવાની હકીકત સામે આવે છે. ત્યારે વાસ્તવમાં ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે પરંતુ નવાઇની વાત તો એ છે કે આ કેન્દ્રોમાં ફરજ બજાવતા ડોક્ટરોની સંખ્યા ઓછી છે.

344ની જરૂરિયાત સામે રાજ્યમાં 30 જ પીડિયાટ્રિશિયન
ચાંદીપુરા વાઇરસ ગુજરાતનાં ગામડાંઓ અને શહેરી વિસ્તારને ભરડો લેતો જાય છે. ચોતરફ ચાંદીપુરા વાઇરસની ચર્ચાએ જોર પકડયું છે. તેમાંય વળી આ વાઇરસ ખાસ કરીને બાળકોને જ પ્રભાવિત કરે છે. તેવા સમયે ગુજરાતમાં બાળકોના ડોક્ટર એવા પીડિયાટ્રિશિયનની શું સ્થિતિ છે તેની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. ભારત સરકારનો સ્ટેટસ રિપોર્ટ ઇન રૂરલ હેલ્થનો સમગ્ર દેશમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં કેવી સ્થિતિ છે તે અંગે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે જોઇએ તો ગ્રામીણ વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.)માં 31 માર્ચ-2022ની સ્થિતિએ જોઇએ તો ગુજરાતમાં 344 પીડિયાટ્રિશિયન (બાળકોના ડોક્ટર)ની જરૂર હતી. તેની સામે 76 જગ્યા મંજૂર કરવામાં આવી હતી. તેમાંથી 30 જ ડોક્ટરની જગ્યા ભરાયેલી છે અને હજુ 46 જગ્યા ખાલી છે. નવાઇની વાત તો એ છે કે જરૂરિયાત પ્રમાણે 344 પીડિયાટ્રિશુયન હોવા જોઇએ. એટલે કે જરૂરિયાતની સરખામણીએ હાજર ડોક્ટરની સંખ્યા બાદ કરીએ તો 314 ડોક્ટર નથી. એટલે કે 314 ડોક્ટરનો શોર્ટ ફોલ છે. આમ આવી સ્થિતિ જનરલ પ્રેક્ટિશનર અને સુપર સ્પેશિયાલિસ્ટ તેમજ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની તેમ જ સ્ટાફની તંગી હોવાની હકીકતનો ઘટસ્ફોટ અહેવાલમાં થવા પામ્યો છે.

ભારત સરકારે જ જાહેર કરેલા આંકડામાં ગુજરાતના આરોગ્ય તંત્રની પોલ ખૂલી
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા દેશભરનાં રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના વર્ષ 2022ના આંકડા તપાસતા ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વર્ષ 2022માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 1,474 ડોક્ટરોની જરૂરિયાત હતી અને સરકાર દ્વારા 1877 જગ્યા મંજૂર કરવામાં આવી હતી. તેની સામે 1,692 ડોક્ટરો હતા. જ્યારે 185 જગ્યા ખાલી હતી.

તે જ રીતે લેબોરેટરી ટેક્નિશિયનની વાત કરીએ તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વર્ષ 2022માં 1,818 લેબોરેટરી ટેક્નિશિયનની જરૂરિયાત હતી. તેની સામે 1,861 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. પરંતુ 1,682 લેબ ટેક્નિશિયન છે. એટલે કે 179 જગ્યા ખાલી હતી. જરૂરિયાત પ્રમાણે જોઇએ તો 136 જગ્યા શોર્ટ ફોલ હતી.

સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની 1,249 જગ્યાઓ શોર્ટ ફોલ
આ ઉપરાંત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની વાત કરીએ તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વર્ષ 2022માં 1376 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂરિયાત હતી. તેની સામે માત્ર 411 જગ્યા મંજૂર કરાયેલી હતી. તેમાંથી 127 જગ્યા ભરાયેલી અને 286 જગ્યાઓ ખાલી હતી. 1,376ની જરૂરિયાત સામે ભરાયેલી 127 જગ્યાની બાદબાકી કરીએ તો 1,249 જગ્યાઓ શોર્ટ ફોલ હતી. આમ ટકાવારીની રીતે જોઇએ તો 90.77 ટકા ડોક્ટરો નથી.

આ જ રીતે રેડિયોલોજિસ્ટની વાત કરીએ તો વર્ષ 2022માં 344ની જરૂરિયાત સામે 113 મંજૂર કરવામાં આવી હતી. તેમાંથી 72 જગ્યા ભરાયેલી અને 41 જગ્યા ખાલી હતી. પરંતુ જરૂરિયાતની સંખ્યાની સામે જોઇએ તો 272નો શોર્ટ ફોલ હતી. ટકાવારીની રીતે જોઇએ તો 79 ટકા છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસની જેમ ચોમાસાની સિઝન હોય ત્યારે આપણે ઘણા વાઇરસ જોઇ રહ્યા છીએ અને પાણીજન્ય રોગોથી પરેશાન છીએ. ચાંદીપુરા વાઇરસ પહેલી વખતનો નથી. અગાઉ પણ આવી ચૂક્યો છે. પણ દુઃખની વાત એ છે કે સરકાર એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને ચિંતા નહીં કરવાની વાતો કરે છે. પણ સામાન્ય માણસનો બાળક જ્યારે બીમાર પડે તેને મગજનો તાવ આવે અને મોતને ભેટે તે પરિવારનું જે દુઃખ હોય છે, જે વેદના હોય છે તે સમજવા જેવી છે. હું એવું નથી કહેતો કે ભૂતકાળમાં આના કારણે કોઇનાં મોત નહોતાં થયાં. પણ સવાલ એ છે કે જ્યારે આપણે પ્રગતિશીલ અને ગતિશીલ ગુજરાતની વાત કરતાં હોઇએ તેવા સમયે આરોગ્ય સુવિધા વધુ સુદૃઢ થાય અને વધુ સારી રીતે માનવ જિંદગી બચાવી શકીએ તે દિશામાં જોવું જોઇએ. વાઇરસ નવા નવા આવતા રહેશે. સમય સાથે વાઇરસ આવશે. કોવિડ આવ્યો હતો પણ આપણે તેમાંથી કંઈ જ શીખ લીધી નથી. આપણા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંઈ સુધારો થયો નથી. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો વધારી શકીએ છીએ. પણ સૌથી ચિંતાનો વિષય છે માનવ બળ. તેમાં કામ કરતાં મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, ટેક્નિશિયન તે બધાંને આપણે સારી રીતે ટ્રેઇન કરી શકીએ અને નવા જે આધુનિક સાધનો છે મેડિકલ ઇન્સ્ટ્રુમેટેશન. તે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટને ચલાવી શકનાર નિષ્ણાત હોય. તેના આધારે તબીબ પોતે એનાલિસિસ કરે. તે ડાયગ્નોસિસીસ કરે અને યથાયોગ્ય સારવાર કરે અને માનવ જિંદગીને આપણે બચાવી શકીએ.

‘સરકાર વાતો કરે છે પણ જમીની હકીકત કંઈક અલગ છે’
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં 46 ટકા શહેરીકરણ છે. બાકીના વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે. જ્યારે 46 ટકા શહેરીકરણ હોય અને દેશમાં ગુજરાત શહેરીકરણમાં સતત આગળ વધતું હોય તેવા સંજોગોમાં ગ્રામીણ વિસ્તારના લોકોને સારવાર સારી મળી રહે તેના માટે સરકારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાની સિવિલ હોસ્પિટલને મજબૂત કરવી પડે. તે મજબૂતીકરણ માટે સામાન્ય માણસને સારવારની જરૂર હોય ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ત્વરિત તેને સારવાર મળે. તેનાથી વધુ તકલીફ હોય તો તેવા સમયની અંદર તેમને વધુ સારવાર સારી મળી રહે તેના માટે વ્યવસ્થા કરવા માટે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પી.એચ.સી. પછી સી.એચ.સી. પછી જિલ્લા સિવિલની હોસ્પિટલ. પરિસ્થિતિ એવી છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર એસ.ટી.ના રૂટો બંધ થઇ ગયા. તાલુકાએ પહોંચવા માટેનું ટ્રાન્સપોર્ટેશન નબળું થતું જાય છે. અને જે રસ્તાઓની સ્થિતિ છે તેમાં પણ તકલીફો છે. તેવા સંજોગોની અંદર આપણા સૌની જવાબદારી બને છે. તેમાં ખાસ કરીને સરકારની. ગરીબ અને સામાન્ય માણસ જેની આગળ કોઇ વિકલ્પ નથી. જેની આર્થિક સ્થિતિ સારી નથી. તેવા લોકો માટે સરકારે આરોગ્ય સેવાને સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કરાવવી જોઇએ. સરકાર કરોડો રૂપિયા બજેટમાં ફાળવણી કરે છે. પણ સરકારની પરિસ્થિતિ જોઇએ તો સરકાર વાતો કરે છે પણ જમીની હકીકત કાંઇ અલગ છે.

તાજેતરમાં ભારત સરકારનો સ્ટેટસ રિપોર્ટ ઇન રૂરલ હેલ્થ પ્રકાશિત થયો હતો. સમગ્ર દેશમાં ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવા કેવી? ગ્રામીણ વિસ્તારમાં ગુજરાતની અંદર સૌથી તકલીફવાળી વસ્તુમાં પેરા મેડિકલ સ્ટાફની છે. ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરોની મોટાપાયે તંગી છે. સુપર સ્પેશિયાલિસ્ટની પણ મોટાપાયે તકલીફ છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાયમરી હેલ્થ સેન્ટરની અંદર 1,474 ડોક્ટરોની જરૂર હોય તેની સામે 185 ડોક્ટરોની જગ્યા ખાલી છે. બીજી જગ્યાએ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જોઇએ તો 1,376 સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂરિયાત છે. તેની સામે માત્ર 127 ડોક્ટરો જ કામ કરતાં હોય તેવા સમયે બાળકો માટેના પીડિયાટ્રીશિયન, માતાઓનો મૃત્યુદર ઘટાડવો હોય તો હોસ્પિટલમાં ડિલિવરી થવી જોઇએ. તો તેના માટે ગાયનેકોલોજિસ્ટ હોવા જોઇએ. ટાઉન પ્લેસ પર મગજના ડોક્ટરોની જરૂર છે.

‘સુપર સ્પેશિયાલિસ્ટ ના હોય તો કઇ રીતે ગુજરાત સ્વસ્થ બનશે?’
ડો. મનીષ દોશી કહ્યું કે હું એવું નથી કહેતો કે દરેક પી.એચ.સી.માં સ્પેશિયાલિસ્ટની જરૂર પડે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ તાલુકા કક્ષાએ હોવા જોઇએ. જેથી કરીને ગ્રામ્યમાંથી સારવાર લેવા લોકો તાલુકા કક્ષાએ આવી શકે. દુઃખની વાત એ છે કે તમારે જે જરૂરિયાત છે ડોક્ટરોની તેની સામે 92 ટકા સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે. 92થી 95 ટકા સુપર સ્પેશિયાલિસ્ટ ના હોય તો કઇ રીતે ગુજરાત સ્વસ્થ બનશે. તે સૂત્રોમાં, જાહેરાતમાં, હોર્ડિંગ્સમાં બની શકે. પણ માનવની કીમતી જિંદગીને બચાવવી હોય તો સુપર સ્પેશિયાલિસ્ટની અતિ જરૂરિયાત હોય છે. કમનસીબે સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની નિમણૂક કરવામાં તેને સરકારી વ્યવસ્થામાં જોડવા જોઇએ તેટલાં આપણે જોડી શક્યા નથી. અથવા તો સરકારની એવી નીતિ હોવી જોઇએ કે પણ મુખ્ય મહાનગરોમાં સુપર સ્પેશિયાલિસ્ટ જોવા મળતા નથી. હું અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારની વાત નથી કરતો. હું તો ગુજરાતના ગ્રામીણ વિસ્તાર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય. ગુજરાતમાં 92થી 95 ટકા સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી હોય તો તેના માટે જવાબદાર હોય તો સરકારની નીતિ અને નિયતમાં ખોટ છે. જેથી તે સીધી જવાબદાર છે.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલેય જાહેર કરેલા આંકડામાં ગુજરાતમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ખૂબ અછત છે.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલેય જાહેર કરેલા આંકડામાં ગુજરાતમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ખૂબ અછત છે.

વધુમાં એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, પહેલાં આપણે ત્યાં દર ગુરુવારે વોક-ઇન ઇન્ટરવ્યૂ થતા હતા. એમ.બી.બી.એસ. ગુજરાતમાં તૈયાર થાય પછી તુરત જ ગુરુવારે તેમને વોક-ઇન ઇન્ટરવ્યૂની પ્રોસેસમાં જવાનું. તેમાં તેને ત્રણ જગ્યા બતાવવામાં આવે કે આ ત્રણ પી.એચ.સી. સેન્ટર પર જગ્યા ખાલી છે. તેમાંથી તમે પસંદ કરો. હવે ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સદંતર વોક-ઇન ઇન્ટરવ્યૂની પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે. હવે સરકાર અરજીઓ મંગાવે છે. જે આઠ-નવ મહિના સુધી પડી રહે છે. કોઇ એમ.બી.બી.એસ. થયેલો ડોક્ટર નવ-દસ મહિના સુધી કોઇ વ્યવસ્થામાં જોડાય જ નહીં અને પછી તે પી.જી.ની તૈયારી કરે એટલે કે એમ.એસ. કે એમ.ડી. થવા માટે તૈયારી કરતો હોય તો તે સરકારી વ્યવસ્થામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ક્યાંથી આવવાનો ? જો એમ.બી.બી.એસ. માટે જ તમે સરળ વ્યવસ્થા ના કરો,તેને સીધી નોકરી ના આપો. ભવિષ્ય ઉજ્જ્વળ માટે યુવાન એવું વિચારે કે ગ્રામ્ય વિસ્તારમાં તેને સારી સુવિધા મળે. બધા યુવાનો એવું નથી વિચારતા.

‘ગ્રામીણ વિસ્તારમાં સેવા કરી હોય તેને સુપર સ્પેશિયાલિસ્ટના એડમિશનમાં પ્રાયોરિટી મળે’
તેમણે કહ્યું, સરકારી કોલેજોમાં ઓછી ફીમાં ડોક્ટરો થયેલા હોય તેમનામાં સંવેદનશીલતાં હોય છે. પણ સરકારી વ્યવસ્થામાં તેને જોડવા માટે સરકારે તેમને પ્રોત્સાહિત કરવા પડે. યુવાનો ગ્રામ્ય વિસ્તારમાં જાય જ નહીં એવું નથી હોતું. ઘણા બધા યુવાનો હોય કે જેને ગ્રામીણ વિસ્તાર, સોશિયલ સર્વિસમાં પણ રસ હોય છે. તેને હેલ્ધી સેલેરી પણ આપવી પડે. આપણે સમાજસેવા એટલે મફત જ કરવી એવું માનીએ છીએ. એ જરૂરી નથી કે મફત સેવા આપે. તેને સારી સેલેરી અને સ્ટેટસ આપીને ગ્રામીણ સેવામાં જોડો. તેને બે ત્રણ વર્ષ સેવા કર્યા પછી પ્રોત્સાહિત પગલાં તરીકે તેને મેડિકલ કોલેજ હોય તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરનું સ્ટેટસ મળે, તેને ટ્યૂટરનું સ્ટેટસ મળે.પછી પી.જી. કર્યા પછી સુપર સ્પેશિયાલિસ્ટ થવું હોય તો તેને સ્પેશિયલ કેસમાં પ્રોવિઝનલમાં જોગવાઇ કરવી જોઇએ કે તેને ત્રણ વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમાં સેવા કરી હોય તો સુપર સ્પેશિયાલિસ્ટના એડમિશનમાં તેને પ્રાયોરિટી મળે. આવા અમુક અલગ અલગ પગલાંઓ સામૂહિક ધોરણે સરકારે લેવા જોઇએ. ડિસિઝન નીડ અને ડિમાન્ડ બેઇઝ હોવું જોઇએ.

ચાંદીપુરા ફેલાવતી સેન્ડ ફ્લાય માખી

ચાંદીપુરા ફેલાવતી સેન્ડ ફ્લાય માખી

‘મેડિકલની કોલેજો કે સીટ વધારવી તે સોલ્યુશન નથી’
એક પ્રશ્નના જવાબમાં તેમણે વધુમાં કહ્યું કે, આડેધડ ગુજરાતમાં મેડિકલની કોલેજો કે સીટ વધારવી તે સોલ્યુશન નથી. આરોગ્ય સેવાને સુધારવી હોય અને આરોગ્ય સેવામાં ડોક્ટરોને જોડવા હોય તો ઓછી ફીમાં ડોક્ટરો તૈયાર કરવાની જવાબદારી પણ સરકારની અને વ્યવસ્થા તંત્રની છે. ઓછી ફીમાં તમે ડોક્ટર તૈયાર કરો તો તેને બોન્ડની સર્વિસ સાથે જોડી શકાય. બધા બોન્ડના નિયમનું પાલન કરે તે જરૂરી નથી. બોન્ડના ઘણા લોકો પૈસા પણ ભરી દે છે. 50 ટકા લોકો બોન્ડના પૈસા ભરે પણ છે. અને 50 ટકા લોકો ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા જાય છે. એટલે કે ઓછી ફીમાં તમે લોકોને ભણવાની તક આપો તો ગુજરાતની આરોગ્ય સેવામાં મોટાભાગે ફાયદો થાય તેવું હું પ્રમાણિકપણે માનું છું. સરકારી કોલેજમાં તમે એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરો. જેની ફી અત્યારે 25 હજાર કરી દેવામાં આવી છે. કોંગ્રેસના શાસનમાં સૌથી ઓછામાં ઓછી ફી એટલે કે 6 હજારની વાર્ષિક ફીમાં ડોક્ટરને ભણવા મળતું હતું. સમય બદલાતાં ફી 25 હજાર કરી પણ 25 હજારની વાર્ષિક ફીથી પણ ડોક્ટરને એમ.બી.બી.એસ.નું એક વર્ષ ભણવા મળતું હોય તો 1.50 લાખ રૂપિયામાં એમ.બી.બી.એસ. ડોક્ટર તૈયાર થાય. ગ્રામીણ વિસ્તારમાં સેવા તે સૌથી મોટું ગુજરાત માટે ચિંતાનું કારણ છે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની વ્યવસ્થા નથી.

વધુમાં કહ્યું કે, સૌથી મોટાંમાં મોટું સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કંઇ જાદુઇ ચિરાગથી થાય નહીં. તેના માટે તમારે લોકોને પ્રોત્સાહિત કરવા પડે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર લાંબી પ્રક્રિયા પછી તૈયાર થાય છે. પહેલાં તમે એમ.બી.બી.એસ. કરો પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કરો. પોસ્ટ ગ્રેજ્યુએટમાં તમે પ્રોત્સાહિત પગલાં આપ્યાં હોય પછી તમે સુપર સ્પેશિયાલિસ્ટ બનાવો. તેવા ડોક્ટરોને ગ્રામીણ વિસ્તારમાં એટલે કે ટાઉન પ્લેસ પર સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર આવે. પણ તેના માટે સરકારે વિશેષ પ્રયત્ન કરવો જોઇએ. 15 વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાતમાં 95 ટકા જગ્યાઓ ખાલી છે. સરકારે તે દિશામાં ગંભીરતાથી પગલાં ભરવા જોઇએ. તેના માટે સરકારે લોગ ટર્મ અને શોર્ટ ટર્મ પગલાં લેવાં જોઇએ.

માટીનાં મકાનોની દીવાલનાં છિદ્રોમાં ચાંદીપુરા ફેલાવતી સેન્ડ ફ્લાય વધુ જોવા મળે છે.

માટીનાં મકાનોની દીવાલનાં છિદ્રોમાં ચાંદીપુરા ફેલાવતી સેન્ડ ફ્લાય વધુ જોવા મળે છે.

કોવિડ વખતે થાળી, ફૂલડાંએ વધાવ્યાં, તાળીઓ વગાડી પણ ડોક્ટરોની સ્થિતિ સુધારવા માટે શું પગલાં લીધાં સરકારી વ્યવસ્થામાં તે પણ જોવું પડે તેમ જણાવીને ડો. મનીષ દોશીએ કહ્યું કે, બેઝિકલી હ્યુમન ટચ આપવો જોઇએ. તેના માટે સરકારે માનવીય અભિગમ અપનાવવો જોઇએ. બધી ડિમાન્ડ કોઇની કોઇપણ સરકાર પૂરી ના કરી શકે પણ આપણે પ્રોત્સાહિત પગલાં જો શરૂ કરીએ તો આપણે માનવ જિંદગીને સારું સ્વાસ્થ્ય આપી શકીએ, વધુ સારી સારવાર આપી શકીએ અને માનવ જિંદગીને બચાવી શકીએ.

‘ગાંધીનગરમાં બેસીને કશું નહીં થાય’
ચાંદીપુરા વાઇરસની દવા છે તે મગજનો તાવ છે. પણ સમયસર સારવાર ન મળે તો બાળકો મોતને ભેટે છે. આપણને એમ લાગે છે કે બે બાળક મર્યા, ચાર બાળક મર્યા આકડાંની દૃષ્ટિએ નથી પણ આખી વ્યવસ્થાને સમજો તો જેનું બાળક ગયું હોય તેનાં મા-બાપને જ ખબર પડે કે આખી વ્યવસ્થા કેવી છે. તેમ જણાવીને ડો. મનીષ દોશીએ ઉમેર્યું કે, માત્ર સમયસર સારવાર નહીં મળવાના કારણે આમ થયું. સમયસર સારવાર મળે તો બાળક બચી જાય. તે સમયસર નથી મળતી તે ચિંતાનો વિષય છે. અને ચાંદીપુરા વાઇરસ અનેક ગામો તરફ પ્રસરી રહ્યો છે તે ચિંતાનજક છે. એટલે હું ફરીવાર કહું છું કે સરકારે ગંભીરતાથી લેવું પડે. ગાંધીનગરમાં બેસીને કશું નહીં થાય તેના માટે સરકારે સ્થાનિક કક્ષાએ તેના ટેસ્ટ કરવાથી તેમ જ તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવી પડશે. તેને બેઝિક એમેનિટી આપવી પડશે. જો સ્થાનિક કક્ષાએ તેને સમયસર સારવાર આપવામાં આવશે તો મગજના તાવથી બચાવી શકાય. ચાંદીપુરા વાઇરસથી પણ માનવ જિંદગીને બચાવી શકાય.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!