GUJARAT

વિલિંગ્ડન ડેમના પાણીએ 8 ગામડાઓની પથારી ફેરવી: લોકોનો આક્ષેપ- તંત્રના પાપે તારાજી સર્જાઇ; કોર્પોરેશન-‘આ અમારું કામ નથી, વિસ્તાર વનવિભાગમાં આવે’ – Junagadh News


જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ત્યારે વિલિંગ્ડન ડેમના પાણીએ જૂનાગઢ નજીકના 8 ગામડાઓની પથારી ફેરવી નાખી છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયાં છે. રોડ રસ્તામાં પાણી ભરાયેલાં છે. જેથી લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ વિસ

.

ગયા વર્ષે શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
ચોમાસા પહેલાં વરસાદમાં વિલિંગ્ડન ડેમનું પાણી તંત્રની અણ આવડતના કારણે સોડવદર, ઘુડવદર પ્લાસવા તરફ વળ્યું હોવાના સરપંચો તેમજ ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં વરસાદી પાણીનું વહેણ કૃત્રિમ રીતે તંત્ર દ્વારા આ ગામોમાં વાળવામાં આવ્યું છે કારણ કે ગયા વર્ષે શહેરમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે ભૂલ ફરી ન થાય અને સારી કામગીરી સરકારમાં બતાવી શકાય તે માટે આ ગામોમાં પાણીનું વહન તંત્ર દ્વારા કૃત્રિમ રીતે વાળવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે આ મામલે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડેમ નજીક જે પાણીનું વહેણ છે તે પહોળું થઈ જવાના કારણે આ પાણીનો પ્રવાહ વધ્યો છે. જૂનાગઢ કલેક્ટર દ્વારા પણ આ મામલે બેઠક યોજી છે અને વહેલી તકે નિરાકરણ લાવવા તંત્રને સૂચના આપવામાં આવી છે.

ગયા વર્ષથી ઓછો વરસાદ છતાં ગામડાની કપરી પરિસ્થિતિ
પ્લાસવા ગામના અગ્રણી ભરત સિદ્ધપુરાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 23 જુલાઈના 2023ના જે વરસાદ થયો હતો તે કુદરતી વરસાદ હતો. તે વખતે જૂનાગઢમાં ખૂબ વરસાદ પડ્યો હતો. પરંતુ આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો નથી, છતાં ગામડાની કપરી પરિસ્થિતિ છે તેનું કારણ એ છે કે, જૂનાગઢ કોર્પોરેશન પોતાનું પાપ ઢાંકવા માટે પાણીનું કુદરતીના બદલે કૃત્રિમ વહેણ બનાવી પાણીને ગામડાઓ તરફ ધકેલ્યું છે.

ગામ લોકોએ તંત્રને અનેક વખત રજૂઆતો કરી
વંથલી તાલુકા પંચાયતના સદસ્ય રમેશ નાઘેરાએ જણાવ્યું હતું કે, અહીં મહાનગરપાલિકાએ નદી વહેતી કરી છે. સોડવદર, ઘુડવદર, પ્લાસવા, વિજાપુર નજીકનાં અન્ય ગામોનાં ખેતરોમાં આ પાણી ફરી વળ્યાં છે. ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને ઢાંકવા માટે તંત્ર દ્વારા કુદરતી વહેણને બદલી, કાળવામાંથી કૃત્રિમ વહેણને ગામડાઓ તરફ વાળવામાં આવ્યું છે. છેલ્લા 20 દિવસથી આ મામલે તંત્રને ખેડૂતો અને ચારથી વધુ ગામના લોકો રજૂઆત કરી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં આ મામલે વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા પર ઊતરશે અને કાયદો પણ હાથમાં લેશે. થોડો સમય પહેલાં જ આ મામલે ચારથી વધુ ગામના સરપંચો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પણ ગયા હતા. ત્યારે મુખ્યમંત્રી દ્વારા પણ વહેલી તકે કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ અત્યાર સુધી તંત્ર અહીં આવ્યું નથી.

આઠથી વધુ ગામોના ખેડૂતોનો વાવેલો પાક નિષ્ફળ ગયો
સોડવદરના સરપંચે જણાવ્યું હતું કે, પ્લાસવા, વિજાપુર, સોડવદર, ઘોળવદર, રાયપુર, સેલરા, સોનારડી સહિતનાં આઠથી વધુ ગામોની સીમમાં આ કૃત્રિમ વહેણના પાણીથી ખેતરોમાં ધોવાણ થયું છે અને પાણી ગામમાં ઘૂસ્યાં છે. જેના કારણે આઠથી વધુ ગામોના ખેડૂતોનો વાવેલો પાક નિષ્ફળ ગયો છે. અગાઉ જ્યારે આ વહેણનું પાણી ખેતર અને ગામમાં ઘૂસ્યું હતું ત્યારે પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ મામલે તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવી નથી. હાલમાં જે પાણીનું વહેણ આવે છે તે કૃત્રિમ છે કારણ કે કુદરતી વહેણ કાળવામાંથી આવે છે. પરંતુ ગયા વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જૂનાગઢ શહેરમાં તારાજી સર્જાઇ હતી. ત્યારે કાળવાના વોકળા પર થયેલી તારાજીનું પાપ ખુલ્લું ન પડે તે માટે ગામડા તરફ વિલિંગ્ડન ડેમનું વહેણ વાળવામાં આવ્યું છે.

ડેમનું પાણી કાળવા નદીમાં છોડવામાં આવે તેવી માંગ
પ્લાસવાના ખેડૂત રવજીભાઈએ જણાવ્યું હતું કે, આ વહેણના કારણે અમારાં ખેતરો ધોવાઈ ગયાં છે. અહીં પાંચ ગામના સરપંચો અને ખેડૂતો હાલ હાજર છે. તંત્ર દ્વારા વિલિંગ્ડન ડેમનું પાણી કાળવા નદીમાં છોડવામાં આવે તેવી ગામ લોકો અને સરપંચોની માંગ છે. વિલિંગ્ડન ડેમનું પાણી જે ગામડાઓ તરફ વાળવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની થઈ રહી છે. આ વિસ્તારમાં આ વહનના કારણે વાડીએ જવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે.

એ વિસ્તાર વન વિભાગમાં આવે છેઃ મનપા
આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, એ વિસ્તાર વન વિભાગમાં આવે છે, મહાનગરપાલિકા દ્વારા તેમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. અગાઉના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂના વખતમાં 18 વર્ષ પહેલાં કબૂતરી ખાણને રિચાર્જ કરવા આ પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ હાલના સમયમાં વન વિભાગની હદમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી.

જૂનાગઢ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિરેન ઉકાણી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, વિલિંગ્ડનમાં આવતું પાણી વન વિભાગ દ્વારા બનાવેલી ચેનલમાંથી થઈ કબૂતરી ખાણમાં જાય છે અને ત્યાંથી પાણીનો પ્રવાહ અલગ અલગ જગ્યાએ જતું હોય છે. પરંતુ હાલના સમયમાં વધુ વરસાદ પડવાના કારણે કબૂતરી ખાણ નજીક જે ચેનલ બનાવવામાં આવી છે તે પહોળી થઈ જતા પાણીનો પ્રવાહ વધતા આ ગામોમાં પાણી ઘૂસ્યું હોય તેવું જાણવા મળ્યું છે.

‘આ મામલે તપાસ કરી કાર્યવાહી કરાશે’
આ મામલે વન વિભાગના અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં વધુ વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક વધુ થઈ હતી. જેના કારણે કબૂતરી ખાણમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો હતો. પહેલાં પાણીનો પ્રવાહ અલગ અલગ જગ્યાથી પસાર થતો હતો. તે વધુ વરસાદના કારણે કબૂતરી ખાણ નજીક આવેલી ચેનલમાંથી પસાર થતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઈ કલેક્ટર તેમજ વન વિભાગ અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. ત્યારે આ મામલે વધુ તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવવા કામગીરી કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!