GUJARAT

‘આ બધું બંધ કરો, નહિતર મારાં મમ્મીને કહી દઈશ’: ફ્લડ લાઇટમાં માસૂમની લાશ દેખાઈ, ખેતરમાં જોવા મળેલી સેન્ટ્રો કારે ભેદ ખોલ્યો


14મી જુલાઇ, રવિવાર
બનાસકાંઠાના પાલનપુરથી અંદાજે 17 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા ટોકરિયા ગામમાં રાત્રે 10 વાગ્યે બધા સૂવાની તૈયારી કરી રહ્યા હતા. રવિવાર હતો અને ગામ પણ નાનું હતું એટલે કોઇ ખાસ ચહલપહલ નહોતી. આવા સમયે 11 વર્ષનું એક બાળક અચાનક ગુમ થઇ જાય

.

પોલીસની ચાલી રહેલી તપાસ વચ્ચે 15મી તારીખે સાંજે અંદાજે 7 વાગ્યા આસપાસ ટોકરિયાથી ટાકરવાડા ગામ જવાના રસ્તાની બાજુમાં આવેલા એક ખેતરમાંથી બાળકની લાશ મળી હતી. જ્યાંથી બાળકની લાશ મળી તે સ્થળ ગામથી એકાદ કિલોમીટર દૂર હશે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં લોકોનું ટોળું ભેગું થયેલું હતું. ખેતરમાં ચારેતરફ અંધારું હતું. પોલીસે લોકોનાં ટોળાને દૂર કર્યું અને પછી પોતાની તપાસ શરૂ કરી. તીક્ષ્ણ હથિયારથી મૃતક પર પ્રહાર કરાયો હોય તેવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું.

આ લાશ મળતાંની સાથે જ અનેક સવાલો ઊઠ્યા કે કોણે અને ક્યારે બાળકની હત્યા કરી? શા માટે હત્યા કરી? આ સવાલોના જવાબ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી. પહેલા એવી ચર્ચા હતી કે મૃતક બાળક આરોપની કોઇ ખરાબ કામ કરતા જોઇ ગયો હતો. જેથી આરોપીએ તેની હત્યા કરી નાખી પરંતુ પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે કંઇક અલગ જ હકીકત સામે આવી હતી. પોલીસની તપાસમાં જે ખુલાસા થયા તે ઘણા ચોંકાવનારા હતા. આરોપીનું નામ ફારુક દાઉમા હોવાનું ખૂલ્યું છે. આ કેસ અંગે દિવ્ય ભાસ્કરે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ખાસ વાતચીત કરી હતી.

નાનીએ બાળકને 20 રૂપિયા આપ્યા હતા
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, 14મી તારીખે રાત્રે 10 વાગ્યા આસપાસ મૃતક બાળક ટોકરિયા ગામમાં જ આવેલા પોતાના નાનીના ઘરે ગયું હતું. જ્યાં તેની નાનીએ તેને પૈસા છુટ્ટા કરાવવા માટે આપ્યા હતા. બાળકે પૈસા છુટ્ટા કરાવીને નાનીને પરત આપ્યા હતા. જેમાંથી તેની નાનીએ 20 રૂપિયા અલગ કરીને તેને વાપરવા માટે આપ્યા હતા. આ 20 રૂપિયામાંથી તેણે કેન્ડી ખરીદી હતી પછી તે રાત્રે ઘરે પહોંચ્યું નહોતું. જેના કારણે તેના પરિવારે તે ગુમ થયું હોવાની ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં પોલીસે અપહરણની ફરિયાદ નોંધી હતી.

ઘટનાસ્થળે રાત્રે લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં

કેન્ડી લઇને બાળક ગ્રાઉન્ડમાં પહોંચ્યું હતું
બાળક ક્યાંથી ગુમ થયું તે અંગે પોલીસે જણાવ્યું કે, કેન્ડી ખરીદ્યા બાદ બાળક તેના ગામમાં આવેલા એક મોટા ગ્રાઉન્ડમાં પહોંચ્યું હતું. જ્યાંથી આરોપી તેને લઇ ગયો હતો.

આરોપીના ખતરનાક ઇરાદાથી અજાણ બાળક તેની કારમાં બેસી ગયું
​​​​​​
​આરોપીએ બાળકને કહ્યું હતું કે, ચલ તને ગાડીમાં બેસાડું અને ગામમાં આંટો મરાવું. આવી લાલચ આપતાં જ બાળક તેની સાથે જવા તૈયાર થઇ ગયું હતું પરંતુ તેને આરોપીના ખતરનાક ઇરાદાઓની ખબર નહોતી.

….અને આરોપીએ કારને ચંગવાડા રોડ પર વાળી લીધી
પોતાની કારમાં બેસાડ્યા બાદ આરોપીએ બાળકને ગામમાં અલગ-અલગ જગ્યાએ ફેરવ્યું હતું. આ સમયે આરોપીના મનમાં બાળકને પોતાની હવસનો શિકાર બનાવવાની મેલી રમત ચાલતી હતી. તેને કારમાં ફેરવ્યા બાદ હવે આગળ શું કરવું તે આરોપીએ વિચારી લીધું હતું એટલે તેણે કારને ટોકરિયા ગામથી ચંગવાડા ગામ જવાના રસ્તા પર વાળી લીધી.

આરોપી આ કારમાં બાળકને ખેતરમાં લઇ ગયો હતો

આરોપી આ કારમાં બાળકને ખેતરમાં લઇ ગયો હતો

ખેતરમાં લઇ જઇ આરોપીએ પોત પ્રકાશ્યું
​​​​​​
​ચંગવાડા જવાના રસ્તા પર અંદરની તરફ અડધા કિલોમીટરે એક ખેતર આવેલું છે. આરોપી કારમાં બાળકને લઇને ત્યાં પહોંચ્યો હતો. આ ખેતરમાં પહોંચ્યા બાદ આરોપીએ પોત પ્રકાશ્યું હતું. તેણે બાળક સાથે શારીરિક અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું. અચાનક આરોપી આવું વર્તન કરવા લાગતા બાળક ડઘાઇ ગયું હતું. તેણે આરોપીના આવા વર્તનનો વિરોધ કર્યો હતો. તેમ છતાં આરોપીએ તેની સાથે અડપલાં કરવાનું ચાલુ જ રાખ્યું હતું. જેના કારણે બાળકે તેને કહ્યું હતું કે, આ બધું બંધ કરો. નહીં તો હું મારાં મમ્મીને કહી દઇશ.

એવી રીતે ગળું દબાવ્યું કે આંખોમાંથી ડોળા બહાર આવી ગયા
​​​​​​
​બાળકના આ શબ્દો જ તેની હત્યાનું કારણ બન્યા. બાળકે પોતાનાં મમ્મીને કહી દેવાની ધમકી આપતાં આરોપી ગભરાઇ ગયો અને તેણે બાળકનું ગળું દબાવી દીધું. જેવું આરોપીએ ગળું દબાવ્યું કે બાળકે તેનાથી બચવા માટે પોતાના હાથપગથી તરફડિયાં માર્યાં હતાં. તેમ છતાં આરોપીએ તેનું ગળું દબાવવાનું મૂક્યું નહીં. વધારે ગળું દબાવવાથી બાળક બેભાન જેવું થઇ ગયું હતું અને તેની આંખોમાંથી ડોળા પણ બહાર આવી ગયા હતા.

ચપ્પાના ધડાધડ 3 ઘા ઝીંકી દીધા
હવે આરોપીને થયું કે જો આ બચી જશે અને ગામમાં જઇને બધી વાત કરી દેશે તો મારી બદનામી થશે એટલે તેણે પોતાની પાસે રહેલું એક નાનું ચપ્પું કાઢ્યું અને તેનાથી બાળકને ધડાધડ 3 ઘા ઝીંકી દીધા. બાળકને ચપ્પાથી ઘા માર્યા બાદ આરોપીને ખાતરી થઇ ગઇ કે તેનું મોત થયું છે એટલે તેણે ખેતરમાં પાણી કાઢવા માટેનું ધોરિયું હતું ત્યાં લાશને ફેંકી દીધી. આટલું કર્યા બાદ આરોપી પોતાના ઘરે જતો રહ્યો હતો.

આ જગ્યાએ બાળકની હત્યા કરાઇ હતી

આ જગ્યાએ બાળકની હત્યા કરાઇ હતી

અંધારું હોવાથી પોલીસે તપાસ માટે ફ્લડ લાઇટ મંગાવવી પડી
15મી તારીખે સાંજે બાળકની લાશ મળતાં બનાસકાંઠાના એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં વરસાદી વાતાવરણ હતું જેના કારણે થોડું અંધારું પણ થઇ ગયું હતું એટલે પોલીસે ફ્લડ લાઇટની વ્યવસ્થા કરીને ઘટનાસ્થળની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી.

ગુમ થયેલા બાળકની લાશ ખેતરમાંથી મળી હોવાથી પોલીસે આ બાબતને વધુ ગંભીરતાથી લીધી. કેસની તપાસ માટે પોલીસે LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ, લોકલ DySPની ટીમ, સર્કલ પીઆઇની ટીમ, લોકલ પીએસઆઇની ટીમ, નજીકનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનની ટીમ આમ મળીને કુલ 11 ટીમ બનાવી હતી.

ઘટનાસ્થળ આસપાસના વિસ્તારમાં કોણે-કેટલા ફોન કર્યા?
આ ટીમમાંથી કોઇને મોબાઇલ લોકેશનની તો કોઇને સીસીટીવી જોવાની તપાસ સોંપાઇ હતી. પોલીસે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં કોણે કેટલા ફોન કર્યા, કઇ વ્યક્તિના મોબાઇલનું લોકેશન ક્યાં હતું તે જોયું. સાથોસાથ સીસીટીવી પણ જોયા હતા. પોલીસે આજુબાજુનાં ગામમાં કોમ્બિંગ કર્યું હતું અને ગામની કઇ વ્યક્તિ હાલ ઘરમાં નથી, કોણ શંકાસ્પદ છે તેની પણ માહિતી મેળવી હતી.

સીસીટીવીમાં સેન્ટ્રો કાર દેખાઇ અને પોલીસને શંકા ઊપજી
તપાસ દરમિયાન પોલીસને એક સીસીટીવી મળ્યા જે મહત્ત્વની કડી સાબિત થયા. સીસીટીવીમાં પોલીસને એક શંકાસ્પદ સેન્ટ્રો કાર દેખાઇ હતી. આ કાર રાત્રે 10 વાગ્યે ગામમાંથી ખેતર તરફ જતી હતી. કોઇ કાર રાત્રે 10 વાગ્યે અવાવરું જગ્યાએ આવેલા ખેતર તરફ શા માટે જાય? આ સવાલે પોલીસને શંકા ઉપજાવી. જેનો જવાબ મેળવવા માટે પોલીસે પોતાના બાતમીદારોને એક્ટિવ કર્યા હતા.

પોલીસે બાતમીદારોને કહ્યું કે તપાસ કરો કે ગામમાં આ પ્રકારની સેન્ટ્રો કાર કોની પાસે છે. જેના પછી બાતમીદારોએ ગામમાં કોની-કોની પાસે સેન્ટ્રો કાર છે તેની તપાસ શરૂ કરી હતી. જેમાં તેમને સફળતા મળી હતી. બાતમીદારોને ખબર પડી કે ફારુક દાઉમા નામની એક વ્યક્તિ પાસે આવી સેન્ટ્રો કાર છે. એટલે બાતમીદારોએ પોલીસને જાણ કરી હતી.

આરોપી ફારુક દાઉમા

આરોપી ફારુક દાઉમા

બાતમી મળતાં જ પોલીસે વોચ ગોઠવી
SOGને બાતમી મળી કે ફારુક રોજ સવારે પાલનપુરમાં આવેલી પોતાની મોબાઇલની દુકાને જાય છે. આ વ્યક્તિ જ શંકાસ્પદ છે. જેના કારણે પાલનપુર SOGની ટીમે વોચ ગોઠવી હતી. પોલીસ વોચમાં હતી તે દરમિયાન જ આરોપી ફારુક ત્યાંથી પસાર થયો એટલે પોલીસે તેને અટકાવ્યો અને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. નામ અને સરનામું બાતમી પ્રમાણેનું જ ખૂલતાં તે આરોપીને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જ્યાં પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આરોપી પરિણીત છે પણ તેને કોઇ સંતાન નથી
પોલીસની પૂછપરછમાં આરોપીનું નામ ફારુક જમાલ દાઉમા હોવાનું ખૂલ્યું છે. તે પરિણીત છે પરંતુ તેને કોઇ સંતાન નથી. જેની હત્યા થઇ તે કિશોરને માતા-પિતા અને 3 બહેનો છે.

આરોપી અને મૃતક બાળક એક જ ગામના રહેવાસી
મૃતક બાળક આરોપીને કેવી રીતે ઓળખતું હતું તે અંગે પોલીસે કહ્યું કે, આરોપીના સાઢુભાઇ મૃતક બાળકના પાડોશી છે એટલે આરોપી અવારનવાર તેના ઘરે આવતો હતો. બાળકનું ઘર પણ બાજુમાં જ હોવાથી તે આરોપીને ઓળખતું હતું. આરોપી અને મૃતક એક જ ગામના રહેવાસી છે.

પોલીસે આરોપી ફારુકની ધરપકડ કરી હતી

પોલીસે આરોપી ફારુકની ધરપકડ કરી હતી

આરોપીને કડક સજા થવી જોઇએઃ બાળકના પિતા
​​​​​​
​બાળકના પિતાએ કહ્યું કે, હું મુંબઇમાં નોકરી કરું છું. મારું બાળક ખોવાયું હોવાની જાણ થતાં જ હું મુંબઇથી ટોકરિયા આવવા માટે નીકળી ગયો હતો. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરતાં તેમણે કહ્યું કે, જો આરોપીને કડક સજા નહીં થાય તો ભવિષ્યમાં અન્ય બાળકોના પણ આ રીતે અપહરણ થતાં રહેશે. હું નથી ઇચ્છતો કે બીજા બાળક સાથે પણ આવું થાય.

ફારુકે જ આવું કર્યું હોવાનું જાણીને પહેલા તો વિશ્વાસ જ ન થયો
બાળકના કાકાએ જણાવ્યું કે, આરોપી ફારુક હોવાનું જાણીને પહેલા તો અમને વિશ્વાસ જ ન થયો કે તે આવું કોઇ કૃત્ય કરી શકે પરંતુ પોલીસે જે પુરાવાના આધારે તેની ધરપકડ કરી છે તે જોતા એવું જ લાગે છે કે આ કૃત્ય ફારુકે જ કરેલું છે. આરોપીને જનમટીપની સજા થવી જોઇએ કે જેથી તે આવું કામ બીજા કોઇ બાળક સાથે ન કરી શકે.

ભૂતકાળમાં ક્યારેય આવો બનાવ નથી બન્યોઃ ગ્રામજન
ગ્રામજન સુલ્તાન મહમ્મદ હનીફ શેરસિયાએ કહ્યું કે, અમને ન્યાય મળવો જોઇએ. આરોપીને ઉંમરકેદની સજા થવી જોઇએ. આ વિસ્તારમાં ભૂતકાળમાં ક્યારેય આવો બનાવ બન્યો નથી. આ પહેલો બનાવ બન્યો છે.

આ કેસ સાથે જોડાયેલી અન્ય મહત્ત્વની તસવીરો જુઓ…..

ઘટના બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

ઘટના બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

મૃતક બાળક જે વિસ્તારમાં રહેતો તે વિસ્તારની તસવીર

મૃતક બાળક જે વિસ્તારમાં રહેતો તે વિસ્તારની તસવીર

ટોકરિયા ગામની તસવીર

ટોકરિયા ગામની તસવીર



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!