GUJARAT

નરેન્દ્ર મોદીએ કહી દીધું, એલિસબ્રિજ તૂટશે નહીં: સાબરમતીનો સેતુ બાંધનાર હિંમતલાલના પ્રપૌત્રે કહ્યું, પરદાદાએ અંગ્રેજોનું ગણિત ઊંધું પાડ્યું


અલિસબ્રિજનો ડ્રોન વ્યૂ અને ઈન્સેટમાં હિંમતલાલ ભચેચ

મિસ્ટર હિંમતલાલ. હાઉ ઈઝ ઈટ પોસિબલ?

.

તમને 5 લાખનું બજેટ આપ્યું હતું. તમે 3.50 લાખમાં બ્રિજ કેવી રીતે બનાવ્યો?

અમને તમારા કામમાં ગરબડ લાગે છે. તપાસ કરવી પડશે.

હિંમતલાલ ભચેચ બોલ્યા, નો પ્રોબ્લેમ ઓફિસર. યુ કેન પ્રોસેસ. બટ, વન થિંક યુ શૂ઼ડ નોટ, આઈ હેવ અ ફૂલ કોન્ફીડન્સ ઓન માય વર્ક. (મને મારા કામ પર પૂરો ભરોસો છે. તમારે તપાસ કરાવવી હોય તો કરાવો.)

આ સંવાદના થોડા દિવસમાં અંગ્રેજી ઓફિસરોએ એક કમિટિ બનાવી. લંડનથી ઓફિસરો આવ્યા. તપાસ દરમિયાન બ્રિજનું કામ જોઈને દંગ રહી ગયા. અંગ્રેજ વાઈસરોય અને ગવર્નર જનરલ દ્વારા તા.૩ જૂન 1893ના દિવસે દિલ્હી દરબારમાં સન્માનિત કરીને હિંમતલાલને ‘રાવ બહાદુર’નો ઈલ્કાબ આપી સન્માનિત કરવામાં આવ્યા અને ‘એન્જિનિયર’નું બિરૂદ પણ આપવામાં આવ્યું. એ પછીથી હિંમતલાલની પેઢી ભચેચને બદલે એન્જિનિયર સરનેમથી ઓળખાવા લાગી. આપણે એ હિંમતલાલનની વાત કરી રહ્યા છીએ, જેમણે અમદાવાદની શાન સમો એલિસબ્રિજ બનાવ્યો અને આ કામ બદલ તેમને ‘રાવબહાદુર’નું બિરૂદ મળ્યું.

એલિસબ્રિજ બનાવનાર હિંમતલાલ ભચેચની ફાઈલ તસવીર

હવે આ બ્રિજ 132 વર્ષ પછી રિનોવેટ થવા જઈ રહ્યો છે. એલિસબ્રિજ સાથે અનેક ઐતિહાસિક પ્રસંગો જોડાયેલા છે, જે જાણીને તમને નવાઈ લાગશે. એલિસબ્રિજ બનવાની પણ એક શાનદાર કહાની છે. જે જાણવા અમે એલિસબ્રિજ બનાવનાર હિંમતલાલ ભચેચના પ્રપોત્ર રાજીવ એન્જિનીયર સાથે ખાસ વાતચીત કરી. આ વાતચીત આગળ વધારીએ તે પહેલાં એ જાણી લઈએ કે, એલિસબ્રિજ કેવાં નવા રંગરૂપ ધારણ કરશે?

રિનોવેશન થયા પછી એલિસબ્રિજ આવો દેખાશે. (તસવીર ક્રેડિટ : AMC)

રિનોવેશન થયા પછી એલિસબ્રિજ આવો દેખાશે. (તસવીર ક્રેડિટ : AMC)

અંતે AMCએ વચ્ચેનો રસ્તો શોધીને એલિસબ્રિજને જ ‘વચ્ચેનો રસ્તો’ બનાવી દીધો

સમય સાથે એલિસબ્રિજ સાંકડો હોવાથી વાહનોને પસાર થવામાં મુશ્કેલી સર્જાતી હતી. બીજી તરફ એલિસબ્રિજને તોડવા અંગેનો વિચાર કરવાનું પણ કોર્પોરેશને છોડી દીધું હતું. ખૂબ વિચારણા બાદ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો. 1987માં એલિસબ્રિજ સાથે છેડછાડ કર્યા વગર બ્રિજની બન્ને બાજું બે નવા બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. 1989માં આ કાર્ય માટે પુરાતત્વ વિભાગની મંજૂરી મળી ને કામ શરૂકરવામાં આવ્યું. એલિસબ્રિજની આજુબાજુ નવા બ્રિજ બન્યા. જેને સ્વામી વિવેકાનંદ બ્રિજ નામ આપવામાં આવ્યું.

નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહી દીધું, એલિસબ્રિજને તોડવાનો નથી!

એપ્રિલ 2012માં જ્યારે નરેન્દ્રમોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડાર કન્સલટન્ટે પોતાના રિપોર્ટમાં કોર્પોરેશનને સેફ્ટીને ધ્યાને રાખી એલિસબ્રિજને તોડી નાખવાની ભલામણ કરી. જો કે, કોર્પોરેશન આ વાતમાં હામી ભરે એ પહેલાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ આદેશ આપી દીધો કે, એલિસબ્રિજને તોડવાનો નથી. તેમના આદેશ પછી એલિસબ્રિજને તોડવાનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો.

અટલબ્રિજની જેમ એલિસબ્રિજ પર પણ સહેલાણીઓ ઉમટશે

આખરે જુલાઈ 2024માં એટલે કે હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એલિસબ્રિજના રિસ્ટોરેશન માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી અર્બન ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ 32.40 કરોડ રૂપિયાની ફાળવણી કરી. હવે AMC દ્વારા એલિસબ્રિજનું રિનોવેશન કરવામાં આવશે. રિનોવેશન બાદ બ્રિજ રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. જો કે, આ બ્રિજ પર વાહન લઈને પ્રવેશી નહીં શકાય. બ્રિજની વચ્ચે ડેકોરેશનની સાથે આકર્ષક બેઠક વ્યવસ્થા પણ બનાવવામાં આવશે. લોકો અટલબ્રિજની જેમ એલિસબ્રિજ પર પણ લટાર મારવા પહોંચી શકશે. એલિસબ્રિજના રિસ્ટોરેશનના નિર્ણય સાથે જ અમદાવાદની ઓળખ સમો આ બ્રિજ આશરે 132 વર્ષ પછી પણ શહેરની સાથે નવા અંદાજમાં અડીખમ ઊભો રહેશે.

રિનોવેશન પછી આવો બનશે એલિસબ્રિજ. (ફોટો ક્રેડિટ : AMC)

રિનોવેશન પછી આવો બનશે એલિસબ્રિજ. (ફોટો ક્રેડિટ : AMC)

આ રીતે બન્યો એલિસબ્રિજ

પહેલાં એલિસબ્રિજની જગ્યાએ એક લાકડાંનો પુલ હતો. જે લકડિયા પુલ તરીકે ઓળખાતો હતો. 1873માં અમદાવાદમાં ભારે પૂર આવેલું આ પૂરમાં 22 સપ્ટેમ્બર 1873ના રોજ આ લકડિયો બ્રિજ તૂટી ગયેલો. જો કે,1890માં ફરી આ જગ્યાએ બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ બ્રિજ બનાવવા માટે અંગ્રેજોએ કોઈ બાંધકામમાં માહિર હોય તેવા સ્થાનિકની પસંદગી કરવાનું વિચાર્યું અને તેમણે હિંમતલાલ ભચેચ પર પસંદગી ઉતારી. અમદાવાદની સાબરમતી નદી પર વારંવાર પુર આવતું રહેતું અને આ જગ્યાએ બ્રિજ બનાવવાનું કામ બહુ અઘરું કામ ગણાતું. હિમંતલાલે થોડો સમય માગ્યો. બે-ચાર દિવસ બાદ તેમણે આ ચેલેન્જ સ્વિકારી. અંગ્રેજોએ આ કામ માટે તેમને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી. ધીરે ધીરે કામ શરૂ થયું. બ્રિજ બનાવવા માટેનું લોખંડ બર્મિગહામથી મંગાવવામાં આવ્યું હતું. હિંમતલાલે 2-3 વર્ષમાં આ પુલ તૈયાર કરી નાંખ્યો. આ બ્રિજ બનાવ્યા બાદ હિંમતલાલ પાસે આશરે દોઢ લાખ રૂપિયા વધ્યા જે હિંમતલાલ ભચેચે અંગ્રેજોને પરત કર્યા. 1893માં આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો પહેલો બ્રિજ હતો.

હવે એ કહાની, જે હિંમતલાલના પ્રપૌત્ર રાજીવ એન્જિનીયરે જણાવી…

‘સાબરમતીના તટે હિંમતલાલ ટેન્ટ બાંધી એકલા રહેતા’

હિંમતલાલના પ્રપૌત્ર રાજીવ એન્જિનિયર.

હિંમતલાલના પ્રપૌત્ર રાજીવ એન્જિનિયર.

આ બ્રિજ અંગેની વાત કરતાં હિંમતલાલના પ્રપોત્ર રાજીવ એન્જિનિયર જણાવે છે કે, એલિસબ્રિજ બનાવવાની ચેલેન્જ સ્વિકાર્યા બાદ હિંમતલાલને ચેન નહોતું પડતું. જ્યાં સુધી બ્રિજનું કામ ચાલ્યું ત્યાં સુધી તેઓ ઘરે નહોતા આવતા. હિંમતલાલ સાબરમતીના તટે જ ટેન્ટ બનાવી રહેવા લાગ્યા. બ્રિજના કામ પર તેમની પળેપળની નજર રહેતી. તે જ્ઞાતિએ નાગર હોવાથી કોઈના ઘરનું જમતા પણ નહીં ને બહારનું પણ જમતા નહીં. તેથી તે જાતે પોતાનું જમવાનું બનાવતા અને પોતાનું કામ પણ જાતે કરતા હતા. આ રીતે એલિસબ્રિજને સારી રીતે બનાવવા માટે હિંમતલાલ પરિવારથી દૂર રહ્યા હતા.

અંગ્રેજોએ હિંમતલાલને અનેક ચેલેન્જો આપી

રાજીવભાઈ વાત આગળ વધારતાં કહે છે, એલિસબ્રિજ બનાવ્યા બાદ અંગ્રેજો જાણે હિંમતલાલથી ઈમ્પ્રેસ થઈ ગયા હતા. અંગ્રેજો તેમને અમદાવાદ બહારનું કામ પણ સોંપવા લાગ્યા. બીજી તરફ હિંમતલાલ પણ એક પછી એક ચેલેન્જ સ્વિકારતા ગયા. તેમણે ભરૂચનો ગોલ્ડન બ્રિજ બનાવ્યો. પંચમહાલ, ખેડા અને ભરૂચ જિલ્લાના રસ્તાઓ બનાવ્યા. અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કોલેજનો ખાસ પિલર વિનાનો જ્યોર્જ ફિફ્થ હોલ પણ તેમણે બનાવ્યો. એ સમયે પિલર વગરનો હોલ નવાઈની વાત ગણાતી હતી. આ ઉપરાંત ગુજરાત કલબનું મકાન, સાબરમતી જેલ, અમદાવાદ રેલવે સ્ટેશન પાસેની ભાઈશંકર ધર્મશાળાનું મકાન તથા શાહીબાગની કેટલીક ઇમારતોનું બાંધકામ તેમની દેખરેખ હેઠળ સંપન્ન થયેલું. અમદાવાદ-ધોળકા વચ્ચેનો પહેલો રેલમાર્ગ પણ તેમની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલો. ગુજરાત ઉપરાંત બંગાળ જેવા પ્રાંતમાં પણ રેલમાર્ગો તથા સ્ટેશનો બાંધવાનાં કામકાજ પર તેમણે દેખરેખ રાખેલી. મુંબઈના પ્રખ્યાત ફોર્ટ બંગલોઝ પણ હિંમતલાલની દેખરેખ હેઠળ બન્યા હતા. તેમના આવા અનેક કાર્યોને લીધે એલિસબ્રિજથી ટાઉન હોલ સુધીના માર્ગને ‘એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ માર્ગ’ નામ આપવામાં આવ્યું. આજે પણ આ રોડ હિંમતલાલના નામે ઓળખાય છે.

8 વર્ષે પિતા ગુમાવ્યા, માતાએ અનાજ દળીને ભણાવ્યા

હિંમતલાલ ધીરજરામનો જન્મ 1844માં અમદાવાદમાં જ થયો હતો. તે અમદાવાદની લાખા પટેલની પોળમાં રહેતા હતા. માત્ર 6 વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના મૃત્યુ બાદ ઘર ચલાવવામાં તકલીફો આવવા લાગી. પોતે નાગર હોવાથી બીજાના ઘરનું કામ કરવા સમાજની રૂએ જઈ શકાય તેમ નહોતું. અંતે હિંમતલાલનાં માતાએ ઘરે અનાજ દળવાનું કામ શરૂ કર્યું. તે લોકોને અનાજ દળી આપવાનું કામ કરતા હતા અને તેમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું. માતાએ પેટે પાટા બાંધીને તેમને ભણાવ્યા અને હિંમતલાલ પણ એટલી જ ખંતથી ભણતા હતા. તે રાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે અભ્યાસ કરતા હતા. આ રીતે તેમણે સ્કૂલમાં ભણવાનું પૂરું કર્યું. એ પછી સ્કોલરશિપ મેળવીને પુણેની એન્જિનિયરિંગ કોલેજમાંથી તે વિદ્યાશાખાની સ્નાતક પદવી મેળવી. હિંમતલાલ ઓવરસિયર તરીકે સરકારી નોકરીમાં દાખલ થયા. સમય જતાં તેમણે એક્ઝિક્યુટિવ એન્જિનિયરના પદ સાથે પંચમહાલ અને અમદાવાદમાં કામ કર્યું. તે ગુજરાતના પહેલા એન્જિનિયર હોવાનું મનાય છે.

‘THE MAN BEHIND THE BRIDGE’

આગળ કહ્યું તેમ, અંગ્રેજોએ હિંમતલાલને રાવબહાદુરના નામનું બહુમાન આપેલું. બાહોશ રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામના પ્રપૌત્રવધૂ વંદના એન્જિનિયરે 2009માં ‘એલિસબ્રિજના સર્જક રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ-ધ મેન બિહાઈન્ડ ધ બ્રિજ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં હિંમતલાલના જીવન અંગેની અનેક રસપ્રદ વાતો વર્ણવવામાં આવી છે. આ સાથે હિંમતલાલ પર ગુજરાતના પ્રસિદ્ધ લેખકોએ લખેલા લેખોને પણ તેમાં આવરી લેવાયા છે. આ પુસ્તકના લેખકે લખ્યું છે કે, અમદાવાદની ખરી ઓળખ છે સાબરમતી નદી અને સાબરમતીની ઓળખ છે તેના પર બંધાયેલો સૌ પ્રથમ પુલ ‘એલિસબ્રિજ’. આ એલિસબ્રિજના ઘડવૈયા હતા એક ર્દીઘ દૃષ્ટા, બાહોશ ઈજનેર, અમારા વડીલ રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ. જેમની અનેક સિદ્ધિઓ, પુરુષાર્થ યાત્રાને અક્ષરાંકિત કરતાં હું આનંદ અનુભવું છું.

હિંમતલાલ પર લખાયેલા પુસ્તકનું ફ્રન્ટ પેઈજ

હિંમતલાલ પર લખાયેલા પુસ્તકનું ફ્રન્ટ પેઈજ

‘બ્રિજ તોડવાની 8 દરખાસ્તો બાદ પણ એલિસબ્રિજ અડીખમ રહ્યો’

વર્ષ 1973માં અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એલિસબ્રિજને તોડીને તે જ જગ્યા પર 12 મીટર પહોળો બ્રિજ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી. જો કે, આ વાતની જાણ થતાં જ શહેરના લોકોએ હેરિટેજ લવર્સ મૂવમેન્ટ શરૂ કરી અને જેના સામે કોર્પોરેશને ઝૂકવું પડ્યું.

1983માં ફરી આ બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાની અરજી કરાઈ. જે માટે હુડકો (HUDCO)એ 5 કરોડ રૂપિયા મંજૂર પણ કરી દીધા. આ વાતની જાણ થતાં જ અમદાવાદીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો. આખરે અમદાવાદના એક કોંગ્રેસી નેતાએ તત્કાલિક વડાપ્રધાન ઇન્દિરાગાંધીને પત્ર લખ્યો. ઈન્દિરાગાંધીએ આ મામલે દખલગીરી કરી ને એલિસબ્રિજ તોડવાની વાત પડતી મૂકવામાં આવી.

આગળના અનુભવોને જોતા વર્ષ જાન્યુઆરી અને જૂન 1986માં એલિસબ્રિજને તોડવા કરેલી અરજીને હુડકોએ જ રિજેક્ટ કરી દીધી.

1987ની શરૂઆતમાં એ વખતના મેયર રફિઉદ્દીન શેખે જર્મનીના કન્સલટન્ટને નવા બ્રિજની ડિઝાઈન તૈયાર કરવા દરખાસ્ત કરી હતી. જો કે, અચાનક મેયર શેખનું મૃત્યુ થતાં તે કામ પડતું મુકાયું હતું.

આ રીતે એક-બે નહીં પરંતુ આઠ વખત એલિસબ્રિજને તોડી પાડવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી. જો કે, એલિસબ્રિજ અમદાવાદની ઓળખ સાથે એટલો બધો વણાઈ ચૂક્યો હતો કે એકપણ દરખાસ્ત સફળ ન રહી અને એલિસબ્રિજે અમદાવાદનો સાથ ન છોડ્યો અને ન અમદાવાદીઓએ એલિસબ્રિજનો.

જેમના નામ પરથી બ્રિજનું નામ પડ્યું એ ‘એલિસ’ કોણ હતા?

એલિસબ્રિજનું નામ એ વખતના અમદાવાદના વાઈસરોય ‘સર બરો હર્બર્ટ એલિસ’ના નામ પરથી પાડવામાં આવ્યું હતું. આગળ વાત થઈ તેમ એલિસબ્રિજ જ્યાં બન્યો તે જગ્યા પર પહેલાં લકડિયો પુલ બનેલો હતો. તે વખતે અમદાવાદના વાઈસરોય એલિસ હતા અને તેથી તેમના નામ પરથી બ્રિજનું નામ એલિસબ્રિજ પડ્યું. સર બરો એલિસનો જન્મ 24 જાન્યુઆરી 1824માં લંડનમાં થયો હતો. તેઓ લંડનની હૈલબરી કોલેજમાં ભણ્યા હતા. અભ્યાસ બાદ તેમણે 33 વર્ષ સુધી બોમ્બે પ્રેસિડન્સીમાં સિવિસ સર્વિસની જવાબદારી સંભાળી હતી. તેમણે રેવન્યુ ખાતામાં પણ ઘણું બધું વહીવટી કામ સંભાળ્યું હતું. 1865માં સદસ્ય તરીકે બોમ્બે કાઉન્સિલમાં તેમની નિમણૂક થઈ હતી. જેના પાંચ વર્ષ પછી તેમને વાઈસરોય તરીકે નિમવામાં આવ્યા હતા. જો કે, થોડા વર્ષો બાદ તે નિવૃત થઈ લંડન જતા રહ્યા હતા. 20 જૂન 1887માં લંડનના સેવોયમાં તેમનું મૃત્યુ થયું હતું.

ગાંધીજી દાંડીકૂચ માટે ભાષણ આપતા હતા ને હજારો લોકો એલિસબ્રિજ પર ઉમટ્યા હતા

એલિસબ્રિજ પાસે ગાંધીજીએ દાંડીકૂચનું એલાન કર્યું એ સમયની તસવીર.

એલિસબ્રિજ પાસે ગાંધીજીએ દાંડીકૂચનું એલાન કર્યું એ સમયની તસવીર.

ગાંધીજીની આઝાદીની ચળવળ દરમિયાન અનેક સત્યાગ્રહોમાંનો એક સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહને ગણવામાં આવે છે. મીઠાના વધી ગયેલા ભાવ સામે શરૂ કરવામાં આવેલી આ દાંડી માર્ચનો ખાસ પ્રસંગ પણ એલિસબ્રિજ સાથે જોડાયેલો છે. દાંડી સત્યાગ્રહની ઘોષણા ગાંધીજીએ 8 માર્ચ 1930ના રોજ અમદાવાદમાં જ કરી હતી. તેઓ આ અંગેનું ભાષણ એલિસબ્રિજથી આગળ સાબરમતીના કિનારે કરી રહ્યા હતા. ગાંધીજીનું ભાષણ સાંભળવા હજારોની સંખ્યામાં લોકો એલિસબ્રિજ પર ઊભા રહ્યા હતા. આ ચળવળ ખૂબ મહત્વની હોવાથી દુુનિયાભરમાં તે ચર્ચાનો વિષય બની હતી. તેવામાં આ ચળવળની જાહેરાત અંગેની ખબર વિશ્વભરના છાપાઓમાં છપાઈ હતી. તે સમયે પત્રકારોએ ગાંધીજીની સભાની તસવીર લીધી હતી તેમાં એલિસબ્રિજ પણ કેદ થયો હતો. આ રીતે એલિસબ્રિજ આંતરરાષ્ટ્રીય છાપાઓમાં છપાનાર ગુજરાતનું પહેલું મોન્યુમેન્ટ બન્યું હતું.

અંધ આર્ટિસ્ટે બનાવી ખાસ તસવીર

અમદાવાદમાં બનેલા એલિસબ્રિજની ડિઝાઈન અને કન્સટ્રક્શન અંગેની વાતો સાંભળીને અમેરિકાના આર્ટિસ્ટ ‘બેરી પાર્કસ’ ખુબ પ્રભાવિત થયા હતા. બેરી પાર્ક્સ એક અંધ આર્ટિસ્ટ છે. તેઓએ એલિસબ્રિજ પર એક પેઈન્ટિંગ બનાવવાનું નક્કી કર્યું. તેમણે આંગળીઓના આધારે એલિસબ્રિજના પહેલાના સ્કેચને અનુભવીને પોતે નવો સ્કેચ તૈયાર કર્યો. બેરી પાર્ક્સે તૈયાર કરેલા સ્કેચનો ફોટો અમે અહીંયા મુક્યો છે. આ ફોટો તેમણે રાજીવ એન્જિનિયરના દીકરાને ભેટમાં આપ્યો છે.

અંધ આર્ટિસ્ટે હિંમતલલાના પરિવારને ભેટમાં આપેલી તસવીર

અંધ આર્ટિસ્ટે હિંમતલલાના પરિવારને ભેટમાં આપેલી તસવીર

હિંમતલાલના પરિવારે કોર્પોરેશનને વિનંતી કરી કે…

ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન હિંમતલાલના પ્રપોત્ર રાજીવ એન્જિનિયરે કોર્પોરેશનને ખાસ વિનંતી કરી. તેમણે કહ્યું કે, આજે એલિસબ્રિજ એ અમદાવાદની ઓળખ સમાન છે. અને એલિસબ્રિજ બનવા પાછળ હિંમતલાલ ભચેચનું ગૌરવપૂર્ણ યોગદાન છે. જેને લઈ તેમણે કહ્યું કે આ બ્રિજના રિસ્ટોરેશન સમયે એલિસબ્રિજના એક ખૂણામાં આ બ્રિજ બનવાના ઈતિહાસને પણ કંડારવામાં આવે. આ બ્રિજ બનાવવા પાછળ હિંમતલાલના યોગદાનને પણ તેમાં કાયમી સ્મૃતિરૂપે યાદ કરવામાં આવે.

એક સમયનું ‘હિંમત નિવાસ’ હવે ‘રાજીવ ગાંધી ભવન’

હિંમતલાલથી શરૂ થયેલી એલિસબ્રિજની આ કહાની હિંમતલાલના પરિવાર સાથે જોડાયેલી એક વાત સાથે જ પૂરી કરીએ. હિંમતલાલના પરિવાર સાથે ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલી એક ઈમારતનું ખાસ કનેક્શન છે. હિંમતલાલે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંગલો બનાવેલો હતો, જેમાં તેઓ રહેતા હતા. તે બંગલાનું નામ તેમણે હિંમત નિવાસ આપ્યું હતું. હિંમતલાલના દેહાંત બાદ તેમના એક પુત્રના ભાગમાં આ બંગલો આવ્યો હતો જેને થોડા સમય પછી વેચી દેવામાં આવ્યો હતો. ખરીદનારે થોડા વર્ષો પછી એ બંગલો ફરી વેચવા કાઢ્યો અને ફરતાં ફરતાં આ જગ્યા ગુજરાત કોંગ્રેસના હાથમાં આવી. વર્ષો પહેલાં જે જગ્યા હિંમત નિવાસના નામે ઓળખાતી હતી તે જગ્યા આજે પાલડીના રાજીવ ગાંધી ભવનના નામે ઓળખાય છે ને તેમાં ગુજરાત કોંગ્રેસનું કાર્યાલય ધમધમે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!