GUJARAT

ખતરાના 7 દિવસ: સાર્વત્રિક અતિભારે વરસાદની આગાહી, પાવાગઢમાં 5થી 10 ઓગસ્ટ રોપવે બંધ રહેશે, સુરતમાં ફેશન- ડિઝાઇનર યુવતી સાથે હદ થઈ – Gujarat News

7 દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી

.

ગુજરાતના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી સાત દિવસ માટે કરવામાં આવી છે, જોકે આગામી ચાર દિવસ 40 કિમીની ઝડપે પનવ ફૂંકાઇ શકે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ના ખેડવા ચેતવણી અપાઈ છે.

પૂરથી જમીનના ધોવાણ અંગે સહાય ક્યારે?

ગુજરાતમાં પૂરગ્રસ્ત જિલ્લાઓમાં જમીન ધોવાણનો સર્વે થશે. સરકાર પ્રતિ હેક્ટર 47 હજારની સહાય ચૂકવી શકે છે. SDRFનાં નવાં ધારાધોરણ મુજબ નદીએ વહેણ બદલવાને કારણે જમીન ધોવાય તો પ્રતિ હેક્ટર 47,000 રૂપિયાની સહાય ચૂકવાશે. જ્યારે ખેતીલાયક જમીનમાં કાંપ-રેતી આવી જાય અને જમીન ધોવાય તો 18 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે. જોકે હજુ સુધી સરકારે સર્વે કરવા માટે કોઈ આદેશ નથી આપ્યા. હાલની ઘડીએ તો માનવ મૃત્યુ, પશુ મૃત્યુ તેમજ ઘરવખરીને થયેલા નુક્સાનની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવી રહી છે. મહત્ત્વનું છે કે મે મહિનાના માવઠાંનાં નુકસાન અંગે સરકારે હજુ સુધી સહાય ચૂકવી નથી.

ખાડીપૂર અસરગ્રસ્તોને કેશડોલ સહાયની માગ

સુરતમાં ખાડીપૂરના સંકટ વચ્ચે કૉંગ્રેસે અસરગ્રસ્તોને કેશડોલ સહાય ચૂકવવા માગ કરી છે. કૉંગ્રેસના નેતા સાઇકલવાલાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ તરફ ખાડીપૂરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે. લિંબાયતના કમરુનગરમાં માતા સાથે સૂતેલું બે વર્ષનું બાળક કોઈની જાણ બહાર જ ઊઠીને જતું રહ્યું હતું. એ બાદ પરિવારે શોધખોળ કરતાં ઘરના ફળિયામાં ભરાયેલા ચારથી પાંચ ફૂટ પાણીમાંથી તે મળ્યું હતું. તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અત્યારસુધીમાં બેનાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાં છે, જ્યારે બે યુવકનો છેલ્લા બે દિવસથી પાણીમાં ગુમ થયા બાદ પત્તો લાગ્યો નથી.

વડોદરામાં વરસાદનો વિરામ છતાં ખતરો
વડોદરા શહેર પર પૂરનું સંકટ હજુ ઓસર્યું નથી. વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારનાં ઘરોમાં હજુ 10 ફૂટ પાણી ભરાયેલાં છે. પૂરના પાણી ઘરમાં ઘૂસી જતાં લોકો બે-બે રાતથી ઊંઘી શક્યા નથી. વિશ્વામિત્રીની જળસપાટીમાં ઘટાડો થતાં વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલો કાલાઘોડા બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 29.33 હતી, જેની સામે આજે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નજીવો ઘટાડો થયો છે, જોકે શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું નથી. આજના ડેમની સપાટી હાલ 212.15 ફૂટ છે, જે સપાટી હાલ સ્થિર છે. એને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ખાસ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં આજે પણ રજા રાખવામાં આવી.

મેઘતાંડવથી નવસારી જળબંબાકાર

સુરત, વડોદરા બાદ હવે નવસારીમાં જળબંબાકાર થયો છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવીને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના પગલે નવસારીના અનેક વિસ્તારોમાં તબાહી મચી છે. જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નવસારી-સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે તેમજ હજારો લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ખાસ કરીને નવસારીની પૂર્ણા નદી 28 ફૂટની સપાટી પર વહી રહી છે, જે ભયજનક સપાટીથી પાંચ ફૂટ વધુ છે.

શેરબજારમાં ધોવાયો ને રૂપેશ ખંખેરવા લાગ્યો

ગુજરાતમાં કિરણ પટેલ પાર્ટ-2 સામે આવ્યો છે. કિરણ પટેલે જે પ્રકારે PMOના અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી એ જ રીતે અમદાવાદના બોપલના એક શખસે AMCના ફૂડ વિભાગના અધિકારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે. આ ઠગ તો કિરણનો પણ ગુરુ નીકળ્યો છે. તેણે PMOની સાથે સાથે RAW અને NIA જેવી સુરક્ષા અને તપાસ એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપીને અધિકારીઓ પાસેથી અલગ-અલગ હોટલમાંથી જમવાનાં પાર્સલ મગાવ્યાં હતાં તથા પૈસા પડાવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે તે ચાર વર્ષથી અધિકારીઓને છેતરતો હતો.

સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે HCએ સરકારને ખખડાવી

પ્રી-સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ સ્કૂલો બંધ કરાવતાં હાઇકોર્ટે સરકારને ઝાટકી હતી. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ કાર્યવાહી શરૂ થતાં જ ચીફ જજે સરકારી વકીલને બોલાવીને કહ્યું હતું કે એક સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે, ફાયર સેફ્ટી નહિ હોવાથી ઓથોરિટીએ પ્રી-સ્કૂલ બંધ કરાવી દીધી છે. આ શાળાને કોઈ નોટિસ સમય આપવામાં આવ્યો નથી. સરકારે ફાયર સેફ્ટીના અમલ માટે કોઈ યોગ્ય જાહેરનામું કે સૂચનાઓ બહાર પાડી નથી. કોર્ટે તમને સ્કૂલોમાં ફાયર સેફ્ટી ચેક કરવા નિર્દેશ આપ્યા છે, પરંતુ ઓથોરિટી પાવરનો વધુપડતો ઉપયોગ કરો નહિ. હાઇકોર્ટે ઓર્ડર કર્યો તો તરત અતિકડક પગલાં ભરવા માંડ્યા છો. કોર્ટે તમને સ્કૂલો બંધ કરવા નહીં, ફાયર સેફ્ટીના અમલીકરણ કરવા કહ્યું છે. ત્યાર બાદ એડવોકેટ જનરલે કોર્ટમાં ઉપસ્થિત થઈને કહ્યું કે કોઈ સ્કૂલ બંધ કરાવવામાં આવી નથી.

અમદાવાદમાં ખાડા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ

અમદાવાદના બિસ્માર રોડ-રસ્તા, પાર્કિંગ-ટ્રાફિક અને રખડતાં ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન પર આજે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં કોર્ટે કહ્યું હતું કે રોડ ઉપર ખાડા પડવાનું કારણ શું છે? ખાડા પડે તો તમે તરત રિપેરિંગ કામ કરો છો? પણ ખાડા ના પડે એ માટે શું તકેદારી રખાય છે? કોઈ પ્રિવેન્શન પોલિસી બનાવી છે? ખાડાઓને તરત પૂરવા માટે કઈ પદ્ધતિને ઉપયોગમાં લેવાય છે? રોડની ડિઝાઇન, ટેક્નિકલ બાબતો વગેરે ઈન હાઉસ ડિઝાઇન કરાય છે? છેલ્લાં ત્રણ વર્ષમાં રોડ બનાવવા વપરાયેલી પદ્ધતિ અને પેરામીટર કોર્ટ સમક્ષ મૂકવામાં આવે.

સુરતમાં ફેશન-ડિઝાઈનર યુવતી સાથે હદ થઈ

સુરતના સિટીલાઈટમાં રહેતી ફેશન-ડિઝાઈનર યુવતીએ તેના 15 વર્ષ જૂના મિત્ર સહિત ત્રણ સામે દુષ્કર્મ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. તેના મિત્ર થકી સંપર્કમાં આવેલા પરિણીત યુવકે બે-બેવાર માંગમાં સિંદૂર ભરી સુરત, મુંબઈ, ઉજ્જૈન અને ગોવા લઈ જઈ અનેકવાર શરીરસંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. એ બાદ યુવતી પાસે રહેલા દાગીના અને રોકડ 91 લાખ પડાવી લીધાં હતાં. યુવતીએ ગર્ભવતી હોવાનું કહેતાં લગ્ન કરવાનો ઈનકાર કરીને ગર્ભપાતની ગોળી પીવડાવી તરછોડી દીધી હતી. એ બાદ યુવતીએ કેન્સરની સર્જરી કરી હોવા છતાં જબરદસ્તી શરીરસંબંધ બાંધ્યો હતો. પૈસાની જરૂર હોવાથી દાગીના અને રૂપિયા પરત માગતાં નરાધમે ફોટો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતાં ઉમરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

5થી 10 ઓગસ્ટ પાવાગઢમાં રોપવે બંધ

યાત્રાધામ પાવાગઢમાં શ્રાવણ માસના પહેલા 6 દિવસ રોપવે બંધ રહેશે. આગામી 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન ‘મિડટર્મ’ મેઇન્ટેનન્સને કારણે આ નિર્ણય લેવાયો છે. ઉષા બ્રેકો કંપનીના મેનેજર દ્વારા આ અંગે મંદિર ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી છે. 11મી ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.

ચાંદીપુરા વાઇરસથી 45 બાળકનાં મોત
ગુજરાતમાં ચાંદીપુરાથી મોતનો આંકડો 45 થયો છે. અમદાવાદમાં આજે વધુ એક બાળકે અંતિમ શ્વાસ લીધા. આ તરફ નેશનલ વાયરોલોજીની ટીમે પંચમહાલના લુણાવાડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!