GUJARAT

જૂનાગઢ જિલ્લામાં વરસાદે ભુક્કા કાઢ્યા: ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર, 65 ગામ સંપર્કવિહોણાં બન્યાં, ગામલોકો બોલ્યા- ‘તંત્ર પહેલાં દિવ્ય ભાસ્કર પહોંચ્યું’ – Junagadh News


જૂનાગઢ જિલ્લામાં ગુરુવારે બપોરથી શરૂ થયેલી મેઘસવારી આજે શુક્રવારે 24 કલાક બાદ પણ યથાવત્ રહેતાં ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને કેશોદ અને વંથલી તાલુકામાં બે દિવસ દરમિયાન 14 ઈંચથી વધુ વરસાદ વરસી ગયા બાદ પણ ચાલુ રહેતાં અનેક ગામો સંપર્ક

.

કેશોદમાં બે દિવસમાં 14 ઈંચથી વધુ વરસાદ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે સૌથી વધુ પ્રભાવિત કેશોદ તાલુકો થયો છે. કેશોદ તાલુકામાં ગઈકાલથી શરૂ થયેલી મેઘસવારી આજે પણ યથાવત્ રહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને પૂરનાં પાણી અનેક ગામોની ફરતે ફરી વળતાં ગામો સંપર્કવિહોણાં બન્યાં છે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલ આ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું અને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

માણેકવાડા ગામના મંદિરમાં પાણી ભરાયાં
સૌપ્રથમ અમે કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં પહોંચ્યા, જ્યાં ગામમાં તો પાણી નહોતાં ઘૂસ્યાં, પણ ગામમાં આવેલું એક મંદિર જળમગ્ન જોવા મળ્યું હતું.

મગરવાડા ગામ સંપર્કવિહોણું બન્યું
માણેકવાડા ગામથી સીધા મગરવાડા ગામ નજીક પહોંચ્યા. ખોરાસા ડેમમાંથી પાણી છોડાતાં મગરવાડા ગામ સંપર્કવિહોણું બન્યું છે. ગામનાં ખેતરો તળાવમાં ફેરવાયેલા જોવા મળ્યાં અને ખેતરોના પાળા તૂટી ગયા હતા.

કેશોદનું અખોદર ગામ.

કેશોદનું અખોદર ગામ.

પાળોદર ગામ આસપાસ વરસાદી પાણી ફરી વળ્યાં
મગરવાડાથી જ્યારે કેશોદ તાલુકાના જ પાળોદર ગામ પહોંચ્યા તો અહીં ગામની ફરતે પાણી ફરી વળેલાં જોવા મળ્યાં હતાં. પાળોદરથી અખોદર, બામણાસા, સરોડ ગામ તરફ જતો રસ્તો પણ બંધ જોવા મળ્યો. બાલા ગામમાં ત્રણ લોકો ફસાયા હોઈ, અખોદર ગામના સરપંચ બોટ લઈ પહોંચ્યા હતા અને ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

પંચાળા ગામ નજીક નદી જાણે દરિયો બની
પાળોદરથી જ્યારે પંચાળા તરફ જઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં આવતી મધુવંતી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું. મધુવંતી ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે નદીમાં દરિયાની માફક બિહામણાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. મધુવંતી નદીના હેઠવાસમાં આવતાં 14 જેટલાં ગામોમાં આ પૂરના પાણીની અસર જોવા મળી રહી છે.

કેશોદમાં 14 ઈંચ અને વંથલીમાં 13 ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી તાલુકામાં છેલ્લા બે દિવસ દરમિયાન 13 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખાસ કરીને ઘેડ પંથકનાં ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

ભારે વરસાદની આગાહીની પગલે જૂનાગઢ તંત્ર એલર્ટ
જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેકટરે વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે જિલ્લાના 75 રસ્તા પર પાણી ફરી વળતાં 65 ગામ સંપર્કવિહોણાં બન્યાં છે. સલામતીના ભાગરૂપે એસટી વિભાગના 14 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે હેઠવાસમાં આવતાં 53 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લામાં કેશોદમાં NDRF અને શહેરમાં SDRFની ટીમ તહેનાત રાખવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!