GUJARAT

ગુજરાતમાં રેસના ઘોડા કોણ, લગ્નના ઘોડા કોણ?: જૂના કોંગ્રેસી બોલ્યા, આ જ મુદ્દે પાર્ટી છોડી હતી, ઠાકોરે કહ્યું, ધરમૂળથી ફેરફાર નક્કી


‘મને આપણા એક કાર્યકરે કહ્યું હતું કે રાહુલજી, કોંગ્રેસ પાર્ટીમાં એક મુશ્કેલી છે. બે પ્રકારના ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને બીજો લગ્નનો ઘોડો. ક્યારેક-ક્યારેક કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને લગ્નમાં મોકલી દે છે અને લગ્નના ઘોડાને રેસમાં લગાવી દે છે. તો કા

.

ભાજપને આડેહાથ લેવાની સાથે સાથે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને પણ ગર્ભિત ચેતવણી આપી હતી. ગુજરાત કોંગ્રેસમાં યોગ્ય ઉમેદવારોને ટિકિટ નહીં અપાતી હોવાની વાતને રાહુલ ગાંધીએ આડકતરી રીતે સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન અંગે દિવ્ય ભાસ્કરે કોંગ્રેસના નેતાઓ તેમજ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ સાથે વાતચીત કરી તેમનો મત જાણ્યો હતો.

રાહુલ ગાંધીના નિવેદન પર શક્તિસિંહે શું કહ્યું?
રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, જે લગ્નમાં કામ આવે એ લગ્નના ઘોડા અને જે રેસમાં કામ આવે તે રેસના ઘોડા. જરૂરિયાત બન્નેની હોય છે. લગ્ને સમયે પણ ઘોડો તો જોઇએ જ ને. એમ પાર્ટીમાં જરૂરિયાત દરેકની હોય છે પરંતુ તેની કામગીરી જે હોય તેને અનુરૂપ જરૂર હોય છે. યોગ્ય કાર્યકરને યોગ્ય કામ એવું રાહુલ ગાંધીનું કહેવું હતું. દરેકમાં ખૂબી અને ખામી એમ બન્ને હોય તેને ધ્યાને રાખીને તેને કામ સોંપાશે.

રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓફિસે આવ્યા હતા

પાર્ટી વિશે શક્તિસિંહ શું બોલ્યા?
શક્તિસિંહ કહે છે કે, રાહુલ ગાંધીની સ્પષ્ટ વાત એ હતી કે જેની જે ક્ષમતા છે તેને અનુરૂપ તેને કામ સોંપાશે. કાર્યકરની ક્ષમતા પ્રમાણે કામ સોંપવાનો પાર્ટીને અધિકાર હોય છે. અમે પાર્ટીના સૈનિકો છીએ. અમારું મૂલ્યાંકન પક્ષે કરવાનું હોય. ઉદાહરણ તરીકે મને મારી ઇચ્છા પુછાય તો હું કહું કે આવું કરવું અને આવું ન કરવું પરંતુ જો પાર્ટી મને આદેશ કરે તો મારે મારી પૂરી તાકતથી તે કામ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. મને પક્ષે કહ્યું કે તમારે બિહારના પ્રભારી થવાનું છે તો મેં બિહાર જઇને કામ કર્યું પછી દિલ્હીનો ચાર્જ આપ્યો તો મેં બિહાર અને દિલ્હી સંભાળ્યા. આના પછી પાર્ટીએ મને કહ્યું કે હરિયાણામાં તમારી જરૂર છે તો મેં હરિયાણા અને દિલ્હીના પ્રભારી તરીકે કામ કર્યું. આના પછી પક્ષે મને ગુજરાતના પ્રમુખ બનવાનું કહ્યું હતું. અગાઉ પક્ષે મને પૂછ્યું ત્યારે મેં પ્રદેશ પ્રમુખ બનવાનો ઇન્કાર કર્યો હતો. મેં કહ્યું કે તમે બીજાને જવાબદારી સોંપો, હું કાર્યકર તરીકે કામ કરીશ પણ 6 મહિના પછી પક્ષે મને કહ્યું કે ના તમારે જ પ્રદેશ પ્રમુખ બનવાનું છે એટલે હું પ્રદેશ પ્રમુખ બન્યો. કાલે પાર્ટી મને બૂથ એજન્ટ બનવાનું કહે તો મારે વફાદારીથી બૂથ એજન્ટ તરીકે કામ કરવું જોઇએ. આ વફાદાર સૈનિક તરીકે અમારી ફરજ છે.

નિરાશાવાદી કાર્યકરો નિરાશા છોડે તેવું રાહુલ ગાંધીએ કહ્યુંઃ શક્તિસિંહ
શક્તિસિંહે જણાવ્યું કે, 50 ટકા લોકો એવા હોય કે જેને શંકા હોય કે પરિણામ સુધી પહોંચીશું કે કેમ. 50 ટકા લોકો એવા હોય કે જેને વિશ્વાસ હોય કે હવે ભાજપની સરકાર નિષ્ફળ ગઇ છે. પેપર ફૂટે, ભ્રષ્ટાચાર થાય, ગેમ ઝોનમાં આગ લાગે, હરણીકાંડમાં ભ્રષ્ટાચાર હોય આવા અનેક મુદ્દાઓ છે જેના કારણે હવે ભાજપ છોડીને જનતા કોંગ્રેસને મત આપશે તેવી આવા 50 ટકા લોકોને આશા હોય છે. નિરાશાવાદી માણસો નિરાશા છોડીને આશાવાદી બને તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું.

ગુજરાતની જનતા અમને આશીર્વાદ આપશેઃ શક્તિસિંહ
તેમણે ઉમેર્યું કે, કોઇપણ લોકશાહીમાં હાર કે જીત તો લોકો નક્કી કરતા હોય છે. ગુજરાતના લોકોએ મોટી અપેક્ષા સાથે ભાજપને વારંવાર તક આપી. અનેક લોકો ગુજરાતમાંથી રાહુલ ગાંધીને મળવા આવ્યા. લોકોને કોંગ્રેસમાં વિશ્વાસ છે. અમારે મહેનત કરવાની છે. ગુજરાતના લોકો હવે અમને આશીર્વાદ અને સમર્થન આપશે.

રાહુલ ગાંધીની હાજરીમાં શક્તિસિંહ ગોહિલે સંબોધન કર્યું હતું

રાહુલ ગાંધીની હાજરીમાં શક્તિસિંહ ગોહિલે સંબોધન કર્યું હતું

એકપણ બેઠક પર ડિપોઝિટ જપ્ત નથી થઇ
તેમણે જણાવ્યું કે, પાછલી ચૂંટણીમાં અમે મજબૂતીથી લડી શક્યા નહોતા. એના કારણે જ અમારી 17 બેઠકો આવી હતી. આ વાત બધા જ જાણે છે. કારણોમાં પડ્યા વગર આગળના દિવસોમાં મજબૂતીથી લડીશું. ભાજપ સંસદમાં કહેતો હતો કે કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે, કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે પણ એકપણ બેઠક પર અમારી ડિપોઝિટ જપ્ત નથી થઇ. ભાજપનો 10 વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો અને ગેનીબેન ચૂંટાયા. પાટણ, આણંદ બેઠક પર નાના માર્જિનથી કોંગ્રેસ હારી. તમામ બેઠક પર અમારા ઉમેદવારો મજબૂતીથી લડ્યા. અમને ચોક્કસ વિશ્વાસ છે કે લોકોના અમને આશીર્વાદ છે, અમારે ફક્ત મહેનત કરવાની છે અને એ મહેનતનું પરિણામ અમને મળશે.

કામ કરવાવાળા લોકોને પ્લેટફોર્મ મળશેઃ જગદીશ ઠાકોર
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનનો અર્થ એ હતો કે કામ કરવાવાળા લોકોને પાર્ટી પ્લેટફોર્મ આપશે અને આગળ લાવશે, ભાજપ સરકાર સામે જે સંઘર્ષ કરશે, આંદોલનની ભૂમિકા ઊભી કરશે, સંગઠનમાં સારું કામ કરતા હશે તેને કોંગ્રેસ પ્રોત્સાહિત કરશે. પાર્ટીમાં બેઠેલા માત્ર વાતો કરવાવાળા લોકો, કંઇ કામ નથી કરતા તેવા લોકોને પાર્ટી જુદી રીતે પોતાની રીતે સાચવશે તેવો સંદેશો રાહુલ ગાંધીએ આપ્યો છે.

કોંગ્રેસ સંગઠન વિશે શું બોલ્યા જગદીશ ઠાકોર?
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર આવશે તેવો રાહુલ ગાંધીનો ઇશારો છે અને અમે એવું કરી પણ રહ્યા છીએ. ભૂતકાળમાં અમિત ચાવડા, પરેશ ધાનાણીને ચાન્સ આપ્યો હતો. આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન, અનંત પટેલ જેવા યુવા નેતાઓને તક આપી હતી. જે શક્તિશાળી લોકો છે તેને કોંગ્રેસ હંમેશાં આગળ કરે છે. અમે સિનિયરોએ પણ એ વાતને સ્વીકારી લીધી છે કે સિનિયરો બે ડગલાં પાછળ આવે અને યુવાનોને આગળ લઇ જાય. આ પ્રમાણેની પદ્ધતિ અમે વિચારી છે, સમજી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ મજબૂતીથી લડવાનો સંદેશ આપ્યો
તેઓ કહે છે કે, પાછલી ચૂંટણીમાં જે આક્રમકતાથી લડવું જોઇએ, જે ગઠબંધન કરીને લડવું જોઇએ તેમાં ક્યાંક કચાશ રહી હશે એટલે તો આવું પરિણામ આવ્યું હતું. બીજાં રાજ્યોમાં પણ અમારી સરકાર બની હતી. અમારી બેઠકોમાં રાહુલ ગાંધી સ્પષ્ટ કહે છે કે જો પ્લાનિંગ સાથે આગળ વધીએ તો કોઇ એવી જગ્યા નથી કે જ્યાં કોંગ્રેસ જીતી ન શકે. ગુજરાત પોલીસ અમારા પાંચ કાર્યકરોને અમારી ઓફિસમાં આવીને પકડીને લઇ જાય આ વાતની રાહુલ ગાંધીને ખબર પડી એટલે રાહુલ ગાંધી ગુજરાત તેમને મળવા આવ્યા. આનાથી રાહુલ ગાંધીએ આખા દેશના કોંગ્રેસના કાર્યકરોને સંદેશો આપ્યો કે હું તમારી સાથે ઊભો છું, ડરો નહી, તમે મજબૂતાઇથી લડો.

જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોર

ભાજપના કાર્યકરો ગૂંગળામણ અનુભવે છેઃ જગદીશ ઠાકોર
તેઓએ કહ્યું કે, અમે લોકશાહીમાં માનીએ છીએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોઇપણ કાર્યકર આવીને મને ન ગમતી વાત પણ કરી શકે છે. આનાથી મોટી લોકશાહીવાળો પક્ષ કોઇ ન હોય. રાહુલ ગાંધી પાસે જે વાત આવે છે તે વાત તેઓ પરિવારમાં અને પાર્ટી સંગઠન સમક્ષ મૂકે છે. કોંગ્રેસમાં ભાજપ જેવું નથી. ભાજપમાં એવું છે કે કોઇએ બોલવાનું નહીં, સવાલ નહીં કરવાનો, ભાજપનો કાર્યકર કે આગેવાન ગૂંગળામણ અનુભવે તેવી પદ્ધતિ કોંગ્રેસમાં નથી.

પોતાની ભૂમિકા અંગે શું બોલ્યા જગદીશ ઠાકોર?
પોતાની ભૂમિકા અંગે જગદીશ ઠાકોરે કહ્યું કે, હું માર્ગદર્શકની ભૂમિકામાં છું. મેં કોઇ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. હાલ હું CWCમાં છું, ભવિષ્યમાં ન હોઉં તો પ્રદેશ પ્રમુખ અને ઇન્ચાર્જ મને જે કહે તેના કરતાં સવાયું કામ કરીને મારે દાખલો બેસાડવો છે.

નબળા કાર્યકરો, આગેવાન વિશે અમિત ચાવડાએ શું કહ્યું?
પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ કાર્યકરોને આહવાન કર્યું કે જે મહેનતુ છે, કમિટેડ છે અને સંઘર્ષમાં મજબૂતાઇથી લડવા માગે છે તેવા કાર્યકરોને તક મળશે અને જે લોકો નબળા પડે છે, જે લોકોને લડાઇ લડવામાં ક્યાંક તકલીફ છે તેવા લોકોને હવે અમે જુદી જવાબદારી સોંપીશું. એ આગેવાનો છે, કાર્યકરો છે તેમને ઓળખીને જે લોકો આ લાંબા અને કઠીન સંઘર્ષમાં તાકાતથી લડવા માગે છે તેવા લોકોને અમે પ્રાયોરિટી આપીશું. રાહુલ ગાંધીએ ઘોડાનું ફક્ત ઉદાહરણ આપ્યું હતું. રેસના ઘોડા અને લગ્નના ઘોડાની ક્વોલિટી, સ્ટ્રેન્થ, કામ જુદાં-જુદાં છે. જેનું જે કામ છે તેને તે મુજબની જવાબદારી મળશે.લગ્નના ઘોડાને રેસમાં દોડાવો તે સફળ ન થાય અને રેસના ઘોડાને લગ્નમાં બોલાવો તે તેમાં સફળ ન થાય તેવું તેમણે ઉદાહરણ આપ્યું હતું. જેનો જે રોલ છે તે મુજબ તેને જવાબદારી મળશે. લડાયક લોકોને ફ્રન્ટ પરની લડાઇ માટેની જવાબદારી મળશે. બધાની જવાબદારી નક્કી થશે.

2022માં કોંગ્રેસ ક્યાંક નબળી પડીઃ અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું કે, 2022નું જે પરિણામ આવ્યું તેનાથી એક વાત નક્કી છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી પડી. કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવામાં, ગ્રાઉન્ડ પર મહેનત કરવામાં, સ્ટ્રેટેજીમાં ક્યાંક નબળી પડી. 2017માં અમે ટીમ સ્પિરીટથી લડ્યા હતા અને સરકાર બનાવવાની નજીક પહોંચી ગયા હતા. એવી જ રીતે 2027ની ચૂંટણીમાં હજુ 3 વર્ષનો સમય છે, બધા ટીમ સ્પિરીટથી અત્યારથી જ લાગીશું અને ગુજરાતના લોકો જિતાડશે તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું.

અમિત ચાવડાએ સંબોધન કર્યું હતું ત્યારની તસવીર

અમિત ચાવડાએ સંબોધન કર્યું હતું ત્યારની તસવીર

ધરપકડ કરાયેલા કાર્યકરોને મળવા માટે રાહુલ ગાંધી આવ્યા હતા
ભાજપ પર આરોપ લગાવતા અમિત ચાવડા કહે છે કે, ધર્મના નામે રાજકારણ કરવાનો ભાજપનો એજન્ડા છે. ભાજપ ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરે છે એ જ પ્રયાસના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો. એ હુમલામાં જવાબદાર લોકોને પકડવાના બદલે કોંગ્રેસના કાર્યકરોને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા છે. એ કાર્યકરોને મળવા માટે રાહુલ ગાંધી આવ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ, વડોદરા બોટ દુર્ઘટના, મોરબી પુલ દુર્ઘટના, સુરત તક્ષશિલાકાંડ, ઉનાકાંડના પીડિત પરિવારોને રાહુલ ગાંધીએ સાંભળ્યા અને કહ્યું કે અમે તમારી સાથે છીએ, તમને ન્યાય મળે તે માટે કોંગ્રેસ લડશે. ગુજરાતના લોકોના હક-અધિકાર અને ન્યાય માટે કોંગ્રેસ લડાઇ લડે છે. તેમાં સંપૂર્ણ રીતે રાહુલ ગાંધી બધી જ રીતે સહભાગી થવાની તૈયારી સાથે આવ્યા હતા. રાહુલ ગાંધીએ સંસદમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું જે એકતરફી શાસન ચાલે છે, ડર અને ભયનું રાજકારણ ચાલે છે તેની સામે લડીશું અને 2027માં જીતીશું.

અયોધ્યામાં ભાજપને હરાવીશું તેવું કોઇ માનતું નહોતું
અમિત ચાવડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેમ અયોધ્યામાં ભાજપને હરાવી શકીશું એવું ચૂંટણી પહેલાં કોઇ માનતું નહતું. 2027માં પણ અમે ભાજપને હરાવીશું તેવો દૃઢ વિશ્વાસ અહીં બેઠેલા લોકોમાંથી 50 લોકોના મનમાં છે. બાકીના લોકોના મનમાં કન્ફ્યૂઝન છે. એટલે 50 ટકા લોકો લડાઇની શરૂઆત કરે તો બાકીના 50 ટકા લોકોના મનમાં રહેલું કન્ફ્યૂઝન દૂર થશે. કોંગ્રેસનો કાર્યકર વિશ્વાસથી લડવા નીકળશે તો પ્રજાના આશીર્વાદ ચોક્કસથી મળશે કારણ કે પ્રજા ભાજપના શાસન, ગેરવહીવટ અને અન્યાયથી ગળે આવી ગઇ છે. રાહુલ ગાંધીએ કાર્યકરોને આત્મવિશ્વાસ સાથે લડવા નીકળો તેવું આહવાન કર્યું હતું.

રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને વિશ્વાસ આપ્યો
તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધીએ ભગવાન શિવની મુદ્રા સાથે કહ્યું કે ડરો નહીં અને ડરાવો પણ નહીં. ભાજપ અત્યારે ડર અને ભયનું રાજકારણ કરી રહ્યો છે. ધર્મના આધારે પોતાના રાજકીય એજન્ડા પર આગળ વધી રહ્યો છે તેની સામે મક્કમતાથી કોંગ્રેસ લડશે. ગુજરાતના લોકોનાં દુઃખ, દર્દમાં કોંગ્રેસ તેમની સાથે છે તેવો વિશ્વાસ રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપ્યો છે.

રેસના ઘોડા અને લગ્નના ઘોડા અંગે હાર્દિક પટેલે શું કહ્યું?
ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ અને હાલમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતા (રાહુલ ગાંધી) પોતાના નેતા અને કાર્યકરો માટે આવા શબ્દો વાપરતા હોય તો તેનો અર્થ એવો થાય કે કોંગ્રેસના નેતાને પોતાના કાર્યકરો પર ભરોસો નથી. ગુજરાત કોંગ્રેસમાં કેટલાંય વર્ષોથી કેટલાય ઘોડાઓએ કામ કર્યું છે. 1989થી લોકો બધું જોતા આવ્યા છે. 1993 પછીના ઘણા નેતાઓ એવા છે જેમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર કોંગ્રેસ ચલાવવાનું કામ કરેલું છે. માત્ર ને માત્ર કઇ રીતે કોંગ્રેસ અંદરોઅંદર લડે, અંદરોઅંદર નેતાગીરી ઊભી કરે તેવા પ્રયાસ કર્યા છે. કોંગ્રેસે ક્યારેય પણ ગુજરાતના હિત માટે કામ નથી કર્યું. 2012થી અમે અમારી નજર સામે જોયું છે કે આટલા સમયમાં કોંગ્રેસનું એક પણ કામ એવું નથી કે જેનાથી ગુજરાતને ફાયદો થયો હોય. હા, એક કામ ચોક્કસ કર્યું કે આખા દેશમાં ગુજરાતની બદનામી થાય તેના માટે રાહુલ ગાંધીને સપોર્ટ કરવાનું.

કોંગ્રેસના જૂના નેતાઓ પર આરોપ
હાર્દિક પટેલ કહે છે કે, જે જૂના નેતાઓ ચૂંટણી સમયે આવતા હતા, હોદ્દા લેતા હતા અને ચૂંટણી પતી જાય પછી નિષ્ક્રિય થઇ જતા એવા નેતાઓ માટે લગ્નના ઘોડા એવું કદાચ કહ્યું હોઇ શકે, આ બાબતે તો કોંગ્રેસે જ આત્મમંથન કરવાનું હોય.

રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની ફાઇલ તસવીર

રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની ફાઇલ તસવીર

કોંગ્રેસ વિશે હાર્દિક પટેલ શું બોલ્યા?
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ તો ક્યારેય ચૂંટણી લડવાના મૂડમાં કે જનતાના હિત માટે લડવાના મૂડમાં હોતા જ નથી. તેઓ તો મારું અને તારું કરવામાં હોય છે. તેઓ પોતાના લોકોને ટિકિટ વહેંચવામાંથી જ ઊંચા નથી આવતા. શું કોંગ્રેસ પાસે એવી કોઇ પોલિસી છે જે ગુજરાતના લોકોના હિતમાં હોય? કોંગ્રેસે અત્યારસુધીમાં એવી કોઇ પોલિસી કે ચૂંટણી ઢંઢેરો તૈયાર નથી કર્યો કે જે ગુજરાતના લોકોને મદદરૂપ થઇ શકે. કોંગ્રેસે ગુજરાતના લોકોને માત્ર ને માત્ર ગુમરાહ કરવાની વાત કરી છે.

ગુજરાતની જનતા હંમેશાં ભાજપની સાથેઃ હાર્દિક પટેલ
તેઓ કહે છે કે, 2017 હોય, 2019 હોય, 2022 હોય કે 2024 હોય ભાજપે પોલિસી મેટરથી રાજનીતિ કરીને લોકોને પોતાની તરફ ખેંચ્યા છે એટલે જ લોકો વારંવાર ગુજરાતમાં ભાજપની સરકાર બનાવે છે. ગુજરાતના લોકો સ્પષ્ટ એવું માને છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફક્ત ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશને એક દિશા મળી છે. દેશ જ્યારે એક દિશામાં આગળ વધતો હોય ત્યારે ગુજરાતના લોકો તેમાં ક્યાંય પાછળ ન રહી શકે. ગુજરાતના લોકોએ એ સમયે ભાજપની સરકાર બનાવી હતી જ્યારે દેશનાં અનેક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. દેશમાં પણ કોંગ્રેસની સરકાર હતી. ગુજરાત જ્યારે વિશ્વનું મોડલ બન્યું હોય, ગુજરાતમાં ઉદ્યોગથી લઇને વિકાસ માટે મોટી-મોટી યોજનાઓ બનતી હોય તો સ્વભાવિક છે કે ગુજરાતના લોકો ભાજપને ક્યારેય છોડવાના નથી.

અંબરિષ ડેરે શું કહ્યું?
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અંબરિષ ડેરે કહ્યું કે, મેં રાહુલ ગાંધીનું આ નિવેદન સાંભળ્યું છે. હું પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે એવું એમણે શા માટે કહ્યું છે. જે રીતે એમણે સ્ટેટમેન્ટ આપ્યું તેના લીધે મેં મારા નજીકના મિત્રો સાથે વાત કરી. એમનું અર્થઘટન એવું છે કે જે બે પ્રકારના ઘોડાની એમણે વાત કરી છે તેમાંથી જે રેસના ઘોડા છે એમને ચૂંટણી લડાવવા માટે કદાચ આગળ કરે અને જે લોકો ઘણા સમયથી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ પરિણામ નથી મળી રહ્યું તેવા લોકોને સંગઠન કે અન્ય સ્થળે સ્થાન આપીને તેમનો ઉપયોગ કરાય. રેસના ઘોડા એટલે જે ચૂંટણી લડી શકે છે, જીતી શકે છે, પરિણામ સુધી પહોંચી શકે છે એવા લોકોને ચૂંટણી લડાવવી જોઇએ તેવું હું સમજી શક્યો છું.

ફક્ત વાતો કરવાનો કોઇ અર્થ નથીઃ અંબરિષ ડેર
તેઓ કહે છે કે, કોઇ નામમાં પડવા કરતાં ભૂતકાળમાં જે લોકો ઘણીવાર ચૂંટણી લડી ચૂક્યા છે પણ પરિણામ સુધી પહોંચી શક્યા નથી તેવા લોકોની બાબતમાં રાહુલ ગાંધીએ લગ્નના ઘોડાનો ઉલ્લેખ કર્યો હોઇ શકે. બધી જ રાજકીય પાર્ટી પરિણામ પછી આત્મમંથન કરતી હોય છે અને બધી જ વાર એવી વાતો કરતી હોય છે કે ધરમૂળથી ફેરફાર કરીશું પણ મને એવું લાગે છે કે જો તેનો અમલ થાય તો જ તે સાર્થક ગણાશે. બાકી તો ખાલી વાતો કરવાથી તેનો મતલબ રહેતો નથી.

જનતા નક્કી કરે છે કે કોને આશીર્વાદ આપવા
તેઓ કહે છે કે, કોને જિતાડવા અને કોને હરાવવા એ જનતા નક્કી કરતી હોય છે. રાજકીય પાર્ટીના આગેવાનો દાવો કરી શકે પણ જનતાની અદાલતમાં જ્યારે જાય ત્યારે જનતા જનાર્દન બધું નક્કી કરતી હોય છે કે આશીર્વાદ કોને આપવા છે.

અંબરિષ ડેર

અંબરિષ ડેર

રાહુલ ગાંધીને હવે બધું સમજાયું
તેમણે ઉમેર્યું કે, મેં કોંગ્રેસ જ્યારે છોડી ત્યારે તેના પહેલાં મેં રાહુલ ગાંધી સહિત પાર્ટીના ગુજરાતના અને દેશના શીર્ષ નેતૃત્વને વાત કરી હતી, પાર્ટી છોડ્યા પછી મારી પહેલી પ્રતિક્રિયા એ જ હતી કે આ દેશ વિવિધતાઓથી ભરેલો છે. આ દેશમાં દરેક રાજ્યોની સ્થિતિ જુદી છે, દરેક રાજ્યોની ભાષા, ખાવા-પીવાની ટેવ જુદી છે. દરેક રાજ્યમાં જુદા-જુદા ધર્મ અને સંપ્રદાયને માનવાવાળા લોકો વસે છે. કોઇ ચોક્કસ રાજ્ય કે ચોક્કસ વ્યક્તિને રાજી કરવા માટે એવું સ્ટેટમેન્ટ ન કરવું જોઇએ કે જેથી તમારી પાર્ટીના કાર્યકરોમાં હતાશા આવે, નિરાશા આવે અને તેઓને દુઃખ થાય. હું માનું છું કે જે વાત મેં ભૂતકાળમાં કરી હતી તે વાત રાહુલ ગાંધીએ લોકસભામાં અભય મુદ્રાનો ઉલ્લેખ કરીને રજૂ કરી હતી. આના પરથી મને લાગે છે કે કદાચ હવે રાહુલ ગાંધીને સમજાયું હશે કે કોઇ ચોક્કસ વર્ગને નારાજ કરવાથી બહુમતી સુધી નહીં પહોંચી શકાય. આ વાત ભૂતકાળમાં બધા જ લોકો કરતા હતા. મેં રૂબરૂમાં પણ આ વાત કરી હતી. જ્યારે રામમંદિરની વાત આવી હતી ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાની શું જરૂર હતી? પાર્ટીના કોઇ બે આગેવાનને મોકલવા જોઇતા હતા. ચોક્કસ એક સમુદાયની અવગણના કરો એ વાજબી નથી. મને લાગે છે કે આ પરિણામો પછી તેમને આ બધું સમજાયું છે.

ભાજપ 3 લાખથી વધુની લીડથી જીત્યો
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભલે કોંગ્રેસને એક સીટ આવી હોય પરંતુ મોટાભાગની સીટ ભાજપ 3 લાખથી વધુની લીડ સાથે જીત્યો છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપ બધી સીટો પર જીત્યો છે. રાજસ્થાનમાં ભાજપની ફેવરમાં ઓછું પરિણામ આવ્યું તેમ કહી શકાય પણ લીડની વાત કરીએ તો ભાજપના મત વધ્યા છે. આની પાછળનું કોઇ કારણ હોય તો તે ચોક્કસપણે ધર્મની વાત છે એવું મારું અંગતપણે માનવું છે.

રાહુલ ગાંધી અંગે ભાજપે શું કહ્યું?
ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે, બહુ સ્પષ્ટતા સાથે કહું તો જ્યારે મેં પાર્ટી છોડી ત્યારે અક્ષરશ: આ જ મુદ્દા હતા. કોંગ્રેસની કો-ઓર્ડિનેશન કમિટી, કોર કમિટી, ચૂંટણી કમિટી કે પ્રદેશ માળખામાં 20 વર્ષથી એકના એક ઘોડા, ફક્ત રેસના અને લગ્નના નૃત્યના ઘોડા. આજે પણ કહું કે રાહુલ ગાંધી જેના થકી જીતવાનો દાવો કરે છે તે ચહેરા તો એક ના એક જ છે. જનમાનસમાં આ ચહેરા નજર પરથી ઊતરી ગયા છે. ભાજપમાં મોટા નેતાઓને સાઈડમાં મુકાય છે એવા વિપક્ષ આક્ષેપ કરે છે પણ પ્રજાને બદલાવ જોઈએ અને દરેકને તક મળે. આજે પણ કોંગ્રેસમાં જે ચહેરા જોવા મળે છે એ જ ચહેરા 20 વર્ષથી છે. એ જ નેતા લોકસભા લડે, હારે એટલે વિધાનસભા લડે, ચૂંટણી ન હોય તો સંગઠનમાં ગોઠવાય એટલે સંગીત-ખુરશીની જેમ એકના એક નેતા ફરે છે. ગેનીબેન જીત્યાં, તેમને અભિનંદન પણ એમને પૂછો વિધાનસભા સિવાય કોઈ હોદ્દો મળ્યો? ના. એટલે રેસના ઘોડા કહ્યું. ગઈ વખતે ચાલુ રેસમાં ઘોડો બદલ્યો, રેસ ચાલુ હોય તો ઘોડો ન બદલાય એવું નિવેદન શંકરસિંહ વાઘેલાએ કર્યું છે. દેખાવના નેતા, પ્રજાનું સમર્થન નથી, ગ્રાઉન્ડ ઝીરો પર વજન નથી અને ટાઈટ કપડાં પહેરી 4 વાગ્યે પ્રદેશ કાર્યાલય આવી અને એસી ઓફિસમાં નિવેદન કરે છે એવા લોકો માટે લગ્નના ઘોડાનું નિવેદન કર્યું છે.

જયરાજસિંહ પરમાર

જયરાજસિંહ પરમાર

રાહુલ ગાંધી કોર્ટની મુદ્દત માટે ગુજરાત આવે છે
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવે ત્યારે ગુજરાતની જનતાના મગજમાં એક જ છાપ છે કે કોર્ટમાં મુદત છે હશે એટલે ગુજરાતમાં આવ્યા હશે. ટૂંકમાં કોર્ટની મુદત હોય અને ભરવા આવ્યા હોય એવી સામાન્ય રીતે છાપ છે. અમે સમાચાર જાણ્યા ત્યારે ખ્યાલ નહોતો કે કોને મળવા આવવાના છે. 2019 માં સુરતમાં તક્ષશિલા કાંડ, એ પછી મોરબીની ઘટના, વડોદરા અને રાજકોટમાં બધી જ જગ્યાએ મુખ્યમંત્રી અને ભાજપના તમામ નેતાએ મુલાકાત લીધી હતી, નરેન્દ્ર મોદી પણ મોરબીની ઘટના સમયે આવ્યા હતા. રાહત કામગીરી સમયે લોકોનો રોષ હોય છે એવા સમયે પણ કુનેહપૂર્વક મુખ્યમંત્રી પ્રજા વચ્ચે ગયા છે. એ સમયે રાહુલ ગાંધીએ જવાની જરૂર હતી, ત્યારે ક્યાં ગયા હતા. આ ત્રણેય ઘટના તો હમણાંની છે, ત્યારે તો અસરગ્રસ્તોને મળવા ગયા નથી તો હવે અચાનક પ્રેમ કેમ ઉભરાઈ ગયો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તેવો પડકાર
જયરાજસિંહ કહે છે કે ગુજરાતમાં 1990 પછી કોંગ્રેસ એક પણ ચૂંટણી જીતી નથી. 1992-95માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ એ જનતાનો જનાદેશ નહોતો પણ ચીમનભાઈ પટેલ અને કોંગ્રેસ વચ્ચેની ગોઠવણને કારણે 3 વર્ષ કોંગ્રેસની સરકાર હતી. 1985માં કોંગ્રેસ છેલ્લી ચૂંટણી જીત્યું નથી અને આજ સુધી ગુલાલ ઊડ્યો નથી. રાહુલ ગાંધી કહે છે કે ગુજરાત જીતીશું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથા પર છે, લિટમસ ટેસ્ટ છે તો જીતી બતાવો અને પછી આગળ વધજો. 33 જિલ્લા પંચાયતમાંથી 2ની ચૂંટણી નથી થઈ પણ એ સિવાય તમામ જિલ્લા પંચાયત, 252 તાલુકા પંચાયતમાંથી 240 કરતાં વધુ તાલુકા પંચાયત, 156માંથી 145 નગરપાલિકા, જિલ્લા પંચાયતની 9,974 બેઠક પૈકી 9,950 કરતાં વધુ બેઠક ભાજપ પાસે છે. ગ્રાઉન્ડ ઝીરો સુધી ભાજપ છે. તમામ ડિસ્ટ્રિક્ટ બેંક, તમામ ડેરી ભાજપ પાસે છે ત્યારે સરકાર ઊભી થાય. અમે એક સીટ હાર્યા છીએ તો દુઃખી થઈ ગયા છીએ, આખી પાર્ટી આત્મમંથન કરે છે કે ક્યાં કચાશ રહી છે? 1 સીટ હાર્યા છે તો પાર્ટી દુખી છે અને એ લોકો 25 સીટ હાર્યા છે અને 1 જીત્યા છે તો પણ ખુશ છે.

કોંગ્રેસ પારકાં ભાણે જમવા ટેવાયેલીઃ જયરાજસિંહ
તેમણે ઉમેર્યું કે, 2017માં રાહુલ ગાંધીએ 3 મહિના સુધી ગુજરાતના 4 ઝોનમાં રેલી કાઢી અને પરિણામ પણ મળ્યું. કોંગ્રેસ પારકાં ભાણે જમવા માટે ટેવાયેલી છે. તેને ક્યારેક પાટીદાર આંદોલન, ક્યારેક ક્ષત્રિય સમાજના આંદોલનનો સહારો જોઈએ છે. આ વખતે ક્ષત્રિય આંદોલન ન હોત તો કોંગ્રેસને પગ મૂકવાની પણ જગ્યા નહોતી. પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર બધાએ ચૂંટણી લડવાની ના કહી હતી. મોટા માંધાતાએ મેદાન છોડી દીધું હતું. હાર્દિક પટેલ ભાજપમાં જાય તો ખોટા પણ એના ખભા પર બેસીને સત્તા લેવી હોય તો તેમને સારું લાગે. ચૂંટણીમાં એમના નેતાને ક્યાંય ફિલ્ડમાં જવું નથી. આ તો આંદોલન હતું એટલે ફિલ્ડમાં જવાની સ્થિતિ ઊભી થઈ. ગુજરાત જીતવાની વાત કરે તો ખૂબ બેરિયર વચ્ચે આવશે.

કોંગ્રેસના આંદોલનમાં લોકો જોડાતા નથી
તેઓ કહ્યું હતું કે, રાહુલ ગાંધી મનોવૈજ્ઞાનિક વાત કરે છે. સમાજમાં બે પ્રકારના લોકો છે. જમણેરી લોકો એટલે એવા કે જેનો ભાજપ સાથેનો માઇન્ડ સેટ ગોઠવાયેલો છે અને બીજા લેફ્ટિસ્ટ લોકો છે જે તુષ્ટિકરણમાં માને છે. સતત મોટા વર્ગને અપમાનિત કરવો અને નાના વર્ગને ઉશ્કેરવો. આ લેફ્ટિસ્ટ વિચારધારાની વાત છે. કોંગ્રેસ પાટીદાર આંદોલન કરે તો તેમાં પાટીદાર જોડાતા નથી, આશા વર્કરના આંદોલન કરે તો આશા વર્કર જોડાતી નથી, ખેડૂતના આંદોલનમાં ખેડૂત ન જોડાય. આજની જ વાત કરીએ, તેઓ શિવજીની મૂર્તિ લઈને આવ્યા હતા પણ આજે જગન્નાથની યાત્રામાં કોંગ્રેસનો સત્તાવાર સમય હતો તો કેમ જગન્નાથ મંદિર ના ગયા? ખરેખર તો જવું જોઈએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!