GUJARAT

દ્વારકાના સૌથી વધુ પૂરગ્રસ્ત ગામે પહોંચ્યું ભાસ્કર: જામ રાવલમાં પાંચ દિવસમાં 55 ઇંચ વરસાદ, જુઓ બેટમાં ફેરવાયેલા ગામનો ડ્રોન નજારો – Dwarka News


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસતાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. દ્વારકા જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસમાં મેઘરાજાએ ધમાકેદારે બેટિંગ કરતા જિલ્લાનાં અનેક ગામોમાં પૂરની સ્થિતી સર્જાઈ છે. ત્યારે સૌથી વધુ પુરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના જામ રાવલ

.

વર્તુ-2 ડેમના 10 દરવાજા ખોલતા ચોતરફ પાણી જ પાણી
કલ્યાણપુર તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા ધોધમાર વરસાદે જામ રાવલ, રાણપરડા, ગોરાણા સહિતના વિસ્તારોની હાલત કફોડી બનાવી છે. ત્યારે સતત વરસી રહેલા વરસાદે જામ રાવલને ચારે તરફથી બાનમાં લીધું છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ બેટમાં ફેરવાયેલા રાવલના લોકોનો અવાજ બનવા રાવલ ગામે પહોંચી હતી. છેલ્લા છ દિવસથી વરસાદનાં પાણી ગામના લોકોનાં ઘરમાં ધૂસ્યાં બાદ ગઇકાલ વર્તુ-2 ડેમના 10 દરવાજા બે ફૂટ ખોલવાના કારણે વર્તુ બે ડેમનાં પાણી રાવલ સુધી પહોંચ્યા હતા. જેને લઈને જામ રાવલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

ખેતરો નદી-નાળાં અને તળાવમાં ફેરવાયાં
જનજીવન પ્રભાવિત કરતા આ ધસમસ્તા પાણીના પૂર ઘરો અને દુકાનોમાં પણ ઘૂસ્યા હતા. જામ રાવલમાં વરસાદના કારણે જનજીવન વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયું છે. છેલ્લા એક સપ્તાહમાં જામ રાવલમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાવલ આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તો આસપાસનાં ગામોનાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં છે. જેને લઇને મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે.

‘દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે’: સ્થાનિક
જામ રાવલના વતની નીલેશ પરમારે જણાવ્યું હતું કે, આપણે જ્યાં હાલ ઊભા છીએ એ હાઈસ્કૂલ રોડ છે અને મોતી બજારનો વિસ્તાર છે. અત્યારે અહીંથી પૂરજોશમાં પાણી વહી રહ્યું છે. રાત્રે વર્તુ બે ડેમના 10 દરવાજા ખોલેલા ત્યારે અહીંયાં મોતી બજારમાંથી થઈ પાણી વહી રહ્યું હતું. જેના કારણે માણસની અવરજવર પણ થઈ શકતી નહોતી. અત્યારે થોડું પાણી ઓસરી રહ્યું છે, પણ દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે. ત્યારે અમે તંત્રને એક જ ભલામણ કરીએ છીએ કે હાઈસ્કૂલવાળો રસ્તો ઊંચો લે અને ઓવરબ્રિજ બનાવે. જેથી કરીને પબ્લિકની અવરજવર થઈ શકે અને જ્યારે કોઈ માણસ બીમાર પડે ત્યારે તેને બહાર લઈ જવો પડે તો બહાર લઈ જઈ શકીએ. અત્યારે રાવલની અંદર એવી પરિસ્થિતિ છે કે કોઈ વ્યક્તિને ગંભીર બીમારી હોય તો તેને બહાર લઈ જઈ શકતા નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી ઉંમર 50 વર્ષની છે અને હું જોતો આવ્યો છું કે કેટલાંય વર્ષોથી રાવલ ગામની આ જ પરિસ્થિતિ છે. જ્યારે પણ વર્તુ ડેમનું પાણી છૂટે છે ત્યારે આ જ પરિસ્થિતિ સર્જાય છે. આ તો નસીબ સારા છે કે અત્યારે સાની ડેમનું કામ ચાલુ છે અને સાની ડેમ બંધ છે એટલે તેનું પાણી સીધું જ આવી જાય છે, નહિતર તો રાવલ આખું બેટમાં ફેરવાઈ જાય છે.

‘સરકારને મારી એક જ અપીલ કે ખેડૂતોને યોગ્ય વળતર મળે’: રાવલ ગામના ખેડૂત
જામ રાવલના ગામના રહેવાસી અને ખેડૂત રણજિત મોઢવાડિયાએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમે મારી પાછળ જે દૃશ્યો જુઓ છો તે નદી-નાળા કે તળાવનાં નથી, પરંતુ મારી માલિકીની જમીનનાં દૃ્શ્યો છે. જેમાં હાલ પાણી ભરાઈ ગયાં છે. આ પરિસ્થિતિ છેક ગોરાણા ગામ સુધીની છે. વર્તુ-2 ડેમનું પાણી છોડવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. સરકાર જોડે મારી એક જ અપીલ છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે. ખેડૂતોને એક વખત ખેતર ભરવામાં પાંચથી છ હજાર સુધીનો ખર્ચો લાગે છે. અત્યારે મેં પોતે બે વાર વાવણી કરી છે અને આ પરિસ્થિતિ છેક ચોમાસું જાય નહીં ત્યાં સુધી રહેવાની છે. હવે આમાં અમે ક્યાંય જઈ નહીં શકીએ કે કંઈ વાવી પણ નહીં શકીએ.

‘રાવલથી કરીને ગોરાણા ગામ સુધીની આ જ હાલત’
ચોમાસું ગયા પછી શિયાળુ મોસમમાં કંઈક વિચારવાનું રહેશે. દર વર્ષે રાવલથી કરીને ગોરાણા ગામ સુધીની આ જ પરિસ્થિતિ છે. રાવલથી ગોરાણા સુધીનાં તમામ ખેતરો નદી-નાળાં અને તળાવમાં ફેરવાયાં છે. ઘરોમાં પણ પાણી જ પાણી છે, અમારા માલ-ઢોર પણ આખીરાત પાણીમાં જ ઊભાં છે.

‘રાવલ ગામ ચારેબાજુથી પાણીથી ઘેરાયેલું છે’
રાવલના ગામના રહેવાસી રાજુભાઈ ગોરે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સતત એક અઠવાડિયાથી વરસાદ અતિશય વરસવાના કારણે વિષમ પરિસ્થિતીની અંદર અહીંયાથી બાજુમાં આવેલા વર્તુ-2 ડેમના 10 દરવાજાઓ અંદાજે 2-2 ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં કાયમને માટે ઘરોની અંદર પાણી ઘૂસી જાય છે અને ઘરવખરી બધી બરબાદ થઈ જાય છે. ત્યારે તંત્ર દ્વારા આનો કંઈક રસ્તો કરવામાં આવે જેથી કરી આ લોકોને જે હાલાકી પડી રહી છે તે હાલાકીનો સામનો કરવો પડે નહીં. રાવલ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં રાવલ એક વચ્ચેનો વિસ્તાર અને ચારેબાજુથી રાવલ પાણીથી ઘેરાયેલું છે. એકબાજુ સાની ડેમ જેનું હાલ કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ વર્તુ ડેમ તેની વચ્ચે રાવલ ગામ ઘેરાયેલું છે.

‘હાલ પરિસ્થિતી ગંભીર છે’: કોર્પોરેટર
રાવલ નગરપાલિકાના કોર્પોરેટર લીના બહેને જણાવ્યું હતું કે, હાલ વર્તુ ડેમના પાણી રાવલમાં આવેલાં છે અને પરિસ્થિતિ ગંભીર છે. લોકોનાં ઘરોમાં પાણી ભરાયાં છે. તંત્ર દ્વારા બની શકશે તે બધાં જ એક્શન લેવામાં આવશે.

‘રાવલના નાગરિકો હિંમતભેર લડતા નજરે પડ્યા’
કલ્યાણપુર તાલુકાના જામ રાવલમાં ફરી વળેલા વર્તુળ બે ડેમનાં પાણીએ જનજીવન પ્રભાવિત કર્યું હતું. ત્યારે કુદરતી આપત્તિના સમયે પાણી વચ્ચે પણ જામ રાવલના નાગરિકો હિંમતભેર લડતા નજરે પડ્યા હતા. સાથે સાથે આ આફતના સમયમાં પણ રાવલવાસીઓ પૂરમાં પણ સ્નાન કરતા નજરે પડ્યા હતા. સ્થાનિક લોકો બીમાર લોકોની મદદે પહોંચી તેઓને હોસ્પિટલે પણ લઈ ગયા હતા.

‘તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી’
રાવલની ફરતે ફરી વળેલાં આ પૂરનાં પાણીએ રાવલના નાગરિકોને પરેશાન કરી નાખ્યા છે. તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે વરસાદ થંભી જાય અને આ વરસાદી પાણી જલદીથી ઓસરી જાય તેવી રાવલ ગામની પ્રજા ભગવાનને પ્રાર્થના કરી રહી છે.

મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગરનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું
દ્વારકામાં થયેલી અતિવૃષ્ટિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાતમાહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાનાં ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

23 જુલાઈના રોજ હવાઈ નિરીક્ષણ કરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

23 જુલાઈના રોજ હવાઈ નિરીક્ષણ કરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

દ્વારકામાં 31 ઇંચની સરેરાશ સામે અત્યારસુધીમાં 40 ઇંચ વરસાદ પડ્યો
દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જી.ટી.પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતાં જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાં 30 વર્ષનો સરેરાશ વરસાદ 769 મિમી છે, એની સામે છેલ્લા પાંચ છ દિવસમાં 980 મિમી સરેરાશ વરસાદ એટલે કે 31 ઇંચની સરેરાશ સામે 40 ઇંચ વરસાદ વરસ્યો છે.

દ્વારકામાં સિઝનનો વરસાદ મહિનામાં જ પડી ગયો
19 જુલાઈના સવારના 6 વાગ્યાથી 24 જુલાઈના સવારના 6 વાગ્યા સુધીમાં દ્વારકામાં કુલ 36 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે આ પાંચ દિવસ દરમિયાન સુરતના પલસાણામાં 26 ઇંચ, જ્યારે ઉમરગામ અને કેશોદમાં 23-23 ઇંચ તથા વિસાવદરમાં 22 ઇંચ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂરી સિઝનમાં પડતો વરસાદ એક મહિનામાં જ પડી ગયો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!