GUJARAT

આ રીતે ભણશે ગુજરાત?: ચાલુ સ્કૂલે ક્લાસ રૂમની દીવાલ પડતાં 4 વિદ્યાર્થી પટકાયા, CCTV, ઇજાગ્રસ્ત બાળકની માતાએ કહ્યું- મારા છોકરાને સ્કૂલ મોકલતાં ડર લાગે છે – Vadodara News


વડોદરાના વાઘોડિયા રોડ, ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસ રૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. આથી ચાલુ ક્લાસ રૂમમાંથી બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ટાંકા

.

બિલ્ડિંગનો વપરાશ ન કરવા સ્કૂલને સૂચનાઃ DEO
DEO આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા લેખિતમાં રજૂઆત આપવામાં આવી છે. તેઓ બાળકોની સુરક્ષા પદ્ધતિ બાબતે ચિંતિત છે અને સ્વાભાવિક છે કે, આવી ઘટના બને ત્યારે એ ચિંતિત હોય. એમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકારી ધારાધોરણ અનુસાર નિયમ અનુસાર જે કઈ કડક કાર્યવાહી હશે એ કરવામાં આવશે. જેવી ઘટનાના સમાચાર DEO કચેરીને મળતા જ તુરંત એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે ચાર વિદ્યાર્થીઓ હતા તેઓના વાલીઓના સંપર્ક કરી એની સાથે વાતચીત કરવામાં આવી હતી. સાથે સાથેની કચેરીએ સ્કૂલને પણ સૂચના આપેલી છે કે, જ્યાં સુધી બિલ્ડિંગ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ આપે અને એ જ ગાળામાં કોર્પોરેશન દ્વારા પણ સ્કૂલને જ્યાં સુધી યોગ્ય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વપરાશ ન કરવા માટેની તેમના દ્વારા પણ તાકીદ કરવામાં આવી છે.

ઘટના બનવા પાછળનું કારણ શું એ ચકાસવામાં આવશે
વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સ્કૂલની સુરક્ષાનો વિષય આવતો હોય છે ત્યારે સ્ટેબિલિટી જોવામાં આવે અને તેને બિલ્ડિંગ યુઝ પરમિશન અને કરંટ સ્થિતિ એક વખત કોર્પોરેશન દ્વારા પણ આ ઘટના બની છે તો તેમના દ્વારા પણ તજજ્ઞ દ્વારા સંયુક્ત એમની મદદ લઈ અને બિલ્ડિંગની સલામતીને ચકાસવામાં આવે. સાથે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે કે કેમ અને આપ્યું છે તો ઘટના બનવા પાછળનું કારણ શું છે? સરકારમાંથી જે કંઈ સૂચનાઓ છે તે મુજબ તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે સ્કૂલો વધારે જૂની હોય તે અંગે કચેરી દ્વારા શિક્ષણ નિરીક્ષકોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ દ્વારા કાર્ય કરવામાં આવે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબત સુનિશ્ચિત કરે. હાલ જે હમણાં ફાયર NOCની ઘટના બની ત્યારે દરેક પાસેથી ફાયર NOC છે કે કેમ છે તેની વિગતો મેળવવા આવી હતી.

પેરેન્ટ્સ એસો.એ ડીઇઓને આવેદનપત્ર આપ્યું
નારાયણ વિદ્યાલયની દીવાલ પડવાની ઘટનાને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર ડીઈઓને આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા માગણી કરવામાં આવી છે કે, આ ઘટના માટે શાળા સંચાલકને જવાબદાર ગણી શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરી ઉચ્ચત્તમ દરે પેનલ્ટી લગાડવી જોઈએ. સાથે સાથે ડીઈઓ દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી, આ ઘટનાની પાયાના નિષ્કર્ષ સાથે તપાસ થાય અને જે પણ ગુનેગાર હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવા માટે વિનંતી કરવામાં આવી છે.

કાનૂની રાહે પગલા લેવામાં આવે
વડોદરા શહેરની શાળામાં જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના ઘટે તો શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવી. સાથે સાથે આ બિલ્ડિંગનો વપરાશ તેમજ ચકાસણી માટેના પ્રમાણપત્રો રજૂ કરતા એન્જિનિયર અને અધિકારીઓ સામે પણ કાનૂની રાહે પગલા લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આશા રાખે છે કે, ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે તે માટે તમામ શાળા સંચાલકો જરૂરી તકેદારી રાખે અને સરકારના ધારાધોરણોનું કડકપણે પાલન કરે.

હું તો એકદમ ગભરાય ગઈ હતીઃ ઈજાગ્રસ્ત બાળકના માતા
ઈજાગ્રસ્ત બાળકના માતા શીલાબેને જણાવ્યું હતું કે, એકદમ મેડમનો ફોન આવ્યો, અમને નહોતું કહ્યું કે, આવું બન્યું છે. મારા દીકરાને માથામાં ત્રણ ટાંકા આવ્યા છે. હું સ્કૂલે પહોંચી ત્યારે સ્થિતિ એકદમ ગંભીર હતી. અમે તો ગભરાય ગયા હતા. હું મારા દીકરાને સ્કૂલ મોકલીશ જ નહીં. હું મેડમને ના જ કહીને આવી છું કે, મારા છોકરાને સ્કૂલે નહીં મોકલું. ડર તો લાગેને આખી દીવાલ પડી ગઈ. બચી ગયો… કારણ કે, પહેલા સ્બેલ પડ્યો અને પછી એ ઉપર પડ્યો. આવી બે-ત્રણ બેગ હતી તેના ઉપર એ પડ્યો. સાથે બેન્ચ હતી, પહેલા બેન્ચ ઉભી કરી પછી એ ઉભો થયો છે. મારો દીકરો 7માં ધોરણમાં ભણે છે. મને બપોરે 1.15 વાગ્યે જાણ થઈ હતી. હું અને ધૈર્યના પપ્પા સ્કૂલે ગયા હતા. હું તો એકદમ ગભરાઇ ગઈ હતી.

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ઈજાગ્રસ્ત બાળકના ઘરે પહોંચી
સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ઈજાગ્રસ્ત બાળક ધૈર્યના ઘરે પહોંચી છે. સિમિતિના દિપાલી શાહે જણાવ્યું હતું કે, ગઈકાલે નારાયણ સ્કૂલમાં બનાવ બન્યો છે. જેમાં ધૈર્ય સુથાર નામના વિદ્યાર્થીને ઈજા પહોંચી છે. એટલા માટે અમે તેના ઘરે મળવા આવ્યા હતા. તેના માતા સાથે અમે વાત કરી હતી અને તેમને પૂછ્યું હતું કે, તમને સ્કૂલ તરફથી કેવો સાથ સહકાર છે કે કેવો રિસ્પોન્સ છે. તો તેઓએ જણાવ્યું હતું કે. તેમને પૂરેપૂરો સાથ સહકાર છે. મેડિલક સહાય પણ આપવા તૈયાર છે. સ્કૂલવાળા જ વિદ્યાર્થીને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા. આ બધો સાથ સહકાર સ્કૂલવાળાએ આપ્યો છે. અમે ધૈર્ય સુથારના પરિવારને કહ્યું છે કે, તમને જ્યારે જરૂર પડે ત્યારે અમે મદદ કરવા તૈયાર છીએ.

આજે અને સોમવારે બિલકુલ બાળકોને રજા જ આપી છે
સ્કૂલના આચાર્ય રૂપલબેન શાહે જણાવ્યું હતું કે, બાળકોને અમે આજે અને સોમવારે બિલકુલ રજા જ આપી છે. અમે હમણાં વૈકલ્પિક ઓનલાઈન શિક્ષણનો વિચાર કર્યો છે. અમારા ટ્રસ્ટી મંડળની મિટિંગ થશે. જેમાં બાળકનો અભ્યાસ ન બગડે તે માટેનો નિર્ણય કરીશું. ફરીથી સર્ટિફિકેટ મળી જાય પછી જ સ્કૂલ શરૂ કરીશું.

સ્કૂલે બાળકને મોકલતા બીક લાગે છે
અન્ય એક બાળકના વાલીએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઘટના બની છે તેને લઈને સ્કૂલવાળાએ કહ્યું હતું કે, તમે તમારા બાળકનું સ્કૂલ બેગને એવું બધુ લઈ જાવ. મારૂ બાળક છઠ્ઠા ધોરણમાં ભણે છે, હવે સ્કૂલે મોકલતા અમને અમે બાળકને પણ બીક લાગે છે. સ્કૂલવાળાને રિક્વેસ્ટ કરીશું કે, આવી ઘટના બીજીવાર ન બને.

ગઈકાલે બપોરે વડોદરામાં નારાયણ વિદ્યાલયની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેના શોકિંગ CCTV સામે આવ્યા છે. ચાલુ ક્લાસે જ ક્લાસ રૂમની દીવાલ ધરાશાયી થઈ હતી અને એની સાથે જ 4 વિદ્યાર્થી નીચે પટકાયા હતા. જોકે આ મામલે શાળા-સંચાલકોએ આ દુર્ઘટનાની હકીકત છૂપાવી અને રિસેસ સમયે આ દુર્ઘટના બની હોવાનું જણાવ્યું હતું. સંચાલકોએ માત્ર એક જ વિદ્યાર્થીને ઇજા થઈ હોવાનું જણાવી મીડિયા અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા. જોકે CCTVએ નારાયણ વિદ્યાલયના સંચાલકોનાં જૂઠાણાંની પોલ ખોલી નાખી.

શેડ હોવાથી બાળકોનો ચમત્કારિક બચાવ થયો
આ દીવાલ ધરાશાયી થઈ છે એની હાઈટ અંદાજિત 20 ફૂટ જેટલી છે, પરંતુ બાળકો ફર્સ્ટ ફ્લોર એટલે કે કોન્ફરન્સ હોલની ઉપર બેઠા હતા અને પાછળના ભાગે શેડ હતો. દીવાલ ધરાશાયી થયા બાદ બાળકો નીચે પટકાતાં શેડ હોવાથી આબાદ બચાવ થયો છે. આ બાળકો 10 ફૂટની ઊંચાઈથી પટકાયા હોવા છતાં માત્ર એક જ બાળકને ઈજા પહોંચી હતી.

આ સ્કૂલમાં હાલ 1800થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે, સાથે જ કપૂરાઈ પોલીસે આ મામલે વિદ્યાર્થીના વાલીને જાણવા જોગ ફરિયાદ આધારિત વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનામાં ફાયર અને પોલીસ વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. જેમાં સ્કૂલનું બિલ્ડિંગ 2001માં બન્યાનું સામે આવ્યું છે. જેમાં ફાયર દ્વારા અગાઉથી જ બીયુ પરમિશન હોવાની વિગતો સામે આવી છે. એક મહિના અગાઉ જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અપાયું હોવાનું પણ સામે આવ્યું છે. આ સ્કૂલમાં હાલ 1800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સોમવાર સુધી રજા જાહેર કરાઈ છે. આ સ્કૂલની અંદર હાલમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સવાર અને બપોર એમ બે પાળીમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ સ્કૂલની અંદર અંગ્રેજી માધ્યમના માત્ર 20 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે. સાથે જ આ સ્કૂલની અંદર 100થી વધુનો શૈક્ષણિક સ્ટાફ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. સોમવારથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. જ્યા સુધી યોગ્ય તપાસ અને વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યા સુધી આ સ્કૂલમાં અભ્યાસ કાર્ય ઓનલાઈન કરવમાં આવશે.

આ ઘટના 12.30 વાગ્યાની આસપાસ બનીઃ આચાર્ય
આ અંગે ગુજરાતી મીડિયમનાં પ્રિન્સિપાલ રૂપલબેન શાહે જણાવ્યું હતું કે આ બાળકો ધોરણ સાતમાં અભ્યાસ કરે છે અને આ ઘટના 12:30 વાગ્યાની આસપાસ બની હતી. એ દરમિયાન અમે અમારી ઓફિસમાં હતાં અને અવાજ આવતાંની સાથે જ અમે ત્યાં પહોંચ્યાં હતાં. આ ઘટનામાં બાળકોની કેટલીક સાઇકલો દટાઈ હતી. અમને ખ્યાલ પણ નહોતો કે આવી ઘટના બનશે. ત્યારે કોઈ નોટિસ આપવામાં આવી નથી અને અમારા ટ્રસ્ટી આવશે ત્યારે અમે નિર્ણય કરીશું.

રિસેસ ટાઈમ હોવાથી જાનહાનિ ટળી
આ સમગ્ર ઘટના રિસેસના ટાઈમમાં બની હોવાથી કેટલાંય બાળકોના જીવ બચ્યાં છે. અચાનક બનેલી આ ઘટનામાં પાંચથી સાત જેટલી સાઇકલો કાટમાળમાં દટાઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!