GUJARAT

રાજ્યમાં વરસાદનો ‘નવો ટ્રેન્ડ’: એકસાથે 4થી 17 ઈંચ વરસાદ;3 સિસ્ટમ સક્રિય હોવાથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી – Bharuch News

છેલ્લા થોડા દિવસોથી વરસાદે વલણ બદલ્યું હોય તેમ આખો દિવસ વરસવાને બદલે અમુક કલાકોમાં વરસે છે. બુધવારે બોરસદમાં 7 કલાકમાં 14 ઈંચ જ્યારે વડોદરામાં 10 કલાકમાં 13 ઈંચ ખાબક્યો હતો.

.

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ

બોરસદમાં 7 કલાકમાં 14 ઈંચ જ્યારે ભરૂચમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નેત્રંગ અને વાલિયામાં ભારે વરસાદથી 13થી વધુ ગામોમાં પાણી ઘૂસી ગયાં પાવાગઢમાં ભારે વરસાદને કારણે ડુંગર પર જવા પ્રતિબંધ મૂકી દેવાયો વડોદરામાં 10 કલાકમાં 13 ઈંચ પડતાં શાળા-કૉલેજમાં રજા આપી દેવાઈ

સૌરાષ્ટ્રને ધોધમાર ભીંજવ્યા પછી વરસાદે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. મંગળવારે મધ્ય રાત્રિથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ આખો દિવસ ધોધમાર વરસ્યો હતો. આ વખતે ચોમાસામાં વરસાદે જાણે ટ્રેન્ડ બદલ્યો હોય તેમ છેલ્લા થોડા દિવસોથી ગણતરીના કલાકોમાં એકસાથે 4થી 10 ઈંચ જેટલો ખાબક્યો છે. બુધવારે પણ વડોદરામાં 10 કલાકમાં 13 ઈંચ, ભરૂચમાં 6 ઈંચ જ્યારે બોરસદમાં તો 7 કલાકમાં 14 ઈંચ વરસ્યો હતો. બંગાળની ખાડીમાં ઉદ્્ભવેલી લો પ્રેશર સિસ્ટમ મધ્ય ગુજરાત પર સ્થિર થતાં વડોદરામાં બુધવારે 10 કલાકમાં સુધી 13 ઈંચ વરસાદ ખાબકતાં શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું. શહેરમાં સૌથી વધુ વરસાદ સવારે 10થી 12માં 62 મિમી વરસ્યો હતો. હવામાન વિભાગે વડોદરામાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. જેની અસર 24મીએ દેખાઈ હતી. ભારે વરસાદને પગલે ઓપી રોડ, મુજમહુડા, કલાલી, અલકાપુરી સહિત વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે અલકાપુરી ગરનાળુ પણ બંધ કરી દેવાયુ હતું. વડોદરામાં ભારે વરસાદને પગલે ગુરુવારે શાળાઓ બંધ રાખવાની સૂચના અપાઈ છે. એમ. એસ. યુનિવર્સિટીએ પણ રજા જાહેર કરવા સાથે આર્ટ્સ ફેકલ્ટીમાં 25મીએ લેવાનારી એટીકેટીની પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે. પાવાગઢમાં વહેલી સવારથી અતિ ભારે વરસાદ વરસતાં પાવાગઢ ડુંગર પરનાં પગથિયાં પરથી પાણી વહી રહ્યું હતું તેમજ ભારે વરસાદને કારણે ભેખડો પડવાની ભીતિ સેવાઈ રહી છે. બપોર બાદ જોખમી વાતાવરણ થતાં યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં લઈને તંત્રે માચીથી ડુંગર જતી રોપવે સેવા બંધ કરી હતી. મોડી સાંજે અતિ ભારે વરસાદ શરૂ થતાં તંત્રે વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં મંગળવારની મધ્ય રાત્રિથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ધોલી અને બલદેવા ડેમ ઓવર ફ્લો થતાં નેત્રંગ અને વાલિયા સહિતનાં 13થી વધુ ગામડાંના નદી વિસ્તારમાં પાણી આવતાં કેટલાંક ગામડાંના 11 જેટલા રસ્તા બંધ કરાયા હતા. નેત્રંગ તાલુકાના બલદેવા ગામ પાસે આવેલો બલદેવા ડેમ 100 ટકા ભરાઈ જતાં બુધવારે સવારથી ઓવરફ્લો થવા લાગ્યો છે. ધોલી ડેમ પણ ઓવરફ્લો થતાં ધોલી, રજલવાડા, મોટાસોરવા, રાજપારડી, ભીલવાડા, કાંટોલ, સારસા, કપાટ અને વણાકપોર ગામના લોકોને સાવધ કરાયાં છે. ભરૂચમાં બુધવારે સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકના સમયગાળામાં ભરૂચમાં 6 ઈંચ વરસ્યો હતો. પૂર્વમાં ઝાડેશ્વર ચોકડીથી પશ્ચિમમાં મનુબર ચોકડી સુધીની 100થી વધારે સોસાયટીમાં પાણી ભરાયાં હતાં. સ્ટેશન રોડ પરની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં પાણી ભરાઈ જતાં 300થી વધુ લોકોને નજીકમાં આવેલી રૂંગટા વિદ્યાલયમાં સ્થળાંતર કરાવાયું હતું. બોરસદ તાલુકામાં બુધવાર સવારે 6 કલાકમાં જ 14 ઈંચથી વધુ વરસાદ વરસતાં એનડીઆરએફની ટીમ ઉતારવી પડી હતી. નીચાણવાવાળ વિસ્તારમાંથી 800થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. સવારે 8થી 10માં 4 ઈંચ અને 10થી 12માં 8 ઈંચ વરસાદ વરસતાં શહેરના વનતળાવ વિસ્તારમાં 7 ફૂટ પાણી ભરાતાં 42 પરિવારને રેસ્ક્યુ કરાયા હતા

રાજ્યમાં આ વખતે આવી રીતે પડી રહ્યો છે વરસાદ

સ્થળ તારીખ કલાક વરસાદ
સુરત 21 જુલાઈ 2 4 ઇંચ
22 જુલાઈ 24 4.5 ઇંચ
23 જુલાઈ 24 4 ઇંચ
24 જુલાઈ 24 4 ઇંચ
માણાવદર 22 જુલાઈ 24 17 ઇંચ
વડોદરા 24 જુલાઈ 10 13 ઇંચ
અંકલેશ્વર 21 જુલાઈ 6 4 ઇંચ
અંકલેશ્વર 24 જુલાઈ 12 5.5 ઇંચ
હાંસોટ 23 જુલાઈ 12 7.5 ઇંચ
ઝઘડિયા 24 જુલાઈ 12 4.5 ઇંચ

અરબી સમુદ્ર પાસે સક્રિય થયેલું અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિર થઈ ગયું હતું. જેના કારણે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, હવે આ સાઇક્લોનિક સર્ક્યુલેશન આગળ વધ્યું છે અને લો પ્રેશરની સાથે સાઇક્લોનિક સિસ્ટમ રાજસ્થાનની આસપાસ પહોંચતા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છે.રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ તથા સૌરાષ્ટ્રના ભાગમાં શિયર ઝોન સક્રિય છે. ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!