GUJARAT

પતિના વિયોગમાં પત્નીનું સતત રુદન: સુરત બિલ્ડિંગ દુર્ઘટનામાં 4 દિવસ પહેલાં ફરવા આવેલો 17 વર્ષીય અનમોલ કાળનો કોળિયો બન્યો, 15મા દિવસે જ પરિવારનો માળો વિખેરાયો – Surat News


સુરત સચિનના પાલી ગામમાં ગઈકાલે (6 જુલાઈને શનિવાર) બપોરે અઢી વાગ્યાની આસપાસ પાંચ માળનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું. આ ઘટનામાં સાત લોકોના મોત નીપજ્યા છે. કલાકોની ડ્યૂટી પતાવીને ભાડાના મકાનમાં આરામ કરી રહેલા લોકો કંઈ સમજે કે વિચારી શકે

.

દુર્ઘટનાના 15 દિવસ પહેલાં જ પત્ની સાથે રહેવા આવેલા હીરામડી કેવટ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. કાટમાળ નીચેથી મૃતદેહ બહાર કાઢ્યાથી લઈને તેઓની પત્ની સતત રડી રહી છે. આ ઉપરાંત ચાર દિવસ પહેલાં જ સુરત ફરવા આવેલો 17 વર્ષીય અનમોલ આ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. બીજી તરફ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલમાં એવા પણ વ્યક્તિઓ જોવા મળ્યા હતા, જેમણે થોડા દિવસ અગાઉ જ આ મકાન ખાલી કર્યું હતું. આજે દિવ્ય ભાસ્કરે પીડિતો સાથે વાતચીત કરી હતી.

5 માળનું બિલ્ડિંગ 5 મિનિટમાં જ જમીનદોસ્ત
આ ઘટનામાં હીરામડી કેવટ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જે મધ્યપ્રદેશથી પરિવાર સાથે પેટિયું રળવા સુરત આવ્યો હતો. 15 દિવસ પહેલાં જ પરિવાર આ બિલ્ડિંગમાં રહેવા આવ્યો હતો. હીરામડી નોકરી પૂર્ણ કરીને ઘરમાં સૂઈ રહ્યો હતો. હીરામડી ગાઢ નિદ્રામાં હતો તે સમયે એકાએક 2017માં બનેલું પાંચ માળનું બિલ્ડિંગ પાંચ મિનિટની અંદર જ તૂટીને જમીનદોસ્ત થયું હતું. બિલ્ડિંગના કાટમાળ નીચે આશરે આઠથી વધુ લોકો દટાયા હતા. જેમાંથી એક મહિલાને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને બહાર કાઢી હતી, પરંતુ સાત લોકોને બચાવવામાં ટીમ નિષ્ફળ રહી હતી. પતિના મોતના આઘાતમાં પત્ની પોસ્ટમોર્ટમ રૂમની બહાર સતત રડી રહી છે.

15 દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતાઃ રાધા
હીરામડી કેવટની પત્ની રાધાએ જણાવ્યું હતું કે, હું ડ્યૂટી પર જતી રહી હતી અને મારા પતિ ડ્યૂટી પૂરી કરીને આવીને સૂઈ ગયા હતા. ત્યારબાદ અંદાજે બે વાગ્યે મકાન તૂટી પડ્યું હતું. મારા પતિ બચી ન શક્યા. રાત્રે તેમની બોડી બહાર કાઢવામાં આવી હતી. અમે 15 દિવસ પહેલાં જ આ મકાનમાં રહેવા માટે આવ્યાં હતાં. મારા પતિ પહેલાં અલગ મકાનમાં રહેતા હતા, પરંતુ ત્યાં પાણીને કારણે થોડા દિવસ અગાઉ જ અહીં આવ્યાં હતાં. જો ખબર હોત કે પડી જશે તો ક્યારે આ મકાનમાં આવત જ નહીં. ભાડા અંગે પણ ચોક્કસ વાત ન હતી. કહ્યું હતું કે, રૂમમાં જે કામ બાકી છે તે બની જશે તો રૂ.3000 ભાડું લાગશે.

પરિવાર એકથી બે વર્ષ પહેલાં ગામ જતો રહ્યો
હીરામડીના પરિજન અજયભાઈએ જણાવ્યું હતું કે, હીરામડી મારો મોટો ભાઈ હતો. તે સંચા મશીન ચલાવતો હતો. અમે 7થી 10 લોકો એક મકાનમાં રહેતા હતા અને તે અલગ રહેતો હતો. દૂર રહીને પણ ચાલતું હતું, પરંતુ આ અચાનક બનેલી ઘટનાથી અમે પડી ભાંગ્યાં છીએ. ખેતીવાડીને લઈને પરિવાર એકથી બે વર્ષ પહેલાં ગામ જતો રહ્યો હતો.

તિરાડને કારણે પાણી અંદર આવતું હતું
ભત્રીજા અને જીજાને ગુમાવનાર યુવકે જણાવ્યું હતું કે, મારા બે ભત્રીજા અને બે જીજાજી રહેતા હતા. શિવપૂજન, પરવેઝ, લાલજી, અભિલાષ અને રાજમણી આ પાંચ લોકો રહેતા હતા. મેં રૂમ માલિકને કહ્યું હતું કે, બીજો રૂમ આપે કારણ કે અહીંયાં પાણી પડે છે. મેં ભાડું આપવાની પણ ના પાડી હતી, પરંતુ તેણે કહ્યું હતું કે, આ જ રૂમ રાખવો હોય તો રાખો નહીં તો ખાલી કરો. જેથી મેં કહ્યું હતું કે, હું ખાલી કરી દઈશ. રૂમ ખાલી કરવા પાછળનું કારણ એ હતું કે, રૂમમાં તિરાડોમાંથી પાણી આવતું હતું. મકાન જર્જરિત હતું. મેં 1 મહિના પહેલાં જ આ રૂમ છોડ્યો હતો. 3 રૂમના રૂ.5000 લેતા હતા. અમને મકાનની નોટિસ અંગે માહિતી ન હતી. મકાનમાં 11 રૂમ બુક થયા હતા, જેમાં નીચે બે રૂમ, હું અગાઉ રહેતો હતો ત્યાં છ લોકો અને તેની ઉપરના રૂમમાં લોકો રહેતા હતા. પાણી અને વીજળીની સુવિધા હતી, પરંતુ તિરાડને કારણે પાણી અંદર આવતું હતું, જેથી હું રૂમથી જતો રહ્યો હતો.

એક દિવસ પહેલાં જ તિરાડો પડવા લાગી હતીઃ શુભમ
બિલ્ડિંગ દુર્ઘટનામાં 17 વર્ષીય અનમોલ ઉર્ફે સાહિલ પણ મોતને ભેટ્યો છે. અનમોલ ચાર દિવસ પહેલાં જ અયોધ્યાથી સુરત ફરવા માટે આવ્યો હતો અને તેના ભાઈ શુભમ સાથે રહેતો હતો. શુભમ શહેરમાં સંચા કારખાનામાં કામ કરે છે અને ઘટના સમયે પણ તે ઘરે હાજર નહોતો. શુભમે ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે, ઈમારત જૂની નહોતી, તેને બંધાયાને માંડ 5-6 વર્ષ જ થયાં હતાં. એક દિવસ પહેલાં જ મેં બિલ્ડિંગમાં તિરાડ જોઈ હતી. બિલ્ડિંગમાં એક દિવસ પહેલાં જ તિરાડો દેખાવા લાગી હતી. અનમોલ ચાર દિવસ પહેલાં જ સુરત ફરવા આવ્યો હતો. તે સૂતો હતો ત્યારે અચાનક મકાન ધરાશાયી થયું હતું. અનમોલની ઉંમર 17 વર્ષની હતી. પરિવારમાં માતા-પિતા અને એક બહેનનો સમાવેશ થાય છે. અનમોલ ગામમાં આઠમાં ધોરણમાં ભણતો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!