GUJARAT

ચાંદીપુરા વાઇરસના કહેર વચ્ચે સિઝનલ બીમારીની ભીતિ: રાજકોટમાં ડેન્ગ્યુ, મેલેરિયા ને વાઇરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા; અમદાવાદમાં ઝાડા-ઊલટીના 300થી વધુ દર્દી સારવાર હેઠળ – Rajkot News


ગુજરાતમાં એક તરફ ચાંદીપુરા વાઈરસના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. તો બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે. વરસાદી પાણી ભરાવવાના કારણે ગંદકી અને માખી-મચ્છરનો ઉપદ્રવથી મચ્છરજન્ય અને

.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો
રાજકોટમાં હાલ ચાંદીપુરા વાઇરસના કહેર વચ્ચે સીઝનલ બીમારીમાં વધારો થયો છે. ચોમાસાની સીઝનના કારણે શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોડ, કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે. અને રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલની કેસબારી તેમજ દવાબારી ખાતે દર્દીઓ તેમજ તેના સગાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હોય કતારો લાગી હતી. જો કે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું તેમજ બધી દવાઓ અને ઇન્જેક્શનના પૂરતા સ્ટોક સાથે પર્યાપ્ત સ્ટાફ હોવાનું હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડિનેટર ડો. હેટલ ક્યાડાએ જણાવ્યું હતું.

છેલ્લા એક મહિનાથી પુરતી દવાઓ મળતી નથી
દિપક ચુડાસમા નામના એક દર્દીએ જણાવ્યું હતું કે, મને ડાયાબિટિસ હોવાને કારણે છેલ્લા ત્રણેક વર્ષથી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર અને દવાઓ લઉં છું. જોકે, છેલ્લા એક મહિનાથી પુરતી દવાઓ મળતી નથી. જ્યારે આવીએ ત્યારે બે-ત્રણ દવા બહારથી લઈ લેવાનું કહેવામાં આવે છે. હું રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવું છું. બહારથી દવાઓ લેવામાં 500થી 1000 રૂપિયાનો ખર્ચ થાય છે. જે પરવડે તેમ ન હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. આજે પણ એક દવા આપી અને બીજી બહારથી લેવા જણાવ્યું છે. ત્યારે આ અંગે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે.

હોસ્પિટલમાં દવા અને ઇન્જેક્શનનો પર્યાપ્ત સ્ટોક
રાજકોટ સિવિલ હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડિનેટર ડો. હેટલ ક્યાડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હાલ છેલ્લા મે અને જૂન મહિનામાં ધારણા મુજબ સીઝનલ રોગચાળો જોવા મળ્યો નથી. મે મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા તેમજ શરદી-ઉધરસ-તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના 316 કેસ નોંધાયા હતા. જ્યારે જૂન મહિનામાં 248 કેસ સામે આવ્યા હતા. જોકે, સિવિલ હોસ્પિટલમાં રોજ 1500 જેટલા દર્દીઓની ઓપીડી ચાલે છે. પરંતુ તેને પહોંચી વળવા માટે પૂરતો સ્ટાફ તેમજ દવાઓ અને ઇન્જેક્શનનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ હોવાથી અત્યારે સુધી ખાસ કોઈ મુશ્કેલી પડી નથી.

સગર્ભા મહિલાઓ અને બાળકો માટે ખાસ જનાના હોસ્પિટલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં બાળકો અને સગર્ભા મહિલાઓ માટે ખાસ જનાના હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેના કારણે દાખલ દર્દીઓ માટે બેડ અને સ્ટાફની સંખ્યામાં પણ વધારો થયો હોવાથી દર્દીઓને પણ લાભ મળી રહ્યો છે. સાથે PMJAY કાર્ડના કારણે ગંભીર રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેતા થયા હોવાથી ભારણ ઘટ્યું છે. જોકે, ચાંદીપુરા વાઇરસના હાલ 5 શંકાસ્પદ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક બાળકી વેન્ટિલેટર પર અને બીજી બાળકી રૂમ એર ઉપર એકદમ નોર્મલ છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટિસની દવાઓની અછતના દર્દીના આરોપને તેમણે ફગાવ્યો હતો અને પૂરતો સ્ટોક હોવાનો દાવો કર્યો હતો.

જુલાઈના 23 દિવસમાં મેડિસિનની 11,200 ઓપીડી
સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણી અને મચ્છરજન્ય રોગમાં વધારો થવા પામ્યો છે. જૂન મહિનામાં સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિસિનની ઓપીડી 15,000 હતી. ત્યારે પીડિયાટ્રિકની 3,700 જેટલી ઓપીડી હતી. આ સાથે જ ડેન્ગ્યુના 8, ઝાડા ઉલટીના 127 અને તાવના 193 કેસ હતા. તે પૈકી 87 મેલેરિયા તાવના કેસ હતા. હાલ જુલાઈ મહિનામાં સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 23 દિવસમાં મેડિસિનની ઓપીડી 11,200, પીડિયાટ્રિક 2,500 જેટલી ઓપીડી થઈ ગઈ છે. ત્યારે હજૂ આ મહિનાનું એક અઠવાડિયું બાકી છે જેથી જૂન મહિના જેટલી ઓપીડી થઈ જશે. આ સાથે જ આ મહિનામાં ડેન્ગ્યુના 14 ઝાડા ઉલટીના 119 અને તાવના 175 કેસ સામે આવ્યા છે. જે પૈકી 74 મેલેરિયાના કેસ છે.

વરસાદી પાણી ઓસરતા પાણીજન્ય રોગ વધવાની ભીતિ
જૂન મહિના અને જુલાઈ મહિનાની સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડી અને નોંધાયેલા કેસની સરખામણી કરવામાં આવે તો ગત મહિને અને આ મહિનામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જોકે, છેલ્લા ચાર દિવસથી પડેલા વરસાદના કારણે સુરતમાં ખાડીપુર આવ્યા હતા. હવે પાણી ઓસરીયા બાદ અહીં પાણીજન્ય રોગમાં વધારો થવાની શક્યતા છે. અને તેને પહોંચી વળવા માટે સુરતનું તંત્ર સજ્જ છે.

ર્દીઓના ધસારાને પહોંચી સિવિલ હોસ્પિટલ સજ્જ
સુરત સિવિલના તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે, ચોમાચામાં રોગચાળો વધી જતો હોય છે. ત્યારે જૂન અને જુલાઈ મહિનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના ધસારાને પહોંચી વળવા માટે પૂરતી ડોક્ટરોની ટીમ અત્યાઆધુનિક સાધનો સહિતની તમામ ચીજવસ્તુઓ સુરત સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

સુરતમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોગચાળામાં અત્યાર સુધીમાં પાંચ જેટલા લોકોના મોત નિપજ્યાં છે. 25 જુલાઈના રોજ એક 14 દિવસની બાળકીનું ઝાડા-ઉલટી અને તાવ બાદ મોત નીપજ્યું હતું.

જુલાઈમાં કોલેરાના 11 દર્દીઓ નોંધાયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 25 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 17 કેસ અને ઝેરી મેલેરિયાના બે દર્દીઓ સારવાર અર્થે પહોંચ્યા હતા. જ્યારે ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કોલેરાના દર્દીઓનો ધસારો રહેતો હોય છે. તેવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જુલાઈ મહિનામાં કોલેરાના 11 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 2 અને ન્યુમોનિયાના 8 દર્દી નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે તેવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ સારવાર અર્થે આવી રહ્યા છે, પરંતુ તબીબોના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાઇરસ અને એન્કેફેલાઇટીસના લક્ષણો એક સમાન હોય છે જેમાં ખૂબ જ તીવ્ર તાવ આવે છે અને ઝાડા-ઉલટી માથાનો દુખાવો જેવા લક્ષણો દર્દીમાં જોવા મળતા હોય છે. જુલાઈ મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એન્કેફેલાઇટીસના 13 કેસ નોંધાયા હતા.

ઝાડા-ઉલટીના 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
ચોમાસાની ઋતુ શરૂ થતા એક જ વરસાદ બાદ એકાએક રોગચાળો વક્રી ઉઠે છે તેવામાં અમદાવાદ શહેરમાં જુલાઈ મહિનામાં અત્યાર સુધી ત્રણથી ચાર વખત વરસાદ વરસ્યો છે. પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે નદી-નાળામાં પણ નવા નીર આવ્યા છે. કહેવાય છે કે, ચોમાસાની ઋતુમાં નવું પાણી આવતા ઝાડા-ઉલટીના કેસ વધી જતા હોય છે. આ ઉપરાંત વાતાવરણની અસર પણ પાચન શક્તિ પર થાય છે જેને કારણે ઝાડા-ઉલટીના દર્દીઓની સંખ્યા વધી જતી હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જુલાઈ મહિનામાં ઝાડા-ઉલટીના 300થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જ્યારે વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા પણ 200થી વધુ નોંધાઈ હતી.

ચાંદીપુરા વાઇરસથી 40થી વધુ બાળ દર્દીઓના મોત
ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાઇરસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ 40થી વધુ બાળ દર્દીઓના મોત થયા છે. તથા ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા અને દવાઓ સજ્જ રાખવામાં આવી છે, જેથી હજુ સુધી સ્થિતિ સામાન્ય રહેતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની સંખ્યામાં વધારો કરવાની કે તેમના કાર્ય સમયમાં વધારો કરવાની ફરજ પડી નથી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!