GUJARAT

રાત્રે 3 વાગ્યે ભાસ્કરનું રિયાલિટી ચેક: વરસાદ બાદ રખડતાં ઢોરોના ત્રાસથી જનતા ત્રાહિ મામ્, રસ્તા બ્લોક થતાં લોકો ઉગ્ર આંદોલનના મૂડમાં, તંત્ર કહે છે- ‘કામગીરી ચાલુ જ છે’ – Junagadh News


નવાબીકાળના જાણીતા શહેર જૂનાગઢને રોડ પર અડિંગો જમાવી બેઠેલા રખડતાં ઢોર કાળી ટીલી લગાડી રહ્યાં છે. આ વાતની સમગ્ર વાસ્તવિકતા જાણવા ડિજિટલ દિવ્ય ભાસ્કરની ટીમ રાત્રે 3 વાગે પહોંચી ત્યારે જૂનાગઢના રસ્તાઓ પરની વાસ્તવિકતા જોઈ સૌકોઈ કહી રહ્યા છે કે શું આ જ છે

.

જૂનાગઢ એ ઐતિહાસિક નગર છે, ત્યારે દેશ-વિદેશથી અહીં લોકો ફરવા માટે આવે છે, પરંતુ જૂનાગઢ આવ્યા બાદ રસ્તા વચ્ચે બેઠેલાં ઢોરને જોઈ લોકો કહે છે, શું આ જ છે ઐતિહાસિક નગરી? કારણ કે જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ શેરી-ગલી અને સોસાયટીઓમાં રખડતાં ઢોર અડિંગો જમાવી બેઠેલાં હોય છે. એના કારણે લોકો માટે રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. તો બીજી તરફ અડધી રાતે રોડ વચ્ચે રખડતાં ઢોરના કારણે રસ્તા પર છાણ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રોડની આસપાસ રહેતા લોકોને ગંદકી ફેલાતાં રોગ થવાનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ બાઈકચાલકોને પણ પોતાની ગાડી સ્લિપ થશે એવા ભય સાથે રોડ પરથી પસાર થવું પડે છે.

રોડ પર અડિંગો જમાવી બેઠેલાં રખડતાં ઢોર.

અડધી રાત્રે ભાસ્કરનું રિયાલિટી ચેક
એટલું જ નહીં, પરંતુ જ્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલ ટીમ જૂનાગઢ મહાનગરપાલિકાના ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યું ત્યારે અહીં પૂરેલાં ઢોરની હાલત પણ દયનીય જોવા મળી હતી. વરસાદને કારણે ઢોરવાડામાં કીચડમાં પડેલું ઘાસ ઢોર ખાઈ રહ્યાં હતાં. બીજી તરફ, બે વાછરડાં જાણે કે મૃત હાલતમાં હોય એવી દશા સાથે કીચડમાં જોવા મળ્યાં હતાં. એક તરફ, ગૌવંશ બચાવવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ, તંત્ર દ્વારા ગૌવંશને પૂરતો ચારો પણ ન નખાતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટ દ્વારા પણ કડક સૂચના છે
થોડો સમય પહેલાં જ હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોર મુદ્દે તમામ મહાનગરપાલિકાઓને કડક સૂચના આપવામાં આવી હતી અને સરકાર પાસેથી પણ આ બાબતે જવાબ માગવામાં આવ્યો હતો, પરંતુ હાલની જૂનાગઢ શહેરની પરિસ્થિતિ જોતાં લોકો જૂનાગઢ મહાનગરપાલિકા પાસે આ રખડતાં ઢોર મામલે જવાબ માગી રહ્યા છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા કહી રહ્યું છે કે ‘કામગીરી ચાલુ જ છે.’

મહાનગરપાલિકા બન્યા બાદ સમસ્યા વધી
રાહુલ ગોહેલે જણાવ્યું હતું કે અમે રોજ રાત્રે ભવનાથ અવરજવર કરીએ છીએ ત્યારે આવતા જતા રોડ પર ઢોરનો ખૂબ જ ત્રાસ જોવા મળે છે. આ ઢોર રોડ પર અડિંગો જમાવીને બેસે છે, જેના કારણે અહીંથી અવરજવર કરતા રાહદારીઓ અને બહારથી આવતા પ્રવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. જૂનાગઢ પર્યટન સ્થળ છે. દેશ અને દુનિયામાંથી પર્યટકો અહીં ફરવા આવે છે ત્યારે રોડ પર અડિંગો જમાવી બેઠેલાં ઢોરને હટાવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે, પરંતુ જે-તે સમયે નગરપાલિકા હતી ત્યારે ઢોરની સમસ્યા ન હતી અને બધાં કામ થતાં હતાં. જ્યારથી મહાનગરપાલિકા અહીં બની છે ત્યારથી કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. હાલમાં જૂનાગઢ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટ ફક્ત કાગળ પર જ હોય છે. મહાનગરપાલિકા દ્વારા લોકોનાં કોઈ કામ કરવામાં આવતાં નથી. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાન-તંત્ર રોડ, રસ્તા અને ઢોરને લઈ વહેલી તકે કામગીરી કરે એ જ માગ છે.

યોગ્ય કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે
જૂનાગઢ શહેરના બજરંગ દળના પ્રમુખ વિપુલ આહીરે જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ગૌવંશ મામલે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોરને પકડી બે જગ્યાએ બનાવેલા ઢોરવાડામાં મૂકવામાં આવે છે. જૂનાગઢથી ઝાંઝરડા રોડ આવેલા ટોરેન્ટ ગેસ નજીકના ઢોરવાડામાં એને રાખવામાં આવ્યા છે અને જેલ રોડ પર જતા સાવજના ડેલામાં ગાયોને રાખવામાં આવી છે. પૂરેલા ગૌવંશને પૂરતો ચારો આપવામાં આવતો નથી અને પૂરતું ધ્યાન પણ રાખવામાં આવતું નથી. જૂનાગઢ મહાનગરપાલિકાને ગૌવંશની જાળવણી માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ગૌવંશની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. તો બીજી તરફ રોડ પર પણ રખડતાં ઢોર અને ગૌવંશ જ જોવા મળે છે. જો આ મામલે મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો સાથે સાધુ-સંતો ઉગ્ર આંદોલન કરશે.

રખડતાં ઢોરથી અક્સ્માતનો ભય
મધુરમ વિસ્તારમાં રહેતા ચિરાગ મકવાણાએ જણાવ્યું હતું કે મધુરમ ગેટ દેવાયત બોદરના પૂતળાથી લઇ વાદલા ફાટક સુધી રોડ પર રખડતાં ઢોરો અડિંગો જમાવી બેસે છે. એના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. તો બીજી તરફ, અહીં રોડ પર બેસતાં આ ઢોરને પણ કોઈ વાહન અડફેટે લે એવો ભય દેખાય છે. રોડ પર રખડતાં ઢોર બેસવાને કારણે ચારેબાજુ છાણની ખૂબ જ ગંદકી થાય છે. એના કારણે લોકોમાં રોગ થવાનો ભય અને બાઇકચાલકોને પણ પોતાની બાઈક સ્લિપ થવાનો ભય રહે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બજરંગ દળના પ્રમુખ.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બજરંગ દળના પ્રમુખ.

રોડ પર ગંદકી અને છાણનું સામ્રાજ્ય
જૂનાગઢના રહીશ પ્રફુલ સોલંકીએ જણાવ્યું હતું કે હું અત્યારે રાત્રે ખડિયાથી મોતી પેલેસ મારા ઘરે જઈ રહ્યો હતો. ત્યારે દેવાયત બોદરના પૂતળાથી લઇ વાદલા ફાટક સુધી રખડતાં ઢોરોએ રોડ પર અડિંગો જમાવ્યો છે. આ ઢોર રોડ પર એવી રીતે બેઠાં છે કે કોઈ વાહન પણ નીકળી ન શકે. ઢોર રોડ પર બેસવાના કારણે રોડ પર ગંદકી અને છાણનું સામ્રાજ્ય જોવા મળે છે. એના કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને બાઈકચાલકોને બાઈક સ્લિપ થવાનો ડર રહે છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર કહી રહ્યું છે કે અમે ગાયો અને રખડતાં ઢોર પાછળ ખર્ચ કરી રહ્યા છીએ છતાં પણ જૂનાગઢની હાલત ખૂબ જ ખરાબ છે. ત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ તમામ ગ્રાન્ટ માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે.

‘ઢોર અને ગૌવંશ પકડવાની કામગીરી થઈ રહી છે’
આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ ફરસાણાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઢોર અને ગૌવંશ પકડવાની કામગીરી થઈ રહી છે, પરંતુ વરસાદી સિઝનમાં ઢોર રોડ પર આવી બેસી જાય છે તેમજ એક ગૌશાળા સાથે પણ રખડતાં ઢોરને રાખવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં જે ગૌવંશ અને જે રખડતાં ઢોર રોડ પર આવશે એને આ ગૌશાળામાં રાખવામાં આવશે. એને લઇ આવનારા દિવસોમાં લોકોને આ સમસ્યા નહીં રહે.

‘ઢોરની દેખરેખ માટે ડોક્ટર પણ કામગીરી કરી રહ્યા છે’
હાલ જૂનાગઢ શહેરમાંથી રખડતાં ઢોરને પકડી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બે ઢોરવાડામાં રાખવામાં આવે છે. ઢોરવાડામાં મહાનગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ રાખવામાં આવે છે, ઘાસચારો નિયમિત આપવામાં આવે છે. રખડતાં ઢોરની દેખરેખ માટે ડોક્ટર પણ કામગીરી કરી રહ્યા છે છતાં પણ જ્યારે જ્યારે કોઈ રજૂઆત આવે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!