GUJARAT

લોહાનગરને કલેક્ટરે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો: કોલેરાના 2 કેસ આવતા 2 કિમીના વિસ્તારમાં 2 મહિના સુધી બરફમાંથી બનતી ખાદ્યચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો – Rajkot News

રાજકોટનાં ગોંડલ રોડ ઉપર લોહાનગરમાં કોલેરાના 2 કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પહેલાં પોણા 2 વર્ષ અને બાદમાં 6 વર્ષનાં બાળકને કોલેરા પોઝિટિવ આવ્યો હતો. અહીં 1500 લોકોનુ સઘન ચેકિંગ

.

બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
​​​​​​​
રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ બહાર પાડેલા જાહેરનામામાં લખ્યું છે કે, રાજકોટ શહેરના લોહાનગર, રેલવે ક્રોસિંગ પાસે, ગોંડલ રોડ વિસ્તારમાં સંભવિત કોલેરાના કેસો સામે આવ્યાના અહેવાલ આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા તરફથી પત્ર તા.4 જુલાઈના મળેલ છે. જે ધ્યાને લેતા રાજકોટ શહેરના લોહાનગર, રેલવે ક્રોસિંગ પાસે, ગોંડલ રોડ વિસ્તાર અને તેની આજુબાજુના 2 કિમીના વિસ્તારમાં નીચે મુજબના પ્રતિબંધો મૂકવા જરૂરી જણાય છે. આ રોગચાળો દુષિત પાણી પીવાથી તેમજ આ પાણીના વપરાશથી બનતા અને ખુલ્લામાં બજારમાં વેંચાતા ખાદ્ય પદાર્થ જેવા કે શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, લોકલ ઠંડાપીણા, છાશ, દૂધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતો હોય રોગચાળો ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક અસરથી નીચે દર્શાવ્યા મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવું જરૂરી જણાય છે. લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકાવવાના હેતુથી રાજકોટ શહેરના લોહાનગર, રેલવે ક્રોસિંગ પાસે, ગોંડલ રોડ વિસ્તાર તથા આજુબાજુના 2 કિમી વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વેંચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધ મૂકવો આવશ્યક જણાય છે.

2 કિમીના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો
​​​​​​​
જેથી હું, પ્રભવ જોષી (આઈ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ સને 1951ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33(1 (ઢ) અને એપીડેમિક ડીસીઝ એક્ટ-1897ની કલમ-2થી મળેલ સત્તાની રુએ આ નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારમાં તા.5 જુલાઈથી થી તા.4 સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે નીચે દર્શાવ્યા મુજબની સુચનાઓનો ચૂસ્તપણે અમલ કરવા ફરમાવું છું. રાજકોટ શહેરના લોહાનગર, રેલવે ક્રોસિંગ પાસે, ગોંડલ રોડ, વિસ્તાર અને આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરું છું અને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની નિમણૂક કરું છું.

જ્યા બરફ, પાણી અને ખાદ્ય પદાર્થો અંગે અલગ અલગ પ્રકારની તકેદારી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.

બરફ અંગે
1. બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે.

2. ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં.

પાણી અંગે
1. પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં પાણી દુષિત થવાની શક્યતા રહેલ હોય ખાડા ખોદી પાણી ન મેળવવું.

2. શહેરના તમામ મકાનોમાં આવેલ ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવી અને પીવાનું પાણી ક્લોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું.

ખાદ્યપદાર્થો અંગે

1. ખાદ્ય પદાર્થના ધંધાર્થી તેમજ વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લામાં ન રાખવા.

2. શાકભાજી/ફળફળાદિના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લામાં ન રાખવા કે તેવી વસ્તુઓનું ટુકડા કરી વેચાણ ન કરવું

3. શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ/ફરસાણની દુકાન, ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા.

4. ખાણીપીણીની વસ્તુઓ વેચતા, હરતા-ફરતા કે સ્થાયી લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ખાદ્ય પદાર્થ ફરજિયાત ઢાંકી રાખવા, તેમજ તમામ ખાદ્યપદાર્થ પેપર ડીશમાં જ પીરસવા.

5. બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે છે.

6. શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ કરવાનું રહેશે.

7. વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો.

8. જમતા પહેલા સાબુથી હાથ ધોવા.

9. કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતિ દરરોજ આરોગ્ય અધિકારી, રાજકોટ મહાગરપાલિકાને આપવાની રહેશે

આ જાહેરનામાનો કોઈ પણ ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને 1951ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-135 તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમની બજવણી વ્યક્તિગત રીતે શક્ય ન હોય એકતરફી હુકમ કરૂં છું. આ હુકમની જાહેરાત ઉપર નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં લાઉડ સ્પીકર વાહનો દ્વારા પ્રસારીત કરીને તથા જાહેરમાં દેખાય તેવી જગ્યાએ તેની નકલો ચોટાડીને તથા સ્થાનિક વર્તમાનપત્રો અને ગુજરાત રાજ્યના અસાધારણ રાજ્યપત્રમાં જાહેર કરીને પ્રસિદ્ધ કરવાનું ફરમાવું છું.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!