GUJARAT

રાજકોટ અગ્નિકાંડની 1 લાખ પેજની ચાર્જશીટમાં શું શું છે?: પ્રકાશ જૈનના મોતમાં આરોપીઓએ આ જબરદસ્ત છટકબારી શોધી, કોઈ સાક્ષી કોર્ટમાં ફરી પણ નહીં શકે – Rajkot News


રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ગત 25.05.2024ના રોજ થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ અગ્નિકાંડને 24 જુલાઈ, 2024ના રોજ બે મહિના પૂર્ણ થયા છે અને એ જ દિવસે શહેર પોલીસે કોર્ટમાં 1 લાખ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. આ ચાર્જશીટ મા

.

અગ્નિકાંડ બાદ રાજકોટ તાલુકા પોલીસે ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હિરણ, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સહિત 6 લોકો સામે નામજોગ અને તપાસમાં ખૂલે તે અન્ય સામે IPC કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સંચાલકો, મેનેજર, તેમજ મનપાના જવાબદાર અધિકારીઓ સહીત 15 આરોપીની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 365 જેટલા લોકોના નિવેદન નોંધી 59 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી છે.

આ તપાસ દરમિયાન મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું મૃત્યુ થવાથી અને તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાએ પુરાવાનો નાશ કર્યો હોવાથી તપાસમાં અનેક જગ્યાએ પડકારોનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારે દિવ્ય ભાસ્કરે અગ્નિકાંડમાં શહેર પોલીસે ચાર્જશીટ તૈયાર કરવા માટે શું શું કર્યું તેના પર એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અંગે જાણવા માટે દિવ્ય ભાસ્કરે રાજકોટ સીટ ટીમના અધ્યક્ષ અને અગ્નિકાંડના તપાસ અધિકારી એસીપી ક્રાઇમ ભરત બસિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

શહેર પોલીસમાંથી તપાસ ટીમમાં ક્યા ક્યા પોલીસ અધિકારી હતા?
સૌ પ્રથમ આપને એ જણાવી દઈએ કે રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડની તપાસ રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાની દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ તપાસના આઇઓ (ઇન્વેસ્ટિગેશન ઓફિસર) એસીપી ક્રાઇમ ભરત બસિયા હતા. તેમની સાથે બે પોલીસ ઇન્સ્પેકટર મયૂરધ્વજસિંહ સરવૈયા અને સંજયસિંહ એમ જાડેજા તેમજ 3 પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ત્રાજીયા, ધવલ સાકરીયા અને આર.એચ.ઝાલા પણ આ તપાસમાં જોડાયેલા હતા. આ ઉપરાંત એસીપી રાઇટર દિગુભા જાડેજા અને પ્રવીણભાઈ વાસાણી, રાજુભાઈ મિયાત્રા, ગિરિરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ, સુધીરસિંહ જાડેજા, અરુણભાઈ બાંભણીયા, ભરતભાઈ વનાણી અને જેન્તીભાઇ ગોહેલ સહીત કુલ 9 પોલીસ કર્મચારીઓ પણ જોડાયેલ હતા.

કોર્ટમાં રજૂ કરવા ચાર્જશીટ લઈ જઈ રહેલા પોલીસ અધિકારીઓ.

સૌથી પહેલા સંચાલકો અને મેનેજરને દબોચ્યા
રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, TRP ગેમ ઝોનમાં ગત 25.05.2024ના રોજ થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા બાદ રાજકોટ તાલુકા પોલીસે ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હિરણ, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સહિત 6 લોકો સામે નામજોગ અને તપાસમાં ખૂલે તે અન્ય સામે IPC કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ફરિયાદ નોંધી એક બાદ એક આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવ હતી. જેમાં સૌ પ્રથમ ગેમ ઝોનના સંચાલકો અને મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મનપાના જવાબદારી અધિકારીઓએ પોતાની ફરજમાં દાખવેલી નિષ્કાળજી અને પુરાવાઓ સાથે ચેડાં કરવા બદલ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક બાદ એક મળી કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કરી સાક્ષીના નિવેદનો મેળવી એક લાખ પાનાની ચાર્જશીટ 24.07.2024ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.

મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું આગમાં જ મોત થઈ ગયું છે.

મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું આગમાં જ મોત થઈ ગયું છે.

આરોપીઓએ પ્રકાશ જૈનના મોતમાં આ છટકબારી શોધી
રાજકોટ એસીપી ક્રાઇમે વધુમાં જણાવ્યું હતું કે મેં અને મારી ટીમ દ્વારા સતત બે મહિના દરમિયાન માત્ર TRP ગેમ ઝોન અગ્નિકાંડને જ પ્રાયોરિટી આપી તપાસ કરવામાં આવી છે. આગ લાગી ત્યારથી લઇ આરોપીઓ પકડવાની શરૂઆતથી લઈ કોર્ટમાં રજૂ કરવા તેમજ નિવેદનો નોંધવા સહીતની કામગીરી સતત 15 દિવસ સુધી કરી હતી. આ દરમિયાન રાત દિવસ ઓફિસમાં બેસી સમય જોયા વગર આખી ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન કુલ 500થી વધુ લોકોનું ઇન્ટ્રોગેશન અને પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો પડકાર એ હતો કે કોઈ પણ આરોપીઓની પુછપરછ કરીએ તો પ્રથમ તેઓ સીધો જવાબ આપવાના બદલે કોઈ પણ માહિતી અંગે તેઓ કશું જાણતા નથી પ્રકાશને ખબર છે તેવું કહેતા હતા કારણ કે બધા આરોપીઓ જાણતા હતા કે આરોપી પ્રકાશ જૈનનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે કોઈ આધાર પુરાવા માંગવામાં આવે તો બધું બળીને ખાખ થઇ ગયું છે તેવો જવાબ આપતા હતા. પરંતુ આ બધા વચ્ચે સત્ય સુધી પહોંચવા પોલીસને ખૂબ મહેનત કરવી પડી છે.

ઇન્વેસ્ટિગેશન ઓફિસર એવા એસીપી ક્રાઇમ ભરત બસિયા.

ઇન્વેસ્ટિગેશન ઓફિસર એવા એસીપી ક્રાઇમ ભરત બસિયા.

સસ્પેન્ડેડ ચાર PIના પણ નિવેદન નોંધ્યા
‘આ કેસમાં ગેમ ઝોનના સંચાલકો જવાબદાર હોવાથી પ્રથમ એમની ધરપકડ થયા બાદ જવાબદાર અધિકારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક બાદ એક અધિકારીની બેદરકારી સામે આવતા કુલ 8 અધિકરીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સરકારી અધિકારીઓ હોવાથી તેમની ધરપકડ કર્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આ અંગે લેખિત જાણ કરવામાં આવતી હતી. જો કે આ તપાસમાં કોઈ IAS કે IPSની પૂછપરછ કે નિવેદન રાજકોટ સીટ દ્વારા લેવામાં આવ્યું નથી. જ્યારે પોલીસ વિભાગના પણ સસ્પેન્ડ થયેલા ચાર પોલીસ ઇન્સ્પેકટરના પણ નિવેદન નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.’

ભવિષ્યમાં કોઈ સાક્ષી કોર્ટમાં ફરી નહીં શકે
એસીપી ક્રાઇમ ભરત બસિયાએ વધુમાં જણાવ્યું કે,આ કેસમાં કોઈ પણ આરોપી બચી ન શકે અને નિર્દોષ ખોટી રીતે ફસાઈ ન જાય તેની કાળજી રાખી તપાસ કરવામાં આવી છે. એક લાખ પાનાની ચાર્જશીટ એટલા માટે બની છે કારણ કે આ કેસમાં નાનામાં નાની વિગત આવરી લઇ સજ્જડ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. જે નિવેદનો લેવામાં આવ્યા છે તેમાં પણ તાલુકા પોલીસ સ્ટેશનની ફરિયાદ અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં કલમ 164 મુજબ 59 લોકોના જ્યુડિશિયલ કન્ફેશન્સ મેળવવામાં આવ્યા છે, એટલે કે ભવિષ્યમાં કોઈ ફરિયાદી કે સાક્ષી હોસ્ટાઇલ થઇ શકશે નહીં. જ્યારે મુખ્ય તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાના અલગ અલગ સમયે લેવાયેલા નિવેદન તેમજ ધરપકડ બાદ લેવાયેલા નિવેદન મળી અંદાજે 50 પેજનો ડ્રાફ્ટ ચાર્જશીટમાં મુકવામાં આવ્યો છે. જેમાંથી 10 પેજનું માસ્ટર નિવેદન નોંધવામાં આવ્યું છે.

નાનુ એવું ગેમ ઝોન હતું અને ચોપડે નોંધ પણ નહોતી
‘માર્ચ 2021થી TRP ગેમ ઝોનની શરૂઆત મુખ્ય બે આરોપીઓએ કરી હતી. જેમાં પ્રકાશ જૈન અને ધવલ ઠક્કરનો સમાવેશ થાય છે. આ સમયે ધવલ ઠક્કર દ્વારા પોલીસ પાસે લાયસન્સ મેળવવા પ્રોસેસ કરવામાં આવી હતી. એ સમયે એટલું વિશાળ નહીં પણ નાનું ગેમ ઝોન હતું. આ પછી ધીમે ધીમે બોલિંગ અને ગો કાર્ટનો ક્રેઝ જોવા મળતા પ્રકાશ અને ધવલે બિઝનેસ એક્સપાન્ડ કરવા વિચાર્યું અને આરોપી રાહુલ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો. રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી બન્ને મિત્રો હતા. તેઓ ટર્બો કાર્ટિંગ નામથી કાર્ટિંગનું કામ કરતા હતા જો કે આ પેઢીની સરકારી ચોપડે કોઈ નોંધ ન હતી. રાહુલ રાઠોડે IC(ઇન્સ્ટ્રુમેન્ટ )એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ હોવાથી તે પોતે આ મુજબ ગો કાર્ટિંગની કાર બનાવતો પણ હતો જેથી પ્રકાશ અને ધવલ દ્વારા રાહુલનો સંપર્ક કરી તેની સાથે બિઝનેસને એક્સપાન્ડ કરવા નક્કી કર્યું હતું.’

ક્યાંય ફાયર સિસ્ટમ નહોતી કે નહોતો એક્ઝિટ ગેટ
‘રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે. પ્રકાશ અને ધવલે બિઝનેસ એક્સપાન્ડ કરવાનો નિર્ણય લીધા બાદ વર્ષ 2023માં રેસવે એન્ટરપ્રાઇઝ નામની પેઢી રજીસ્ટર્ડ કરાવી હતી. જેમાં ગો-કાર્ટિંગની પરવાનગી મેળવવામાં આવી હતી. આ રેસવે એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં પ્રકાશ જૈન 60%, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15% જયારે જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા 5-5 ટકાના ભાગીદાર હતા. TRP ગેમ ઝોનના સંચાલકોએ કરેલી ભૂલ જોઈએ તો સામાન્ય રીતે કોઈ પણ બાંધકામ કે સ્ટ્રક્ચર ઉભું કરતા સમયે એન્જિનિયર કે આર્કીટેક્ટની મદદ લઇ નિયમ મુજબ બાંધકામ કરવામાં આવતું હોય છે. પરંતુ અહીં ન તો એન્જિનિયરની કે ન તો આર્કીટેક્ટની મદદ લેવામાં આવી. કારણ કે રાહુલ રાઠોડ પોતે જ્ઞાતિએ લુહાર હોવાથી તેમના કાકાને કોન્ટ્રાકટ આપી પોતાની જાતે જ નિર્ણય કરી સ્ટ્રક્ચર તૈયાર કરી દેતા હતા. તેના જ કારણે તેમના બાંધકામમાં ખુબ મોટી ક્ષતિ રહી ગઈ હતી એક પણ જગ્યાએ એક્ઝિટ ગેટ અલગ મુકવામાં આવ્યો ન હતો કે ન તો ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી હતી.’

અગ્નિકાંડ પહેલા બેવાર આગ લાગી પણ ત્રીજીવારમાં 27ને ભરખી ગઈ
‘એટલું જ નહીં પણ પોલીસ તપાસ દરમિયાન અગ્નિકાંડ થતા પૂર્વે આ જ જગ્યા ઉપર અગાઉ બે વખત આગ લાગી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. જેમાં પ્રથમ વખત 4.9.2023ના રોજ અને આ પછી ત્રણ-ચાર મહિનામાં બીજી વખત સામાન્ય આગ લાગી હતી અને ત્રીજી વખત 25.5.2024ના રોજ આગ લાગતા નીચે પડેલી ફોર્મ સીટ અને વુડન સીટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ત્રણેય વખત વેલ્ડિંગના કારણે જ આગ લાગી હોવાનું સામે આવ્યું છે એટલે આગલી બે વખતની ભૂલમાંથી શીખ ન મેળવી બેદરકારી દાખવી વેલ્ડિંગ કામ કરતા આગ લાગી હોવાથી વેલ્ડિંગનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ કોઈ પણ સમાર કામ કે રિપેરિંગ કામ ગેમ ઝોનના ચાલુ હોય ત્યારે ન કરવું જોઈએ. પરંતુ અહીં દરેક વખતે એક તરફ લોકો અલગ અલગ ગેમની મજા માણતા હોય બીજી તરફ વેલ્ડિંગ કામગીરી ચાલતી રહેતી હતી. તેમની આ જ ભૂલના કારણે 27 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.’

ગેરકાયદે બાંધકામની નોટિસ ફટકારી હતી પણ બધાએ આંખ આડા કાન કર્યા
‘આ તરફ સંચાલકોની તપાસ પૂર્ણ કરી પોલીસ દ્વારા બાંધકામ અંગે જવાબદાર અધિકારીઓએ પોતાની ફરજ નિભાવી ન હોવાથી દુર્ઘટના થઈ હોવાનું સામે આવતા મનપાના અલગ અલગ વિભાગના અધિકારીઓની પુછપરછ તપાસ કરતા સૌથી મોટી ભૂલ ટીપી અને ફાયર શાખાની સામે આવી હતી. તેમના અધિકારીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે 2023માં મનપા દ્વારા TRP ગેમ ઝોન સંચાલકોને બીપીએમસી એક્ટ મુજબ 260(1) અને 267ની નોટિસ આપવામાં આવી હતી. જેમાં 260(1)નો અર્થ એ થાય છે કે જે તે બાંધકામ ગેરકાયદેસર છે અને 267 એટલે કે ગેરકાયદે બાંધકામને આપેલી નોટિસ મુજબ જે તે બાંધકામનું કામ આગળ ન વધારવું અને જેટલું થયું હોય ત્યાંને ત્યાં અટકાવી દેવું. આ સમયે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી મુકેશ મકવાણા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ મનસુખ સાગઠીયા દ્વારા 260(2) એટલે કે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે કોઈને કોઈ કારણોસર આ બાંધકામ તોડવામાં આવ્યું ન હતું અને બધા લોકોએ આંખ આડા કાન કરી આ ગેમ ઝોન ચાલવા દીધું હતું.’

રજીસ્ટર સળગાવી દીધું હતું અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક તૈયાર કરી દીધી
‘ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપ્યા બાદ જે તે ફાઈલ જે તે વોર્ડના આસિસ્ટન્ટ એન્જિનિયરને મોકલવી ફરજિયાત હોય છે. પરંતુ મુકેશ મકવાણાએ આ ફાઈલ પોતાના આસિસ્ટન્ટ એન્જિનિયરને મોકલી ન હતી. આગ લાગ્યાના એક મહિના પૂર્વે એટલે કે 22.4.2024ના રોજ TRP ગેમ ઝોનના સંચાલકો દ્વારા ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કાયદેસર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ખરા અર્થમાં આ ગેમ ઝોન બાંધકામ ઇમ્પેકટ ફી કાયદા હેઠળ આવતું જ ન હતું. તેમ છતાં સંચાલકોની અરજી ઇન્વર્ટ કર્યા વગર ઇમ્પેકટ ફી મેળવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યરબાદ અગ્નિકાંડ થતા ટીપી શાખાના અધિકારીઓને કૌભાંડમાં પોતે ફિટ થવાની ગંધ આવતા તેઓએ સરકારી પુરાવામાં ચેડાં કરી પુરાવાઓનો નાશ કરવા પ્રયત્ન કરી જાવક રજીસ્ટર સળગાવી દીધું હતું અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક તૈયાર કરી દીધી હતી. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીપી શાખાના અધિકારી વિરુધ્ધ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.’

નીતિન જૈન કાફે પણ ચલાવતો હતો
‘આ ઉપરાંત ફાયર વિભાગની બેદરકારી પણ સામે આવી હતી. જેમાં પ્રથમ ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવાથી કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર રોહિત વિગોરાની જવાબદારી સમજી પ્રથમ તેમની ધરપકડ કરી તેન વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ફાયરના નિયમો જાણી ચીફ ફાયર ઓફિસર(ઇલેશ ખેર) તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર(ભીખા ઠેબા)ની ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં જ સાથે એક કાફે પણ ચાલતું હતું. આ કાફે નીતિન જૈન દ્વારા ચલાવવામાં આવતું હતું. વર્ષ 2022માં રાજકોટ TRP ગેમઝોનના મેનેજર નીતિન જૈન દ્વારા ગ્રેવિટી કાફેના નામથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં તેઓએ ક્યા ક્યા જરૂરી દસ્તાવેજો મનપાના આરોગ્ય વિભાગને આપ્યા હતા એ દિશામાં પોલીસ તપાસ કરવામાં આવી હતી.’

પોલીસ દ્વારા સમગ્ર મામલે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા ધવલ ઠક્કર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈન, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વેલ્ડિંગ કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ તેમજ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠિયા, મનપાના જ અન્ય અધિકારીઓ ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા સાથે ફાયર બ્રિગેડના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશભાઈ વાલાભાઈ ખેર, ડે. ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા અને સ્ટેશન ઓફિસર રોહિત આસમલભાઈ વીગોરાની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે તેઓ પોતાની ફરજ દરમિયાન કુલ 125 જેટલી તપાસો અલગ અલગ ગુનામાં કરેલ છે જેમાં 3 ગુજસીટોક જેવા ગંભીર પ્રકારના ગુનાની પણ તપાસ કરેલ છે આમ છતાં અગ્નિકાંડ તપાસ તેઓને થોડી કઠિન લાગી કારણ કે આ તપાસમાં હ્યુમન ટચ એટલે કે લાગણી જોડાયેલ હતી 27 લોકોના મૃત્યુ થયા છે અનેક પરિવારોને રડતા જોયા છે. અનેક પરિવારો ન્યાયની માંગ સાથે તેમની સમક્ષ રડતા રડતા રજુઆત કરવા પહોંચતા હતા ત્યારે આ કેસમાં સંપૂર્ણ પણે નિષ્પક્ષ તપાસ બારીકાઇ થી કરવામાં આવી છે.

શું છે મામલો?
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો હતો. આ અગ્નિકાંડમાં મુખ્ય આરોપી પ્રકાશ જૈન સહિત 27 લોકોના મોત થઈ ગયા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!