GUJARAT

યુવક આપઘાત કરવા ગયો, પણ…: 1 મહિનામાં 72એ જીવન ટૂંકાવ્યું, સુરત દેશમાં 7મા સ્થાને, અમદાવાદ પણ લગોલગ, આપઘાત ન કરવા શું કરવું? જાણો સાઇકિયાટ્રિસ્ટ પાસેથી – Surat News


દારૂની લત અને આર્થિક સંકડામણને લઈને યુવક બાઈક લઈને ઓએલજીસી બ્રિજ પર કૂદીને આપઘાત કરવા પહોંચી ગયો અને પાળી પર પણ ચડી ગયો હતો, પરંતુ 10 મિનિટ વિચાર્યા બાદ હિંમત ન ચાલી તો બચી ગયો. આ યુવકે વિચાર કર્યો અને ત્યાર બાદ મનોચિકિત્સક પાસે યોગ્ય સારવાર કરાવી તો

.

આ બધાની વચ્ચે એક યુવક અને એક યુવતીને આપઘાત કરે એ પહેલાં બચાવી પણ લેવામાં આવ્યાં હતાં. ત્યારે સુરત દેશમાં સાતમા સ્થાને છે અને આઠમા સ્થાને રહેલા અમદાવાદમાં પણ વધુ લોકોએ મોતનો માર્ગ પસંદ કર્યો હતો. પારિવારિક કારણોસર લોકો અંતિમ પગલું ભરતાં હોવાનું સામે આવ્યું છે.

NCRBના ગુજરાતમાં આપઘાતના ચોંકાવનારા આંકડા
સુરતમાં સતત આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા આપવામાં આવતા રિપોર્ટમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે, જેમાં ગુજરાતમાં સૌથી વધુ આપઘાત સુરતમાં થતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વર્ષે 9002 લોકો વિવિધ કારણોને લઈને આપઘાત કરે છે. જ્યારે દેશમાં ગુજરાતમાં 8મા નંબરે છે. જ્યારે સુરતમાં વર્ષે 1000થી વધુ લોકો આપઘાત કરે છે, જે દેશની સિટીઓમાં સાતમા નંબરે છે. સુરતમાં સૌથી વધુ લોકો ફેમિલી પ્રોબ્લેમના કારણે આપઘાત કરતા હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

9002 લોકોએ ગુજરાતમાં આપઘાત કર્યો
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા દર વર્ષે વિવિધ ક્રાઈમને લઈને રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. એ પ્રમાણે 2022ના રિપોર્ટમાં ગુજરાતમાં થતા આપઘાત અંગેનો રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં દેશમાં વર્ષે 170924 લોકોએ આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે, જેમાંથી 9002 લોકો દ્વારા ગુજરાતમાં આપઘાત કરવામાં આવ્યા છે. જે દેશના રાજ્યમાં આઠમા સ્થાને છે. જ્યારે 2021માં ગુજરાતમાં 8789 લોકોએ આપઘાત કર્યો હતો. તેની સરખામણીએ આપઘાતમાં 2.4 ટકાનો વધારો આવ્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ આપઘાત સુરતમાં
ગુજરાતમાં એક વર્ષમાં આપઘાતના 9002 બનાવો સામે આવ્યા હતા, જેમાંથી સુરતના 1002 લોકોએ આપઘાત કર્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં લોકોએ આપઘાત કર્યો હતો, જ્યારે બીજા નંબરે અમદાવાદમાં 928 લોકોએ આપઘાત કર્યો હતો. રાજકોટમાં 550 લોકોએ આપઘાત કર્યો હતો. જ્યારે વડોદરામાં 271 લોકોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા આપઘાતનાં વિવિધ કારણો પ્રમાણે વિશ્લેષણ કરવામાં આવ્યું હોય છે.

સગીરથી લઈ વડીલના આપઘાતના કિસ્સા
સતત વધી રહેલા આપઘાતના બનાવો ચિંતાનો વિષય છે. યુવાન હોય, વડીલ હોય કે સગીર હોય, એમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. સતત વધી રહેલા આપઘાત મામલે સુરતના જાણીતા મનોચિકિત્સક વિમલ તમાકુવાલાએ આપઘાત કરવા પાછળનાં કયાં કારણો હોય એ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આત્મહત્યા પાછળનાં બે કારણો હોય છે. સૌથી સામાન્ય કારણમાં જોવા જઈએ તો આર્થિક સંકડામણ મહત્ત્વનો ભાગ હોય છે, સાથે કૌટુંબિક પ્રશ્ન, સંબંધોમાં વિક્ષેપ કે તિરાડો પડવી અથવા તો અભ્યાસમાં નિષ્ફળતા તેમજ બીમારીઓ સહિતનાં કારણો આપઘાત કરવા પાછળ જવાબદાર છે.

મનોચિકિત્સકોના મતે આપઘાત સાઇકો-સોશિયલ પ્રોબ્લેમ
આત્મહત્યાને મનોચિકિત્સકો સાઇકો-સોશિયલ પ્રોબ્લેમ ગણે છે. આ એક બીમારી છે અને એને મેડિકલ, સોશિયલ અને લીગલ ત્રણેય વસ્તુને એકસાથે મેઇન્ટેન કરીને સંભાળવી પડે છે. જ્યારે કોઈપણ વ્યક્તિ આત્મહત્યા કરે છે ત્યારે તેના મગજમાં એવા વિચારો ઉત્પન્ન થાય છે કે હવે આમાંથી કોઈ બચવા માટેના વિકલ્પ જ નથી અને આગળ બધું અંધકારમય બની ગયું હોય એવું લાગે છે. એવું લાગે છે કે તેમની તમામ આશા પૂરી થઈ ગઈ છે. જ્યારે આવા વિચારો અમુક કેમિકલ ચેન્જીસને લીધે આવે છે. આ તમામ વસ્તુ માટે એક મેડિકલ ટ્રીટમેન્ટ પણ છે. સોશિયલ કારણોની વાત કરીએ તો કુટુંબિક તકલીફો સંબંધોમાં વિક્ષેપ તેમજ સૌથી મોટો પ્રશ્ન એવો આર્થિક કારણ આ સોશિયલ કારણમાં આવે છે.

આપઘાતના વિચારમાં ટ્રીટમેન્ટ અને અમુક પ્રકારની દવાઓથી નિરાકરણ
આપઘાત કરવો તો એક ઇમોશનલ ક્રાઈસિસ છે. અનેક વખત સારા સુખી સંપન્ન ઘરના લોકો પણ સુસાઇડ કરી લેતા હોય છે. એટલે સુસાઇડનું કારણ માત્ર અને માત્ર આર્થિક સંકડામણ નથી. જ્યારે માણસને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તેમના માઇન્ડમાં કેમિકલ ચેન્જીસ થાય છે, તે વધુ ને વધુ આત્મહત્યા તરફ પ્રેરાય છે, ત્યારે સહાય લેવાની જરૂર છે. માણસને જ્યારે આપઘાતના વિચાર આવે ત્યારે ડોક્ટર પાસેથી અમુક પ્રકારની દવાઓ અને ટ્રીટમેન્ટ થકી ચોક્કસ આ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે.

આપઘાતનો એકવાર વિચાર પડતો મૂકો પછી આવતો નથી
એક વખત આપઘાતનો વિચાર પડતો મૂક્યા બાદ આપઘાતનો વિચાર આવતો નથી. દુનિયાભરના એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય. ત્યાર બાદ તેઓ બચી ગયા હોય અને ત્યારે તેમને પસ્તાવો થતો હોય છે કે આ પ્રકારનો પગલું ભર્યું એ ખોટું છે, સાથે જ એક તરફ જોવા જઈએ તો જે લોકો સુસાઇડ કરે છે તેમાંથી 70% લોકો ડિપ્રેશનની બીમારી પીડિત હોય છે.

વડીલો કે અન્ય લોકો હોય જે મૂંઝવતો પ્રશ્ન કહી દેવા જોઈએ
આપઘાતને લઈને બીજી વાત કરીએ તો અમુક સામાજિક કારણ એવા હોય છે. જે સમાજમાં ડરને લીધે કહી શકાતા નથી અને એને લીધે વ્યક્તિ અંદર ને અંદર ઘૂંટાય છે, પરંતુ ત્યારે આપણા મિત્રો, વડીલો કે નાના કોઈપણ લોકો હોય, જે મૂંઝવતો પ્રશ્ન હોય એ કહી દેવો જોઈએ, કારણ કે માણસને જો આત્મહત્યા કરવાનો અંતિમ વિચાર આવે તો એમાંથી તેમને પાછા વાળવા માટેનું એક મહત્ત્વ રસ્તો મળી શકે છે. આત્મહત્યાને મનોચિકિત્સકો એક વિવિધલક્ષી બીમારી ગણે છે અને એનો ઉપાય ચોક્કસપણે થઈ શકે છે.

મનોચિકિત્સકે આપઘાતનો વિચાર પડતો મૂકનારની વાત કરી
સુરતના મનોચિકિત્સકે તેમની પાસે આવેલા એક દર્દીની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આત્મહત્યા કરવા પ્રેરિત થયેલી વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ દારૂની લત અને આર્થિક સંકડામણનો ખૂબ સામનો કરતા હતા. ત્યારે તે વ્યક્તિ બાઈક લઈને ઓએનજીસી બ્રિજ પર ચડી ગઈ હતી અને દસ મિનિટ વિચાર કરી આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. દસ એક મિનિટ વિચાર્યા બાદ તેમણે આત્મહત્યા કરવાની હિંમત ન ચાલી, જેથી તેઓ પાછા બાઈક પર બેસીને નીચે આવી ગયા, પરંતુ આવું દરેક વખતે થતું નથી. આ વ્યક્તિનું નસીબ સારું હશે કે તેમનું ખરા સમયે માઈન્ડ ડાઇવર્ટ થઈ ગયું અને તેમણે આત્મહત્યા ન કરી. આપઘાતનું વિચાર કરનારા મોટા ભાગના લોકો જે મનમાં નક્કી કરે છે એનો અમલ ચોક્કસપણે કરી નાખતા હોય છે. આ વ્યક્તિ જ્યારે મારી પાસે આવી ત્યાર બાદ તેમણે મને વાત કરી. ત્યાર પછી તેમની દવા કરી અને તેણે આલ્કોહોલ પણ છોડાવી દીધો. આજે એ ભાઈ વેલસેટ થઈ ગયા છે અને ધંધામાં પણ તેમનું ધ્યાન લાગવા લાગ્યું છે.

ડોક્ટર પાસે જવાથી માણસની મનોદશા બદલાઈ જાય
તમાકુવાલાએ ખાસ વાત કહેતાં જણાવ્યું હતું કે અત્યારે તમામ લોકોને એવું મગજમાં થઈ રહ્યું છે કે મારા પર આટલું દેવું થઈ ગયું છે, તો એમાં ડોક્ટર શું કરી દેશે, પરંતુ ડોક્ટર જે પ્રકારની માનસિક હિંમત આપે અને પરિસ્થિતિનો સામનો કરવાનું મનોબળ આપે, જેથી માણસની મનોદશા બદલાઈ જતી હોય છે. આપણે બધા જાણીએ છીએ કે આજથી 25 વર્ષ પહેલાં અમિતાભ બચ્ચન પણ કરોડોના દેવાંમાં હતા. તેમને ખાવાનાં પણ ફાંફાં હતા, પણ તેમણે હિંમત હાર્યા વગર સામનો કર્યો હતો. આત્મહત્યા ચોક્કસથી નિવારી શકાય છે.

આપઘાત ન કરવાની જાગૃતિ
સુરતમાં આપઘાતના બનાવો વચ્ચે પોલીસની હેલ્પલાઈન, મહિલા હેલ્પલાઈન અને પોલીસ કંટ્રોલના 100 નંબર પર પણ આ અંગેના કોલ આવતા હોય છે. આ સાથે કેટલાક એનજીઓ પણ આપઘાત ન કરવા અંગે જાગૃતિ ફેલાવતા હોય છે. એના થકી પણ લોકોએ આપઘાત કરતાં અટકાવવામાં આવી રહ્યા છે. જ્યારે લોકો પણ આપઘાત કરતા લોકોને જોઈને તેમને બચાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે.

લોકોની સતર્કતાથી યુવક-યુવતીને બચાવવા
સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં જ એક યુવક અને યુવતીને લોકોની સતર્કતાના કારણે બચાવવામાં સફળતા મળી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ ગત 13 જુલાઈના રોજ ચોકબજાર સાગર હોટલ પાસે રોનક કોમ્પ્લેક્સમાં 34 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે. યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરમાં ઝઘડાઓ ચાલતા રહેતા હોવાથી કંટાળી ગયો હતો, જેથી અંતે જીવન ટૂંકાવવાનો નક્કી કરીને રિક્ષા લઈને નીકળી ગયો હતો.

ગૃહકંકાસને કારણે રિક્ષાચાલક આપઘાત માટે મક્કાઈ પુલ પહોંચ્યો હતો
34 વર્ષીય યુવક તેની ઓટોરિક્ષા લઈ મક્કાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો. દરમિયાન પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતાં તેને પકડી રાખ્યો હતો. એ બાદ બનાવની ફાયર કંટ્રોલને જાણ કરતાં મુગલીસરા ફાયર વિભાગનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયરની ટીમે યુવકને રેલિંગ પરથી ઉતારી લીધો હતો. ફાયર સબ ઓફિસર બળવંતસિંહે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર યુવક ગૃહકંકાસને કારણે આત્મહત્યા કરવા માટે ચાલી નીકળ્યો હતો. જોકે રાહદારીઓની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો હતો. દરમિયાન ચોકબજાર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી જતાં તેમણે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે પણ યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને સમજાવ્યો હતો.

તાપી નદીમાં પડવા માગતી મહિલાને રાહદારીઓએ પકડી રાખી
ગત 11 જુલાઈના રોજ મક્કાઈપુલ પર સાંજે 30થી 35 વર્ષની મહિલા આવી પહોંચી હતી. મહિલા બ્રિજ પરથી જાળી કૂદી તાપી નદીમાં ઝંપલાવવા જતી હતી, ત્યારે રાહદારીએ જોઈ લેતાં મહિલાને પકડી લીધી હતી અને આ મામલાની જાણ ફાયર વિભાગને કરી હતી. તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાન દ્વારા દોરડા વડે જાળી પરથી મહિલાનું રેસ્ક્યૂ કરાયું હતું.

મહિલા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કર્યું
મહિલાને નીચે ઉતાર્યા બાદ સ્થાનિક અઠવા પોલીસને જાણ કરવામાં આવી હતી. અઠવા પોલીસની ગાડીમાં મહિલાને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. આ મહિલાનું પણ મહિલા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આપઘાત ન કરવા માટે સમજાવવામાં આવી હતી. સુરતમાં ચાલતી અભયમ હેલ્પલાઈન દ્વારા પણ ઘણી મહિલાઓને આપઘાત કરતી અટકાવવામાં આવી છે. આ સાથે જ પરિવારને લઈને કોઈ પ્રશ્ન હોય તો એનું પણ નિરાકરણ લાવવામાં આવે છે.

દોઢ વર્ષમાં 62 રત્નકલાકારના આપઘાત
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે સુરત હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા 15થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે, ત્યારે અમે અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનું પ્રયત્ન કર્યો છે કે આવા કપરા સમયે રત્નકલાકારોને આર્થિક મદદ કરો, પરંતુ સરકાર હજી સુધી કુંભકર્ણની નિદ્રામાંથી જાગી નથી. એના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્નકલાકારો જીવ ગુમાવી રહ્યા છે. હવે રત્નકલાકારની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ વિકટ થવાની શક્યતા છે.

રત્નકલાકારોના આપઘાત રોકવા માટે હેલ્પલાઈન
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરા ઉધોગના રત્નકલાકારોને આપઘાત કરતાં અટકાવવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનું સ્લોગન છે ‘હે રત્નકલાકારો, આપઘાત ના કરો, અમને એક ફોન કરો’ જેના માટે અમે 9239500009 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે, સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતાં અટકાવવા માટે સામાજિક તેમજ સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે, કેમ કે સુરતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે.

આર્થિક સંકડામણને લઈને કોલ
હીરા ઉદ્યોગના રત્નકલાકારોને એક ખાસ અપીલ કરીએ છીએ કે આ સમય પણ રહેવાનો નથી ભાઈઓ. તમારા પરિવારનો માળો વિખાઈ નહીં, એ જોજો, કેમ કે લાખો રૂપિયાની ખોટ ભરપાઈ થઈ જશે, પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તો તેની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પુરાય, એ માટે નબળા વિચારોને તિલાંજલી આપો અને તમારે કોઈ તકલીફ હોઈ તો અમને વિના સંકોચે જાણ કરો. આ કપરા સમયમાં અમે તમારી સાથે છીએ.

30થી વધુ રત્નકલાકાર હેલ્પલાઈન પર કોલ
આ હેલ્પલાઈન શરૂ કર્યા બાદ 30થી વધુ રત્નકલાકાર દ્વારા આર્થિક સંકડામણને લઈને કોલ કરવામાં આવ્યા હતા, જેમાં તેમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને તેમને બનતી મદદ કરવાની બાંયધરી આપવામાં આવી હતી. આ સાથે જ તે પૈકી ત્રણ જેટલાને મદદ પણ પહોંચાડી દેવામાં આવી છે. મંદીના માહોલમાં આ રીતની ઘટનાઓ વધી જતી હોય છે અને તેમને મદદની જરૂર હોય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!