GUJARAT

ચાંદીપુરા ગુજરાત અપડેટ્સ: બનાસકાંઠાના સુઈગામ અને સુરતમાં 1-1 બાળક સહિત 5નાં મોત, મૃત્યુઆંક 36 અને અત્યારસુધીમાં 84 કેસ નોંધાયા – Ahmedabad News


રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થઈ ગયાં છે. એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી, મોરબી, ઘોઘંબા તથા સુરતમાં 1-1 બાળકનાં મોત થઈ ગયાં છે. આ સાથે જ મૃ

.

મોરબીના 13 વર્ષના બાળકનું મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં દાખલ થયેલા કુલ 7 કેસનાં સેમ્પલ NIV પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી 2 કેસનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 5 કેસનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જે બે કેસ પોઝિટિવ આવ્યા તે પૈકી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની 2 વર્ષની બાળકી હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જયારે અન્ય એક પોઝિટિવ કેસ આવ્યો તે મોરબી જિલ્લાનો 13 વર્ષનો બાળક હતો જેનું મોત થયું છે. આ ઉપરાંત જે 5 કેસ નેગેટિવ આવ્યા તે પૈકી 1 દર્દી જીવિત છે. જ્યારે 4 દર્દીના મોત થઇ ચુક્યા છે. જેમાંથી જીવિત એક દર્દીની તબિયત સ્થિર હોવાથી તેમને એકથી બે દિવસમાં હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હજુ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલા 2 દર્દીના સેમ્પલ રિપોર્ટ આવવાના બાકી છે.

પંચમહાલના ઘોઘંબાના જીંજરી ગામની બાળકીનું મોત
પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે રહેતી એક 11 મહિનાની બાળકીનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું.

સુરતમાં 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત
સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થઈ ગયું છે. 11 વર્ષય બાળકીમાં લક્ષણ દેખાયાં હતાં. આ બાળકીની સિવિલ હોસ્પિટલના PIC વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. જોકે 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. આ બાળકીમાં ઝાડા, ઊલટી,તાવ, માથાનો દુખાવો, ખેંચ લક્ષણો જોવા મળ્યાં હતાં.

ગોંડલના રાણસીકીમાં એકનું મોત
ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળકની તબિયત લથડતાં ગઈકાલે તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, પરંતુ તેનો રિપોર્ટ આવે એ પહેલાં જ આજે(22 જુલાઈ, 2024)સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે. જોકે ગોંડલનાં રાણસીકી ગામના સરપંચ દ્વારા 1 બાળકનું તેના ઘરે અને બીજાનું હોસ્પિટલમાં એમ બે મોત થયાંનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ગોંડલના રાણસીકી ગામના સરપંચ દ્વારા બે બાળકનાં મોત થયાંનો દાવો કરવામાં આવ્યો છે. ગામના સરપંચ ઘનશ્યામ કાછડિયાએ જણાવ્યું હતું કે રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા અલગ અલગ બે બાળકનાં મોત થયાં છે, જેમાં એક બાળકનાં સેમ્પલ લેવાયાં હતાં અને સારવાર દરમિયાન તેનું આજે મોત થયું છે. જ્યારે બીજા બાળકનું ઘરે જ મોત થયું છે.

સુઈગામમાં એકનું મોત
આ ઉપરાંત બનાસકાંઠાના સુઈ ગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહેલા દર્દીનું આજે હોસ્પિટલમાં મોત થઈ ગયું છે.

ચાંદીપુરા વાઇરસથી કયા જિલ્લામાં કેટલા કેસ અને કેટલાં મોત?

જિલ્લો કેસ મૃત્યુ
સુરત 1 0
રાજકોટ 4 4
સાબરકાંઠા 8 2
અરવલ્લી 6 3
મહીસાગર 2 1
ખેડા 6 1
મહેસાણા 6 2
સુરેન્દ્રનગર 3 1
એએમસી 6 3
ગાંધીનગર 5 1
પંચમહાલ 11 5
જામનગર 5 0
મોરબી 4 4
જીએમસી 3 1
છોટાઉદેપુર 2 0
દાહોદ 2 2
વડોદરા 1 1
નર્મદા 2 0
બનાસકાંઠા 4 3
વીએમસી 2 1
ભાવનગર 1 0
દ્વારકા 1 1
આરએમસી 2 0
કચ્છ 1 0
કુલ 84 36

શું છે વાઇરલ એન્કેફેલાઇટિસ કે ચાંદીપુરા વાઇરસ?
આ એક RNA વાઇરસ છે. એના સંક્રમણથી દર્દીનું મગજ (એન્કેફેલાઇટિસ) શિકાર બને છે. આ વાઇરસ નવજાત શિશુથી લઈ 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે સેન્ડફલાય (માખી) તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ સેન્ડફલાય (માખી) લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે.

જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટનાં પાકાં મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારું કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડફ્લાયનું બ્રીડિંગ જોવા મળતું હોય છે. આ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય એવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે.

માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતા નવજાત શિશુથી લઈ 14 વર્ષ સુધી બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, એને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોવાથી આ રોગ થાય છે.

વાઇરલ એન્કેફેલાઇટિસનાં લક્ષણો

  • બાળકને સખત તાવ આવવો.
  • ઝાડા, ઊલટી થવાં.
  • ખેંચ આવવી.
  • અર્ધબેભાન કે બેભાન થવું.

વાઇરલ એન્કેફેલાઇટિસ કે ચાંદીપુરા વાઇરસથી બચવા શું કરવું?

  • બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં)રમવા દેવા નહિ.
  • બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
  • સેન્ડફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દીવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવાં.
  • મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
  • જો ઉપર જણાવેલાં લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવી.

શું છે ચાંદીપુરા વાઈરસ?
આ કોઈ નવો વાઈરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. એના સંક્રમણથી દર્દી મગજના તાવ (એન્કેફેલાઇટિસ)નો શિકાર થઈ જાય છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે.

વાઈરસ કોને સંક્રમિત કરી શકે છે? ચાંદીપુરા વાઈરસ બાળકોને શિકાર બનાવે છે. એ મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. માખી કે મચ્છરના કરડવાથી સલાઇવાથી બ્લડમાં વાઈરસ પહોંચતાં એનું સંક્રમણ ફેલાય છે.

2004થી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે ચાંદીપુરા વાઇરસ
પુણેમાં 1952માં સ્થપાયેલા રોકફેલર ફાઉન્ડેશનના વાઇરસ રિસર્ચ સેન્ટરના પી.એન. ભટ્ટ અને એફ.એમ. રોડ્રિજ્યસ નામના વૈજ્ઞાનિકોએ 1966માં ચાંદીપુરા વાઇરસ હોવાનું પુરવાર કર્યું હતું. ગુજરાતમાં સૌથી પહેલા વર્ષ 2004માં આ વાઇરસ ફાટી નીકળ્યો હતો. ત્યાર બાદ 2010માં પણ ચાંદીપુરા વાઇરસના 29 જેટલા કેસ નોંધાયા હતા અને 17 બાળકને ભરખી ગયો હતો. જ્યારે વર્ષ 2019માં વડોદરાના ભાયલીમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. વર્ષ 2010માં પણ આ વાઇરસ મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા અને પંચમહાલમાં જોવા મળ્યો હતો અને આ વખતે પણ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે.

રોગચાળા પર નિયંત્રણ માટેની 5 બાબત

  • ચાંદીપુરા રોગની સારવારમાં પૌષ્ટિક આહાર લેવો અને વધુ માત્રામાં પાણી પીવું તેમજ પૂરતો આરામ કરવો જોઈએ.
  • મધ્ય ગુજરાત ચાંદીપુરા માટે એન્ડેમિક વિસ્તાર છે. સેન્ડફ્લાયની માત્રા વરસાદી ઋતુમાં અધિક રહે છે.
  • નિયંત્રણ માટે સઘન એક્ટિવ ફ્લાય સર્વેલન્સ તથા સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવે છે.
  • આરોગ્ય વિભાગના માધ્યમથી 5 ટકા મેલાથિયોન પાઉડર દ્વારા ડસ્ટિંગ કામગીરી કરવામાં આવે છે.
  • ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નિદાન, તમામ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!