GUJARAT

છેલ્લે આના EVM ખૂલ્યા ને કોંગ્રેસે ગુજરાતમાં ઇતિહાસ રચ્યો: ગેનીબેન બોલ્યાં- મતગણતરીમાં 2ઃ30 વાગ્યે રાહત થઈ, પાલનપુરે અમને પણ ચોંકાવ્યા


ગાંધીનગર8 કલાક પેહલાલેખક: નિર્મલ દવે

  • કૉપી લિંક

ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં આ વખતે કોંગ્રેસે લોકસભાની એક બેઠક જીતીને ભાજપના નેતાઓને ઊંઘતા ઝડપી લીધા. કોંગ્રેસના લડાયક મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગેનીબેન વાવના ધારાસભ્ય છે હવે તેઓ ધારાસભ્યપદેથી રાજીનામું આપશે.

જો કોઇ એમ માનતું હોય કે ગેનીબેન ઠાકોરની જીતમાં વાવ બેઠકનો મહત્વનો ફાળો હશે તો તેની આ માન્યતા ખોટી પડશે. કારણ કે ગેનીબેન ભલે વાવના ધારાસભ્ય હોય પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે લોકસભાની આ ચૂંટણીમાં ગેનીબેનને પોતાની જ વિધાનસભા બેઠક વાવમાંથી ભાજપ કરતાં ઓછા મત મળ્યા છે. વાવમાં ભાજપને 1 લાખ 02 હજાર 972 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 1 લાખ 01 હજાર 311 મત મળ્યા છે. આમ વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપને કોંગ્રેસ કરતાં 1 હજાર 661 મત વધુ મળ્યા છે.

હકીકતમાં જોઇએ તો આ ચૂંટણીમાં પાલનપુર, દિયોદર અને દાંતા બેઠક ગેમ ચેન્જર બની અને ગેનીબેન જીતી ગયા. આ ત્રણેય બેઠક કેવી રીતે ગેનીબેન માટે ગેમ ચેન્જર બની તે સમજવા માટે 2019ની લોકસભાની ચૂંટણી, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીના આંકડા જોવા પડે.

2024માં પાલનપુરમાં ભાજપ કરતાં કોંગ્રેસને વધુ મત મળ્યા
બનાસકાંઠા લોકસભા બેઠકમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર એમ કુલ 7 વિધાનસભા બેઠક આવે છે. આ વખતની ચૂંટણીમાં પાલનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને 76 હજાર 687 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 1 લાખ 05 હજાર 837 મત મળ્યા છે. આમ પાલનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસને ભાજપ કરતાં 29 હજાર 150 મત વધુ મળ્યા છે.

2022માં ભાજપના ઉમેદવારને લીડ મળી હતી
2022ની વિધાનસભાની ચૂંટણીમાં પાલનપુર બેઠક પરથી ભાજપના અનિકેત ઠાકર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમને 95 હજાર 588 અને કોંગ્રેસ તેમજ આપને કુલ 78 હજાર 214 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરને 17 હજાર 374 મતની લીડ મળી હતી.

2019માં ભાજપના ઉમેદવારને 38 હજાર મત વધુ મળ્યા હતા
2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો પાલનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને 93 હજાર 683 અને કોંગ્રેસના ઉમેદવારને 54 હજાર 897 મત મળ્યા હતા. જેના કારણે આ મત વિસ્તારમાંથી ભાજપને 38 હજાર 786 મતની લીડ મળી હતી.

આમ 2019માં જે પાલનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપને 38 હજાર 786 મતની લીડ મળી હતી તે જ મતવિસ્તારમાંથી આ વખતે ભાજપને 29 હજાર 150 મત ઓછા મળ્યા. ભાજપને મળેલા આ ઓછા મતનો સીધો ફાયદો કોંગ્રેસને મળ્યો અને ગેનીબેનની જીત થઇ.

પાલનપુરમાંથી કોંગ્રેસને અનઅપેક્ષિત લીડ મળવાનું કારણ શું?
પાલનપુરમાંથી કોંગ્રેસને અનઅપેક્ષિત લીડ મળવા પાછળનું એક કારણ એ પણ હોઇ શકે કે, પાલનપુરમાં ટ્રાફિક, ગટર જેવા લોકોને સીધી અસર કરતાં પ્રશ્નો વર્ષોથી છે. જેનું કોઇ નિરાકરણ આવ્યું નથી. વળી, પાલનપુર નગરપાલિકામાં ભાજપનું શાસન છે એટલે સ્થાનિક સમસ્યાથી કંટાળેલા શહેરી મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફી રહ્યો હોય.

ભાજપ માટે લાલબત્તી
સામાન્ય રીતે એવું મનાય છે કે શહેરી વિસ્તારનો મતદાર ભાજપ તરફી ઝુકાવ ધરાવે છે પરંતુ પાલનપુર શહેરી વિસ્તાર હોવા છતાં ત્યાંના મતદારોએ કોંગ્રેસને વધુ મત આપ્યા. આ બાબત ભાજપ માટે લાલબત્તી સમાન છે.

2024માં દિયોદરમાં ભાજપને 20 હજાર મત ઓછા મળ્યા
પાલનપુર જેવી જ એક બેઠક દિયોદર છે. જ્યાં ભાજપને ઓછા મત મળ્યા છે. આ ચૂંટણીમાં દિયોદર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપને 77 હજાર 619 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 98 હજાર 195 મત મળ્યા છે. આમ આ વખતે અહીં ભાજપને 20 હજાર 576 મત ઓછા મળ્યા છે.

2022માં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા
2022ની વિધાનસભાની ચૂંટણીમાં દિયોદર બેઠક પરથી ભાજપના કેશાજી ચૌહાણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમને 1 લાખ 09 હજાર 123 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ અને આપને મળીને કુલ 75 હજાર 774 મત મળ્યા હતા. આમ અહીં ભાજપના કેશાજી ચૌહાણની 33 હજાર 349 મતે જીત થઇ હતી.

2019માં ભાજપને 56 હજાર મતની લીડ મળી હતી
2019ની લોકસભા ચૂંટણીમાં દિયોદર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપને 90 હજાર 176 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 33 હજાર 948 મત મળ્યા હતા. જેના કારણે અહીંથી ભાજપને 56 હજાર 228 મતની લીડ મળી હતી.

આમ 2019માં દિયોદર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપને 56 હજાર 228 મતની લીડ મળી હતી પણ આ વખતે આ મતવિસ્તારમાંથી ભાજપને કોંગ્રેસ કરતાં 20 હજાર 576 મત ઓછા મળ્યા છે.

ઠાકોર સમાજના ભાજપના ધારાસભ્ય ઠાકોર મતદારોને રીઝવી ન શક્યા
​​​​​​
​દિયોદરમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાયા હોવા છતાં તેઓ ભાજપને લીડ અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. કેશાજી ચૌહાણ દિયોદરના ધારાસભ્ય છે અને પોતે ઠાકોર સમાજમાંથી આવે છે. આ વખતે બનાસકાંઠા બેઠક પર ઠાકોર સામે ચૌધરી ઉમેદવારનો જંગ હતો એટલે દિયોદર મતવિસ્તારના મતદારોએ ઠાકોર સમાજને ધ્યાને રાખીને મત આપ્યા. કેશાજી ચૌહાણ ભલે પોતે ઠાકોર હોય પરંતુ ઠાકોર મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરતા રોકી ન શક્યા.

2024માં દાંતામાં કોંગ્રેસ કરતાં ભાજપને 11 હજાર મત ઓછા મળ્યા
​​​​​​
​દાંતા બેઠકની વાત કરીએ તો આ વખતે આ વખતે દાંતા મતવિસ્તારમાંથી ભાજપને 82 હજાર 439 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 93 હજાર 457 મત મળ્યા છે. આમ અહીં ભાજપને કોંગ્રેસ કરતાં 11 હજાર 018 મત ઓછા મળ્યા છે.

2022માં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા
​​​​​​
​દાંતા બેઠકનું 2022નું ચિત્ર જોઇએ તો અહીંથી કોંગ્રેસના કાંતિ ખરાડી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 78 હજાર 807 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 97 હજાર 315 મત મળ્યા હતા. આમ આ બેઠક પરથી ભાજપને 18 હજાર 508 મત ઓછા મળ્યા હતા.

2019માં ભાજપને 14 હજાર મતની લીડ મળી હતી
2019ની લોકસભાની ચૂંટણીમાં દાંતા વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપને 79 હજાર 582 અને કોંગ્રેસને 64 હજાર 641 મત મળ્યા હતા. જેના કારણે અહીંથી ભાજપને 14 હજાર 941 મતની લીડ મળી હતી.

આ આંકડા જોતાં એ સ્પષ્ટ થાય છે કે ગેનીબેન માટે પાલનપુર, દિયોદર અને દાંતા બેઠક ગેમ ચેન્જર સાબિત થઇ. બીજા બધા તો ઠીક પરંતુ ખુદ ગેનીબેનને પણ પાલનપુર બેઠક પરથી વધુ લીડ મળવાનો અંદાજો નહોતો.

ગેનીબેને દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, પાલનપુરની લીડ અમે 20 હજારની ગણી હતી પણ એની સામે 30 હજારની લીડ આવી એટલે આટલા મતથી મારો વિજય થયો. બનાસકાંઠાની ચૂંટણીમાં બોગસ વોટિંગ થયું હોવાનો આરોપ પણ ગેનીબેને લગાવ્યો છે.

સવાલ- આ વખતે મત ગણતરીમાં 27 વોટ હતા એ સમયે તમારી શું મનોસ્થિતિ હતી? તમને પહેલા શું વિચાર આવ્યો હતો?
જવાબ-
દરેક વિધાનસભા સીટનો સરવાળો થતો હતો એટલે નજીવી સરસાઈ 27 વોટ, 300 વોટ જેટલી રહેતી હતી. ગ્રામ પંચાયતના મત ગણાતા હતા પરંતુ મતદાન મથકના જે રીતે મત નીકળતા હતા તે જોઇને મને એટલો વિશ્વાસ હતો કે પરિણામ તો અમારા તરફેણમાં જ આવશે. મને તો 27 મત અંગે ખ્યાલ પણ નહોતો કેમ કે જ્યારે રાઉન્ડ ગણાતા હતા ત્યારે હું મતદાન મથક પર હતી અને અલગ અલગ જગ્યાએ મારા રાઉન્ડ રહેતા હતા. 2 કે 2:30 વાગ્યે નુકસાનવાળી સીટ ગણાઈ ગઈ હતી અને લીડવાળી સીટની ગણતરી ચાલતી હતી એટલે સરવાળો મારતા અંદાજ આવી ગયો હતો કે અમે 10થી 15 હજાર મતથી જીતીશું. પાલનપુરની લીડ અમે 20 હજારની ગણી હતી પણ એની સામે 30 હજારની લીડ આવી એટલે મારી 30 હજાર મતની લીડ રહી.

બનાસકાંઠા બેઠક પરથી જીત બાદ સમર્થકોએ ગેનીબેનને શુભેચ્છા પાઠવી હતી.

બનાસકાંઠા બેઠક પરથી જીત બાદ સમર્થકોએ ગેનીબેનને શુભેચ્છા પાઠવી હતી.

સવાલ- તમે તો પાલનપુર એટલે કે ભાજપની વોટબેંકમાં ગાબડું પાડ્યું?
જવાબ-
બનાસકાંઠા લોકસભાની સાતેય સીટમાં સૌથી વધારે લીડ પાલનપુરમાંથી 11 હજારની લીડ મળી એટલે પાલનપુરની જનતા નો હૃદયપૂર્વક આભાર. પાલનપુર શહેરના લોકોની સરકાર સામેની નારાજગી અને તેમના અનુભવના આધારે લોકોએ મને મત આપ્યા છે.

સવાલ- તમને હરાવવા માટે કયા પ્રયાસો થયા હતા?
જવાબ-
ચૂંટણી લડવા મેદાનમાં આવેલા બધા જ ઉમેદવાર પોતાની રીતે જીત મેળવવાના પ્રયાસો કરે છે પરંતુ તંત્ર મારફતે લોકશાહીને દબાવવાના જે પ્રયાસો અત્યાર સુધીમાં ભૂતકાળની કોઈ સરકારે કર્યા નહતા તેવા પ્રયાસો આ વખતે ભાજપે કર્યા છે. મારું માનવું છે કે ચૂંટણી હરાવવા માટે ગમે એટલું કોઈ કરે પણ લોકશાહીમાં અંતે તો સર્વોપરી મતદારો હોય છે. મતદારો પોતાની કોઠાસૂઝથી નિર્ણય લેતા હોય છે એટલે ગમે એટલા પ્રયત્નો હોય પણ જનતા અમારી સાથે છે.

સવાલ- ભાજપે શું કર્યું હતું?
જવાબ-
કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં જોડવાની વાત હોય, સામ-દામ-દંડ-ભેદ બધું જ અને એમાં પણ તટસ્થ ચૂંટણી કરાવવાને બદલે વહીવટી તંત્રમાં બેઠેલા ચોક્કસ ઉચ્ચ અધિકારીઓ એક જ વ્યક્તિના કહેવાથી બધાને બાનમાં લેવાનો પ્રયાસ કરતા હોય છે. આવા અધિકારીઓએ ક્યાંક ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે નાના-મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને દબાવવા પ્રયત્ન કર્યા હતા પરંતુ અંતે તો સત્યમેવ જયતે થયું.

પ્રચાર દરમિયાનની ગેનીબેનની ફાઇલ તસવીર

પ્રચાર દરમિયાનની ગેનીબેનની ફાઇલ તસવીર

સવાલ- ભાજપે તમને હરાવવા કરેલા પ્રયત્નનો કોઇ એક કિસ્સો જણાવો
જવાબ-
દાંતામાં નકલી સીઆરપીએફ અને પોલીસની પ્લેટ લગાવેલા ચૌધરી સમાજના આગેવાનો ખુલ્લેઆમ ખોટું મતદાન કરાવતા હતા. એમાં પોલીસ સ્ટાફ કે સ્થાનિક તંત્ર રોકતું નહોતું. કેટલીક જગ્યાએ નકલી ડીવાયએસપી પકડાયા, કેટલીક જગ્યાએ નકલી વોટિંગ થયું હતું. જેનું મોત થયું હોય એનું પણ મતદાન થયું હોવાનું આ ચૂંટણીમાં ધ્યાને આવ્યું છે. મારું માનવું છે કે દરેક વિધાનસભામાં 10 હજારનું વોટિંગ ખોટું થયું છે. બનાસકાંઠામાં 7 વિધાનસભા છે એટલે 70 હજારથી વધારે ખોટા મત, દબાણ લાવીને, ડુપ્લીકેશન કરાવીને, બીજા જિલ્લામાંથી અહીંયા લાવીને મતદાન કરાવવું એમ એવરેજ 10 હજાર મતદારોનું ખોટું મતદાન થયું છે.

સવાલ- આ ચૂંટણીમાં ખરાબ અનુભવ કયા રહ્યા?
જવાબ-
જેની સરકાર હોય એનું વહીવટી તંત્ર હોય છે. જે લોકો કંઇક નાના-મોટું ખોટું કરતા હોય છે પણ બનાસકાંઠામાં સૌથી વધારે પ્રમાણમાં થયું. બોગસ વોટિંગની વાત હોય કે બધા જ પ્રકારની વાત હોય. અધિકારી મારફતે લોકોને દબાવવા માટે, પૈસાની રેલમછેલ વગેરે વિરૂદ્ધ પુરાવા સાથે અમે ચૂંટણી પંચને ફરિયાદ આપતા હતા છતાં પગલાં લેવાતા નહોતા. સીઆરપીએફની નકલી પ્લેટ હોય, સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ સાથે મિટિંગ કરીને મતદાન આપવા કહે, ડેરીના માધ્યમથી ખુલ્લેઆમ અધિકારીઓ પ્રચાર કરે વગેરે જેવા પુરાવા આપ્યા તો પણ પગલાં ન લેવાય એ લોકશાહી માટે દુઃખદ બાબત છે.

સવાલ- ધારાસભ્ય તરીકે રાજીનામું ક્યારે આપશો?
જવાબ-
લોકસભાની શપથ વિધિ થયા બાદ પ્રદેશ નેતૃત્વ કહેશે ત્યારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ.

ગેનીબેનના પ્રચારની ફાઇલ તસવીર

ગેનીબેનના પ્રચારની ફાઇલ તસવીર

સવાલ- વાવ વિધાનસભા બેઠકના ઉત્તરાધિકારી કોણ?
જવાબ-
કોંગ્રેસના ત્રણેય તાલુકાના આગેવાન, પ્રદેશનું મોવડી મંડળ, જાતિ સમીકરણના આધારે આ અંગે નિર્ણય લેવાશે. એ લોકોનો નિર્ણય મારો નિર્ણય રહેશે. કંઇ નક્કી કરવાનો પાવર મારી પાસે નથી અને હું અધિકૃત પણ નથી. હું ફક્ત લાગણી વ્યક્ત કરી શકું પણ પ્રદેશનું મોવડી મંડળ અને આગેવાનો નક્કી કરશે એ પ્રમાણે નિર્ણય લેવાશે. જાતિ સમીકરણના આધારે જે સમયે માગણી મૂકવાની વાત આવે ત્યારે માગણીવાળા આગેવાનો સર્વાનુમતે એક થાય એ માટે મધ્યસ્થી બનવાનો પ્રયત્ન કરીશ અને તેમ છતાં જો રસ્તો ન નીકળે તો મોવડી મંડળ નક્કી કરે તેને જીતાડવા માટે પ્રયત્ન કરીશ.

સવાલ- ગેનીબેનને લોકોએ કેમ ચૂંટ્યાં?
જવાબ-
મતદારોનો મારા પર ભરોસો હતો. કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોને ભરોસો હતો કે ગેનીબેન અન્યાય સામે લડશે, પાર્ટીને નુકસાન નહી કરે, મતદારો સાથે વિશ્વાસઘાત નહી કરે. અડધી રાત્રે ફોન કરીશું તો ફોન ઉપાડીને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. ઠાકોર સમાજ નાની-મોટી તમામ ચૂંટણીમાં મતદાન સમયે મદદ કરશે એ આશા અને અપેક્ષા સાથે તમામ સમાજે મત આપ્યા છે.

સવાલ- ભાજપ હારવાનાં કારણો કયાં?
જવાબ-
એ તો ભાજપને જ ખબર પણ બનાસકાંઠાની જનતાનો આભાર કે તેમણે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા. ઘણા કાર્યકરો, આગેવાન, પ્રદેશનું મોવડી મંડળ, પ્રિયંકા ગાંધી આવ્યા, શક્તિસિંહ ગોહિલ 4 વખત પ્રચાર માટે આવ્યા હતા. ક્ષત્રિય સમાજે સાથ આપ્યો. ભાજપે ડેરીના માધ્યમથી ખૂબ ખોટું કર્યું, લોકોને વધારે દબાવવા માટે પ્રયત્નો કર્યા પણ લોકોએ ઉત્સાહ બતાવી અમારા તરફી મતદાન કર્યું એટલે હું બનાસકાંઠાની પ્રજાનો આભાર માનું છું.

સવાલ- આ હાર કોની- શંકર ચૌધરીની કે ભાજપની?
જવાબ-
મારી સામે ભાજપના ઉમેદવાર હોય કે એના કાર્યકરો હોય, સિમ્બોલ પર અમે ચૂંટણી લડતા હતા એટલે ભાજપ સામે કોંગ્રેસે જવલંત વિજય મેળવ્યો છે. બનાસકાંઠાની જનતાનો વિજય છે.

સવાલ- આ જીત બનાસકાંઠા અને ગેનીબેન માટે કેટલી મહત્ત્વપૂર્ણ?
જવાબ-
બનાસકાંઠાની જે જનતા આઝાદી ઇચ્છતી હતી, સાચી લોકશાહીના દર્શન કરવા માગતી હતી એ પ્રજા સ્વયંભૂ મતદાન માટે આગળ આવી. હવે સહકારી ક્ષેત્ર હોય કે ગમે તે હોય તેમાં જે લોકો ખોટું કરે છે તેની સામે પ્રજા તાકાતથી મતદાન કરશે એવી નૈતિક હિંમત સામે આવી છે. જીત તો પાર્ટી માટે, લોકો માટે છે. જે વાયદા લોકોને કર્યા છે એ વાયદા તંત્રના માધ્યમથી પૂરા કરવા માટે મહેનત કરીશું અને લોકોને ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. મારું માનવું છે કે તંદુરસ્ત લોકશાહી ઢબે ચૂંટણી યોજાવી જોઇએ. તમામ લોકો ખુલ્લા દિમાગથી મતદાન કરે. કોઈને દબાવવામાં ન આવે કેમ કે દબાણની રાજનીતિ લાંબા સમય સુધી ચાલતી નથી એ આ ચૂંટણીએ કરી બતાવ્યું છે.

ગેનીબેનની સભાની ફાઇલ તસવીર

ગેનીબેનની સભાની ફાઇલ તસવીર

સવાલ- અત્યારસુધીમાં કેવી અડચણો આવી?
જવાબ-
હું 18 વર્ષની ઉંમરે 1995માં તાલુકા પંચાયતની ચૂંટણી લડી અને તાલુકા પંચાયત પ્રમુખ બની. 3 વખત તાલુકા પંચાયત, એક વખત જિલ્લા પંચાયત, 4 વખત વિધાનસભા અને એક વખત લોકસભા. આમ, અત્યાર સુધીમાં મેં 9 ચૂંટણી લડી છે. જેમાંથી 2 વખત વિધાનસભા ચૂંટણી હારી છું અને 7 વખત ચૂંટણી જીતી છું એટલે દરેક વખતે મને પ્રજાએ સહકાર આપ્યો છે. બાકી તો આવનારા સમયમાં જે હશે એ સમાજ હોય કે પક્ષ હોય કે સાથે રહેવાવાળા આગેવાનો હોય એ તમામની સાથે રહીને કામ કરીશું.

સવાલ- દિલ્હીમાં કયા મુદ્દા ઉઠાવવાના છે? પહેલો મુદ્દો કયો રહેશે?
જવાબ-
ધાનેરા, દાંતીવાડા, પાલનપુરમાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી નથી. ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્ર સરકારની ગરીબલક્ષી તમામ યોજનાનું ગ્રાઉન્ડ ઝીરો પર પૂરું અમલીકરણ થાય એના પૂરા પ્રયત્નો રહેશે. જો ભાજપે કોઇ કામ કર્યું હશે તો અમે તેને આગળ વધારવાના પ્રયત્નો કરીશું.

ગાંધી પરિવાર સાથે ગેનીબેનના સંબંધ
લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવી હતી ત્યારે રાહુલ ગાંધીએ ગેનીબેન સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને પહેલેથી જ એવો ભરોસો હતો કે ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી શકશે એટલે ખુદ પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠા આવીને ગેનીબેન માટે પ્રચાર કર્યો હતો.

પ્રિયંકા ગાંધીએ ગેનીબેનના ખભા પર હાથ મૂકીને મત માગ્યા
​​​​​​
​ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર અંતિમ તબક્કામાં હતો ત્યારે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ 3 મેએ બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીની જાહેર સભા યોજાવાની હતી પરંતુ આ જ દિવસે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભરવાના હોવાથી પ્રિયંકા ગાંધી રાયબરેલી ગયા હતા. જેના કારણે બનાસકાંઠામાં યોજાનારી પ્રિયંકા ગાંધીની સભા મોકૂફ રાખવી પડી. રાહુલ ગાંધીએ ફોર્મ ભર્યાના બીજા દિવસે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠા આવીને લાખણીમાં સભા સંબોધી હતી. આ સભા દરમિયાન તેમણે ગેનીબેનના ખભા પર હાથ મૂકીને તેમની માટે મત માગ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ ગેનીબેનના ખભા પર હાથ મૂકીને મત માગ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ ગેનીબેનના ખભા પર હાથ મૂકીને મત માગ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ ગેનીબેન પર શા માટે આટલો ભરોસો મૂક્યો હતો તે બનાસકાંઠા બેઠકના પરિણામે બતાવી દીધું છે. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના એક જ સાંસદ તરીકે ચૂંટાયા હોવાથી ગેનીબેનને હવે ગાંધી પરિવારની ગુડબુકમાં સ્થાન મળે તેવી પણ શક્યતા છે.

હવે ગેનીબેનનો ટૂંકો પરિચય મેળવી લઇએ. ગેનીબેન ઠાકોરનો જન્મ 1 જાન્યુઆરી, 1975ના રોજ થયો હતો. તેમણે બીએનો અભ્યાસ કર્યો છે. ગેનીબેનના પતિનું નામ શંકરજી ગેમરજી ઠાકોર છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!