GUJARAT

પાપાની પરી ને પોયરાએ ગુજરાત ગજવ્યું: રીલ્સના રવાડે ચડી ડમ્પરવાળાએ ત્રણના ભોગ લીધા, BJP ધારાસભ્યનો કથિત પુત્ર સકંજામાં, હવામાન વિભાગે કરી મોટી આગાહી – Local News


  • Gujarati News
  • Local
  • Orange yellow Alert For Rain In Most Districts, Three year old Girl Falls In Lift, MP Has To Take Help Of Media

5 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ

મધ્ય ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું, ભારેથી અતિભારે વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી. હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિવિધ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એની પૂર્વ નિર્ધારિત તારીખ કરતાં ચાર દિવસ વહેલું આવ્યું હતું, પરંતુ નવસારીમાં જ અટવાઈ ગયા બાદ ધીમે ધીમે ગુજરાત રાજ્યમાં આગળ વધ્યું હતું. તેથી આ વર્ષે 1 જૂનથી 27 જૂન વચ્ચે ગુજરાત રાજ્યમાં 52 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે આ તારીખ સુધીમાં રાજ્યમાં 90 મિલિમીટર વરસાદની આવશ્યકતા હોય છે એટલે કે આ વર્ષે 48 ટકા વરસાદની ઘટ પડી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મધ્ય ગુજરાત સર્ક્યુલેશન સક્રિય બન્યું છે આસપાસના જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પણ આજે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ યલો તથા ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જારી કર્યું છે.

લોકોનો રોષ જોઈ કોર્પોરેટરોને ભાગવું પડ્યું

અમદાવાદના ચેનપુર વિસ્તારમાં આજે તળાવ પાસે વૃક્ષારોપણ માટે આવેલા ભાજપના કોર્પોરેટરોને ગામના સ્થાનિક રહેવાસીઓએ વિવિધ સમસ્યાઓને લઈ રજૂઆત કરી હતી. એને લઈ ભાજપના કોર્પોરેટરો અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. ગ્રામજનોએ પોતાની સમસ્યાઓને લઈ ઉગ્ર રજૂઆત કરતાં કોર્પોરેટરો ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી ચેનપુર ગામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળી ગયું છે, પરંતુ આજ દિન સુધી ગામના તળાવનો વિકાસ કરવામાં આવ્યો નથી કે કોર્પોરેટરો અહીં જોવા માટે આવ્યા નથી. માત્ર વૃક્ષારોપણ કરવાના નામે ફોટા પડાવવા માટે આવી ગયા હતા. ગાંધીનગર લોકસભા અને સાબરમતી વિધાનસભામાં રાણીપ વોર્ડમાં આવતાં ચેનપુર ગામ તળાવ પાસે આજે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો વૃક્ષારોપણ કરવા અને તળાવ નજીક સાફ-સફાઈ કરવા માટે આવ્યા હોવાની જાણ થતાં ગ્રામજનો ત્યાં પહોંચી ગયાં હતાં અને ભાજપના કોર્પોરેટરોને રજૂઆત કરી હતી કે છેલ્લાં 15 વર્ષથી વધુ સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગામ ભળી ગયું છતાં કોઈ વિકાસ થયો નથી. ગામના તળાવ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ હજી ગામનું તળાવ બન્યું નથી. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતાની સાથે ત્રણેય કોર્પોરેટરે ત્યાંથી ચાલતી પકડી હતી. પોતાનો બચાવ કરી અમે કામ કરીએ છીએ કહેતાં કહેતાં ત્યાંથી નીકળી ગયા હતા.

ધારાસભ્યનો છોકરો હોવાનું કહી રોફ જમાવ્યો

સુરત સિટી બસ અને બીઆરટીએસ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરો સાથે માથાકૂટ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. સિટી બસમાં કંડક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થતી હોવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ત્યારે ગઈકાલે સુમુલ ડેરી રોડ ઉપર સિટી બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઉગ્ર બોલચાલી કરી રોફ જમાવ્યો હતો તેમજ કન્ડક્ટરનો કોલર પકડી દાદાગીરી કરી હતી. કન્ડક્ટરને લાખો રૂપિયાના નોટનાં બંડલો દેખાડી ધારાસભ્યનો છોકરો છું, થાય એ કરી લે એવું પણ કહ્યું હતું. સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલા યુવકે પોતે ભાજપના ધારાસભ્યનો પુત્ર તરીકે ઓળખ આપી કન્ડક્ટરનો કોલર પકડી લીધો હતો. સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી ઊપડતી બસમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. કંડક્ટર અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભો રહીને બોલાવતો હતો એ દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો.

સાંસદને પોતાની રજૂઆતો માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો

ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે, સામાન્ય રીતે સાંસદ લોકોના પ્રશ્નો અને તેમના અવાજને ઉઠાવવા માટે તેમજ લોકોને સુખ-સુવિધાઓ પૂરી પાડવા માટે બનતા હોય છે, પરંતુ ભરૂચના સાંસદનો અવાજ સોશિયલ મીડિયા થકી ઊઠતો થયો, એવું અહીં જોવા મળી રહ્યું છે. લોકો સાંસદને રજૂઆત કરે કે કંઈક કામ વહેલું થાય અને સમસ્યાઓનું નિરાકરણ વહેલું આવે, પરંતુ સાંસદને લોકોનાં કામ કરાવવામાં પણ રાજકારણ વચ્ચે લાવવું પડતું હોય એવી સ્થિતિ ખુદ તેમની જ પોસ્ટ પરથી કહી શકાય એમ છે. સરકારી વહીવટી તંત્રનું ધ્યાન દોરવા મનસુખ વસાવા પાસે ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં જ પોસ્ટ મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી એવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છે. એક સાંસદ તરીકે જ્યાં એક ફોન કોલ પર પ્રજાની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ ત્યાં તો ભરૂચના સાંસદ જાણે કે તેમની વાત અધિકારીઓ માનતા જ ન હોય તેવી પોસ્ટ કરી છે અને સોશિયલ મીડિયા થકી અધિકારીઓને આદેશ આપવા મજબૂર બન્યા હોય એવું દેખાઈ રહ્યું છે.

પાથરણાંવાળાઓને લેન્ડ-ગ્રેબિંગની નોટિસ આપતાં વિવાદ

રાજકોટના આજીડેમ ખાતે 40 વર્ષ જૂની રવિવારી બજારમાં પાથરણાં પાથરી પેટિયું રળતા નાના અને ગરીબ વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા લેન્ડ-ગ્રેબિંગની નોટિસ મળી છે. એને પગલે આજે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અધિકારીઓ અને બિલ્ડરો સાથે સાઠગાંઠથી સેંકડો ગેરકાયદે બિલ્ડિંગો ઊભાં કર્યાં છે, જેની સામે કાર્યવાહી કરવાને બદલે આજીડેમ ખાતે રવિવારી બજારમાં પેટિયું રળતા 500 જેટલા ગરીબ વેપારીઓને મુશ્કેલી પહોંચે એ રીતે લેન્ડ-ગ્રેબિંગની નોટિસ ફટકારી છે, જે કાર્યવાહી ન થવી જોઈએ અને 150થી વધુ ટીપર વાનચાલકોને લઘુતમ વેતન આવતું નથી. જેથી આ બંને મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ અને જો એનું 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરી બહાર ધરણાં પર અમે બેસી જઈશું.

અકસ્માતમાં ત્રણનો ભોગ લેનાર ટ્રક-ડ્રાઈવરની રીલ વાઇરલ

સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઈવે પર અઠવાડિયા પહેલાં અકસ્માત સર્જી ત્રણ બાઈકસવારના મોત નિપજાવનાર ડમ્પરચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ ડમ્પરચાલક દ્વારા ડમ્પર ચલાવતા સમયે બનાવેલી અલગ અલગ રીલ્સ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે, જેમાં એક રીલ્સમાં તે કહી રહ્યો છે કે બધી પાપાની પરીઓને નમ્ર વિનંતી કે ‘અમારું ડમ્પર જ્યારે 45 ટનનો પાળો મારીને આવતું હોય ત્યારે સામે આવવું નહીં, કારણ કે આમાં 45 ટનનો પાળો માર્યો હોય એટલે બ્રેક લાગે નહીં’. સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના શોખીન આ ડમ્પરચાલકે 21 જૂને અકસ્માત સર્જી ત્રણ બાઈકસવારોને 50 ફૂટ સુધી ઢસડ્યા હતા, જેમાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે અકસ્માત મામલે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સિવિલમાં બાપની ક્રૂરતાનો વીડિયો

સુરત સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં આવતી રહે છે. ત્યારે પોસ્ટમોર્ટમ રૂમથી લઈને પોલીસ ચોકીના રસ્તા પરત એક યુવક દ્વારા તેની પત્ની અને બે નાના બાળકને તમાચા મારવામાં આવ્યા હતા. બાળકીને ક્રૂર બાપે ફડાકો મારતાંની સાથે જ તે રોડ પર પટકાઈ હતી. આ ઘટના ત્યાં રહેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જ્યારે આ તમામ ઘટના સુરત સિવિલ પોલીસચોકીની સામે જ બની હોવા છતાં પોલીસ જોતી રહી હતી અને યુવક સામે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી.

કોઝવે ધોવાઈ જતાં રામધૂન બોલાવી વિરોધ કર્યો

રાજકોટ જિલ્લાનાં જામકંડોરણાનાં ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવદર ઉપલેટા તેમજ ચિત્રાવડ ગામથી જામકંડોરણા અને રાજકોટ જવાનો મુખ્ય માર્ગ મોજ નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઇ જતાં વાહનવ્યવહાર ઠપ થયો છે. આ કારણે આસપાસનાં 10થી વધુ ગામનાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યા દૂર ન થતાં આજે સ્થાનિકો સ્થળ પર એકઠા થયા હતા. એટલું જ નહીં, રામધૂન બોલાવી તેમજ વિવિધ સૂત્રોચ્ચાર કરી આ સમસ્યાને તાત્કાલિક દૂર કરવા માગ કરવામાં આવી હતી.

મ્યુનિ. કમિશનરના રોલના રિપોર્ટ સામે હાઇકોર્ટે વાંધો ઉઠાવ્યો

ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન પર આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટના 25 એપ્રિલ, 2024ના ચુકાદા પ્રમાણે અર્બન હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ કમિટી બનાવીને વડોદરા હરણી તળાવ ડેવલપમેન્ટનો કોન્ટ્રેક્ટ કેવી રીતે અયોગ્ય કોટિયા પ્રોજેક્ટને અપાયો અને એમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનો શું રોલ હતો એ અંગે તપાસ કરી હતી. રાજ્ય સરકારે બે મહિના બાદ સીલ કવરમાં એ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મૂક્યો હતો. જોકે હાઇકોર્ટે અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે શા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે સહી કરતાં અગાઉ કોન્ટ્રેક્ટ જોયો નહીં? આવા અહેવાલથી પ્રિન્સિપલ સેક્રેટરી તકલીફમાં મુકાઈ શકે છે! આ અહેવાલમાં કમિટીને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરના નિર્ણયમાં ખામી દેખાતી નથી! ટેક્નિકલ રિપોર્ટ બાદ મ્યુનિસિપલ કમિશનર ખોટા નહીં હોવાનું કમિટી કહે છે. એડવોકેટ જનરલે કહ્યું હતું કે આ રિપોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ અયોગ્ય હોવાનું પણ તારણ નીકળી રહ્યું છે. એડવોકેટ જનરલે અહેવાલના અભ્યાસ માટે સમય માગતાં આ મુદ્દે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે.

ત્રણ વર્ષની બાળકીનું લિફ્ટમાં ચગદાઈ જવાથી મોત

રાજકોટ શહેરમાં વધુ એક દુર્ઘટનામાં લિફ્ટ નીચે 3 વર્ષની બાળકી ફસાઈ જવાથી મૃત્યુ પામી છે. શહેરના પંચાયત ચોક નજીક શિવશક્‍તિ સોસાયટી રોડ પર આવેલા એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં લિફ્ટ નીચે ફસાઈ જવાથી બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 5 મહિનાથી એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા અને ચોકીદારી કરતા નેપાળી પરિવારની 3 વર્ષની દીકરી પાર્કિંગમાં રમતી હતી ત્‍યારે લિફટનો દરવાજો કોઇ કારણોસર ખૂલી ગયો હતો, પરંતુ લિફટ ન હોવાથી બાળકી નીચે ગબડીને પડી હતી. એ પછી ઉપરથી અચાનક લિફટ આવતાં અંદર રહેલી આ બાળકી ચગદાઇ જતાં તેનું મોત નીપજ્‍યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!